Nidhi Shah

Tragedy Thriller

4  

Nidhi Shah

Tragedy Thriller

સુધા

સુધા

4 mins
380


મુક્તિએ આંખમાં આંસુ સાથે નતમસ્તકે સુધાને નીચે સુવડાવી. આજે એ જિંદગીની છેલ્લી સફરે જવાની હતી. ખૂબ ચાવથી તેને તૈયાર કરવા લાગી. આખી જિંદગી જેણે પરિવાર માટે દિવસ- રાત એક કર્યા તે પરિવાર આજે પોતાની જિંદગીમાં મસ્ત સુધાના મૃત્યુથી અજાણ પોતાનામાં મશગુલ હતા. મુક્તિને એ સમય બરાબર યાદ હતો, જ્યારે કૉલેજમાં પહેલીવાર સુધા સાથે એની મુલાકાત થઈ હતી.એ હસમુખી બટકબોલી સુધા કૉલેજમાં દરેક સાથે હળીમળી રહેતી. દરેક પ્રવૃત્તિમાં અચૂક ભાગ લેતી. સૌના મનપસંદ વ્યક્તિ તરીકે એ જાણીતી હતી. એના ભાગ રૂપે કૉલેજના ત્રીજા વર્ષમાં તો એને બધાં એ સહમતીથી તેને જી. એસ. બનાવી હતી. એ જ સુધા આજે એકલી અટુલી મૃત્યુ પછી પણ થઈ ગઈ હતી.

સફળતાને વરેલી સુધા એક સફળ બિઝનેસ વુમન બની હતી. પિતાએ આપેલા વારસા અને વૈભવને આગળ ધપાવતા એણે ખૂબ કામયાબી મેળવી હતી. દરેક એવોર્ડ્સ અને સન્માન તેણે પોતાના હસ્તગત કર્યા હતા. જાણે લક્ષ્મી અને સરસ્વતીનું સંગમ જોઈ લો. સુધાના મમ્મી પપ્પાને તેની સફળતા જોઈ આંતરડી ઠરતી હતી. એ સુધાને પામવા અને પોતાની બનાવવા જાણે યુવાનો વચ્ચે હોડ લાગી હતી. પણ સુધા આ સૌથી અજાણ પોતાના કામ અને માતા પિતાની દેખભાળમાં મશગુલ હતી. 

 પાકી ઉંમર વીતી ન જાય તે ચિંતાએ તેના પિતાએ તેને ત્રીસ વર્ષની ઉંમરે તેમની જ જ્ઞાતિના સામાન્ય ઘરના પાર્થ સાથે પરણાવી દીધી. પાર્થનો હસમુખ સ્વભાવે સૌના દિલ જીતી લીધા હતા. સૌનો લાડલો બનતા પાર્થને કારોબારની ઘણી કામગીરી સોંપી દેવામાં આવી હતી. સુધાને એનો કદમ કદમનો સાથી મળ્યો હતો. વેપાર અને જીવનમાં ઘણી સિદ્ધિઓ હાસલ કરી હતી. આયુષ અને આરવની માતા બન્યાના ગર્વ સાથે સુધા પોતાને આ ધરતીની સૌથી સમૃદ્ધ વ્યક્તિ સમજતી હતી. પણ કીધું છે ને સુખના દિવસો વીતતાં વાર નથી લાગતી એમ સુધાની જિંદગીમાં પણ સુખ બહુ લાંબુ ટક્યું નહિ.

  ઘર, ઓફિસ, ફેક્ટરીમાં તથા છોકરાઓને પોતાનો સમય આપતા ક્યારે એ પાર્થથી દૂર થઈ એને ખ્યાલ જ રહ્યો નહીં. વધુમાં પાર્થ પણ સુધાની સાથે રહેવા કરતા વધારે કંપનીના કામે બહાર રહેવા લાગ્યો. બંને વચ્ચે ફ્ક્ત કામ પૂરતી વાત થતી અને પોતાની દુનિયામાં ખોવાયેલા રહેતા. અચાનક એક દિવસ સુધાના હાથમાં માલદીવની બે વ્યક્તિ માટેની ટિકિટ મળી. સુધા એક ઘડી માટે તો ખુશ થઈ ગઈ પણ પછી તેનું ધ્યાન ટિકિટની તારીખ ઉપર ગઈ. તેના મોઢાનું નૂર ઊડી ગયું. તેની નજર તેના પર લખેલા નામ ઉપર ચોંટી રહી. પાર્થ અને વંશિકા ! આખી ઘટનાનો ચિતાર તેને સમજતા વાર ન લાગી. પાર્થનું દૂર થવું. લગભગ ત્યારથી જ વંશિકાનું કંપનીમાં જોડાવું. કોઈને કંઈ કહેવું કે પૂછવું સુધાને કંઈ સૂઝ્યું નહિ !

પાર્થની સાથે ઔપચારિક એ વિશે વાત કરતાં તો સુધાનું અંતરમન તૂટી ગયું. પાર્થે તેના વાંશિકા સાથેના સંબધં વિશે તો કબૂલ્યું પણ તેની સાથે તેને અને વંશિકા એ એક દીકરીને જન્મ પણ આપ્યો છે અને તે ઓફિસ સિવાય બીજું ઘર લઈ તેની સાથે અલગ પણ રહે છે તે વાત પણ કબૂલી. સુધાને કંઈ ન સૂઝતાં તેણે પાર્થ સાથે સમાધાન કરી લીધું. બંને દીકરાઓને પાકી ઉંમરે આ વાત બતાવવાની હિંમત ચાલી નહીં.

બીજા થોડા વર્ષોમાં દીકરાઓને ઠરીઠામ કરી દીધા. બંને પોતાના નવા વિચાર સાથે અને પોતાના નવા કામમાં મશગુલ થઈ ગયા. બંનેમાંથી કોઈને પણ ઘડીભર મા સાથે વાત કરવાની ફુરસદ હતી નહિ. જે સુધાએ પોતાના જીવનની ક્ષણે ક્ષણ જે પરિવારને આપ્યા, જેના માટે પોતાનું સર્વસ્વ અર્પિત કર્યુ એ પાર્થ અને સંતાનોએ સુધાને તેના ઘડપણમાં જાણે તેનું બધું ઝૂંટવી એકલી છોડી દીધી હતી. 

એ એકલી અટૂલી સુધાનું યૌવન જેટલું ઝાકામઝોળ હતું તેટલું જ ઘડપણ શુષ્ક અને નીરસ હતું. એક સમયની બટકબોલી સુધા જ્યારે તેને ખબર પડી કે તેને બ્લડકેન્સર છે ત્યારે એ બિલકુલ તૂટી ગઈ. 

 પોતાની દુનિયામાં મશગુલ એવા પાર્થે સુધાને હોસ્પિટલ અને દવાની વ્યવસ્થા તો કરી આપી પણ પ્રમેથી માથે હાથ ફેરવી તેના દર્દને ઓછું કરવાની ફુરસદ તેની પાસે ઘડીની પણ ન હતી. સુધાના સદનસીબે જ્યારે તે જીવનના છેલ્લા શ્વાસ હોસ્પિટલમાં ગણી રહી હતી ત્યારે મુક્તિ પોતાના નજીકના સંબંધીની ખબર જોવા તે જ હોસ્પિટલમાં આવી હતી ત્યારે અચાનક તેની નજર સુધા પર પડી. મુક્તિ અને સુધા કૉલેજમાંથી છૂટા પડ્યા પછી સારા નરસા સમય પર એકમેકના સાથી અચૂક બન્યા હતા. સુધાને પણ મુક્તિનો ઘણો સહારો હતો. પણ છેલ્લા ઘણા વર્ષોથી મુક્તિ પણ પોતાના જીવનમાં એટલી મશગુલ હતી કે તેને પણ સુધાની ખબર પૂછવાનો સમય ન હતો.

આજે અચાનક સુધાને આ સ્થિતિમાં જોતા તે અચંબિત થઈ ગઈ. શું કહેવું શું કરવું એને કંઈ સૂઝ્યું નહિ. તેણે જ્યારે સુધાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને " કેમ છે સુધા ?" એટલું જ પૂછતાં તો બંને સખીઓના આંખમાંથી અશ્રુની ધારા વહી રહી. છેલ્લા ઘણા વર્ષોની વાતોની આપ લે કરતાં આંખના ખૂણામાં ભીનાશે ઘર કરી લીધું.

સુધાની સ્થિતિ દિવસે દિવસે કથળતી ચાલી. ડોક્ટરે પણ જવાબ આપી દીધો. સુધાને પોતાના ઘરે જવાની કોઈ ઈચ્છા હતી નહિ. મુક્તિ તેને પોતાના ઘરે લઈ આવી. જ્યાં સુધી સુધા જીવી ત્યાં સુધી ખૂબ વ્હાલથી તેણે તેની સેવા કરી. તે બે - ત્રણ મહિના સુધી ન પાર્થ ન સુધાના દીકરાઓએ તે ક્યાં છે ? તેની તબિયત કેમ છે ? તેની ખબર લેવાની પરવાહ સુધ્ધા કરી ન હતી. 

 મુક્તિએ છેલ્લી સફરમાં જઈ રહેલી સુધાના મૃત્યુના સમાચાર તેના પરિવાજનોને આપ્યા નહિ. બસ તે તેની વ્હાલી સખીને લઈ પહોંચી મુક્તિધામ અને અગ્નિદાહ અર્પી, પોતાની વહાલી સખી સુધા માટે આંસુ સારતી ઘણો સમય ત્યાં જ ઊભી રહી. 


Rate this content
Log in

More gujarati story from Nidhi Shah

Similar gujarati story from Tragedy