Raam Mori

Tragedy Drama

3  

Raam Mori

Tragedy Drama

થડકાર

થડકાર

10 mins
14.2K


સાવ સાંજ ઢળી ગઈ હતી એટલે હું ઘેર આવી. ઝડપથી દાદરા ચડવા લાગી. થયું કે ઝટ આવે પાંચમો માળ અને ઘરમાં ઘુસી જવાતું હોત તો કેટલું સારું ! આજકાલ દાદરાની ઉંચાઈ ખૂબ વધી ગઈ હોય એવું લાગ્યા કરે છે. જેટલી ઝડપે હું દાદરા ચડું એ ઝડપ મનેે ઓછી જ પડે છે. પેલ્લી વખત થયું કે ઘર ભોંય તળિયે હોત તો કેવું સારું થાત, દોડતાં ઘરમાં ઘુસી જવાય અને સીધી આવે મારી રુમ. નીચેથી જ કાળા ગોગલ્સમાંની આંખો તો સજ્જડ બંધ   રાખીને દાદરા ચડતી જતી હતી, બાજુવાળા માલતીમાસી જોઈ જાય અને કદાચ પૂછી બેસે "કેમ છે, ગાર્ગી તને...? દવા લે છો ? ડોક્ટરે શું કીધું ? કાંઈ ફેર પડશે ?" મને હાંફ ચડવા લાગ્યો. પગ પર જોર કરી પગથિયાં ઠેકવા લાગી પણ પાછું એકાએક કશું યાદ આવતાં કાન પર  હથેળીઓ દાબી દીધી, રખેને મને કદાચ કોઈ રુમમાંથી ગીતોના અવાજ સંભળાય કે "એક બીલાડી જાડી, એને પે'રી સાડી..." ને પછી સવાલો પૂછાય ચારેબાજુથી કે "બીલાડી કેવી દેખાય છે ?" ને કોઈક ખૂણામાંથી કેટલા બધા એક સરખા જવાબો સંભળાય છે... "કાબરચીતરી" એકસાથે કંઈકેટલીય આંગળીઓ મારા તરફ ચીંધાય છે...

હું માથું ખંખેરતી જીવ પર આવીને ભાગી છૂટી અને જાણે કે એક હડદોલો લાગ્યો કે સીધી પાંચમાં માળે ઘરે પહોંચી ગઈ. ત્યાં સુધીમાં તો આખી પરસેવાથી પલળી ગઈ હતી. મેં ડોરબેલની સ્વીચ પર આંગળી દબાવી અને મોઢે બાંધેલા દુપટ્ટાની અંદર પલળી ગયેલી ગરદન સાફ કરી. અચાનક મારું ધ્યાન બાજુવાળા રશ્મીતાઆન્ટીના ઘરના બંધ દરવાજાની બાજુમાં મુકાયેલા કુંડા તરફ  ગયું. એ કુંડામાં છોડ મોટો થયો હતો અને એના લીલા લાંબા પાન કુંડામાંથી બહાર લળી ગયા હતા. એ બધા પાન પર પડેલા સફેદ ડાઘાઓ જોયા અને મેં મોઢું ફેરવી લીધું, પછી બમણા ઝનૂનથી ડોરબેલની સ્વીચ દબાવી. કશુંક બબડતાં મમ્મીએ  દરવાજો ખોલ્યો. રુમમાં આવી કે તરત મારી પાછળ બારણું દેવાઈ ગયું.

મેં ગોગલ્સ, દુપટ્ટો ને હેન્ડગ્લવ્સ કાઢ્યા અને સોફા માથે ફેંક્યા. ગેલેરીમાં મગ અને અડદ સાફ કરી મમ્મી પાછી આવી "થાકી ગઈ હોઈશ ને ? ચા લાવું." કહેતી મારા હેન્ડગ્લવ્સ અને દુપટ્ટો લઈને જતી રહી. મેં ત્રાંસી નજરે જોયું, મને ખાતરી હતી કે એ આ બધું બાથરુમમાં ધોવા ફેંકશે અને એને ફેંક્યા. હું શો કેચના કાચમાંથી મારા ચહેરાને જોવા લાગી. આંખોની નીચેના ભાગેથી લઈને કાન પુરો થાય ત્યાં સુધી ડાબા ગાલે લાંબા બે-ત્રણ અને જમણા ગાલે આછા પણ વધુ ડાઘાઓ પડ્યા હતા. નાકની નીચે એક ખીલ જેવો ડાઘો પડ્યો હતો. મેં આંખ બંધ કરી. કાચમાં જોતાં એને જમણા હાથે દબાવી એ ડાઘા જેવો ભાગ ફોડી નાખ્યો. રુમાલથી લૂછ્યો. પહેલાં સફેદ પરું જેવું પાણી ને પાછળથી લોહીનો ટશીયો. મેં ફરી કાચમાં જોઈ લીધું.

"લ્યા ભઈ રુપાળી જ છે હવે તું... ઓમ તો જરા નવરી પડી નથી કે તરત અરીસામો ડાચું પરોયું... કરોળિયા જ નીકર્યા છે કાંઈ રક્તપિત્ત નથી થ્યો. સમજી ? ખાલી ખોટી વહેમીલી થઈ ગઈ છ તું. કરોળિયા બી કાંઈ ચેપી નથી.. " મેં એક નજર બ્લીચીંગ પાઉડરમાં બોળેલાં મારા દુપટ્ટા ને હેન્ડગ્લવ્સવાળી ડોલ તરફ કરી. સોફા પર બેસીને પંખો ચાલુ કર્યો, પંખો બહું જ ધીમો ચાલતો હોય એવું લાગ્યું. બારી ખોલવાની ઈચ્છા થઈ પણ બેસી રહી.

"પપ્પા ક્યાં છે, મમ્મી ?" મેં પેલા ડાઘાને ફરી રુમાલથી સાફ કર્યો અને રુમાલ ટેબલ પર મૂક્યો.

"સવારે તો તારા રિપોર્ટ લેવા ગયા જ્યા હતા. પેલો સ્કીનસ્પેશ્યાલીસ્ટ ખરોન… રે ભઈ જ્યાં તું જઈ હતી. બે દિવસ પહેલાં તું જે ટેસ્ટ દઈ આવેલી એ બધા આવી જ્યાસ...ને પછી છેક બપોરે આયા ને અત્યારે કસુંક કોમ સારું બહાર જ્યા છે…" એ રસોડામાંથી બોલતી હતી.

"રિપોર્ટ આવી ગયા ? ક્યાં છે ?" કાન પાસેથી લઈ ગરદન સુધી પરસેવાના ટીપા બાઝી ગયા. કપાળે પણ થોડું પાણી બાઝી ગયું હોય એમ લાગ્યું. મેં લોહીથી બગડેલો રુમાલ ઊલટાવીને પરસેવો લૂછ્યો. મમ્મી ચાનો કપ લઈને આવી અને ચા આપી પછી ટેબલ પર પડેલા રુમાલને હળવેથી લઈ લીધો.

"મેં તો પહેલેથી જ કીધું હતું કે ડુંગળી ને દુધની શોખીન છો એટલે જ આ કરોળિયા નીકર્યા છે, તે મુઆ ડોક્ટરે બી એ જ કીધું કે એર્લજી છે...!" એણે રુમાલ ડોલમાં નાખ્યો ને લીક્વીડથી હાથ ધોયા અને પાછી કોબીજના મોટા પાંદડામાં પૂરાઈ ગઈ. ચાના બે ઘુંટડા તો માંડ પી શકી. રીપોર્ટ જોવાની ઈચ્છા તો જરાય ન થઈ, ક્યાં છે એ જાણવાની ઈચ્છાય ન થઈ. એવું લાગ્યું કે મોબાઈલમાં બીપ અવાજ થયો, તરત પર્સમાંથી મોબાઈલ કાઢી ચેક કર્યો. કોઈ રિપ્લાય ન હતો ! ફરી ટેક્સટ કરતી કરતી હું રુમમાં આવી. મેં મેસેજ ટાઈપ કર્યો, "હાઈ, પૂનિત, મેસેજ પૂરા થયા છે ? આઈ વોન્ટ ટુ મીટ યુ નાઉ, આઈમ ફિલીંગ ટોટલી અલોન..'આલ્ફા વન' મોલમાં મળીએ ?  તારી ફેવરીટ જગ્યા પર.. કૉફી ?" સેન્ડ કર્યો..સેન્ડીંગ ફેઈલ... રી સેન્ડ કર્યો પણ ફરી ફેઈલ. ગેલેરીમાંય ગઈ. છૂટાછવાયા વાદળા આખા ભુખરા આકાશને ગૂમડા થયા હોય એમ ઢાંકી બેઠા હતા.

