ટીફીનના ત્રણ ખાના
ટીફીનના ત્રણ ખાના


આમ તો હું રોજ ત્રણ ખાનાવાળું ટીફીન લઈ ને ઓફિસે જાવ, અને સાથે બે-ચાર નાની ડબ્બીઓમા સલાડ,અથાણું અને કોઈ સ્વીટ , આ રોજ નું રૂટીન. આમ તો શું છે અમારા “ઈ” ને અમારી થોડી ચિંતા વધારે એટલે ફક્ત આટલું જ આપે , અરે હા , અને ત્રણ ખાનામાં રોટલી, શાક અને નમકીન. અને આમ તો અમારી કંપની થોડી ગરીબ એટલે કેન્ટીન જેવું તો કંઈ છે જ નઈ, જે ઘરે થી આપે તે અમે લોકો બધા જ સાથે મળીને આરોગીએ.
એક વખત ની વાત છે , રોજ ની જેમ ત્યારે પણ હું મારૂ આ ત્રણ ખાનાવાળું ટીફીન અને થોડી ડબ્બીઓ લઈને સમય પ્રમાણે ઓફિસે પહોંચ્યો. બપોર સુધીનું રૂટીન પ્રમાણે કામ પતાવી મારી કેબીનમા ગયો. મેં જયારે મારૂ ટીફીન બેગમાંથી બહાર કાઢ્યું ત્યારે અંદરથી એક ચબરકી મળી, આજે ટીફીનમાં નવી વસ્તુઓ મુકેલી છે તો પહેલા તમે પોતે ચાખીને, જો સારી લાગે તો બીજાને ચખાડજો.
મારૂ મન તો હવે લલચાયું અને થોડું આશ્ચર્ય પણ થયું. રોજ કરતા આજે ટીફીનમાં શું અલગ હશે ? શું નવું હશે ? બસ ઈંતજારી જાગી.., પહેલા થયું બધાની સામે જ ખોલીશ, પણ પછી થયું ના ના લાવ ને પહેલા હું જ જોઈ લઉં.
પહેલો ડબ્બો હંમેશા રોટલીનો હોય છે, ત્યાંથી જ શરૂવાત કરી. પહેલો ડબ્બો જેવો ખોલ્યો, તેમાંથી અમારી બન્નેની જૂની પુરાણી પણ એકદમ જેને કહવાય ને “મસ્ત” યાદો માટે રાખેલી તસ્વીરો, અને સાથે સાથે, છલોછલ ભરેલી જૂની યાદો....પહેલા તો થોડું વિચિત્ર લાગ્યું , પણ તસ્વીરો જોઇને મુખ પર એક મોટી સ્માઈલ દોડી ગઈ... અને સાથે હવે જલ્દીથી બીજો ડબ્બો ખોલવાની ઉતાવળ પણ થવા લાગી.
બીજો ડબ્બો લગભગ સબ્જીનો હોય છે, પણ આજે શું હશે ? બીજો ડબ્બો જેવો ખોલ્યો અને તેમાંથી અમે એક-બીજાને લખેલા “પ્રેમપત્રો” , હજી તેમાં આટલી જ મહેક ! વર્ષો ના વર્ષો વીતી ગયા, છતાંય તેને વાંચવાની હજી પણ આટલીજ મજા , આટલી જ ઉતાવળ... હવે અંદરથી તો મનમાં બસ એક જ ઈચ્છા , કે જલ્દીથી ત્રીજો ડબ્બો ખોલું , પણ આ લેટર હાથમાંથી ઉતરવાનું નામ લે અને આ ત્રીજા ડબ્બા સુધી પહોંચે ત્યારે ખોલું ને...!
બસ છેલ્લો લેટર વાંચી ને મુક્યો પાછો ડબ્બામા, અને હવે તો ઈંતજારી તેની ચરમસીમા પર હતી. શું હશે આ છેલ્લા અને ત્રીજા ડબ્બામાં ? કોઈ જૂની પુરાણી સાચવી રાખેલી “ગીફ્ટ” ?, કોઈ એવી વસ્તું કે જે કદાચ હું સાવ ભૂલી જ ગ્યો હોવ ? બસ વિચારોમાં અનુમાન કરતો કરતો હું આખરે ત્રીજા ડબ્બાના તે લોક સુધી પહોંચી ગયો..!
ત્રીજા ડબ્બામા આમ તો રોજ કોઈ નમકીન, કે ફરસાણ જેવી વસ્તુ હોય છે, એટલે અંદરથી હવે એક કમ્પેરીઝન થવાની ચાલું થઇ ગઈ.. રોટલી=જુના ફોટા, સબ્જી=પ્રેમ પત્રો, તો તો હવે નમકીન ને બદલે તો કોઈ ધડકતી ફડકતી વસ્તું જ હોવી જોઈએ... બસ આજ આશામાં મેં ત્રીજો ડબ્બો અંતે ખોલી જ નાખ્યો.
ત્રીજો ડબ્બો ખુલતા જ અંદરથી મળી મને એક નવી ચબરખી..અને તેમાં જે લખ્યું હતું તે વાંચીને મારી આંખોમાં પાણી આવી ગયા તેમાં તેણે પોતે એક સરસ મજાની વાત લખી હતી..
“ મારે ૧૫ દિવસ લગ્ન પ્રસંગે બહાર જવાનું હોવાથી, ગઈકાલે આંખો દિવસ મેં ઘરની સાફસફાઈ જ કરી છે અને તેનો ખુબ જ થાક લાગ્યો હોવાથી આજે સવારે ઉઠવામાં થોડું મોડું થઇ ગયું હતું, માટે રસોઈ બનવાનો સમય નથી રહ્યો, તો આજ નો દિવસ બહારથી કંઇક મંગાવી લેજો..છતાં પણ આ ડબ્બો ખાલી ન લાગે એટલે કાલે મળેલી આપણી જૂની જીન્દીગના થોડા અંશો મોકલું છું, અને જ્યાં સુધી હું તમને ઓળખું છું ત્યાં સુધી આનાથી તમને તમારી ભૂખનું ભાન જ નહી રહે...પણ તોય બહારથી કંઇક મંગાવી લેજો. ”
અને આ છેલ્લું પૂર્ણવિરામ મને થોડું ભીનું લાગ્યું, નક્કી ત્યારે તારું એકાદ આંસુ ખર્યું હોવું જોઈએ. બસ આ વિચારતા જ મારી પણ આંખો છલકાઈ આવી.......!
પણ બસ તે દિવસે મને જમવાની જે મજા આવી તેવી મજા પહેલા તો ક્યારેય નહોતી આવી...! હા કદાચ એવું બને કે આવનારા દિવસોમાં તારી પાસે હજી પણ આનાથી સારૂ કંઈ “મેનુ” હોય, તો તેની હું આતુરતા પૂર્વક રાહ જોઇશ........!