Ramesh Sembhara

Tragedy

2  

Ramesh Sembhara

Tragedy

ત્રિશા – આપણી ફરજ

ત્રિશા – આપણી ફરજ

5 mins
106


  વાત મુંબઈ નગરીની છે ! આમ તો મુંબઈ નગરી એટલે માયાવી નગરી. ત્યાં રાતે પણ દિવસ જેવું જ લાગે. ત્યાંની દોડધામભરી જિંદગી છે. પૈસા કમાવવા માટે થઈને લોકો પાસે સમયનો અભાવ જોવા મળે. મુંબઈમાં હર્ષદભાઈ નામે ગુજરાતી ભાઈ રહે. પોતાના પિતાનો વ્યવસાય આગળ વધારીને ખાસ્સી પ્રગતિ કરી હતી. હર્ષદભાઈ, તેમની જીવનસંગિની વિભાબેન અને દીકરી ત્રિશા તથા નાનો ભાઈ હિરેન સુખી જીવન જીવી રહ્યા હતાં. આમ તો એમના જીવનમાં કોઈ દુખ નહતું. પણ સુખમાં છકી પણ ન જવું જોઈએ. 

  આજે દીકરી ત્રિશાનો જન્મદિવસ હતો. ત્રિશા મુંબઈની ખ્યાતનામ શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. એકની એક લાડકવાયી દીકરીનો જન્મદિવસ હોય અને સુખી કુટુંબ હોય તો ઊજવણી તો સારી રીતે થવાની જ. પણ દીકરી ત્રિશાની ઈચ્છા હતી કે આજે તે શાળામાં મિત્રો તથા શિક્ષક સાથે ઊજવણી કરશે અને ત્યારબાદ સાંજે ઘરે પાર્ટીનું આયોજન કરીએ. ત્રિશાની વાત ઘરમાં કોઈ ના માને એવું બને ખરું. 

      આમ તો ત્રિશા રોજ સ્કૂલબસમાં જતી. પરંતુ આજે હર્ષદભાઈ અને વિભાબેન દીકરી ત્રિશાને પોતાની ગાડીમાં શાળાએ મૂકવા ગયા. ત્યાંથી સીધા ત્રિશાને તેના જન્મ દિવસની ભેટ ખરીદવા માટે બજાર તરફ ગયા. બજારમાં મોડું થતાં હર્ષદભાઈએ તેમના નાના ભાઈ હિરેનને ત્રિશાને શાળાથી ઘરે લાવવા માટે ફોન કરીને કહ્યું. હિરેન બાઈક લઈને શાળાએ પહોંચ્યો. ત્રિશા કાકાને જોઈને થોડીક નારાજ થઈ. ત્રિશાએ કહ્યું, ‘ કેમ પાપા મને લેવા ના આવ્યા, એમણે મને પ્રોમિસ કર્યું હતું.’ હિરેને કહ્યું, ‘ પપ્પા તારા જન્મદિવસની ઊજવણી માટે ખરીદી કરવા ગયા છે એટલે એમને મોડું થાય એમ હતું એટલે હું કોલેજથી સીધો લેવા આવ્યો બેટા.’ આમ વાતો કરતાં કરતાં હિરેન અને ત્રિશા બાઈક પર જતાં હતાં. બંને જણા વાતોમાં એટલા ડૂબી ગયા કે રોડ ઉપર સામેથી આવી રહેલો ટ્રક હિરેનને દેખાયો નહીં. અને હિરેનનું બાઈક ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ ગયું. ત્રિશા હવામાં ફંગોળાઈને રોડની સાઈડમાં રહેલા થાંભલા સાથે અથડાઈ. ફૂલ જેવી ત્રિશા લોહીથી લથપથ થઈ ગઈ. હિરેન પણ ટ્રક સાથે અથડાતાં એને પણ હાથ અને પગમાં ઈજા થઈ હતી. આસપાસના લોકો તરત દોડી આવ્યા.          

 એમાંથી એક નવજુવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી. થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી. એમ્બુલન્સના સ્ટાફે ત્રિશા અને હિરેનને એમ્બુલન્સમાં પાટા પિંડી કરી. પણ ત્રિશાને હજુ લોહી નીકળવાનું ચાલુ હતું અને પોતે બેભાન થઈ ગઈ. એમ્બુલન્સના મેડિકલ ટેકનિશિયનની ચિંતાઓ વધવા લાગી. 108ના સ્ટાફને હોસ્પિટલ જવાની ઉતાવળ હતી. પણ એમ્બુલન્સની આગળ રોડ ઉપર એક મર્સિડીઝ કારવાળો બિલકુલ નિરાંતે ગાડી ચલાવી રહ્યો હતો. એમ્બુલન્સે સાયરન વગાડી, હોર્ન વગાડયા પણ બધુંજ નિરર્થક ! એમ્બુલન્સના ડ્રાઈવર પણ હવે અકળાયા. સાયરન સાંભળી મર્સિડીઝ કારમાં બેઠેલી મહિલાએ તેના પતિને કહ્યું, ‘ આ એમ્બુલન્સવાળો સાયરન વગાડે છે તો તેને સાઈડ આપો.’ ત્યારે કારના ડ્રાઈવરે ઉદ્ધધતાભર્યા સ્વરે કહ્યું, ‘આ એમ્બુલન્સવાળા તો નવરા છે, કોઈ ઈમરજન્સી ના હોય તો પણ રોફ જમાવવા સાયરન વગાડે છે. જાણે કોઈ અધિકારીની ગાડી હોય’ એમ્બુલન્સના ડ્રાઈવરની પણ ધીરજ ખૂટી, પણ એ બિચારો શું કરે ! પેલી મહિલાએ ફરીથી તેના પતિને કહ્યું, ‘ આમ ના કરો, એમ્બુલન્સમાં કોઈ ગંભીર હાલતમાં હશે તો જ આટલા સાયરન અને હોર્ન વગાડે.’ ઘમંડી કારના ડ્રાઈવરે કહ્યું, ‘ ના, બિલકુલ સાઈડ આપવી નથી, તેને જે કરવું હોય એ કરે.’ એમ્બુલન્સના ડ્રાઈવરે એમ્બુલન્સને બીજા રસ્તેથી લઈ જવા નિર્ણય કર્યો. થોડીક વારમાં એમ્બુલન્સ હોસ્પિટલ પહોંચી ગઈ. તાત્કાલિક ત્રિશા અને હિરેનને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા.    

        ત્રિશાના માથામાંથી ખૂબ લોહી વહી જવાના લીધે તે બેભાન થઈ ગઈ હતી. ડોક્ટરે તેનું ઓપરેશન કરવા કહ્યું. હિરેન હોશમાં હતો. એટલે એણે તાત્કાલિક હર્ષદભાઈને ફોન કરીને બોલાવી દીધા. હર્ષદભાઈ અને વિભાબેન જેવા જ હોસ્પિટલ આવ્યા કે એમની પગ નીચેથી જમીન સરકી ગઈ. ખુબજ ઊંડો આઘાત! વિભાબેનનું રુદન અકલ્પનીય હતું. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. હર્ષદભાઈ તો સૂમસામ થઈ ગયા. મોઢામાંથી અવાજ પણ નીકળી શકતો નહતો. ડોક્ટરે ઓપરેશન શરૂ કરી દીધું હતું. ઓપરેશન થીએટરની બહાર ત્રણેય જણા રાહ જોઈને બેઠાં હતાં. ઓપરેશન પૂરું થયા બાદ ડૉક્ટર બહાર આવ્યા. હર્ષદભાઈની આંખોમાં આંસુની ધારા શરૂ થઈ ગઈ. ત્યારે ડોક્ટરે કહ્યું, ‘ હર્ષદભાઈ, 108 એમ્બુલન્સવાળા ભાઈ થોડોક સમય પહેલા ત્રિશાને હોસ્પિટલ લાવ્યા હોત તો ત્રિશા તમારી સાથે હાલ વાતો કરતી હોત. પણ !’ હર્ષદભાઈએ ડૉક્ટરને બોલતા અટકાવીને પૂછ્યું, ‘ પણ ! શું થયું મારી લાડકીને, તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લો પણ મારી ત્રિશાને બચાવી લો’ એમ કરીને હર્ષદભાઈ બે હાથ જોડીને રડતાં રડતાં આજીજી કરવા લાગ્યાં. ડોક્ટરે કહ્યું, ‘ ત્રિશાને માથામાં ઈજા થવાને લીધે ખૂબ બધુ લોહી વહી ગયું છે. અમે ઓપરેશન કરી લીધું છે પણ ત્રિશા હાલ કોમામાં છે એટલે 36 કલાક રાહ જોયા બાદ ત્રિશાની હાલત વિષે કંઈ કહી શકાય.’ એવામાં હિરેનને તરત યાદ આવ્યું કે હા મોટાભાઈ, ‘ એક ગાડીવાળો એમ્બુલન્સની આગળ બિલકુલ ધીમે ધીમે ગાડી હંકારી રહ્યો હતો, કેટલાય સાયરન વગાડ્યા અને હોર્ન વગાડ્યા પણ અમને સાઈડ ના આપી એટલે છેવટે એમ્બુલન્સના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બીજા રસ્તેથી અમને અહી લાવ્યા. એટલે અમને આવવામાં મોડું થઈ ગયુ.’ આટલું સાંભળીને વિભાબેન તરત સમજી ગયા અને રડતાં રડતાં કહ્યું, ‘ એ ગાડીવાળા બીજા કોઈ નહીં પણ તમારા ભાઈ જ છે !’ હર્ષદભાઈને પોતાની ભૂલનો અફસોસ થવા લાગ્યો કે આજે એમના ઘમંડના લીધે એમ્બુલન્સને સાઈડ ના આપવાથી ત્રિશા કોમામાં છે. હર્ષદભાઈ હાથ જોડીને વિભાબેનની માફી માંગી અને કહ્યું, ‘ વિભા મારી નકારાત્મક માનસિકતાને લીધે આજે આ પરિસ્થિતિ આવી છે મને આ વાતનું ખુબજ દુ:ખ છે. આજ પછી હું ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરીશ. અને મારી ફરજો પ્રત્યે સભાન રહીશ. હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરૂ. મને માફ કરી દે વિભા !’ વિભાબેન આંખો બંધ કરીને ઈશ્વરનું સ્મરણ કરે છે. 36 કલાક સુધી ત્રણેય જણા સમયાંતરે ત્રિશા જોડે એની સામે જોઈને બેસી રહે છે. પછી ત્રિશાને હોંશ આવે છે. આંખો ખુલતા જ હર્ષદભાઈ, વિભાબેન અને હિરેન બધા જ રાજી રાજી થઈ જાય છે. ડૉક્ટર આવીને તપાસ કરે છે. અને કહે છે કે હવે બધુ જ બરાબર છે. ત્રિશાના જીવને કોઈ ખતરો નથી. બધા હવે રાહતનો શ્વાસ લે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy