STORYMIRROR

Dipak Chitnis

Inspirational

4  

Dipak Chitnis

Inspirational

સપ્તપદી

સપ્તપદી

8 mins
246

સરકારમાં ઉચ્ચ હોદ્દા પર ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી ને જયેશભાઈ સરકારના નીતિનિયમોને આધીન ૫૮ વરસ પુર્ણ થતાં નિવૃત થઈ આજકાલ ઘરમાં જ સમય વિતાવતા હતા. સરકારમાં ઉચ્ચ હોદ્દા પર અને તેમાંય પાછા સચિવાલયની સમયસરની નોકરી સવારના ૯-૦૦ વાગે શરૂઆતમાં જો પોઈન્ટની બસની સફળ માણતા અને સાંજે ૭-૩૦ વાગે ઘરે પરત આવવું આ નિત્ય ક્રમ હતો. પરંતુ નોકરીના લગભગ બે ત્રણ વર્ષ અગાઉ જયેશભાઈ ને નાનો સરખો હ્રદયરોગનો હુમલો આવી ગયેલ હતો. ત્યારબાદ તેઓ બીજા તેમના અન્ય અધિકારીઓની સાથે એક કારમાં સચિવાલય જવાનું નક્કી કરેલ હતું. વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયાં ઘરમાં નિવૃતિ જીવન ગુજારી રહેલ હતાં. 

તેમના અર્ધાંગિની જલ્પાબેન નાની સરખી ચીખ કરતાં કહે છે, એ, કહું છુ, સાંભળો છો મોટા સાહેબ ? આ તમારી રોજની દવા અને આ તમારો ટુવાલ અહીં ટેબલ પર જ મૂક્યા છે. નહાવા માટે બાથરૂમમાં જતા પહેલા દવા લઈ લેજો અને ટુવાલ અંદર લઈ જવાનું પાછા ના ભૂલતા. હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ ચણાના લોટના પૂડલા ઉતારે, તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઈ જશે નાસ્તો તૈયાર, પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે.. આજે કંઈક એમનો દિવસ છે. બધા વિદેશમાં ઉજવે એવું કંઈક છે.‘‘

"એ હા ભલે.." કહીને જયેશભાઈ બાથરૂમમાં ચાલ્યા ગયા. જલપાબેન રસોડામાં ગયા અને તેમની વહુને ચણાના લોટમાં પૂડલા બનાવવા માટેનું કહ્યું. પછી પોતાના રૂમમાં જઈ જયેશભાઈની વસ્તુઓ સરખી કરીને નીચે ઉતર્યા. નીચે ઉતરતા ઉતરતા અચાનક તેમની નજર રસોડામાં પડી તો તેમનો દીકરો અંકિત તેની પત્ની અંકિતાને કંઈક મદદ કરી રહ્યો હતો.

અંકિતા કહે તેમ ચણાના લોટમાં પૂડલા ઉતારતો હતો. આ જોઈને પહેલા તો તેમને સહેજ ગુસ્સો આવ્યો કે બાયલો બનીને આ શું કરે છે તેમનો દીકરો પણ અચાનક જ એ એ બંનેના ચહેરા પર મુસ્કાન અને રમત જોઈ ગુસ્સો એકાએક ગાયબ થઈ ગયો. તેમની આંખો ઠરી ગઈ એ સંબંધના હેતને, પ્રેમને અને વહાલને નિહાળીને..

"અરે અરે અંકિત મમ્મી કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે. પ્લીઝ તમે હવે જતા રહો.. તમે કહ્યું એટલે મેં બે પૂડલા તમને કરવા દીધા. પણ હવે વધારે નહીં. મમ્મી કે પપ્પા જોશે તો કેવું લાગશે તેમને ?"

"કંઈ ખરાબ નહીં લાગે જાનુ, તું એ બધું નકામુ ના વિચાર, એવું હશે તો હું એમને જવાબ આપી દઈશ. તું ફટાફટ કામ પતાવી લે. બધા આપણી રાહ જોતા હશે. ફ્રેન્ડશીપ ડેની આ વન ડે પિકનિક આપણા કારણે દસ વાગ્યાની રાખી છે બધાએ બાકી તો સવારમાં છ વાગ્યામાં જ વહેલાં પાવાગઢ જવાનો પ્લાન હતો એમનો, આ તો તારી ફરજ છે મમ્મી-પપ્પા પ્રત્યે એટલે મેં એમને સમજાવ્યા. ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફિલ કરતો હતો.."

એમ કહીને અંકિતે અંકિતાને સહેજ બાથમાં લઈ લીધી.!

"અરે.. મમ્મીએ તો મને કહેલું જ કે આપણે વહેલા જવું હોય તો જઈએ. પણ મને લાગ્યું કે એક તો આમેય પપ્પાની બધી જવાબદારી મમ્મીની છે. એમાય આ બે પૂડલા બનાવવાના હતા. મોળું દહીં કે સરસ જીરુ મીઠું નાંખી બનાવશે. અને તને ખબર છે ને, એમની કમર વધારે દુખશે. પગ પણ કેટલા દુ:ખે છે એમના. એટલે જ મારાથી થાય એટલું તો મારે કરીને જ જવું જોઈએ ને અંકિત.‘‘ આ સાંભળી તરત જ અંકિત તેને ફરી ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી લીધું. ‘‘કેટલી સુંદર પત્ની મળી છે મને. સંસ્કારી અને એટલી જ સમજુ પણ.."

‘‘અને હા, મને પણ કેટલા સમજદાર પતિદેવ મળ્યા છે. મારા મિત્ર.. કાશ મમ્મીને પણ.."

 ‘‘શ.. બસ હવે તારો જીવ ના બાળીશ.. પપ્પાનો તો સ્વભાવ જ આવો છે.."

અંકિતે કહ્યું ને અંકિતા ચૂપ થઈ ગઈ. બંને ફરી પાછા તેમના કામમાં પરોવાઈ ગયાં..

જયેશભાઈ અને જલપાબેનને બે દીકરાઓ. બંને જુદાં જુદાં રહે.. જયેશભાઈ-જલપાબેન બે મહિના મોટા દીકરા અજયના ઘરે જાય તો બે મહિના અંકિતની સાથે રોકાય. બંને ભાઈઓ એકબીજા માટે જાન આપવા પણ તૈયાર.. ! જુદાં રહેવા છતાંય પરિવાર અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ એવો ને એવો જ અકબંધ જળવાયેલો હતો. જયેશભાઈ હાલ તો ઘરે હતા પરંતુ તેમની સચિવાલયની પોલીસ ખાતાની નોકરીને પરિણામે તેમનો સ્વભાવ થોડો કડક અને સમયપાલનના ચુસ્ત આગ્રહી. અંકિત મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો. અજય આઈપીએસ ઓફિસર હતો. જયેશભાઈ તેમના સ્વભાવે બહુ કડક પરિણામે જલપાબેન પ્રત્યે પણ અને એમના દીકરાઓ પ્રત્યે પણ તેઓ કડક રહે.. હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ કરે બધાને.. ! લાગણી દરેક માટે અનહદ..!

 તૈયાર થઈને જેવા નીચે ઉતર્યા કે જલપાબેને તરત જ ટેબલ પર તેમનો નાસ્તો તૈયાર કરવા લાગ્યા.. અંકિત પણ રસોડામાંથી બહાર નીકળી તેના ઓરડામાં ચાલ્યો ગયો.. !

‘‘ક્યાં જવાના છો વહુ તમે બંને ?"

જયેશભાઈ એ અંકિતાને સંબોધીને પૂછ્યું,

"પપ્પા આજે ફ્રેન્ડશીપ ડે છે ને તો એમના ફ્રેન્ડસ અને મારી ફ્રેન્ડસ ને એના હસબંડ મળી રહ્યા છીએ, અમે બધા.. વન ડે પિકનિક જેવું જ છે."

‘‘તો એમાં તમારે શું જવાની જરૂર છે ? એ એના મિત્રો સાથે જઈ આવશે. ફ્રેન્ડશીપ ડે છે ને વેલેન્ટાઈન ડે ક્યાં છે !"

‘‘મેં પણ એમને એ જ કહ્યું પપ્પા.. તો એ કે છે કે તું પણ મારી ફ્રેન્ડ જ છે.."

અંકિતાનો આ જવાબ સાંભળી જયેશભાઈ ખડખડાટ હસી પડ્યા..

"બોલો.. પતિ-પત્ની ક્યારેય મિત્રો હોતા હશે વળી. આ આજકાલના છોકરાઓને શું નવા તુત સૂજે છે.."

અંકિતા આ સાંભળીને સહેજ ભોંઠી પડી ગઈ..

"સાહેબ.. ઠરી જશે આ ચણાના લોટના પૂડલા.."

જલપાબેન અંકિતાના બચાવમાં તો ના બોલી શક્યા પણ વાત ફેરવવા તેઓએ આ પ્રમાણે કહી દીધું અને અંકિતાને ઈશારો કર્યો કે ઉપર જતી રે'.

અંકિતા અને અંકિત તૈયાર થઈને નીચે ઉતર્યા ત્યારે જયેશભાઈ પણ તેમના નિવૃત મિત્રો સાથે જવાની તૈયારી કરતા હતા. સેન્ડલનાં બક્લની ગૂંચવણમાં અટવાયેલી અંકિતાને જોઈને અંકિત નીચો નમ્યો અને તે સેન્ડલનું બકલ ખોલીને અંકિતાને પહેરાવવામાં મદદ કરવા લાગ્યો.. પાછળ ઉભેલા જયેશભાઈની નજર આના પર પડી કે તરત બોલ્યા,

"અંકિત, પત્નીને પત્ની જ બનાવીને રાખો.. મિત્ર નહીં.."

અને ગુસ્સામાં લાલ મોં કરીને ચાલ્યા ગયા.. જયેશભાઈ મિત્રો સાથે શહેરના જુના વિસ્તારમાં હતા. ત્યાં પણ બધે ફ્રેન્ડશીપ ડે ના પોસ્ટર્સ લગાવેલા હતા. જ્યાં ને ત્યાં જાતજાતના બેન્ડ્સ વેચાતા હતા અને કેટલાય અલગ અલગ પ્રકારે લખેલા ક્વોટસ પણ મળતા હતા.. જયેશભાઈ ને આ બધું નકામું લાગી રહ્યું હતું.

‘‘ખરેખર.. બહુ મજા આવી હોં મમ્મી આજે તો.. અમે બધાએ કેટલી બધી ગેમ્સ રમી ખબર છે.. કેટલી મજા કરી.. બધાએ એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા.. લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ.. !"

રાતના દસ વાગ્યે પાછા ફરેલા અંકિત અને અંકિતા આવીને તરત જલ્પાબેન પાસે ગયા.. જયેશભાઈ તેમની આદત મુજબ વોક પર ગયેલા.. અંકિતા આખા દિવસમાં તેમણે શું કર્યું એ બધું વિગતવાર પોતાના સાસુને કહી રહી હતી. જલ્પાબેન પોતાના પગમાં તેલનું માલીશ કરી રહ્યા હતા.

'મમ્મી.. બહુ કામ કર્યું ને. લાવો ચલો હું માલીશ કરી આપું છું.."

"અરે ના દીકરી.. તું કહે ને તારી વાતો મજા આવે છે ને.."

જલ્પાબેને અંકિતાને જવાબ આપ્યો..

"અને હું કંઈક કહું..?"

અચાનક જ, અંકિતા અને જલ્પાબેનની નજર દરવાજે આવીને ઉભેલા જયેશભાઈ પર પડી.

‘હા..હા.. સાહેબ. બોલો ને."

તરત જ જલ્પાબેન પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા.. માલીશ માટે લીધેલા તેલની વાડકીમાથી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ તેમનું ધ્યાન ના ગયું..

જયેશભાઈ આગળ આવ્યા અને બોલ્યા,

"શું હું તને આ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધુ ?"

જલ્પાબેન સાથે અંકિતા અને અંકિતને પણ અચરજ થયું. આ સૂરજ આજે કઈ બાજુથી ઊગ્યો એ વિચારતા ત્રણેય એક્ટશે જયેશભાઈને જોઈ રહ્યા..

"અરે જલ્પા, તમારો હાથ તો આપો.. કે મને તમારે તમારો મિત્ર નથી બનાવવો ? હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા.."

અને માધવરાય પોતે જ હસી પડ્યા.

અચકાતા અચકાતા જલ્પાબેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત જયેશભાઈ એ પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ તેમને બાંધી દીધો..

"હેપી ફ્રેન્ડસ ડે જલ્પા…‘‘

જલ્પાબેન તો સામે જોઈને આવું કહીને તેઓ હસી પડ્યા..

અંકિત અને અંકિતા હજુ પણ આ બધુ જોઈ અચંબામાં ઊભા હતા.

"કેમ મારા દીકરા ! માર ગુરુ.. આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હોં.."અંકિત તરત બોલ્યો,

‘‘મેં શું શીખડાવ્યું પપ્પા.. કંઈક ફોડ પાડીને વાત કરો તો સમજાય.."

"હા..હા..હા.. બેસો બેસો અહીં.."

કહીને સોફા તરફ ફરીને જયેશભાઈ બેઠા.. જલ્પાબેન, અંકિત અને અંકિતા પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા..