"બ્લડી નેટવર્ક...." બબડતી બબડતી મેં ફોન હવામાં ઉંચો કર્યો. બાજુવાળી માસી દોરી પરથી કપડાં લેવા આવી અને એનું ધ્યાન મારા તરફ ગયું.

"ગાર્ગી, ડાઘા મટ્યા કે નહી ? દવા લે છે તું ?" હું કશું બોલવા ગઈ કે પાછળથી મમ્મી સુકવેલા પાપડ લેવા આવી.

"હા... રીપોર્ટ તો આઈ જ્યાંસ. એર્લજી જ મૂઈ... લ્યા મને તો પેલ્લેથી ખબર હતી. હું તો બોલી બી હતી..પણ આપણું થોડું કોઈ કસું માને..આ ભઈ રોજે પાઉડર ન ઓલી નયી નયી ટ્યુબો આઈસ.. લગાયા કરે ને કોમ તો કઈ ના આવે ને સરીર..." હું ત્યાંથી ભાગીને રુમમાં આવી. બેડ પર સુઈ ગઈ. મને સતત એવું લાગ્યા કરતું હતું કે મમ્મી કશુંક ઢાંક્યા કરે છે. પડખું બદલી મેં ફરી મેસેજ ચેક કર્યો. પૂનિતનો કોઈ રિપ્લાય નહોતો. એનું વોટ્સઅપ પણ બંધ હતું, લાસ્ટસીન એણે હાઈડ કર્યું હતું એટલે ખબર ન પડી કે એણે છેલ્લે ક્યારે વોટ્સઅપ યુઝ કર્યું હશે. વોટ્સઅપ અને ફેસબુક બંને પર  મેસેજ કરી દીધાં અને પછી મોબાઈલમાં મેં સેવ કરી રાખેલા એના અને મારા ફોટોસ ઓપન કરી સ્ક્રીન પર આંગળી ફેરવતી રહી. આ પર્પલ ટીશર્ટ ને લૉ બ્લેક જીન્સવાળો એનો આ મારો ફેવરીટ ફોટો છે, 'પીવીઆર'માં મેં ક્લીક કરેલો. હું એ ફોટાને જોતી રહી અને આંખ બંધ કરી...

અમે 'વસ્ત્રાપુર લેક'માં બેઠા હતા. હું અને પૂનિત. હું થોડી લેઈટ હતી તો એ સ્માર્ટીનું મોં ચડેલું હતું. હું એને મનાવતી હતી. એ લોનમાં એક બાજુ નાના ટેકરા પર બેઠો, હું એને સાવ અડીને બેસી ગઈ. એના હાથને પસવારતી એની સાથે વાતો કરતી હતી. સાંજની ઠંડકમાં આ સ્થળ મને વધુ રોમેન્ટિક લાગતું. ચારેકોર આછું આછું અંધારું છવાયેલું હતું અને નાની ખજૂરી પાછળ બેસેલા અમે બંને. એ પણ હવે મારી સામે સ્મિત કરે છે, હું એના તરફ ખેંચાઉં છું. એ હળવેથી મારા ચહેરા પર બાંધેલા દુપટ્ટાને ખોલે છે. હું આંખો બંધ રાખું છું મને મારા અને એના ધબકારા સંભળાય છે. અધખુલ્લા હોઠે હું હસી પડું છું. હમણા એના ગરમ શ્વાસ અથડાશે ને સીગારેટ પીતા કાળા હોઠ...ને ગાર્ડનમાં બધી લાઈટ્સ શરું થઈ એક પછી એક... " ઓહ શીટ્...મેન, તને આ ડાઘા શેના પડ્યા છે ?" કોઈ જોર જોરથી ડોરબેલ વગાડતું હતું. મેં આંખો ખોલી. ફોટોસ ક્લોસ કર્યા. મોબાઈલ સાઈડમાં મૂક્યો.

"મમ્મી......." મેં બૂમ પાડી. કોઈ અવાજ ઘરમાંથી સંભળાયો નહી. હું ઊભી થઈ. ડોરબેલ હજુ વાગતી જ હતી. હું દરવાજો ખોલવા ગઈ કે મમ્મી ગેલેરીમાંથી દોડી આવી.

"લ્યા બેન ઊભી રહે ગાર્ગી...ખોલ નહી...હું ખોલું છું ...! " મેં એની સામે જોયું, કશુંય પકડાતું નહોતું. એણે કી- હૉલમાંથી જોયું.

"આપણી ધરા જ છે..!" દરવાજો ખુલ્યો. ધરાએ કોલેજબૅગ એકબાજુ ફેંકી અને હાથમાં રહેલા એક્ઝામ પેપરને વાંચતી વાંચતી રુમમાં આવી.

"કેવું ગયું પેપર?" એવું પૂછવાની ઈચ્છા થઈ પણ ન પૂછી શકી. હું પણ એની પાછળ પાછળ અમારા રુમમાં આવી. સ્ટડી ટેબલ પરના ટેબલ લેમ્પના અજવાળે થોથાઓ ઉંચકી ઉંચકીને એ એમાંથી જોઈ કશુંક ટીક કરતી હતી. ધરા એમબીબીએસ કરે છે, ફર્સ્ટ યરમાં છે. હું થોડો સમય આમ એને રેફરન્સબુકસ ઉથલાવતી જોઈ રહી. પછી ડ્રેસીંગ ટેબલ પર બેઠી અને સાઈડ બોક્સ ખોલ્યું. અંદર જાત જાતની ટ્યુબ, મોશ્વરાઈઝેશન, પાઉડર ને બીજો મેકઅપનો સામાન હતો. મેં એના પર સહેજ હળવો સ્પર્શ કર્યો અને પછી અરીસામાં મારા ચહેરાને જોયો. અંધારામાં મને મારો ચહેરો જોવો ગમ્યો. રુમની મેઈન લાઈટ અચાનક શરું થઈ, ધરાએ કરી હતી. અરીસો મને જોઈને ભડક્યો હોય એવું લાગ્યું. મેં ધરા તરફ જોયું.

"દી' આજે પેપર મસ્ત ગયું ! એક પ્રશ્ન તો વાંચ્યો નહોતો તોય આવડી ગયો."

"ક્યો પ્રશ્ન ?" હું એની પાસે ગઈ ને એનો હાથ પકડીને પેપર જોતાં પુછયું.

"રંગસુત્રતાની સ્કીન પરની અસરો વિશેનો પ્રશ્ન હતો. સિમ્પલ હતો દી', ટ્વેલ્થમાં અમે ભણ્યાં જ હતા." મને એવું લાગ્યું કે એણે હાથ છોડાવી લીધો, સભાનપણે. ફેસવોશ લઈને એ બાથરુમમાં ગઈ.

મેં મોબાઈલ લીધો અને ફરી પુનિતને કોલ કર્યો. કોલ લાગતો જ નહોતો. હું ગેલેરીમાં ગઈ અને બેચેન બની આંટા મારતી હતી. મારું ધ્યાન સોસાયટીના બીજા મકાનો તરફ ગયું, જુદા જુદા કલરથી રંગાયેલી એ બિલ્ડીંગોમાં ભૂકંપના લીધે  પડેલી તીરાડોને સફેદ સિમેન્ટથી પૂરવામાં આવી હતી. એક પળ માટે તો મને એવું લાગ્યું જાણે આખી સોસાયટીના ગાલે કરોળિયા નીકળ્યા છે. હું રુમમાં આવી. ધરા ફ્રેશ થઈને બાથરુમમાંથી બહાર આવી. અમારે બંનેને હંમેશા ટુવાલને લઈને બહુ જ ઝઘડા થાય. એ આળસું મારો જ ટુવાલ યુઝ કરે, એનો ટુવાલ લેવા ક્યારેય બહાર ન નીકળે. હું હજુ એ વિશે કશું બોલવા જતી જ હતી કે મારું ધ્યાન ગયું કે એના હાથમાં એનો પોતાનો ટુવાલ હતો. ભીના વાળને ટુવાલથી એ ઘસવા લાગી. એણે મારો ટુવાલ કેમ ન વાપર્યો ? એ ગણતરીમાં હું પડું એ પહેલાં એ બોલી.

"કોને કોલ કરે છે દી' ?"

"પુનિતને"

"નથી લાગતો ?"

"ના, બટ ટ્રાય કરું છું, લાગી જશે !"

"આઉટ ઓફ કવરેજ જતો રહ્યો હશે !" મેં એની સામે જોયું, હું સમસમી ગઈ હતી એના આ જવાબથી. એને વાળ ઓળતી થોડીવાર જોઈ રહી. એણે મારો મેકઅપ બોક્સ ખોલ્યો અને પછી એ તરફ અછડતી નજર નાખી અને બંધ કરી દીધો. પછી પાછી એ પોતાના અસ્થિકંકાલ, રંગસુત્રતા, શીરા અને ધમનીના થોથામાં ખોવાઈ ગઈ.

પલંગના એક છેડે બેસીને હું મોબાઈલની સ્ક્રીનને, બારીને અને વાદળોને જોતી હતી. ત્યાં ફરી ડોરબેલ સંભળાઈ પણ આ વખતે ઊભી ન થઈ. દરવાજા ખુલવાનો અવાજ સંભળાયો, પપ્પા જ આવ્યા હતા. કોઈ જોડે મોટે મોટેથી ફોનમાં વાતો કરતાં હતાં.

"હાજી, જરુર....હા, તો તમો કાલે આવો છોને ?" પપ્પા બહુ મોટેથી બોલતા હતા એટલે ધરા દરવાજો બંધ કરવા ઊભી થઈ.

"જી...હા...તમે છોકરાને બી સાથે લેતા આવજો.." ધરા દરવાજો બંધ કરતાં અટકી ગઈ, પાછળ ફરી મારી તરફ એક આંખ મારી સ્મિત કરવા લાગી.

"દી' તમને જોવા આવવાનાઓ છે છોકરો ? વાઉ !"

"તમે જમવાનું બી અહીં રાખજો... ના.. ના ભઈ એમાં તકલીફ શાની... હા અમારી દિકરી બી ઘેર જ છે કાલે બહાર નહીં જવાની."

મેં બેગમાંથી ઓફીસ ફાઈલ કાઢી અને પ્રેઝન્ટેશનના કાગળિયાં કાઢ્યા. કાલે તો મારે બેંગ્લોર જવાનું છે પ્રેઝન્ટેશન માટે અને પપ્પાએ મને પૂછ્યા વિના આ બધું કેમ ગોઠવી આપ્યું. મને થોડો અણગમો થઈ આવ્યો પણ તરત યાદ આવ્યું કે બે મહિના પહેલાં ફિક્સ થયેલા આ પ્રેઝન્ટેશનમાં હવે બોસ પણ રાજી નહોતા કદાચ, એના વર્તન પરથી દેખાતું હતું... જાણે કહેતા હોય, "મીસ ગાર્ગી, તમારે બેંગ્લોર પ્રેઝન્ટેશન આપવા જવાની જરુર નથી...." એ પછી 'કેમ ?' એ પૂછવાનું પણ ખબર નહીં કેમ પણ મને મન જ નહીં થવાનું. "હા, અમારી દિકરી એમબીબીએસના ફર્સ્ટ યરમો છે. હા, ગવર્મેન્ટ કોલેજમો જ તો !" પપ્પાનો અવાજ સંભળાયો અને ધરા તો જાણે છળી મરી!

"વોટ ધ હેલ વીથ......." કરતી એ રુમની બહાર નીકળી સીધી પાપાનો ઊધડો લેવા. મેં ફાઈલ બંધ કરી દીધી. સામેની દિવાલે મારો અને ધરાનો મોટો ફોટો હતો, ધરા મારા ગાલે કીસ કરતી હતી, પપ્પાની ક્લિક હતી. મારો હાથ અનાયાસે અત્યારે એ ગાલ પર પડ્યો, અરીસામાં જોયું, ને મોઢું ફેરવી લીધું. ધરા બહાર ડ્રોઈંગરુમમાં રાતીપીળી થતી ગઈ, ત્યાં મમ્મી પણ ઊભી હતી. હવે પછી બહાર જે અવાજો આવવાના હતા એનો મને ખ્યાલ હતો જ...

"પપ્પા, મારા માટે છોકરો ? તમે શું માંડ્યું છે આ બધું ? મારી ઉંમર છે આ બધા માટે ? મારે લગ્ન ન જ જોઈએ..ના પાડી દો એ જે હોય એને."

"ગાર્ગીના પપ્પા, તમો કંઈક તો વિચાર કરો. આપણી મોટી બાકી છે ને નાનીનું સગપણ કરીસુ તો લોકો સુ કેસે. ના ભઈ, મારી મોટી ને છોડી ન હું નાનીનું સગપણ નહી કરાબ્વાની." ને પછી પપ્પા એ લોકોને કહેશે,"સાંભળો મારી વાત, ગાર્ગીના તો ઓલરેડી બે ત્રણ માગા તો મારી પાસે આયેલા છે જ, તો આ ધરાનું બી જરા...."

....પણ કશુંય એવું સંભળાયું નહીં. પપ્પાનો ધીરો અવાજ સંભળાતો હતો ને રસોડામાં કુકરની તીણી સીટી સીસકારા કરતી હતી...

"જો ધરા, છોકરો ડોક્ટર છે, અમેરિકા ભણ્યો છે. મારો પેલો મિત્ર ખરોને કાનજી નાકરાણી ? ઈનો ભત્રીજો. પસંદ પડે તો હા...ક્યા દબાણ છે તારી પર." મને હતું જ કે ધરા તો બોલશે જ કે 'દી' તો કાલે ઓફિસના કામે બેંગ્લોર જવાની છે, એના વિના હું...." કુકરની સીટી બંધ થઈ ગઈ.

મને એવું કેમ લાગે છે કે કાલે હું અહીં નથી જ એવી એ લોકોને ખબર હતી એટલે જ ગોઠવાયું છે આ બધું ? કદાચ મારા આ ડાઘા...મેં આંખ મીંચીને કપાળ પરથી ખીલ કાઢી નાખ્યો. પીળાશ પડતું સફેદ પાણી નીકળ્યું અને પછી લોહીનો આછો લાલ ટશીયો, મેં કાચમાં જોયું. પછી મોબાઈલ ચેક કર્યો ને ઝનૂનથી કપાળ લૂંછી નાખ્યું. મારી અંદરથી બહાર આવવા જાણે કે બધું ધક્કે ચડ્યું. એવું લાગ્યું કે સામે કાચમાં, બીલ્ડીંગની દીવાલોમાં, ખુરશી પર સુકાતા મારા ટુવાલમાં, મેકઅપ બોક્સમાં અને કપડાં બોળેલી ડોલમાં ડાઘા પડે છે, પોપડીઓ બને છે, ખરે છે, પીળાશ પડતું સફેદ પાણી ઊભરાવવા  લાગ્યું અને લોહીના ટશીયા ફૂટવા માંડ્યા. મેં બે પગ વચ્ચે બંને હાથે મોં ઢાંકી દીધું અને લાઈટ બંધ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy