સોનેરી કીડીઓ
સોનેરી કીડીઓ


દિવસનો દોઢ વાગ્યો હતો. મે બા સામું જોયું. બા કોદાળી વડે માટી ખોદી રહી હતી. બા એ ગરમીથી બચવા મોંઢા પર બુકાની બાંધી હતી. બા ને મેં વર્ષોથી સખત મજૂરી કરતી જોઈ છે. મને ઘણીવાર વિચાર આવે છે કે બા ને થાક નહીં લાગતો હોય.. ?
દુષ્કાળના દિવસોમાં સરકારે રાહતકામ ખોલ્યાં હતાં. એક અધિકારી આવતો. એ ખાતું માપતો. ભૂખે ભાંગી ગયેલું ગામડું એ અધિકારીને શીરો જમાડી ખુશ કરતું. જેના ઘેર અધિકારી જમતો એનું ખાતું બમણું મપાતુ. બા વ્યવહારુ હતી. એ ઘણીવાર બાપુજીને આગ્રહ કરતી.
" સાયેબને રોટલાનું કો ને.. ? "
પણ,બાપુજી ચુસ્ત નીતિમત્તાને વરેલા. ખોટુ કરે નહીં ને ઘરને એ રસ્તે જવા પણ ન દે. એ જ કારણથી બા ને ચોકડીયુમા બમણી મજૂરી કરવી પડતી. આસપાસના સૌ વહેલાં ઘેર જવા નીકળી જતા. બા ધોમધખતા તાપમાં બુકાની બાંધીને મંડી જતી.
હું શાળાએથી ઘરે ગયો હતો. રસોડામા થોડાં ખાંખાખોળા કર્યા પણ, ખાવાનું ન મળ્યું. ઓરસીયા પર પડેલું એક બટકું ખાઈને હું બા ને મળવા દોડ્યો. બાપુજી ઘરમાં નહોતાં. એમને ગામનાં ચોટે પંચાત કુટવાની મજા આવતી. મારી ચિંતા વધી ગઈ હતી. શાળામા સૌ પ્રવાસે જતાં હતાં. મે પણ હરખથી નામ નોંધાવ્યું હતું. પ્રવાસની સો રૂપિયા ફી હતી. કાલે ફી ભરવાનો છેલ્લો દિવસ હતો. હું હાંફળો ફાફળો થતો બા પાસે પહોંચ્યો. જોયુ તો આસપાસના સૌ આરામથી જમતાં હતાં. બા પરસેવે રેબઝેબ બનીને માટી ખોદી રહી હતી. મારી નાની બહેન ઢબુ બાવળનાં છાંયા તળે બેઠી બેઠી માટીથી રમતી હતી. મને ભુખ લાગી હતી.
" બઈ.. . આજે સાયેબે ફી ભરવાનું કીધું હે.. " મેં બા ની નજીક જઈને કહ્યું. મને જોતાં જ બા ની આંખોમાં ચમક આવી ગઈ. બા મને બહું વ્હાલ કરતી.
કોદાળી હેઠી મેલીને બા બાવળનાં છાંયા તળે ઢબુની જોડે જઈને બેસી ગઈ. બા એ બુકાની કાઢી ત્યારે એનો સુંદર ચહેરો લાલચોળ બની ગયો હતો. બા એ પોતાના ગંધાતા સાડલા વડે મોઢું લૂછતાં મને હેતથી પાસે બેસાડ્યો.
" ચેટલા રૂપિયા આલવાના હે.. " બા એ પૂછ્યું.
" હો.. " મેં ઉત્સાહથી કહ્યું. મને પ્રવાસ જવાનો ખુબ જ ઉત્સાહ હતો. મે જોયું તો મારાં જવાબથી બા નું મોઢું વીલાઈ ગયું હતું. દુષ્કાળના દિવસોમાં સો રૂપિયા નાની રકમ નહોતી.
" હાજે તાર બાપાને કઉ હેંડ.. . ખઈ લે.. "
" કાલે છેલ્લો દાળો.. . પછી નઈ.. "
" ખઈ લે પેલો.. વઘારેલી રોટલી લાવી હું.. તને બઉ ભાવે ને.. "કહીને બા એ ઊભા થઈ બાવળની ડાળીએ ખોસેલું ભાત નીચે ઉતાર્યું. ખાવાનું
નામ પડતાં જ હું પલાંઠી વાળીને બેસી ગયો. ઢબુ પણ મારી બાજુમાં આવીને બેસી ગઈ. બા એ ભાત ખોલ્યું ને ઊંડો નિશ્વાસ નાખ્યો.
" અરરર.. . આમાં તો ચીડીયુ ચડી જઈ.. "
મેં દોળીયામા પડેલા કાળાં તપેલામાં નજર નાખી. વઘારેલી રોટલીની અંદર કીડીઓ ફરતી હતી.
