સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
શિવમ પાર્ક સોસાયટીની આઠ દસ મહિલાઓનો સાંજે પંદર વીસ મિનિટ સોસાયટીનાં બગીચામાં મળવાનો રોજનો ક્રમ હતો. થોડીવાર બેસે અને અલક મલકની વાતો કરી રસોઈટાણું થાય એટલે સૌ છૂટા પડે અને કામે લાગે.
આમ જ એક સાંજે બગીચામાં બધી મહિલાઓ ભેગી થઈ. બીજી ચર્ચાઓને બાજુએ રાખી પલ્લવી બોલી, "તમને લોકોને નથી લાગતું કે આપણી રોજિંદી ઘરેડ સમી એકની એક ઘટમાળમાંથી થોડો વિરામ લેવો જોઈએ ?"
"એટલે કઈ રીતે ?" સીમાએ પૂછ્યું.
પલ્લવીએ કહ્યું, "ચાલોને, આપણે માત્ર મહિલાઓ બે દિવસ પ્રવાસ પર જઈએ !"
"પ્રવાસ ! વિચાર તો સારો છે પણ બે દિવસ ? અઘરું લાગશે હો. ઘરમાંથી નીકળવું કેટલું મુશ્કેલ છે એ તો આપણે જાણીએ જ છીએ." અદિતિએ કહ્યું.
સોનાલીએ સૂર પૂરાવ્યો, "સાચી વાત છે. આપણું જીવન રોજની એક જ ઘરેડમાં બંધાઈ ગયું છે. એ બધાં કામની ચર્ચા કરવા બેસીશું તો આ વીસ મિનિટ પણ વેડફાઈ જશે." એમ કહ્યું એટલે બધા હસી પડ્યા.
"હા,યાર પલ્લવીની વાત તો સાચી છે આપણો પણ પ્રવાસ થવો જોઈએ. આપણે જિંદગીની ઘટમાળમાં એવાં તો ફસાયા છીએ કે ખુદને તો ભૂલી જ ગયા છીએ ! ફેમિલી સાથે બહાર ફરવા જઈએ જ છીએ પણ બહેનપણીઓ સાથે ફરવા ગયે તો વર્ષો વીતી ગયાં અને ફ્રેન્ડ્સ સાથે ફરવાની તો મજા જ કઈક અલગ હોય છે ! આપણે ઘરમાં વાત કરી જોઈએ." સોનાક્ષીએ કહ્યું.
"સારું ચાલો હવે રસોઈટાણું થવા આવ્યું અને છોકરાઓ પણ સ્કૂલેથી આવતા હશે. હવે જે વાતો કરવી હોય એ ફરી કાલે કરીશું." સીમા બોલી.
બધા છૂટા પડ્યાં અને પોતપોતાને ઘરે જઈ કામે વળગ્યા.
સીમા, અદિતિ, પલ્લવી, સોનાક્ષી અને સોનાલી....આ બધી જ મહિલાઓ સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.
કામ કરતા કરતા પણ લગભગ બધાંનાં મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે ઘરમાં પૂછીશું એટલે ના તો નહીં જ પાડે અને આમ પણ બધાં વર્ષોથી એક જ સોસાયટીમાં રહીએ છીએ એટલે એક પરિવાર જેવું તો છે જ. બધાં જ એકબીજાને સારી રીતે ઓળખે છે. તો પણ બધાનો મૂડ જોઈ શાંતિથી વાત કરી જોઈશું.
બીજા દિવસે સાંજે ક્રમ મુજબ ફરી બધી બહેનો સોસાયટી ગાર્ડનમાં મળી અને એકબીજાને પૂછ્યું કે, "ઘરમાં વાત કરી ?"
"ના,હજુ તો નહીં હો..બધાનાં મૂડ જોવા પડે."
"સાચે જ યાર, કેટલું વિચારવું પડે છે ? આપણું જીવન કેવું બદલાઈ ગયું છે ! પંદર સોળ વર્ષ થવા આવ્યા હશે આપણા બધાનાં લગ્નજીવનને છતાંપણ પૂછતાં કેવો ડર લાગે ? આપણાં વડીલોનો સ્વભાવ પણ જુનવાણી નથી અને આપણને પણ બધી જ છૂટ છે. તો પણ મનના ખૂણે ક્યાંક બંધન જેવું તો લાગે જ." સીમા બોલી.
"આપણને ઘરમાંથી રજા મળે તો આપણે જઈશું ક્યાં ? એ તો પહેલા વિચારી રાખીએ..બરાબરને ?" અદિતિએ કહ્યું.
"અરે, ઘણાં સારા રિસોર્ટ છે અને એની આજુબાજુ ફરવાનું એકાદ સ્થળ હોય એવું બુકિંગ કરવી લઈશું." પલ્લવીએ કહ્યું.
સોનાક્ષી બોલી, "બરાબર છે, હવે ઘરમાં પૂછવાનું મિશન શરૂ કરીએ."
બધાએ સૂરમાં સૂર પુરાવ્યો, "યસ."
સમય થયો છુટ્ટા પડ્યા અને ફરી એનું એ જ રૂટિન.
બે દિવસનાં પ્રવાસ માટે રજા લેવાની કોઈ ગૃહિણીની ઘરમાં હિંમત ચાલતી જ નહોતી. બસ, પોતપોતાની ઘટમાળમાં જીવ્યે જઈ રહી હતી.
આમને આમ પાંચેક દિવસ થયા બગીચામાં પણ તેઓ મળ્યાં ન હતાં. વોટસએપ ગ્રુપમાં રાબેતા મુજબ ચર્ચા ચાલુ રહેતી. પરંતુ પૂછવાની કોઈનામાં હિંમત નહોતી.
"પલ્લવી બેટા, કેમ હમણાં ઘરમાં ગુમસુમ બેસી રહે છે ? તારી બહેનપણીઓને મળવા અને બગીચામાં બેસવા કેમ જતી નથી. કંઈ થયું છે ?" પલ્લવીનાં સાસુમાએ પૂછ્યું.
"ના મમ્મી કશું જ નહીં. એ તો બસ એમ જ..." એટલું કહેતાં બીજા શબ્દો પલ્લવી મનમાં ને મનમાં ગળી ગઈ પણ પલ્લવીનાં સાસુ કંઈ ઓછા નહોતા ! એમને વાત જાણવાની ઉત્સુકતા વધી ગઈ એટલે એમણે સોનાક્ષીની સાસુને ફોન લગાવ્યો અને બધી વાત કરી. સામે છેડે સોનાક્ષીના સાસુએ પણ એજ કહ્યું. એટલે એ બંનેએ નક્કી કર્યું કે જે કંઈ હોય એ વાત જાણીને જ રહેશે.
એ બધી જ બહેનપણીઓની સાસુઓ મંદિરે મળ્યા અને વાત કરી. એ દરમિયાન અદિતિનાં સાસુએ કહ્યું, "મેં અદિતિને સીમા સાથે કંઈક પ્રવાસ પર જવાની વાત કરતા સાંભળી હતી પણ બહુ ખ્યાલ નથી."
"પ્રવાસ ! હમમ મને એવું લાગે છે કે આપણી વહુઓ આપણને પૂછતાં ડરે છે પણ આપણે એમને સરપ્રાઈઝ આપીએ તો કેવું ?"
ભલે ને એ બધી બહેનપણીઓ બે ત્રણ દિવસ ફરવા જતી.
આપણે પણ વારે તહેવારે બસ બાંધીને દર્શનાર્થે જઈએ જ છીએ ને ! તો એમનો પણ હક્ક બને ને ક્યારેક આ રોજિંદી ઘટમાળમાંથી વિરામ લેવાનો." સોનાલીનાં સાસુએ સજેશન આપ્યું.
"હા,સારું ચાલો આપણે જ કોઈ સારું રિસોર્ટ બુક કરાવી દઈએ. આજે હું મારા દીકરાને પૂછી લઈશ. પણ વહુઓ માટે સરપ્રાઈઝ રાખવાની હો કે..." પલ્લવીનાં સાસુએ કહ્યું.
એ સાંજે પલ્લવીનાં સાસુએ પોતાનાં દીકરાને પૂછી આબુ માટે રિસોર્ટ બુકિંગ કરાવ્યું અને કહ્યું, "પલ્લવી અને એની બહેનપણીઓ માટે સરપ્રાઈઝ છે."
કેટલાએ દિવસ પછી બધી બહેનપણીઓ બગીચામાં ભેગી થઈ. બધી જ નિરાશ હતી. કેમકે પ્રવાસ માટે ઘરમાં પૂછી નહોતી શકી. એટલામાં બધી બહેનપણીઓના સાસુઓ ત્યાં આવ્યા અને એક સાથે બોલ્યા, "સરપ્રાઈઝ". કહી આબુની ટ્રેનની ટીકીટ હાથમાં આપી અને કહ્યું, "ત્યાં રિસોર્ટનું બુકિંગ પણ થઈ ગયું છે એ પણ એક કે બે દિવસ નહિ પૂરા પાંચ દિવસ માટે. ઘરની અને બાળકોની જરા પણ ચિંતા કરશો નહીં. અમે સંભાળી લઈશું. તમે ત્યાં બસ આનંદ આનંદ કરજો."
બધી બહેનપણીઓ એકસાથે બોલી, "અરે, મમ્મી ! તમે લોકોએ..." અને ખુશીનાં આંસુઓ સાથે પોત પોતાનાં સાસુમાઓને ગળે લાગી ગઈ !
"તૈયારી શરૂ કરી દો કાલ રાતની જ ટિકિટ છે." અદિતિના સાસુએ કહ્યું.
સૌ ખુશીથી પોતાના ઘરે ગયા અને તૈયારીમાં લાગી ગયા.
બીજી રાતે બધી જ બહેનપણીઓ ખુશીથી આબુ જવા ટ્રેનમાં રવાના થઈ. બધી જ સખીઓ ખૂબ ખુશ હતી કેમકે કેટલાય સમય પછી તેઓ બધાં આ રીતે પ્રવાસ પર જઈ રહ્યા હતાં. બીજા દિવસની સવારે આબુ પહોંચ્યા. પછી રિસોર્ટમાં જઈ, ફ્રેશ થઈ પછી બહેનપણીઓ ખુશીથી ફરવા નીકળી જ પડી !
ઘણાં સમય પછી સૌ પોતાની રીતે અને મનથી ખુલ્લી હવામાં પ્રકૃતિના સૌંદર્યને માણી રહ્યા હતા. તેઓનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. પલ્લવીને ગિટાર વગાડવાનો શોખ હતો. તેણે ખુલ્લા આકાશ નીચે મન ભરીને વર્ષો પછી ગિટાર વગાડ્યો. સાંજે સનસેટ પોઈન્ટ પર પહોંચી સૌએ મંત્રમુગ્ધ કરી દેનારું સૂર્યાસ્તનું દ્રશ્ય જોયું ! ક્ષિતિજ પર સૂરજની લાલિમા પથરાઈ હતી ! ત્યારે સોનાક્ષીના હાથમાં સ્કેચબુક હતી જેમાં સૂરજની લાલિમા કંડારાઈ રહી હતી. સોનાક્ષીને પેઈન્ટિંગ કરવું બહુ જ ગમતું હતું.
તેઓ નખી લેક, અબુરદાદેવી મંદિર...વગેરે બધાં જ જોવાલાયક સ્થળોએ હર્યા ફર્યા..ઘણાં ફોટા પાડ્યા...આબુમાં કુદરતનાં સૌંદર્યને મન ભરીને માણ્યું. ખૂબ મજા કરી. વર્ષોની તાજગી મનમાં ભરી લીધી. પાંચ દિવસનો સમય ઝડપથી પસાર થઈ ગયો હોય એવું લાગ્યું.
પછી તો ટ્રેન..રિટર્ન ટિકિટ અને ફરી ઘર તરફ પ્રયાણ. ટ્રેનની બારીમાંથી પ્રકૃતિનું સૌંદર્ય, આથમતો સૂરજ અને આકાશમાં પથરાયેલી લાલિમા જાણે કહી રહ્યા હતા, "ફરી મારે ખોળે ખેલવા આવજો. રોજિંદી ઘટમાળમાંથી વિરામ લઈને."
સર્વે સખીઓ મુક્ત મને વિહરીને, સાસુમાઓએ આપેલાં સરપ્રાઈઝથી રિચાર્જ થઈને પોતપોતાની જિંદગીઓમાં પાછી ફરી રહી હતી. સર્વેનાં મુખ મંડળ પર એક અલગ જ તેજ તરવરી રહ્યું હતું.
