Kausha Jani

Comedy Drama

4.5  

Kausha Jani

Comedy Drama

ટીની અને ટીકુ

ટીની અને ટીકુ

4 mins
315


"અલ્યા, તમને ખબર છે ઓલા ત્રીજા માળે રહેતા મીનાબેનની ટીની ઓલા છાયાબેનનાં ટીકુ હારે આજ ભાગી ગઈ ? મીનાબેન તો આઘાતથી બેભાન જેવા થઈ ગયાં છે." બૈરાઓ એકબીજાં સાથે વાતો કરી રહ્યાં હતાં. એટલી વારમાં પુષ્પાબેન આવ્યા, અને કહેવા લાગ્યાં,"કેવી ડાહી, ભૂરી ભૂરી ટીની...પણ આમ ભાગી જશે એનો જરાયે અણસાર નહોતો." નીમા ત્યાં જ ઊભી હતી. એણે પણ આ વાત સાંભળી. 

નીમા હજુ વધારે સોસાયટીમાં કોઈનાં પરિચયમાં આવી નહોતી, કેમ કે એને આ નવી સોસાયટીમાં આવ્યે હજુ દસેક દિવસ જેવું થયું હતું. આ વાત સાંભળી એને પણ મીનાબેન માટે બહુ દુઃખ થયું. "કેટલો આઘાત લાગ્યો હશે એ બેનને અને એનાં પરિવારને..!" નીમા વિચારતાં વિચારતાં બોલી ગઈ. બાજુમાં બેઠેલા ક્રિષ્નાબેન બોલ્યા,"હા,બેન...પણ તમે આ સોસાયટીમાં નવા આવ્યાં છો એટલે ટીનીને તમે નહીં ઓળખતા હોવ બરાબર ને ?" 

"હા" નીમાએ કહ્યું.

ક્રિષ્નાબેને ટીનીનાં ભરપેટ વખાણ કર્યાં. પછી કહ્યું,"જે થવાનું હતું એ થઈ ગયું, ચાલો હવે ઘરે જઈ કામે વળગીએ." 

"હા, હા, રાતે પરવારીને જરા મીનાબેનને મળી આવશું. એમની હારે રે'શું તો એમને પણ સારું લાગશે." 

બધાં બૈરાંઓ છૂટાં પડ્યાં.

નીમા પણ ઘરે ગઈ અને રસોડામાં કામે વળગી પણ મનમાં ટીની ભાગી ગઈ એજ વિચારો ઘૂમી રહ્યાં હતાં. એટલામાં નિમેષ ઑફિસેથી આવ્યો. અને ફ્રેશ થઈ બંને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.નીમાને થોડી ગુમસુમ જોઈ નિમેષે પૂછ્યું,"શું થયું નીમા ? કેમ આટલી ચૂપચાપ બેઠી છે સોસાયટીમાં ગમતું નથી કે શું ?"

નીમા બોલી,"અહીં ત્રીજા માળે રહેતા કોઈ મીનાબેનની ટીની, ટીકુ સાથે ભાગી ગઈ.. બિચારા એ બેનને બહુજ આઘાત લાગ્યો છે. અત્યારે પરવારીને બધાં એમનાં ઘરે જવાનાં છે."

નિમેષે કહ્યું,"તું પણ જઈ આવજે."

કામકાજ પતાવી નીમા મીનાબેનનાં ઘરે ગઈ. ત્યાં બધાં બહેનો આવી ગયાં હતાં. મીનાબેન એકદમ ચૂપચાપ બેઠાં હતાં. ક્રિષ્નાબેનનાં હાથમાં ફોટાનું આલ્બમ હતું. બધાં ફોટા જોઈ વાતો કરી રહ્યાં હતા કે કેટલી સરસ સમજદાર ટીની, એ આવું પગલું કેમ ભરી શકે ? નીમીએ પણ આલ્બમ હાથમાં લીધું એક પછી એક ફોટા જોવા લાગી. જેમાં એક તેર ચૌદ વર્ષની છોકરી નાના મસ્ત ભરાવદાર ભૂરા વાળવાળા પપ્પી સાથે રમી રહી હતી. 

નીમા બોલી,"કેટલી સરસ લાગે છે.."

એટલામાં મીનાબેન બોલ્યા,"મારી જ ભૂલ છે કે હું ટીનીની જિદ પર રોજ ગાર્ડનમાં લઈ જતી હતી...મને શી ખબર કે ટીની ઓલા છાયાનાં રખડુ ટીકુને મળવા જવાની જિદ કરતી હશે ?" આમ કહી ફરી રડવા લાગ્યાં. એમનાં હસબન્ડે કહ્યું,"અરે,આવી જશે ટીની. એ ક્યાંય ટકે એમ નથી. તું એનો સ્વભાવ તો જાણે જ છે તો શું કામ રડે છે ?" મીનાબેને કહ્યું,"આઘાત તો લાગે ને...નાનકડી હતી આપણે એને લાવ્યા હતા...લાડ કોડથી ઉછેરી મોટી કરી અને આમ ભાગી જાય ?" કહી ફરી ઉદાસ થઈ ગયાં. પુષ્પાબેને સાંત્વના આપી પાણીનો ગ્લાસ ધર્યો અને બોલ્યાં,"આપણી રિંકી ગઈ જ છે ને એને લેવા....જોજો એ લઈને જ આવશે સમજાવી પટાવીને.." 

નીમાને થયું કે પોતાનું નથી છતાં કેટલો વ્હાલ કરે છે મીનાબેન ! અને પોતાનું વ્હાલું આવું પગલું ભરે તો સ્વાભાવિક છે આઘાત તો લાગે જ.

રાતનાં સાડા નવ વાગવા આવ્યાં હતાં. દરવાજે બેલ વાગી. નીમાએ જોયું તો પેલી આલ્બમ વાળી છોકરી એની સાથે ભરાવદાર ભૂરા વાળવાળું પપ્પી લઈને ઘરમાં આવી. મીનાબેન તો ખુશ થઈ ઊભા થઈ ગયાં અને મારી ટીની એમ કહી બંનેને બાથમાં લઈ લીધા. નીમાને થયું,"આ જ હશે ટીની હાશ...આવી ગઈ." 

એ બંનેની સાથે એક બેન પણ હતાં. બધાં લેડીઝ એમની સામે ગુસ્સાથી જોઈ રહ્યાં. એ બેન એટલે છાયાબેન. મીનાબેન તાડુક્યાં,"અલી, છાયાડી તારા ટીકુને સમજાવતી હોય તો આમ ટીનીને ભગાવીને લઈ જાય તે...!" 

છાયાબેન બોલ્યાં,"તમારી ટીની તો બહુ હોંશિયાર હો...મારાં ટીકુએ એક દિવસ બગીચામાં તમે ટીનીને આપેલા બિસ્કીટ ઝૂંટવી લીધા એનો બદલો ઘરે આવીને લઈ ગઈ." બધાં આશ્ચર્યથી એમને જોઈ રહ્યાં. 

છાયાબેન બોલતાં રહ્યાં,"ટીની ને ટીકુને જરાયે ના બનતું, પણ છેલ્લાં ચાર દિવસથી ટીકુ બગીચામાં જવાની બહુ જિદ કરતો. અમને એમ કે એને ત્યાં ગમતું હશે પણ એવી ક્યાં ખબર હતી કે ટીનીએ એને બદલો લેવા પ્રેમજાળમાં ફસાવ્યો હશે ! આજે સવારે ટીનીએ તમારો હાથ છોડ્યો અને ટીકુએ મારો. બંને ભાગ્યાં તો ખરા, પણ સીધા પહોંચ્યાં અમારા જ ઘરે. હું ઘરે પહોંચી ત્યાં ટીકુ અને ટીની ડાહ્યાં ડમરા થઈને બેઠાં હતાં. મેં ટીનીને સમજાવી પણ ખરી કે આમ હાથ છોડીને ભગાતું હશે ! કેટલી ચિંતા થાય ઘરનાં લોકોને ? હું તમને મોબાઈલ પણ કરવા ગઈ તો મારો ફોન પણ પછાડી દીધો બોલો. અને મને સમજાવવા લાગી કે તે સાંજે જતી રહેશે. પછી ટીકુએ ટીનીને ભાવતાં બિસ્કિટની માંગણી કરી એટલે મેં આપ્યાં. બંનેએ મન ભરીને ખાધાં. પછી આખો દિવસ સાથે રહી ખૂબ મસ્તી કરી અને આખરે ટીનીએ એનું કારસ્તાન કરી જ બતાવ્યું. મારા ટીકુને ચહેરા પર પીઠ પર એવા નખ માર્યાં કે એ લોહી લુહાણ થઈ ગયો. અત્યારે એને પાટાપિંડી કરીને માંડ સૂવાડ્યો. બિચારો ભોળો ટીકુ બહુ રોયો." 

નીમાને હજુ પણ કંઈ સમજાતું નહોતું કોણ ટીની ને ટીકુ...! 

મીનાબેન પેલી ફોટાવાળી છોકરી જેને પપ્પી તેડ્યું હતું એની સામે જોઈ બોલ્યા,"બેટા ટીની, આવું ન કરાય, ટીકુને કેવું વાગ્યું હશે ? બિચારાને દુખતું હશે. તું કાલે એને મળી સોરી કહી દેજે, અને એની ગુડ ફ્રેન્ડ બની જાજે. અને ધ્યાન રાખજે કે હવે પછી કોઈની સાથે આવું નહીં કરવાનું..ઓકે બેટા.." ત્યાંજ પેલી છોકરી નહીં પણ પપ્પીએ જવાબ આપ્યો એની ભાષામાં,"ભાઉં ભાઉં...ભાઉં..!

નીમાને હવે સમજાયું કે કોણ ટીની ને કોણ ટીકુ... એને તો આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો. અને મનોમન હસવું પણ આવ્યું. 

આખો મામલો થાળે પડ્યો અને સૌ પોતપોતાને ઘરે ગયાં. 

નીમાએ ઘરે આવી નિમેષને ટીની ટીકુની આખી આઘાતભરી વાર્તા કરી. 

બંને હસી હસીને લોટપોટ થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy