Yashpal Bhalaiya

Drama Romance

3  

Yashpal Bhalaiya

Drama Romance

તું આવીશ ને ?

તું આવીશ ને ?

20 mins
973


         પ્રત્યેકને પોતાની અલગ જ લવ સ્ટોરી હોય છે, હા ! મારે પણ છે. પણ અહીં વાત મારી સ્ટોરીની નથી. વાર્તામાં ઉલ્લેખીત કોઈ પણ પાત્રને કોઈ પણ જીવીત કે મૃત વ્યક્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશો જ સંબંધ નથી. વધુમાં હાલમાં કાર્યરત કોઈ સંસ્થાનુ નામ લેવાયુ હોય તો તે માત્ર સંજોગને આધીન છે.


       વાત છે આભને આલિંગન આપતી ડાંગની ઉત્તુંગ પહાડીઓની, અડીખમ ઉભેલા વુક્ષોને ચૂમતા વાદળોની, સડક પરથી સુસવાટા સાથે પસાર થતા પવનની. જ્યાં પ્રકૃતિ પણ પ્રેમથી ભીંજાઈ જતી હોય ત્યાં માનવીય હૃદયની શી વિસાત કે એ કોરું રહે ? કુદરત પણ જ્યાં પ્રેમની ભાષા પોકારતી હોય ત્યાં માનવીની જીભની તાકાત છે કે બીજી કોઈ ભાષા ઉચ્ચારે ! અહીં આલેખીત વાર્તામાં માનવીનાં હૃદયમાં રહેલી આર્દ્રતાનો અહેસાસ છે અને ક્યાંક ખૂણામાં બેઠેલી સૂષ્કતા. અહીં પ્રકૃતિની વચ્ચે પાંગરેલા માનવીય પ્રેમનું ઉત્કૃષ્ટ આલેખન છે, પરંતુ એ પ્રેમ કેવો છે ? શું એ કોઈ વિક્ષેપ વગરનો સુસંવાદીત છે ? કે પછી એકતરફો છે ? શું એ અધુરો છે કે પછી પરિપૂર્ણ છે ? શું એ અનંત છે ? એ બાર-બાર મિલેંગે કહેવાવાળો છે કે પછી ફીર કભી મિલેંગે કહેવાવાળો છે ? એ બધુ અત્યારથી જાણીને શું કામ ? તો ચાલો જાણવાની શરુઆત કરીએ.


      સમય લગભગ રાતના ૧૦:૦૦ નો હતો. અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદ પડતો હતો. રસ્તાઓ માત્ર વરસતા વરસાદની ધાર સાથે વાતો કરતા હતા. સડક પર સાધનની અવર-જવર નહીંવત હતી. રસ્તા પર પથરાયેલા પાણીમાં પડતો સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ વાતાવરણને પ્રજ્વલીત કરતો હતો. દિન-રાત ધમધમતુ અમદાવાદ વરસાદી કોપથી જાણે ઠરી ગયુ હતું. માનવીય અવરજવર એકદમ ઠપ થઈ ગઈ હતી. પણ આવા ધોધમાર વરસાદમાંય અમદાવાદના યુનિવર્સિટીના ગેટ નં.૩ના એ.એમ.ટી.એસ. બસસ્ટેન્ડના છાપરા હેઠે ત્રણ જણા મોટા થેલા લટકાડીને ઉભા હતા. સમય અંદાજે રાતના સવા દસનો થયો હતો. સવા દસના સાડા દસ થતા તો ત્યાં ત્રણના ત્રીસ થયા 'ને અગિયારના ટકોરે ત્રણસો પૂરા. આ બધા લોકો ઈન્વીઝીબલ  એન.જી.ઓ.માંથી ડાંગની ટુર પર જવા એકઠા થયા હતા. નહીં તો આટલા વરસાદમાં વળી કોણ બહાર નીકળે ? અને એય પાછા અમદાવાદી ? પણ વાત કંઈ ઓર હતી, વાત હતી ડાંગની દુનિયાને ડોળવાની.

 

      બરાબર સાડા અગિયાર વાગ્યે ઈન્વીઝીબલ એન.જી.ઓ.ની ઓફીસ આગળ છપ્પન સીટરની છ બસો ડાંગ ભણી પ્રયાણ માટે કતારબંધ ગોઠવાઈ ગઈ હતી. પ્રીતી સંઘવી... વિરલ દેસાઈ... વિશ્વાસ રાવત... ચિરાગ ચાવડા... લવપ્રીત ગોસ્વામી... 'ને ધોળું પરમાર... એમ વારાફરથી દરેકના નામ ઉચ્ચારીને એન.જી.ઓ.ના ટુરીસ્ટ આસિસટેન્ટ તરફથી ટુર માટે રજીસ્ટ્રેશન કરાવેલા માણસોની હાજરી લેવાતી હતી.


      બસમાં બેઠેલા બધા જ લોકો ડાંગને ડોળવા, પ્રકૃતિને ખોળવા અને પોતાની જાતને માણવા ઉત્સુક હતા. તેઓના શરીર માત્ર બસમાં હતા, મન તો ક્યારનાય ડાંગની ગીરીમાળાઓ ભણી પ્રયાણ કરી ચૂક્યા હતા.


      બારના ટકોરે એકસાથે બધી બસોના સેલ વાગ્યા. સેલ વાગતાની સાથે જ બસમાં બેઠેલા ટુરીસ્ટો પણ એકસાથે આનંદથી ગરજી ઉઠ્યા. ત્રણ દિવસ પુરતી બધી બસોએ અમદાવાદના વરસાદી વાતાવરણને વિદાય આપી. આ છ બસો પૈકી બસ નં.૩ મુખ્ય હતી. આમ તો બસ નં.૩ નહીં પણ તેમા બેઠેલા મુસાફરો કે જેમણે આ બસને વિશેષ બનાવી.


      બધી બસો ચીલઝડપે ડાંગ તરફ રવાના થઈ. બસમાં કોઈ બારીએ બેઠા-બેઠા માદક વરસાદી વાતાવરણની મજા લેતુ હતું, તો કેટલાક અંતાક્ષરી રમતા હતા, કોઈ સાથે આવેલા મિત્ર જોડે વાતે વળગ્યા હતા તો કોઈએ વળી સરસ મજાની ઊંઘ ખેંચતુ હતું અને કેટલાક તો રાત્રે એક વાગ્યેય ભરપેટ જમીને આવ્યા પછી પણ નાસ્તાના ઓડકાર ઝીંકતા હતા. ચાલુ બસે વાગતા લાઉડસ્પીકરમાં બે-ત્રણ નાચવાવાળા પણ હતા.. લાઉડસ્પીકર ભલેને વાગે તોય કાનમાં ભુંગળા ભરાવીને ગીતો સાંભળવાવાળા તો હતા જ. એટલે કે બસ નં.૩માં મુસાફરોની તો જાણે ખીચડી રંધાઈ હતી.


      ટુરીસ્ટોમાં કેટલાંક ક્યારેય ન છુટા પડવાના સોગંદ લીધેલાની સાથે આવ્યા હતા તો કેટલાક પોતાના અંગત મિત્રો સાથે. બે-ચાર પ્રેમી યુગલો પણ હતા. એ યુગલોમાં યુગ્મતા હતી કે નહી એ તો તે યુગલો જાણે 'ને બીજો ઉપરવાળો. ઉજ્જળ વનમાંય ઊભો હોય એવા એરંડાનું તો પુંછવું જ શું ? અહીં તો ચારેકોર લીલોતરી જ હોવાની હતી. એટલે કે, લોકોમાંય ભાતભાતના ભેળા થયા હતા પણ આ ભાતભાતના રંગોમાંથી રંગોળી પૂરાશે કે કેમ ? એ તો મારો નાથ જાણે.


      રાતના બે થયા હતા. અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઈ-વે પર બસ પૂર ઝડપે પસાર થઈ રહી હતી. બે સીટ વાળી ઊભી હરોળમાં છઠ્ઠા નંબરની સીટમાં એક છોકરો અને છોકરી કંઈક ગપસપ કરતા હતા. એ બંને સાથે આવ્યા હતા. જોયા પરથી છોકરી ઓગણીસ-વીસની 'ને છોકરો પચ્ચીસેક વરસનો લાગતો હતો. જણાતા ત્રણ ચાર પ્રેમી યુગલોમાંનું તે એક હતું. આગળની બે હરોળમાં સાત જણાના સમુહમાં આવેલું એક મિત્ર વર્તુળ ગપ્પા મારતું હતું. બસ, આ બે જુથ સિવાય બસમાં બેઠેલા બાકી બધા જ ઘસધસાટ ઊંઘમાં હતા. 


      બસની સાથે-સાથે રાત પણ ધીમે-ધીમે સવારના અજવાળા તરફ આગળ વધી રહી હતી. અરુણોદય થઈ ચૂક્યો હતો. બસે પણ ડાંગની ગીરીમાળાઓના વાંકાચૂકા રસ્તાઓમાં પ્રવેશ કરી લીધો હતો. થોડી જ વારમાં રસ્તા પર બસ થોભી અને ટુર આસિસ્ટેન્ટે બધાને જણાવ્યુ કે, " તમારુ મુલાકાતનું પ્રથમ સ્થળ ગુજરાતનો ગરવો એવો ગીરો ધોધ આવી ગયો " એક પછી એક બધા બસમાંથી નીચે ઉતરવા લાગ્યા. ઉતરતાવેંત જ ડાંગે પોતાની દરિયદીલી ઠાલવી, ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. કેટલાકે પોતાના રેઈનકોટ કાઢ્યા તો કોઈએ સાથે લાવેલી છત્રી ખોલી અને "ચોમાસામાં ડાંગમાં જઈને ભીંજાવાનું નહીં ? આ તે કેવો વિરોધાભાસ ?" એમ કહીને વરસાદને વધાવી લેવાવાળા પણ હતા. બસમાંથી ઉતરીને બધા ચલતા-ચાલતા ગીરા ધોધ તરફ આગળ વધ્યા.


      પગદંડીની બન્ને બાજુએ આવતા સ્થાનિક લોકોના ઘર, ખેતરો અને બીજી જગ્યાઓ એકથી એક ચડીયાતી 'ને મોહક હતી. ઘણા લોકોએ તો ગીરા ધોધ આવ્યા પહેલાં રસ્તામાં જ ફોટોગ્રાફી શરુ કરી દીધી. મિકીએ સાથે આવેલા વિરલને તેનો એક ફોટો પાડવા કહ્યું. ફટ...ફટ...ફટ... દઈને એકના બદલે ત્રણ ફોટા પડી ગયા. પણ એ જગ્યાનો કમાલ જ એવો હતો, જ્યાં સ્વયં જડાઈ જવાનું મન થાય ત્યાં ફોટા પડાવવાનું કોને ન સુઝે ?


      ગીરા ધોધ દેખાતા જ લવપ્રીત, ધોળુ, ચિરાગ, અવિનાશ, રોનક, કુમાર અને વિશાલ આ સાત જણાની ટોળકી આનંદથી ગર્જી ઉઠી. પણ ગીરાના શોરમાં એમની બૂમો સહેજે સંભળાતી ન હતી. સંભળાય પણ ક્યાંથી ? એનું નામ જ ગીરો છે ને ! અને વળી માહોલ પણ વરસાદી હતો એટલે ગીરાની ગતિ 'ને ગર્જના એની પરાકાષ્ઠાએ હતી.


      બધા લોકો ગીરા ધોધની એકદમ નજીક પહોંચી ગયા. વિરલની વારંવાર ના પાડવા છતા મિકી ધોધના પાણીને સ્પર્શ કરવા રેલીંગ ઓળંગીને આગળ વધી ત્યાં તો સ્થાનિક પોલીસવાળા એને જોઈ ગયા અને એને રેલીંગની આ બાજુ આવી જવા કહ્યું. ત્યાં સુધીમાં તો મિકીએ કેટલાય ફોટા પડાવી લીધા. આ સ્માર્ટફોન આવતા દરેકના હાથમાં ડીજીટલ કેમેરો આવતા તેનાથી માણસની પળોને સાચવવાની કળા તો કદાચ વિકસી છે પણ પળોને માણવાની જે કળા હતી તે કદાચ લૂપ્ત થઈ છે. બધા જ પોતાના ફોટા પડાવવામાં, ગીરાની સાથે સેલ્ફી લેવામાં મશગુલ હતા. પણ અવિનાશ આ વિશાળ ટોળામાં બધાથી અલગ તરી આવતો હતો. તે ફોટા પડાવવામાં નહીં પણ તત્ક્ષણને માણવામાં મશગુલ હતો. જાણે ધોધની સાથે એ પણ વહી રહ્યો હતો, ધોધને પોતાની તરફ આહ્વાન કરી રહ્યો હતો. તેને પણ ફોટા પડાવ્યા, પણ ત્યાનાં મકાઈ શેકતા સ્થાનિક આદિવાસી લોકો સાથે, ગીરા સાથે પડાવ્યા પણ એક-બે, વધારે નહીં. કદાચ તે એ વાતને સમજતો હતો કે, પ્રાકૃતિક સૌંદર્ય અને પોતાની જાતને કચકડાના કેમેરામાં કેદ કરવા કરવા કરતા વધારે મજા તેને મુક્ત મને માણવામાં છે.


      ગીરાને બધાએ ભરપૂર માણ્યો. ટુર ઈન્સ્ટ્રક્ટરની સુચના અનુસાર બધા ગીરાને વિદાય આપી બસ તરફ પરત ફર્યા. ગીરાને વિદાય આપવી કોઈનેય ગમતું ન હતું પણ શું કરે આગળ બીજી જગ્યાઓનું પણ આમંત્રણ જો હતું. બધા બસ આગળ પહોંચી ગયા. સમય બપોરના સાડા બારનો થયો હતો. જમવાના સમયે સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા-પૌવા 'ને કોફી. બધા નાસ્તા માટે કતારમાં ડીશ લઈને ગોઠવાઈ ગયા. કેટલાકના બંને હાથમાં નાસ્તો લેવા માટેની ડીસ હતી તો વળી બે જણા વચ્ચે એક ડીસ લેવાવાળા પણ હતા. મિકી અને વિરલ તેમાનાં એક હતા. નાસ્તાની ડીસ એક અને ખાનારા બે. જાણે પ્રેમ ત્યાંજ વહેંચાતો હતો. નાસ્તો કરતા-કરતા તે બંને એકબીજા સાથે જે અંગચેષ્ટા કરતા હતા તેના પરથી જણાઈ આવતુ હતું કે, તે બંને વચ્ચે મારા-તારી જેવું કંઈક છે. એવું કંઈ હશે તો જ એ બંને છેક અમદાવાદથી બેની સીટમાં બાજુબાજુમાં બેસીને સાથે આવ્યા હશે ને ? વિરલની સાપેક્ષે મિકીનો ચહેરો સૌષ્ઠવ જણાતો હતો. તેમ છતાય બંને એકબીજા સાથે ખુશ હોય એવું જણાતુ હતું. ન્યાયની દેવી સમો પ્રેમ તો આંધળો છે ને ? ડીસમાંથી ઓછા થતા પૌવાની સાથે મજાક કરતાં બંનેના સમયનો પણ મધુર ક્ષય થતો હતો.


      બીજી બાજુ લવપ્રીત, ચિરાગ,અવિનાશ. વગેરે સાત જણાનું સિંગલીયુ ગ્રુપ પણ નાસ્તાની મજા લેતુ હતું. નાસ્તો ગણો કે બપોરનું ભોજન, જે ગણો તે પતાવીને બધા આગણ પ્રયાણ માટે બસમાં બેઠા. બસ સીધી જ સાપુતારાની પર્વતમાળાઓમાં ઈન્વીજીબલની આવેલી કેમ્પસાઈટ તરફ રવાના થઈ. 


      સામાન સહિત બધા જ સાપુતારા નજીક પર્વતમાળાઓમાં આવેલી ઈન્વીઝીબલની કેમ્પસાઈટ પર પહોંચી ગયા. સાંજના છ થઈ ગયા હતા. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવે બધાને તળેટી પર હાજર થવા હુકમ કર્યો અને દસ-દસની કતારમાં ગોઠવાઈ જવા જણાવ્યું. લવપ્રીત, ચિરાગ, અવિનાશ... વગેરેનું સાત જણાનું ટોળુ લાઈનમાં ગોઠવાઈ ગયું. પણ દસ પુરા થવા માટે હજી ત્રણ જણ ખૂટતા હતા. અવિનાશે મિકી સાથે આવેલ વિરલને પોતાના ગ્રુપમાં આવવા આમંત્રણ આપ્યું અને એ સામેલ થયો. છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ અલગ હતું તેથી ક્ષણભર માટે એકબીજાની સાથે આવેલા મિકી અને વિરલનું વિખુટા પડવું નિશ્ચિત હતું. વિરલને પોતાના ગ્રુપમાં સામેલ કરતી વખતે સૌ પ્રથમ વખત અવિનાશની દ્રષ્ટિ બાજુની લાઈનમાં ઉભેલી મિકી પર પડી. બંનેએ એકબીજાની સામે જોઈને હળવુ સ્મિત આપ્યું. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવ સુચના આપવા લાગ્યા,"અહીં કોઈ આલ્કોહોલીક પીણાનું સેવન કરશે નહીં, સ્મોકીંગ, પાન-મસાલાની પણ સખ્ત મનાઈ છે, છોકરા અને છોકરીઓના ટેન્ટ અલગ-અલગ રહેશે, કોઈ ગાળા-ગાળી નહીં કરે વગેરે...વગેરે... જેવી ફોર્મલ પણ ડરામણી સુચનાઓ.


      ત્યારબાદ ઈન્સટ્રક્ટર અમિતે દસના ગ્રુપમાં ગોઠવાયેલ પાંચ કતારોને આલ્ફા, બીટા, ગામા, માઈક્રો અને નેનો જેવા નામ આપી વર્ગીકૃત કર્યા જેથી વ્યવસ્થા જળવાઈ રહે. મિકી, આરતી, જેસિકા, મેઘના અને બીજી છ એમ કુલ મળીને આ દશ છોકરીઓ આલ્ફા ગ્રુપમાં હતી. જ્યારે બાજુના બીટા ગ્રુપમાં લવપ્રીત, ચેરાગ, અવિનાશ અને મિકી સાથે આવેલ વિરલ વગેરે હતા. હવે પછીના બે દિવસ આ દસ-દસ જણના ગ્રુપે એકસાથે એક જ ટેન્ટમાં રહેવાનું હતું. દર દસ જણની ટોળકીને ટેન્ટ ફાળવી દેવામાં આવ્યા. આ બધુ વિતતા સાંજના સાડા છ થઈ ગયા.


      બાદમાં ઈન્સ્ટ્રક્ટર અમિતે બધાને ભેગા કરીને સર્કલમાં ઊભા રાખી એક રમત રમાડવાની શરુઆત કરી. રમતમાં રમવા જેવું કશુ હતુ નહીં, રમત જાણે નાટક બની ગઈ હતી. મિકીને આ વાતનો જલદી અહેસાસ થઈ ગયો તે રમત રમતા નટ્યકલાકારોનું વિડીઓ રેકોર્ડીંગ કરવા લાગી. એવે વખતે અવિનાશની નજર ફરીવાર બધાથી અલગ તરી આવતી મિકી પર પડી. મિકીમાં કંઈ વિશેષ હતું કે નહીં એ તો કદાચ વિરલ જ જાણે પણ અવિનાશને તેનામાં કંઈ ખાસ જરુર દેખાવા લાગ્યું. તે અનિમેશ નેત્રે એના તરફ જોઈ રહ્યો. વિડીયો રેકોર્ડીંગ કરતી મિકીની સાથે અવિનાશનો ડોળો પણ ઘુમવા લાગ્યો. અવિનાશ પોતાને જોઈ રહ્યો છે એ વાતનું જ્ઞાન મિકીને લેશમાત્ર ન હતું. મિકી અચાનક સર્કલની બહાર નીકળી, વિરલને પણ રમત રમતો અટકાવી બાજુમાં જઈને એની સાથે કંઈક વાતો કરવા લાગી. અવિનાશને એ ખુંચ્યું પણ મનને દબાવવા સિવાય એ બીજુ કરે પણ શું ?


      ચાલુ રમતે અમિત યાદવ તરફથી વાળુનું તેડું આવી ગયું. ફ્રેશ થઈને બધા જ ડીસ લઈને ઊભા રહી ગયા. સાપુતારાની સાંજ રાત તરફ ઢળતી જતી હતી. લવપ્રીત, ચિરાગ, અવિનાશ વગેરે સાત લોકો અને અને નવા ઉમેરાયેલા બીજા ત્રણ એમાં વિરલ પણ હતો. એ બધાએ સાથે મળીને સર્કલમાં જમવાનું ચાલુ કર્યું. મિકી વિરલ સાથે આવી હોવાથી તે પણ આ ગ્રુપમાં જોડાઈ. સાથે આવેલા વિરલે અન્યને મિકીનો પરિચય કરાવ્યો. મિકીના આ ગ્રુપમાં  આવવાથી તેના ગ્રુપમાં રહેલ આરતી, જેસિકા અને મેઘના પણ આ દસ જણ સાથે જોડાયા. એમ આ ગ્રુપ હવે દસનું નહીં પણ ચૌદનું થઈ ગયું. અવિનાશે મિકી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, મિકી એ પણ રસ દાખવ્યો. છોલે-પુરીની સાથે-સાથે વાતચીતનો દોર પણ આગળ વધ્યો. બધા જમીને પોતપોતાના ટેન્ટ તરફ રવાના થયા. અવિનાશ વાળુ આલ્ફા ગ્રુપ પણ તેમને ફળવેલ ટેન્ટ તરફ ગયું.


      રાતના સાડા આઠ થઈ ગયા હતા, લગભગ ચોમેર અંધારુ છવાઈ ગયું હતું. વિરલે સિગારેટ પીવા બહાર જવા અવિનાશને આમંત્રણ આપ્યુ. અવિનાશે પોતે સિગારેટ ન પીતો હોવાનું જણાવ્યું છતા સાથે આવવા સંમત થયો.


      વિરલ અને અવિનાશ ટેન્ટમાંથી બહાર નીકળી રસ્તા તરફ જવા નીકળ્યા. એટલામાં પોતાના ટેન્ટની બહાર આંટા મારતી મિકી તેમને જતા જોઈ ગઈ અને કહ્યું, " આમ એકલા-એકલા ક્યાં ચાલ્યા ? મને પણ સાથે લઈ જાવ. " રાત્રે કેમ્પસાઈટની બહાર જવાની મનાઈ હતી. તેમ છતાંય આ ત્રણેય બિલ્લીપગે આગળ વધ્યા. રાત્રે મિકીનું આમ સાહસિક રીતે બહાર આવવું જોઈ અવિનાશ સ્તબ્ધ થઈ ગયો. મનોમન એ ખૂબ જ હરખાયો, કારણ કે ભલે ને થોડા સમય માટે પણ એને ગમતા વ્યક્તિની સાથે રહેવા મળ્યું જો ! ત્રણેય ડાંગની પરવતમાળાના રસ્તા પર ધીમે-ધીમે આગળ વધ્યા. કેમ્પસાઈટથી થોડે દુર જઈને વિરલે પોતાના ગજવામાંથી બે સિગરેટ કાઢી એક પોતાના મોઢામાં રાખી સળગાવી અને બીજી મિકીના હાથમાં ધરી. મિકીએ પણ સળગાવી. મિકીને સિગરેટ પીતી જોઈ અવિનાશની આંખો ફાટી ગઈ. એકાએક તેણે મિલીને પુછ્યું, " તું સિગરેટ પીવે છે ? " મિકીએ પ્રત્યુત્તર આપ્યો, " અરે ! હું તો ડ્રીંક્સ પણ કરું છું " આટલું કહી મિકીએ પોતાના હાથમાં રહેલી સિગરેટ અવિનાશના હાથમાં પકડાવી દીધી અને અવિનાશે સિગરેટ ન પીતો હોવા છતાંય જરાય ઈનકાર કર્યા વગર પીવાનો પ્રયત્ન કર્યો. આ વાત જ એ કહી જતી હતી કે, અવિનાશને મિકીની સિગરેટ અને શરાબની આદતથી કોઈ તકલીફ તો નથી જ પણ તે મિકીનો સાથ આપવા પણ તૈયાર હતો. આ પહેલા પણ અવિનાશને તેના ઘણા મિત્રો સિગરેટ પીવડાવવાનો પ્રયત્ન કરી ચુક્યા હતા પણ એ બધાય પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા પણ મિકીએ આપેલી સિગરેટ માત્ર આંખોના ઈશારામાં પીવાઈ ગઈ. કદાચ એ જાદુ સિગરેટનો નહીં પણ મિકીના હોઠનો હતો. અવિનાશ ઈનકાર કરે પણ ક્યાંથી ? મિકીના હોઠોએ સિગરેટને બાથ જો ભરી હતી ! ક્યારેય સિગરેટ ન પીતા અવિનાશે મિકીની સાથે એક પછી બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી એમ એકસાથે પાંચ-પાંચ સિગરેટો સળગાવી નાંખી. કારણ માત્ર એક જ હતુ કે, પીવાયેલી પ્રત્યેક સિગરેટોને મિકીના અધરોનું આલિંગન મળ્યું હતું. પીવાતી પ્રત્યેક સિગરેટની સાથે-સાથે તેમનો સંવાદ પણ ચાલુ હતો. મિકીએ પોતે ડેન્ટીસ્ટ હોવાનું, અવિનાશે સરકારી સેવામાં ફરજ બજાવતા હોવાનું તો વિરલે પોતે ટ્યુશન ક્લાસિસ ચલવતો હોવાનું જણવ્યું.


      અવિનાશને મિકી ગમવા લાગી હતી અને કદાચ મિકીને અવિનાશ પણ. પરંતુ બે માંથી એકેયે પોતાનો લગાવ વ્યક્ત ન કર્યો. અવિનાશ એમ વિચારતો હતો કે, મિકી એ વિરલ સાથે આવી છે અને મિકી પોતે એમ વિચારતી હતી કે, એની સાથે વિરલ છે.


      સાપુતારાની શીતળ રાતમાં મિકીનો સાથ હોવાને લીધે અવિનાશને મન વાતાવરણ જાણે માદક બની ઉઠ્યું હતું. ખૂબ મોડુ થઈ ગયુ હોવાથી ત્રણેએ કેમ્પસાઈટ તરફ પ્રયાણ કર્યુ. મિકી તેના કેમ્પ તરફ જવા જ્યારે અવિનાશ અને વિરલ તેમના કેમ્પ તરફ. અવિનાશને તો આ આખી રાત મિકી સાથે બેસીને વાતો કરવી હતી પણ સમયની સીમાઓએ તેઓને કેમ્પ તરફ બોલાવી લીધા. ટેન્ટમાં જઈને પણ અવિનાશ ઉંઘ્યો નહીં. તેનું મન આખી રાત મિકીના વિચારોમાં વંટોળે ચડી ગયું.


      ત્રણ દિવસની ટુરના બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. બધા જ ગરમ ચા સાપુતારાની સવારના શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણની મજા લુંટતા હતા. એકાએક મિકી અવિનાશ પાસેથી પસાર થઈ. તેણે અવિનાશને ગુડ મોર્નિંગ ! કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે એની તો ગુડ નાઈટ જ નહોતી થઈ.

      

      ઈન્સ્ટ્રક્ટર અમિતે મોટેથી બૂમ પાડી, "બ્રેકફાસ્ટ પતાવીને બધા અહીંયા ભેગા થાય." ત્યારબાદ તેણે દિવસ દરમિયાનનું સિડ્યુલ જણાવી દીધુ અને બધાને પાણીની બોટલ સાથે બસમાં બેસી જવા જણાવ્યું. ઝડપથી બધા બસમાં બેસી ગયા. બેની સીટમાં ચિરાગ અને અવિનાશ બાજુ-બાજુમાં બેઠા હતા. તેમનાથી ત્રણ સીટ પાછળ સાથે આવેલા વિરલ અને મિકી બેઠા હતા.


      ડોન હીલસ્ટેશન ભણી બસે પ્રયાણ કર્યુ. બસના લાઉડસ્પીકરમાં ગીતો વાગતા હતા. ગીતોના સૂરની સાથે લવપ્રીત ઝુમી ઉઠ્યો, તેની સાથે બીજા બે-ત્રણ જણ પણ જોડાયા. એવામાં અચાનક જ વિરલની બાજુમાં બેઠેલી મિકી પોતાની જગ્યા પરથી ઊભી થઈને અવિનાશ અને ચિરાગ બેઠા હતા તે સીટ પાસે આવીને ચિરાગને ઊભા થઈ જઈ પોતાને એ સીટ પર બેસવા દેવા વિનંતી કરી. ચિરાગ ઊભો થઈને પાછળની ખાલી સીટ પર બેસી ગયો અને મિકી અવિનાશની બાજુમાં બેસી ગઈ. આ ઘટનાથી અવિનાશ ચકીત થઈ ગયો, માત્ર અવિનાશ જ નહીં પણ તેની સાથે આવેલા બીજા છ જણ પણ ચોંકી ગયા. મિકી પોતાની સાથે આવેલા વિરલની બાજુમાંથી ઉઠીને આમ અચાનક જ કોઈની બાજુમાં જઈને બેસી જાય એ વાત સૌના મનમાં પ્રશ્ન પેદા કરે એવી તો હતી જ. અરે ! અવિનાશ પણ મિકીનું આવી રીતનું વરતવું સમજી ના શક્યો. ગમે તે હોય, પણ અવિનાશને મિકીનું તેની બાજુમાં આવીને બેસવું ગમ્યું 'ને મિકીના મનમાં પણ કંઈ હશે તો જ અવિનાશની બાજુમાં આવીને બેસી હશે ને ? બાકી બસમાં તો બીજી પણ ઘણી સીટો હતી.


      અવિનાશે મિકીને તેની બાજુમાં બેસવા આવવાનું કારણ પુછ્યું. પણ મિકીએ કંઈ ખાસ જણાવ્યું નહીં. અવિનાશે પોતાની બેગમાંથી વેફરનું પેકેટ કાઢ્યું અને મિકી સાથે સેર કર્યું. મિકી પોતાના મોબાઈલમાં રહેલા તેના ફોટા અવિનાશને બતાવવા લાગી. અવિનાશે મોબાઈલ મિકીના હાથમાંથી પોતાના હાથમાં લીધો અને મિકીના ફોટા જોવા લાગ્યો. પ્રત્યેક ફોટો જોતા અવિનાશ મિકીને પુછવા લાગ્યો કે, તારી સાથે ફોટામાં આ કોણ છે? 'ને મિકી કોઈ જ આનાકાની વગર જવાબ આપી રહી હતી, "આ બહેન છે, આ નાની છે, આ મોટો ભાઈ છે, બેસ્ટ ફ્રેન્ડ છે 'ને આ મારો એક્ષ છે. એક્ષ શબ્દ સાંભળતા જ અવિનાશનું મન થોડું ખચકાયું પણ તેના હૃદયમાં મિકી માટે રહેલો ભાવ લેશમાત્ર ઓછો થયો ન હતો. અવિનાશ એક પછી ફોટા જોતો જતો હતો. ત્યાં અચાનક જ મિકીનો માત્ર બ્રા બિકેની સાથેનો ફોટો આવ્યો અને મિકીએ તરત જ અવિનાશના હાથમાંથી પોતાનો મોબાઈલ લઈ લીધો અને કહ્યું કે, હવે આગળ નહીં. બંને એકબીજાની સામે જોઈને મલકાયા. અવિનાશે મિકીને એ ફોટા વિશે કશું જ પુછ્યું નહીં. બંને એકબીજાની બાજુમાં બેસવાનો આનંદ લઈ રહ્યા હતા. અવિનાશે ઈયરફોન કાઢી એક પોતાના કાનમાં લગાવ્યું અને બીજું વગર પરવાનગીએ મિકીના કાનમાં લગાવી દીધું. મિકીએ તેનો સસ્મિત સ્વીકાર કર્યો. તે બંનેની વચ્ચે શેરીંગ તો આવી જ ગયું હતું હવે કેરીંગ છે કે નહીં એ જ જોવાની વાત હતી. ઈયરફોનમાં સંભળાતા ગીતોની સાથે તે બંને વચ્ચે વાતોનો દોર પણ ચાલુ જ હતો. એટલામાં આવી ગયું ડોન હીલસ્ટેશન.


      બધા બસમાંથી નીચે ઉતર્યા અને અકડાઈ ગયેલા પગને ઓસારો આપ્યો. મિકી અને અવિનાશ પણ ઉતર્યા. ડોનના પ્રાકૃતિક સૌંદર્યમાં બધા પોતાના ફોટા પડાવવામાં વ્યસ્ત થઈ ગયા. ઈશ્વરે ડોનમાં ઐશ્વર્ય જ એટલું ઠલવ્યું છે કે ત્યાં ચાડીયાને પણ ચોકઠામાં જડાઈ જવાનું મન થાય. તો વળી જીવંત માનવીની શી વિશાત કે આવા સૌંદર્યમાં પોતાની જાતને ફોટા પડાવવાથી અળગી રાખી શકે ! મિકી અને અવિનાશે પણ એકસાથે ખૂબ ફોટા પડાવ્યા. ખબર નહીં કેમ, મિકી પોતાની સાથે આવેલા વિરલને અવગણીને અવિનાશની સાથે ફરી રહી હતી. બધાએ ડોનનું પ્રાકૃતિક સૌંદર્ય લુંટ્યું, લુંટે તેમ છતાંય ન ખૂટે એવું તેનું સૌંદર્ય હતું. ડોન હીલસ્ટેશનથી ટ્રેકીંગ કરીને ડોન વોટરફોલ તરફ જવાનું હતું.


      પૂરજોશમાં બધાએ ડોન વોટરફોલ તરફ ટ્રેકીંગ શરુ કર્યું. વાદળો સાથે વાતો થતી હતી. ત્રણ-ચાર કીલોમીટરનું ટ્રેકીંગ કર્યા બાદ દુરથી ડોન દેખાવા લાગ્યો. અવિનાશે મિકીને કહ્યુ, "ધોધમાં ન્હાવાની બઉ મજા આવશે નઈ !" પણ મિકીએ કહ્યુ,"હું નહીં ભીંજાઉ મને પાણીથી ડર લાગે છે" વોટરફોલ સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ અડચણ ભર્યો હતો. વરસાદથી ભીંજાયેલી માટીમાં નીચે તરફ ઉતરતા લપસી જવાય એવું હતું. આ બધા વિઘ્નો પાર કરીને તમામ વોટરફોલ સુધી તો પહોંચી ગયા પણ બહુ ઓછાએ ડોનમાં ભીંજાવાની હિંમત કરી. અવિનાશ આગળ શું થશે એની અટકળો લગાવ્યા વગર ધોધના ધસમસતા પ્રવાહમાં ખાબકી પડ્યો. મિકી ભીંજાય નહીં એ રીતે બાજુમાં ઊભી રહીને ધોધને નિહાળતી હતી. આ જોઈને અવિનાશે તેને ધોધમાં ન્હાવા માટે આહ્વાન કર્યું. પણ મિકીએ માથુ ધુણાવીને ના પાડી. તેમ છતા અવિનાશ છેક તેની પાસે ગયો અને મિકીનો હાથ પકડીને તેને ધોધ નીચે લઈ આવ્યો. પહેલા ન્હાવાની ના પાડતી મિકી પણ અવિનાશની સાથે ધોધમાં મજા લઈ રહી હતી. ધોધના જોશભર્યા પ્રવાહમાં અવિનાશે મિકીને તેના બંને હાથથી પકડી રાખી હતી.પાણીમાં રહેલા પથ્થરની મિકીને ઠેસ વાગતા અવિનાશે તેને પોતાની બાહોમાં જકડી લીધી. જે બંને જાણે એક થઈ ગયા હતા. એવામાં ઈન્સ્ટ્રક્ટર અમિતે આદેશ આપ્યો, "પરત ફરવાનો સમય થઈ ગયો છે, બધા બહાર નીકળો !" ધ્રુજતા ડીલે બધા બહાર નિકળ્યા અને જ્યાં બસો પડી હતી તે તરફ વળતું ટ્રેકીંગ શરુ કર્યું.


      બધા બસ સુધી પહોંચી ગયા. બપોરના બે થઈ ગયા હત. જમવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. જમીને ફોટોગ્રાફી અને સાઈટસીઈંગ માટે બે કલાકનો સમય આપ્યો. બાજુમાં રહેલા ગલ્લા પરથી અવિનાશ સિગરેટ લઈ આવ્યો. મિકી અને અવિનાશ ચાલીને થોડે દુર એક ઝુંપડી નજીક ગયા અને પાછળ જઈને અવિનાશે મિકીને સિગરેટ ધરી. મિકીએ ચકીત થઈને પુછ્યું," તુ અહીં સિગરેટ ક્યાંથી લઈ આવ્યો? " બાદમાં મિકીએ સિગરેટ સળગાવી, સાથે અવિનાશે પણ પીધી. અવિનાશ સિગરેટ તો નહોતો પીતો પણ એ પ્રત્યેક વાતમાં મિકીનો સાથ આપવા માંગતો હતો. એકબીજાની સાથે બે કલાક ક્યાં વીતી ગયા તેનું બે માંથી એક પણને ભાન ન રહ્યું. સાંજના સાડા પાંચ થઈ ગયા. કેમ્પસાઈટ પર પરત ફરવાનો સમય થઈ ગયો હતો. બધા બસમાં બેસી ગયા. મિકી જેમની તેમ ચિરાગને સ્થાને અવિનાશની બાજુમાં બેસી ગઈ. બધા થાકી ગયા હતા. મિકીના ચહેરા પર પણ થાક વરતાતો હતો. તેણે આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો અને અવિનાશના ખાભા પર માથુ ઢાળીને સુઈ ગઈ. અવિનાશ પણ પોતાના ખભા પર રહેલા મિકીના માથા પર હાથ રાખીને સુઈ ગયો.


      અંધારુ થઈ ગયું. ક્યારે કેમ્પસાઈટ આવી ગઈ એની કોઈનેય ખબર ન રહી. જમીને બધા પોતપોતાના ગ્રુપમાં ટોળે વળીને વાતો કરતા હતા. એવામાં અવિનાશ, આરતી, મિકી, લવપ્રીત, ચિરાગ વગેરે ચૌદ જણાનું ગ્રુપ સાપુતારાની ટ્રીપની એ બીજી અને છેલ્લી રાત્રીને યાદગાર બનાવવા માટેની મથામણમાં મશગુલ હતુ. છોકરા-છોકરીઓને એકબીજાના ટેન્ટમાં જવાની સખત મનાઈ હોવા છતાં ગ્રુપમાંથી કોઈએ આરતી, મિકી, મેઘના અને જેસિકાને પોતાના ટેન્ટમાં આવી ટ્રુથ એન્ડ ડેર રમવા માટેનો પ્રસ્તાવ મુક્યો. ચારે સાહસિક છોકરીઓના જોરે એ પ્રસ્તાવ પૂર્ણ બહુમતીએ પસાર થયો.  


      રાતના અગિયાર થઈ ગયા હતા. બધા પોતપોતાના ટેન્ટમાં જઈ ઊંધી ગયા હતા. એવામાં આરતી, મિકી, મેઘના અને જેસિકા પોતાના કાનનેય પોતાના પગરવ ન સંભળાય એ રીતે લવપ્રીત, ચિરાગ 'ને અવિનાશ વાળા ટેન્ટમાં ઘુસ્યા અને શરુ થઈ રમત, ટ્રુથ એન્ડ ડેર !


      એક પછી એક બધાના વારા આવવા લાગ્યા. કેટલાયના ધ સિક્રેટ ખૂલવા લાગ્યા તો ઘણાએ પરાણે સાહસિકવૃત્તિ દેખાડી. એવામાં અવિનાશ ઝપટે ચડી ગયો.એને પુછવામાં આવ્યુ " બોલો ટ્રુથ કે ડેર ?" દ્વિધામાંથી બહાર આવી અવિનાશે જવાબ આપ્યો, "આપણે ડરવાવાળા નઈ હો ભાઈ! ચલો ડેર" ત્યાં તો આરતીએ અવિનાશને અવિસ્મરણિય ડેર આપ્યુ, "તને ગમતી કોઈ એક છોકરીના કપાળે કીસ કર !" અવિનાશે કંઈ જ વિચાર્યા વગર મિકીના કપાળને ચુમી લીધું. મિકી પણ મનોમન એવું જ ઈચ્છતી હતી કે અવિનાશ તેના જ કપાળને ચુમે. રમત આગળ વધી. કુદરતની પણ કરામત છે ને ! અવિનાશ પછી તરત જ બલીનો બકરો બની મિકી. તેણે પણ ડેર પસંદ કર્યુ. પણ આ વખતનું ડેર ખરેખર ડેરીંગ માગી લે એવું હતુ. બધામાંથી કોઈ એકને થપ્પડ મારવાનું. મિકીએ ઈશારામાં જ અવિનાશની સંમતિ લીધી. અવિનાશે ગાલ ધર્યો, મિકીએ થપ્પડ ઝીંકી દીધી, પણ પ્રેમથી. ટેન્ટની બહાર રહેલો વિરલ અચાનક કુવાવડ લઈને આવ્યો કે,"કોઈને ખબર પડી ગઈ છે કે આ ટેન્ટમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ છે."કોણ જાણે એ સમાચાર સાચા હતા કે ખોટા પણ રમતની મજા ત્યાંથી જ બગડી ગઈ. ચારે છોકરીઓ રાતના બે વાગે પોતાના ટેન્ટમાં ગઈ. ત્યાં જ એ મજાની બીજી અને છેલ્લી રાતની વાત ખતમ થઈ.


      ત્રણ દિવસની ટુરના છેલ્લા દિવસનો અરુણોદય થઈ ચુક્યો હતો. અન્ય બે દિવસ કરતાં આજનો દિવસ બધાને કંઈક અલગ જ લાગતો હતો. કદાચ છેલ્લો દિવસ હતો તેથી જ. સવારનો નાસ્તો પણ મિકી અને અવિનાશે સાથે લીધો. તે બંનેની બચ્ચે માત્ર ત્રણ દિવસમાં જાણે લાગણીનો તંતુ બંધાઈ ગયો હતો. ત્રીજા અને છેલ્લા દિવસના સિડ્યુલમાં હતુ ગવર્નર હીલ્સનું કપરું ચઢાણ ! ડોન કરતા ગવર્નર હીલ્સનું ટ્રેકીંગ વધારે કપરું હોવાનું હતું. ગવર્નર હીલ્સ જવા માટે બધા બસમાં બેસી ગયા. સમયે ફરી એનો રંગ દેખાડ્યો, બસમાં મિકી અવિનાશની બાજુમાં નહીં પણ જેની સાથે આવી હતી તે વિરલની બાજુમાં જ બેઠી. આ વાતની અવિનાશ પર ગહેરી અસર થઈ. તે વિચારવા લાગ્યો કે જે મિકી સતત બે દિવસ પોતાની સાથે રહી, તેની સાથે ધોધમાં ભીંજાઈ, અરે! જેણે કીસ માટે પણ કપાળ ધર્યું એ આજે આમ અચાનક પાછી વિરલની બાજુમાં કેમ બેસી ગઈ? આ બધા જ વિચારવમળોની વચ્ચે ગવર્નર હીલ્સ આવી ગઈ. બધા જ ટ્રેકીંગ માટે નીચે ઉતર્યા. પણ અવિનાશ તેની જગ્યા પર જ બેસી રહ્યો. બસમાંથી ઉતરતી વખતે મિકીએ તેની સામે જોવાની પણ તસ્દી ન લીધી. આ બાબતથી એ ખૂબ જ નારાજ થયો અને ગવર્નર હીલ્સનું ટ્રેકીંગ પડતુ મુકીને એકલો જ બસમાં સુઈ ગયો.


      બધા ટ્રેકીંગ પરથી પરત ફર્યા. પણ અવિનાશ જેમનો તેમ સુતો હતો. બધા સ્થળોની મુલાકાત લેવાઈ ચુકી હતી. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવ, જે પહેલા કેમ્પસાઈટ પર રોકાયેલા હતા તે બસમાં પરત ફરવાના હોવાથી બસની બેઠક વ્યવસ્થામાં થોડા ફેરફાર થયા. આ ફેરફારમાં ચિરાગ અને અવિનાશનું સીટીંગ બરાબર મિકી અને વિરલની પાછળની સીટ પર થઈ ગયું. બસ અમદાવાદ તરફ પરત રવના થઈ.


      છેલ્લા દિવસે મિકીના આ પ્રકારના વર્તનથી અવિનાશના હૃદયને ઠેસ પહોંચી. બસના લાઉડસ્પીકરમાં પ્રવાસી મિજાજના સોંગ્સ વાગતા હોવા છતાં તે કાનમાં ઈયરફોન લગાવી બસના માહોલથી અલગ પડ્યો 'ને આંખો બંધ કરી. અવિનાશના દિલમાં રહેલી નારાજગી તેના ચહેરા પર વરતાતી હતી. એવામાં અચાનક જ મિકીએ પોતાની સીટ તરફ પાછળની તરફ ફરીને અવિનાશના કાનમાંથી એક ઈયરફોન કાઢીને પોતાના કાનમાં લગાવ્યું અને એકાએક બોલી ઊઠી, "આવા માહોલમાં કોઈ સુફી સોંગ્સ સાંભળતું હોય?" અવિનાશે કંઈ જ પ્રત્યુત્તર ન આપ્યો અને ઈયરફોન મિકીના કાનમાંથી લઈ પોતાના કાનમાં લગાવી પાછી આંખો બંધ કરી. મિકીએ ફરીવાર ઈયરફોન કાઢી નાખ્યું, અવિનાશે ફરી પોતાના કાનમાં લગાવી દીધું. આવુ લગભગ દસ-પંદર વખત બન્યું. પણ અવિનાશે મૌન જાળવી રાખ્યું અને તેના ચહેરા પરની રેખામાં જરાય ફરક ન પડ્યો. અંતે મિકી થાકીને પોતાની સીટ પર સવળી બેસી ગઈ.


      થોડી વાર પછી મિકી ચિરાગને ઊભો કરીને અવિનાશની બાજુમાં આવીને બેસી ગઈ અને અવિનાશના બંને કાનમાંથી ઈયરફોન કાઢીને પુછ્યું," શું છે હે ? તને થયુ છે શું ? કેમ કંઈ બોલતો નથી ? 'ને આ રીતે સતત સુફી સોંગ્સ સાંભળ્યા જાય છે." મિકી જાણીને પણ અજાણ બનતી હતી તેમછતા અવિનાશે હળવા સૂરે જવાબ આપ્યો, "તારી સાથે સિગરેટ પીવાની મજા આવી, ઈશારામાં પુછીને મારેલી તારી થપ્પડ ખાવાની મજા આવી, ધોધમાં તારી સાથે ભીંજાવાની મજા આવી 'ને વળી કપાળે તારા કીસ કરવાની મજા આવી, શું તને મારી સાથે મજા આવી?" મિકી અવિનાશના હૃદયમાં રહેલા ભાવોને પારખી ગઈ. તેના હૃદયમાં પણ અવિનાશને માટે આદ્રતા તો હતી જ પણ માત્ર તેને વાચા નહોતી મળી. અવિનાશે કહ્યું," મિકી ! મારે તને કંઈક કહેવું છે." આટલું બોલી એ અટકી ગયો. આગળ કંઈ બોલવા માટે તેની જીભ ઉપડતી નહોતી તેમ છતા હિંમત એકઠી કરીને તે બોલી ઊઠ્યો, "મિકી ! આઈ લાઈક યુ ! " મિકીએ પ્રત્યુત્તર આપ્યો,"તો એમાં હું શું કરું?" અવિનાશે વળતો જવાબ આપ્યો," તારે શુ કરવું એ તો તારે જ જોવાનું પણ મે મારા મનની વાત મારા મન સુધી મેલી દિધી." આટલું કહી અવિનાશ ફરી ગમગીનીમાં જતો રહ્યો.


      રાતના આઠ થઈ ગયા હતા. હવે અમદાવાદ આવવાને 'ને બધાને છુટા પડવામાં ઝાઝી વાર નહોતી. એટલામાં હાઈ-વે પરની હોટલ પર જમવા માટે બસ રોકાઈ. મિકીના કોઈ પ્રત્યુત્તર ન આપવાને લીધે અવિનાશ ઉદાસ દેખાતો હતો. મનોમન તો મિકીને પણ અવિનાશ ગમવા જ લાગ્યો હતો પણ આ મનની ભાવનાને વાચા આપવા માટે જરુર હતી કોઈ ઉદ્દીપકની ! બધા જમીને પરત ફરે છે ત્યારે મિકી તેના વિશ્વાસપાત્ર અને ભાઈ સમા લવપ્રીતને અવિનાશના બારામાં પુછે છે અને અવિનાશના તેને પ્રપોઝ કરવા અંગે જણાવે છે. લવપ્રીતે મિકી આગળ અવિનાશના વિશે જણાવતા એક પણ અક્ષરની અતિશયોક્તિ કર્યા વગર ભારોભાર વખાણ કર્યા. મિકીને તો અવિનાશ ગમતો જ 'તો પરંતુ લવપ્રીતની વાત સાંભળીને તેનો મત વધારે પાકો થયો. બધા બસમાં બેસી ગયા.


      રાતના સાડા નવથી સાડા બાર થયા, અવિનાશ મિકીના પ્રત્યુત્તરની રાહ જોતો રહ્યો અને અમદાવાદ આવી ગયું. મિકીને ઉતરવાનું સ્ટેન્ડ પણ આવી ગયું. મિકી પોતાના મનની વાત મનમાં જ દાબીને અવિનાશને કંઈ જ જવાબ આપ્યા વિના નીચે ઉતરી ગઈ. અવિનાશનું દિલ વરસાદ બાદ વિખેરાયેલા વાદળોની જેમ વેરવિખેર થઈ ગયું. તેની આંખો પણ ભીંજાઈ ગઈ.


      અંતિમ સ્ટેશન આવી ગયું બધા છુટા પડ્યા 'ને પોતપોતાના ગરે ગયા. ટુરને એક અઠવાડીયુ વીતી ગયું. બધા પોતાની રુટીન લાઈફમાં વ્યસ્ત થઈ ગયા. પણ આ ટુર અવિનાશને માટે બેચેની લઈ આવી. તેને દેખાતી પ્રત્યેક છોકરીઓમાં તેને મિકી દેખાવા લાગી અને ઘણીને તો ઊભી રાખીને એણે પુછી પણ લીધુ કે, "મિકી ! તુ આવીશ ને? " તેના મિત્રોને પણ વારંવાર એ એક જ વાત પુછવા લાગ્યો કે, "એ આવશે ને?" 'ને આમ જ મિકીના ઈંતજારમાં તેની જીંદગી વિતવા લાગી. પણ કોણ જાણે કે મિકી આ વાત જાણે છે કે કેમ ?


Rate this content
Log in

Similar gujarati story from Drama