મુર્ખ અને બુદ્ધીસાળી
મુર્ખ અને બુદ્ધીસાળી
મુર્ખ અને બુદ્ધીસાળી
અહંકારી રાજા જેને રોજ ‘અજ્ઞાની’ માની હસતો રહ્યો, એ બાળકના બંધ કબાટમાં ચાંદીના સિક્કાનો આખો હિમાલય ઊભો હતો. દુનિયાની નજરે મૂર્ખ બનીને પણ પોતાના લક્ષ્યને ચૂપચાપ સિદ્ધ કરી લેવું—એ જ આ પૃથ્વી પરનું સર્વોચ્ચ ચાતુર્ય છે. ચતુરાઈ ભરી વાચો આ વાર્તા.
સંધ્યાકાળનો રક્તવર્ણ સૂર્ય ક્ષિતિજમાં ઢળી રહ્યો હતો. સુવર્ણનગરી જેવા સમૃદ્ધ ગામમાં શેઠ ઝવેરી ધર્મદાસની હવેલી નગરની શાન સમાન ઊભી હતી. ઝવેરી ધર્મદાસ એટલે કેવળ સંપત્તિના સ્વામી નહીં, પણ પોતાના ઝવેરી કામમાં પણ નિષ્ણાત હતા. તેની કારીગરી ની ખ્યાતી દુર દુર સુધી પ્રસરેલી હતી. એમની પ્રતિષ્ઠા પવનની લહેરોની જેમ ચારેય દિશામાં પ્રસરેલી હતી. પરંતુ, સંસારનો આ શાશ્વત નિયમ છે કે જે વૃક્ષ પર સૌથી વધુ મધુર ફળો હોય, તેના પર જ પથ્થરો વધુ ફેંકાય છે.
એક દિવસ રાજ્યના પ્રતાપી પણ અહંકારી રાજાએ શેઠને રાજદરબારમાં આમંત્રણ આપ્યું. રાજ્યના અર્થતંત્ર, વ્યાપાર અને ધર્મકાર્યોની લાંબી વાર્તાલાપ પૂર્ણ થયા બાદ, અચાનક રાજાના મુખ પર એક વક્ર સ્મિત તરી આવ્યું. સિંહાસન પર બેઠા-બેઠા રાજાએ પોતાની મૂછો મરડી અને સમગ્ર સભા સાંભળે તેમ વ્યંગ્યભર્યા સૂરે કહ્યું: "શેઠજી! આપનો વ્યાપાર સમુદ્રપાર ફેલાયેલો છે, આપની કારીગરી અને બુદ્ધિની પ્રશંસા પંડિતો કરે છે; કિંતુ આપના કુળદીપકનું શું? આપનો પુત્ર આટલો જડ અને મૂર્ખ કેમ પાક્યો? અરે, જેને સોના અને ચાંદી વચ્ચેનો ભેદ કે મૂલ્ય પણ સમજાતું નથી, તે આપનું આ વિશાળ કારોબાર કેવી રીતે સંભાળશે?"
આટલું બોલીને રાજાએ ઉપહાસનું અટ્ટહાસ્ય કર્યું. રાજાના હાસ્યની પાછળ પાછળ દરબારીઓ અને ખુશામતખોરો પણ સમૂહમાં હસી પડ્યા. એ હાસ્ય શેઠ ધર્મદાસના કાનમાં પીગળેલા સીસાની જેમ રેડાઈ ગયું.
उत्सवे व्यसने चैव दुर्भिक्षे राष्ट्रविप्लवे।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः॥
ઉત્સવમાં, સંકટમાં, દુષ્કાળમાં, રાષ્ટ્ર પરના આક્રમણમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં—જે આપણી પડખે ઊભો રહે તે જ સાચો સગો કે મિત્ર છે. (પરંતુ રાજદરબારમાં તો સ્વયં શાસક જ એમની આબરૂની હોળી કરી રહ્યો હતો.
“વાણીમાં મીઠાશ અને બુદ્ધિમાં ઊંડાણ હોય,
તો મૌન પણ ઘણી વાર જવાબ બની જાય.”
શેઠ ધર્મદાસે મૌન પાળીને સભામાંથી વિદાય લીધી, પણ તેમનું હૃદય અપમાનના ધૂંધવાતા અંગારા જેવું બળી રહ્યું હતું. ‘ઘા રુઝાય, પણ વેણ ના રુઝાય.’
હવેલીએ પહોંચીને શેઠે પુત્ર દેવવ્રતને બોલાવ્યો. દેવવ્રત—શાંત વદન, તેજસ્વી આંખો અને મુખ પર નિર્દોષતાનું આવરણ ઓઢીને પિતા સમક્ષ આવીને ઊભો રહ્યો.
શેઠે ભારે અવાજે, આંખોમાં વેદના છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં પૂછ્યું, "વત્સ! મને સીધો ઉત્તર આપ. સોનું અને ચાંદી—આ બંનેમાંથી અધિક મૂલ્યવાન અને કિંમતી ધાતુ કઈ?"
દેવવ્રતે ક્ષણનોય વિલંબ કર્યા વિના અત્યંત સહજતા અને આત્મવિશ્વાસથી કહ્યું, "પિતાજી, સુવર્ણ! સોનું એ ચાંદી કરતાં અનેકગણું મૂલ્યવાન છે."
પુત્રનો સ્પષ્ટ જવાબ સાંભળી શેઠ વધુ વ્યાકુળ બન્યા. તેઓ બોલ્યા, "જો તને આ સામાન્ય જ્ઞાન છે, તો પછી આજે ભરી રાજસભામાં રાજાએ મને કેમ નીચો જોવડાવ્યો? સમગ્ર સભા સમક્ષ તારા કારણે મારી આબરૂના ધજાગરા કેમ ઊડ્યા? તું ત્યાં શું ચેષ્ટા કરે છે?"
દેવવ્રતના હોઠ પર એક ગૂઢ અને રહસ્યમય સ્મિત ચમકી ઊઠ્યું. જાણે અર્જુન સામે શ્રીકૃષ્ણ વિશ્વરૂપનું રહસ્ય ખોલવા જઈ રહ્યા હોય તેમ તે બોલ્યો. "પિતાજી, ક્રોધ કે ક્ષોભ ન કરો. સાંભળો, રાજમાર્ગ પર, જ્યાંથી હું પ્રતિદિન ગુરુકુળ ભણવા જાઉં છું, ત્યાં રાજા પોતાના અમીરો અને મુસાહિબો સાથે ખુલ્લી સભા ભરીને બેસે છે. હું આપનો પુત્ર છું એ વાતની તેમને પૂરી જાણ છે. મને જોતાં જ રાજા કૌતુક ખાતર મને બોલાવે છે અને સમગ્ર નગરજનોની હાજરીમાં પોતાના જમણા હાથમાં ચમકતો સોનાનો સિક્કો અને ડાબા હાથમાં ચાંદીનો સિક્કો ધરીને ઘમંડથી કહે છે: 'હે બાળક! આ બેમાંથી જે વધુ કિંમતી હોય તે તું ઉપાડી લે.'"
"અને પિતાજી, હું દર વખતે નીચી નજર રાખી, અત્યંત ભોળા ભાવે ચાંદીનો સિક્કો ઉપાડી લઉં છું. આ જોઈને રાજા, પ્રધાનો અને સૌ નગરજનો મારા અજ્ઞાન પર અટ્ટહાસ્ય કરે છે. મારી મૂર્ખતાની વાતો કરીને આનંદ લૂંટે છે. આવું છેલ્લા કેટલાય મહિનાઓથી, લગભગ દર બીજા-ત્રીજા દિવસે ચાલે છે."
શેઠનો પિતૃસહજ ક્રોધ ભભૂકી ઊઠ્યો: "મૂર્ખ! તો પછી તું એક વાર સોનાનો સિક્કો કેમ નથી ઉપાડી લેતો? જેથી એ રાજાનું મોં હંમેશ માટે બંધ થઈ જાય અને આપણી પ્રતિષ્ઠા બચી જાય? કહેવત ભૂલી ગયો કે: ‘આબરૂ ગઈ પછી પાછળથી પસ્તાવો શો કામનો?’"
દેવવ્રતે કશું કહ્યા વિના ધીમેથી પિતાનો હાથ પકડ્યો. તે તેમને પોતાના શયનખંડના એક ગુપ્ત ખૂણા તરફ દોરી ગયો. ત્યાં તેણે કાષ્ઠની એક પ્રાચીન પેટીનું તાળું ખોલ્યું. પેટીનું ઢાંકણું ઊઘડતાં જ શેઠ ધર્મદાસની આંખો પહોળી થઈ ગઈ. તે પેટી કાંઠોકાંઠ શુદ્ધ ચાંદીના અસંખ્ય ચમકતા સિક્કાઓથી છલકાઈ રહી હતી!
न हि सर्वः स सर्वज्ञो न च मूर्खोऽस्ति कश्चन।
स्वबुद्ध्या यः प्रवर्तेत स पण्डित इहोच्यते॥
દરેક માણસ સર્વજ્ઞ નથી અને કોઈ માણસ સંપૂર્ણ મૂર્ખ પણ નથી. જે વ્યક્તિ પોતાની બુદ્ધિથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે, તે જ સાચો બુદ્ધિમાન કહેવાય છે.
દેવવ્રતે શાંત, ગંભીર અને પરિપક્વ અવાજે કહ્યું: "પિતાજી! હવે આપ વ્યાપાર અને નીતિના ગણિતને સમજો. જે દિવસે હું મારી વિદ્વત્તા કે ચતુરાઈ બતાવવા માટે સુવર્ણનો સિક્કો ઉપાડી લઈશ, તે જ ક્ષણે રાજાનો અહંકાર સંતોષાઈ જશે અને આ 'રમત' કાયમ માટે બંધ થઈ જશે! રાજાને મને મૂર્ખ સાબિત કરવામાં જે મનોવૈજ્ઞાનિક વિજય મળે છે, તે જ આનંદના મદમાં તેઓ મને દર બીજા દિવસે ચાંદીનો સિક્કો ભેટ આપતા રહે છે." આગળ ખુબ વિશ્વાસ સાથે કહ્યું “ બાકી રહી આપણી સમાજમાં પ્રતિષ્ઠા ની વાત તો તે આજ નહિ તો કાળ ખબર પડી જ જશે. કે બુદ્ધીસાળી કોણ છે?”
"તેઓ મને મૂર્ખ માનીને હસે છે—તો ભલે હસે! તેમની એ ક્ષણિક મજા મને રોજ ચાંદીનો અખૂટ ભંડાર આપે છે. જો હું હોશિયાર બની જઈશ, તો મને કેવળ એક જ સોનાનો સિક્કો મળશે અને પછી શૂન્ય! પારકાના અજ્ઞાનભર્યા અભિપ્રાયોથી આપણું અસ્તિત્વ નથી બદલાતું. હું અંદરથી શું છું, એ તો એ જ રહેવાનું છે કાઈ બદલી જવાનું નથી”."
જગત ભલે મુજને ગણે, માટી તણું એક ઢેફું,
હું ભીતરે તો સાચવી બેઠો કનકનું રેણું;
હાસ્ય તમારું ક્ષણિક છે, મારો વિજય અગાધ,
મૌન રહીને જીતવું, એ જ ખરો સંવાદ.
આ સાંભળીને શેઠ ધર્મદાસ અવાક થઈ ગયા. તેમને સમજાયું કે તેમનો પુત્ર કેવળ વ્યાપારી નથી, પણ ચાણક્ય જેવો નીતિધુરંધર છે.
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥ (શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨.૬૯)
જે વિષય-ભોગ અને સંસારમાં અજ્ઞાની જીવો જાગૃત રહે છે, તે જ્ઞાની સંયમી માટે રાત્રિ સમાન છે; અને જેમાં સામાન્ય સંસારીઓ અંધકારમાં સૂતેલા હોય છે, તેમાં પરમ તત્વને જોનારો મુનિ જાગતો હોય છે. (અર્થાત્, રાજા પોતાના અહંકારની નિદ્રામાં હતો, જ્યારે બાળક લાભ અને નીતિની જાગૃતિમાં હતો.
દેવવ્રતે પિતાના ચરણ સ્પર્શ કરતાં અંતિમ વાક્ય કહ્યું: "પિતાજી! મૂર્ખ હોવું એ અભિશાપ છે, પરંતુ જ્ઞાની હોવા છતાં સમય આવ્યે જગત સામે મૂર્ખ ગણાવું—એ જ સૌથી મોટો પુરુષાર્થ અને મુત્સદ્દીગીરી છે."
શેઠ ધર્મદાસે પુત્રને ગળે લગાવી લીધો. રાજાના ઉપહાસનું ઝેર હવે પુત્રના વિવેકના અમૃતમાં રૂપાંતરિત થઈ ચૂક્યું હતું.