હું બહુ નાનો હતો ત્યારે મારા માતા-પિતાના સંબંધોને જોતો.. બાપુજી હમેશા બાને માન આપતા. પત્ની તરીકેનું માન ! તેમનો સંબંધ બહુ સુંદર હતો.. પરંતુ એ બંને ફક્ત પતિ-પત્ની જ હતા. મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા.. એ પણ ઈંગ્લીશ મીડ્યમમાં.. એક વાર બાપુજી કંઈક દુકાનનો હિસાબ કરતા હતા.. ગોટાળો થયો.. બા બાજુમાં જ હતા.. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય. ખબર નહીં બાપુજીને શું થયું કે બાને જાપટ જીકી દીધી. હું મારા ઓરડામાં ઊભો ઊભો આ જોતો હતો.. હબકી ગયો.. ને દીકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે.

"મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો.. સલાહકાર, મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો રમીલા.."

ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે.. માર્ગદર્શક ના બની શકે.. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં.

તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દીકરા. હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું મારામાંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું કે ખુશ થાઉ ખબર નથી પડતી.. કદાચ આ તારી માંના જ સંસ્કાર હશે દીકરા.. તને સ્ત્રીનું સન્માન કરતા અને તેને સખી સમજતા શીખવ્યું હશે તેણે.. !

આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તને રસોડામાં જોયો હતો, વહુની મદદ કરતા. એ પછી તેને સેન્ડલ પહેરાવતાં.. એ સમયે આ દ્રશ્યો જોઈને તો લોહી ઉકળી ગયેલું, પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું તું કરતો હતો એ સાચું જ હતું.. હું કરું છું એ ખોટું છે. દુકાનમાં બેઠો હતો ત્યારે આ તમારા ફ્રેન્ડશીપ ડેના બધા પોસ્ટર વાંચ્યા.. એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું..

પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન. તેના મિત્ર બનીને રહેવાનું એ વચન.. એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ.. મેં કરેલાં બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઈને અભિમાન થયું.

બસ ત્યારે જ આ બેલ્ટ લીધો.. અને તારા મમ્મીને પહેરાવવાનું વિચાર્યું.. મંગળસૂત્ર અમારા સુખી લગ્નજીવનની નિશાની છે એમ આ બેલ્ટ હવે અમારા સખાભાવની નિશાની બનશે.."

જલ્પાબેન તો આ સાંભળીને રડી જ પડેલા.. જયેશભાઈનું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું.

"અરે હા છોકરાઓ.. તમે બંને અહીં આવો.. મોટાના ઘરે તો જઈ આવ્યો.. તમે બેય બાકી છો.. એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ્સ જોઈને ખુશ થયેલો. કહેતો હતો કે હું ને જલ્પા ક્યારે એના ઘરે જઈએ છીએ હવે.. બહુ યાદ કરતો હતો.

ચાલો તમે અહીં આવો. બંનેને આ બેલ્ટ બાંધી આપું.

આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું.. સંબંધને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય.. જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય.. સ્વાર્થ નહીં. આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું.. કેમ વહુ બહેનપણી બનશો ને મારા ?"

સસરાજીના મુખેથી આવું સાંભળીને અંકિતાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું. એ પછી અંકિતા અને અંકિતને એ બેલ્ટ બાંધી માધવરાયે એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું..એ જ રાતના લગભગ બાર વાગ્યે ઊંઘ ના આવતા હિંચકે બેઠેલા જલ્પાબેન પાસે જયેશભાઈ આવ્યા.

"હું એક હજુ વાત કહેતા તો તને ભૂલી જ ગયો જલ્પા.."

જયેશભાઈને અચાનક જોઈને જલ્પાબેન ફરી અચંબિત થઈ ગયા..

"બોલો બોલો ને સાહેબ.."

"બસ આ જ.. હવેથી તમારે મને સાહેબ નથી કહેવાનું.. આજથી હું તને સખી કહીશ અને તું મને સાથી.. તું મારી સંગિની છે, અને આજથી સખી પણ બની છે.. મારી જીવનસખી.. આખી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે.. આ સાતમું વચન આ ઉમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો.. મારી સખી.. મારી સંગિની.."

અને પાંસઠ વર્ષનાં જલ્પાબેન બધું ભૂલીને પોતાના અડસઠ વર્ષના પતિને-સખાને-સાથીને વળગી પડ્યા..!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational