Ramesh Sembhara

Tragedy

4  

Ramesh Sembhara

Tragedy

26મી જાન્યુઆરી 2001 – ગોજારો

26મી જાન્યુઆરી 2001 – ગોજારો

7 mins
153


26 મી જાન્યઆરી 2001 આ તારીખ કોઈપણ ગુજરાતી ભૂલી શકે એમ નથી. એ વખતે હું કચ્છના આદિપુર ગામમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. હું બનાસકાંઠાથી કચ્છમાં પ્રથમ વખત અભ્યાસઅર્થે ગયેલ. જો કે અંજારમાં પહેલેથી જ પપ્પા ફૉરેસ્ટર તરીકે નોકરી કરતાં હતાં. તથા મોટી બહેન ઈજનેરના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એટલે કોઈ ચિંતાનું કારણ ન હતું. પરંતુ આ પહેલા આજદિન સુધી ક્યારેય એકલો રહેલો ન હોવાથી અસમંજસમાં હતો.  

ઓગસ્ટ ૨૦૦૦માં મારુ એડમિશન તોલાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, આદિપુર ખાતે થયેલ. લગભગ સાંજે ૬ વાગ્યે હું પપ્પા સાથે સૌપ્રથમ વખત પાલનપુરથી ટ્રેનમાં કચ્છ જવા રવાના થયો. ટ્રેનમાં આ મારી પ્રથમ વખતની મુસાફરી હતી. રાત્રિના ૮ કલાકે અમે ભીલડી પહોંચીને જમ્યાં. પછી ટ્રેનમાં સૂઈ ગયા. સવારે વહેલા ગાંધીધામ પહોંચ્યા. ત્યાં રેલવે સ્ટેશન પર જ અમે વિશ્રાંતિ ગૃહમાં જઈને તૈયાર થયા. ત્યાંથી બસમાં બેસીને આદિપુર પહોંચ્યા. 

ત્યાંરબાદ પપ્પાએ કોલેજમાં મારુ એડમિશન કરાવ્યું અને પછી અમે આર. પી. હોસ્ટેલ પહોંચ્યા. ત્યાં બનાસકાંઠાના ઘણા વિધ્યાર્થીઓ હતાં, જેમની સાથે પપ્પાએ મારી મુલાકાત કરાવી. અંતમાં હૉસ્ટેલના ગૃહપતિ ઝાલા સાહેબે અમને ત્રીજા માળે રૂમની ફાળવણી કરી. મારા રૂમ પાર્ટનર તરીકે વિક્રમ સોલંકી જે મારો શાળા સમયથી મિત્ર હતો અને અલ્પેશ મેવાડા જે બનાસકાંઠા જિલ્લાથી હતો. પપ્પા મને મૂકીને જ્યારે રૂમની બહાર નીકળ્યા ત્યારે મારી આંખો ભરાઈ આવી હતી. મારા રૂમ પાર્ટનર મિત્રો તથા પરેશ પુરોહિતે મારી પાસે બેસીને મને હિંમત આપી ત્યારથી અમારી મિત્રતા પણ ગાઢ બનતી ગઈ. 

હવે વાત કરું એ ગોજારા દિવસની ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ કે જ્યારે અમે બધા સવારે વહેલા ઊઠીને તૈયાર થઈને રૂમમાં નાસ્તો કરીને કોલેજ જવાની તૈયારી કરતા હતાં. પણ એવામાં જ સવારે ૮.૪૦ વાગ્યે જાણે કે આખી હોસ્ટેલ પ્રચંડ અવાજ સાથે કંપવા લાગી. ચારે બાજુ ધુમાડાના ગોટા અને છોકરાઓની ચિસકારી સંભળાવવા લાગી. આખી હોસ્ટેલમાં ભયાવહ વાતાવરણ સર્જાયેલું હતું. બધાને દોડતા જોઈને અમે પણ રૂમની બહાર દોડવા લાગ્યાં. અમને ખબર નહોતી કે શું થઈ રહ્યું હતું. જેવા જ સીડીમાં આવ્યા કે ઉપરથી સ્લેબ પડતાં સીડીની બંને બાજુના રસ્તા બંધ થઈ ગયાં. સીડીની વચ્ચે અમે ફસાઈ ગયા હતાંં. ત્યાં બિલકુલ અંધારું હતું. અમને ખુબજ ડર લાગતો હતો. 

આ પરિસ્થિતિમાં અમારે શું કરવું તેની અમને સમજણ પડતી ન હતી. બધાના શરીર ચુના અને સિમેન્ટથી રંગાઈ ગયા હતાંં. અમે જેવાજ ઊભા થવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અમારા પગ સ્લેબની નીચે હતાંં જેથી પગ હલાવી શકાય તેમ પણ ન હતું. સદનસીબે અમારામાંથી કોઈને મોટી ઇજા થઈ ન હતી. અમે બધા ભેગા થઈને ‘ બચાવો બચાવો ‘ ની બૂમાબૂમ કરી. અમારી બૂમ કદાચ બહાર મદદ માટે આવેલા પોલીસ જવાનોએ સાંભળી અને અમને બચાવવા માટે તેમણે તીક્ષ્ણ વસ્તુઓથી સીડી અને સ્લેબ તોડીને અમને બહાર કાઢ્યા. અમે બધા જ મિત્રો જેવા બહાર આવ્યા કે અમે એકબીજાને ભેટ્યાં. 

અમે જોયું કે અમારી હોસ્ટેલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. એકલો કાટમાળ નજરે પડતો હતો. મદદ માટે આવેલા પોલીસ જવાનોએ અમને તાત્કાલિક દૂર મેદાને ઊભા રહેવા કહ્યું. કેટલાય અમારા મિત્રો લોહીથી લથપથ હતાંં. કેટલાકના હાથ પગના હાડકાં તૂટી ગયેલા હતાંં. બધાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી રહ્યા હતાંં. અમે દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતાંં. અમારું શરીર કંપી ઉઠ્યું. ધરતી પર અને હ્રદયમાં હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા હતાંં. આખી ધરા ધણધણી ઉઠી હતી. અમારે શું કરવું તેની કંઇ ખબર પડતી ન હતી. પગમાં જૂતાં પણ પહેર્યા નહોતાં. અમારી પાસે રૂપિયા પણ ન હતાંં. બીજા મિત્રોને અમે શોધવા લાગ્યા. ધીમે ધીમે બધા મિત્રો અમને મળી ગયા. અમારી હોસ્ટેલની બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ હતી, તેનો પણ અડધો ભાગ તૂટી ગયો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે ત્યાંથી બધી છોકરીઓને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવી હતી. 

અમારી કોલેજમાંથી સમાચાર આવ્યા કે બધાજ વિધ્યાર્થીઓ કોલેજ પરત આવે જેથી ગણતરી કરી શકાય. અમને કોલેજ ગયા બાદ માલુમ પડ્યું કે અમારો સહપાઠી મિત્ર ખેતારામ કે જે બનાસકાંઠાના વાવ તાલુકાનો હતો તે લાપત્તા છે. જ્યારે અમે અને કોલેજ સ્ટાફે તેની શોધખોળ કરવા હોસ્ટેલ પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે ભૂકંપ થયો ત્યારે ખેતારામ હૉસ્ટેલના ભોંયતળિયે રૂમમાં હતો તેથી તે કાટમાળમાં દટાઈ ગયો. કમનસીબે તે મૃત્યુ પામ્યો હતો. અમને ખુબજ આઘાત લાગ્યો. હવે શું કરવું તે સમજાતું નહતું. ત્યારે અમારી કોલેજમાંથી અમને ઘરે પરત ફરવા જણાવવામાં આવ્યું. લગભગ બપોરે ૨ કલાકે અમારા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી. અમે પાલનપુર જવાની બસમાં બેઠયાં. બસમાં બેસીને આસપાસ જોયું તો બધુંજ વેરાન અને ડરામણાં દ્રશ્યો લાગતાં હતાંં. કેટલાક લોકોના આક્રંદ સાંભળાવા મળતાં હતાંં. બસમાં બેસીને આગળ નીકળ્યાં ત્યારે ભચાઉ ગામ મોટા ભાગનું ધ્વસ્ત થઈ ચૂક્યું હતું. રસ્તાઓ પણ તૂટી ગયા હતાંં. કાઠીયાવાડ જવાનો રસ્તો સુરજબારી પુલ જર્જરિત થઈ ચૂક્યો હતો. ત્યાંથી ભારે વાહનોને જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પાલનપુર જવાનો માર્ગ પ્રમાણમાં સારો હતો. અમે આવી ક્યારેય કલ્પના પણ નહોતી કરી. શિયાળાની ખૂબ ઠંડી લાગતી હતી પણ અમારી પાસે ઓઢવા સ્વેટર કે ગરમ કપડાં પણ નહતાં. બધુંજ હૉસ્ટેલના કાટમાળમાં દટાઈ ગયું હતું. રાત્રે ૧૦ વાગ્યા આસપાસ અમે પાલનપુર આવી પહોંચ્યા હતાં. હું ચાલતો ચાલતો ઘર તરફ જઇ રહ્યો હતો તેવામાંજ મારા જીજાજી મળ્યાં. તે મને મળી મારી તબિયત વિશે પૂછ્યું. પરંતુ હું આઘાતમાં હતો માટે હું કશું બોલી શક્યો નહીં. માટે તેમણે મને બાજુની દુકાનમાંથી પાણી લઈને પીવરાવ્યું. બાજુમાંજ મારા મોટા બહેન ચિલ્ડ્રન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાંં. તે મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સ બધાજ મને કચ્છમાં શું પરિસ્થિતિ છે તેની માહિતી પૂછી. ત્યારબાદ મને ઘરે મૂકવા માટે ગાડીની વ્યવસ્થા કરી.

જેવોજ હું, બહેન અને જીજાજી સાથે ઘરે પહોંચ્યો ત્યારે મને જોઈ મારા મમ્મી પપ્પા રાજી રાજી થઈ ગયાં. તેમની આંખોમાં આંસુ આવી ગયાં. પપ્પા તો સવારના જ ટીવી આગળ બેઠાં હતાં. આસપાસના લોકોને મારા ઘરે આવવાની જાણ થતાં જ મારા સમાચાર પૂછવા આવી ગયાં. પરંતુ અમારા મોટા બહેન કે જે ભુજમાં હતાં તે હજુ સુધી ઘરે આવ્યા નહોતા તેથી બધાને ખુબજ ચિંતા હતી. પપ્પા ગાડી લઈને કચ્છ જવા રવાના થવાના હતાંં પણ કચ્છ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે મોટા બહેન ઘરે પરત ફર્યાં. હવે ઘરમાં બધાને નિરાંત થઈ. 

વૈશ્વિક સ્તરની વાત કરી એ તો એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી. કચ્છ જાણે સમગ્ર વિશ્વથી અલગ પડી ગયું હતું. પણ આપણે કહી શકીએ છીએ કે માનવતાં હજુ મરી પરવારી નથી. તાત્કાલિક જાપાન અને અન્ય દેશોએ કચ્છની મદદ માટે તૈયારી બતાવી. અન્ય દેશોમાંથી પણ રાહત પેકેજની સરવાણી શરૂ થઈ. સમગ્ર દેશ પણ કચ્છને ઊભું કરવા એકજુટ થયો. ચારે બાજુથી કચ્છની સેવા માટે લોકો દોડી આવ્યા. ગુજરાત સરકારનું આયોજન પણ પ્રસંસાને પાત્ર હતું. 

પણ કહેવામાં આવે છે ને કે કુદરત આગળ કોઈ નાનું કે મોટું નથી હોતું. કોઈ અમીર કે ગરીબ પણ નથી હોતું. બસ એવુંજ કચ્છમાં બન્યું. જે લોકોએ ઘરની બહાર રોડ ઉપર પગ પણ નહોતો મૂક્યો એવા એસી ગાડીમાં ફરવા લોકો જમવા માટેની લાઇનમાં બેઠા હતાંં. અને રાત્રે ફૂટપાથ પર સૂતાં હતાંં. બંગલામાં જવાની પણ એમને ડર લાગતી હતી. પછી જાણવા મળ્યું કે અંજારમાં એક સ્કૂલના બાળકો પ્રભાત ફેરી માટે શાળા બહાર નીકળ્યા ત્યારે આ ગોજારો ભૂકંપ આવતા આઅ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં, કેવું કરુણ દ્રશ્ય! 

કચ્છમાં ભચાઉ આસપાસનો વિસ્તાર ભૂકંપથી સૌથી વધારે પ્રભાવિત હતો. ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા હતાંં સમચારપત્રોમાં કચ્છ વિશે સાંભળીને હૃદય દ્રવી ઊઠતું. બધુ જેમનું તેમજ મૂકીને લોકો ઘરની બહાર બેઠા હતાંં. ઘણા મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાંં. મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયાં હતાંં. થોડાક જ દિવસમાં રાહત સામગ્રી કચ્છ પહોંચવા લાગી અને કચ્છ સાથેનો સંપર્ક પણ વધવા લાગ્યો. 

ભૂકંપના બે વર્ષ અગાઉજ કંડલા બંદરના દરિયાકાંઠે વિનાશક વાવાઝોડું આવેલું. એમાંથી હજુ માંડ બેઠું થાય એ પહેલાજ આ ગોજારો ભૂકંપ આવી ગયો. કચ્છ માટેતો પડયા પર પાટુ જેવી સ્થિતિ હતી. પણ કચ્છની પ્રજા તો ભારે ખમીરવંતી પ્રજા કહેવાય. તે એણે ફરી સાબિત કરી બતાવ્યું. સમગ્ર સરાકારી તંત્ર અને કચ્છની પ્રજાએ થોડાક જ વર્ષોમાં કચ્છને ફરીથી ધબકતું કરી દીધું. ભૂકંપ બાદ જે નવી ઇમારતો બનાવવામાં આવી તે ભૂકંપ રક્ષિત ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી. ધીમે ધીમે સરકારની કોઠાસૂજ અને કચ્છના લોકોની મહેનતથી કચ્છના શહેરો ફરીથી ધમધમવા લાગ્યા. 

કચ્છ માટે કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે કચ્છમાં કોઈ હોનારત સર્જાય છે ત્યારબાદ કચ્છ નવા જ રૂપરંગ સાથે ઉભરીને બહાર આવે છે. કચ્છમાં કાળું સોનું છે એવું કહેવામાં આવે છે. જે ખરેખર કચ્છી લોકોએ ફરીથી સાબિત કર્યું. હાલમાં કચ્છમાં સૌથી મોટો કંડલા સેઝ ઇન્ડસ્ટ્રિયલ એરિયા આવેલો છે. જેમાં અસંખ્ય મોટી મોટી કંપનીઓના પ્લાન્ટ આવેલા છે. કેટલાય લોકોનું તે રોજગારીનું કેન્દ્ર બન્યું છે. એ સિવાય અદાણી ગ્રુપ દ્વારા મુંદ્રા પોર્ટ પણ વિકસિત કરવામાં આવ્યું છે. ભૂકંપ બાદ કચ્છના લોકોનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. અન્ય જિલ્લા અને બીજા રાજયોમાંથી કેટલાય લોકો રોજગારી મેળવવા માટે કચ્છમાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું કંડલા બંદર નવી ટેકનોલોજી દ્વારા આધુનિક બન્યું છે. કચ્છનું ઇન્ફ્રાસ્ટ્રકચર વૈજ્ઞાનિક ધોરણોના યોગ્ય માપદંડો સાથે બનાવવામાં આવ્યું છે. ત્યાંનાં રસ્તા અને રોડ મોટા અને પહોળા બનાવવામાં આવ્યા છે. માટે જ કચ્છના ગાંધીધામને મિનિ મુંબઈ કહેવામાં આવે છે. 

ધન્ય છે કચ્છને અને કચ્છી પ્રજાને. 

અંતમાં કચ્છ માટે કહેવાય છે કે,

“ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,

ચોમાસે વાગડ ભલોને મુંજો કચ્છડો બારેમાસ..”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy