તું પ્રેમ નહીં પણ પ્રેમ છે
તું પ્રેમ નહીં પણ પ્રેમ છે
સાલી આંખો છે કે અલાર્મ ખબર જ નથી પડતી 12:45 થાય એટલે જાતે જ ફરકવાનું ચાલું કરી દે, આ ચા ની આદત છે કે પછી તારી એ ખબર નથી પણ જ્યાં સુધી મળે નહીં ઊંઘ ચોક્કસ નથી આવતી ઘણી વાર ટાળવા નું કર્યું પણ મન.
ધરમપુરથી વાંકલ એમ થોડું દૂર પણ મોઢા પર લાગતી ઠંડી ઠંડી હવા અને એમા તારી હૂંફાળી યાદ તરત જ માં ટી સ્ટોલ આવી જાય કાકા મને જોઈ ચા બનાવવાનું ચાલુ કરી દે ને હું સામે એક ખુરશી મૂકી જોયા કરું કે જેમ આ ચા 1:00 વાગ્યે મળે છે તેમ તું પણ મળી જાય તો.
રોજની જેમ જ બે ચા આવી એક તારી ને એક મારી એમ તો બંને હું જ પીવાનો છું પણ તું હોય એવું લાગે એટલે, એક હાથમાં ચા ને બીજા હાથમાં મોબાઈલ, મે ઘણી રોકી મારી જાતને પણ છેલ્લે ઘણું બધુ મોબાઈલને મચેડ્યાં પછી મે તારી ઈનસ્ટાગ્રામ પ્રોફાઈલ ખોલી જ દીધી તારી પોસ્ટ પહેલા જેમ જ ઝીરો પણ હું તારું એ નાનકડું પ્રોફાઈલ પિક્ચર જોઈ હું મારા મોટા મનને ભરી લેતો સાચું કહું આ ચા નો સબડકો અને તારી ઝાંખી ઝલક મોઢા પર એકસરખું સ્મિત રેલાવે છે.
તારા સપના નથી આવતા પણ તોય તું ઊંઘવા નથી દેતી અને આ એકલા એકલા બબડવાની આદત તો તને જોયા પછી જ પડી છે અને એકલા એકલા હસવાની પણ, જો આ ખાલી ચા ની પાલી પણ ચાર પાંચ વાર એમ જ પીવું છું. ક્યાંક હાજર છું પણ હાજર નથી અને ક્યાંક ગેરહાજર તોય હાજર છું ખબર નથી પડતી, બીમાર છું પણ સારો છું ભૂખ છે પણ ધરાઈ ગયો છું, આંખો બંધ છે તોય જાણે બધું રંગીન છે.
ખરેખર કહું તો ધૂળ ખાતી આ પુસ્તક ને કોઈ વાંચનાર મળી જાય, અટકેલા પગલા ને આગળ વધવા એક પગથી મળી જાય,એ ટહુકતા મોરલા માટે કોઈ પહેલો વરસાદ બની જાય,વેરણ પડેલા રણ માં કોઈ એક પર્ણ ખીલી જાય, એક ઊભરતા શાયર ને એની પહેલી ગઝલ મળી જાય.
“બેટા છેલ્લી ચા છે આપી દઉ..? અને 2:30 વાગ્યા છે હો..” કાકા બોલ્યા.
જો આ સાલી “ચા” પતી જાય છે પણ તારી વાતો નહીંં. જો નશો બંધ જ હોય ગુજરાતમાં તો તને જેલ થવી જોઈએ અને હા મારે તો તારી પર કેસ કરવો જ છે આમ કોઈ ના વાતો, વિચાર, ઊંઘ અને હૃદય પર દસ્તાવેજ વગર કબજો કરવો ગુનો જ ગણાય.
ચાલો 3:10 કાકા એ દુકાન બંધ કરીને મે મારું દિલ.
તું ઘણી નજીક પણ બહું દૂર છે. થોડો હું તો થોડી તું મજબૂર છે. બસ એકવાર “ચા” પર મળવાનું જરૂર છે.
છેલ્લા શબ્દો તારી માટે…..
“ ખબર નહીં કેમ છે…? તું પ્રેમ નહીં પણ પ્રેમ છે.“