મને ખબર હતી કે બા એ વઘારેલી રોટલી માટે કેટલી મહેનત કરી હતી. સાજે ઘરમાં વધ્યોઘટ્યો બાજરીનો લોટ વાળું માં વપરાઈ ગયો હતો ને તોય રોટલા ખુટ્યા હતાં. સ્વમાની બા સંકોચાઈ પાડોશમાંથી ઘઉંનો લોટ લાવી હતી. એની રાતની વધેલી રોટલીમાંથી એણે આજ સવારનું શિરામણ ને બપોરનું ભોજન તૈયાર કર્યું હતું. એ રોટલીમાં કીડીઓ ફરતી હતી. મને ખુબ ગુસ્સો આવ્યો હતો. મને સાચે જ કકડીને ભૂખ લાગી હતી.
" મારે નેહાળ જવાનું મોડું થાય હે.. " હું બા ઉપર અકળાઈ ગયો હતો. બા એ મારું રોતલ મોઢું જોયું. આજુબાજુમા નજર ફેરવી. બાજુના ખાતામાં કામ કરતાં લાલદાસબાપુ પાસેથી એણે બે રોટલી માંગી. મોટા મનનાં સાધુએ પોતાનું વધેલું ભાત અમને આપ્યું. જેમતેમ કરીને અમે પેટ ઠાર્યુ. પછી, હું બા સાથે થોડીવાર વાત કરવા બેઠો.
અચાનક બા એ ઉંહકારો કર્યો. મે ચમકીને બા સામે જોયું. બા પોતાનો ચણીયો ખંખેરતી ઉભી થઇ ગઈ. બા ના પગમાં સોનેરી કીડીઓ ચટકા ભરતી હતી. જ્યાં કીડીઓએ ચટકા ભર્યાં હતાં એ ભાગ લાલ લાલ થઇ ગયો હતો.
એટલામાં ખાતું માપણી કરનાર અધિકારી આવી પહોંચ્યા. ગામના બે ચાર ચોવટીયા એમની પાછળ પાછળ પાલતું કૂતરાની જેમ ચાલતાં હતાં. એમના મોટા ચશ્માંની અંદરથી તગતગતી આંખો જોઈને મને ડર લાગ્યો. બા આખાબોલી હતી.
" સાયેબ.. . માતર ચે દી આલશો.. ? " બા તડ ને ફડ વાત કરતી. મને બા નો આવો સ્વભાવ ન ગમતો.
" વિમાન આવતું જ હશે.. " લુચ્ચું હસીને પેલો અધિકારી બોલ્યો ને જાણે કોઈ મોટો જોક્સ માર્યો હોય એમ પેલાં ચોવટીયા પણ હસી પડ્યાં.
બા ભોંઠી પડી. મને ગુસ્સો આવ્યો પણ, કશું કરવાની કે કશું બોલવાની મારી હિંમત નહોતી.
" હરામ હાડકાંના.. . કામ કરવુ નથી ને મફતની માતર ખાવી છે.. " એવું કશુંક બબડતો એ દૂર ચાલ્યો ગયો ને બા એ બુકાની બાંધીને કોદાળી પોતાના હાથમાં લીધી.
આગ ઓકતી ગરમીમાં બા પોતાની ગરીબીનો ગુસ્સો ધરતીમાં પર ઉતારતી હોય એ રીતે ખોદવા લાગી.
હું જમીને શાળાએ ગયો. શાળામા સૌની ફી આવી ગઈ હતી. શિક્ષક વારંવાર મારા નામનો ઉલ્લેખ કરી મને શરમાવતા હતાં. એમને મારી આર્થિક સ્થિતિનો ખ્યાલ નહોતો. એ આંખો દિવસ મને ખુબ જ સંકોચ થતો રહ્યો.
સાંજે હું શાળાએથી છૂટીને ઘેર પહોંચ્યો ત્યારે મને એમ હતું કે હું બાપુજીને પ્રવાસ વિશે વાત કરીશ પણ,બાપુજી ખુબ જ ગુસ્સામાં હતાં. ઘરની તંગીનો ગુસ્સો એમણે બા પર ઉતાર્યો હતો. કશુ પણ વિચાર્યા વગર એમણે બા સાથે લાકડીથી મારપીટ કરી હતી.
બા રડતી હતી. મે જીવનમાં પહેલીવાર બા ને રડતી જોઈ. મને બાપુજી પર ગુસ્સો આવ્યો હતો. પણ, હું શું કરું.. ?
એ સાંજે વળી પાછી બા બાજુમાંથી ઉછીનો લોટ લઈ આવેલી. એ ચુલા આગળ રોટલી વણવા બેઠી ત્યારે હું એની બાજુમાં બેઠો હતો. બા રસોઈ કરતી કરતી ઘડીએ વડીએ પોતાના પગમાં પડેલાં લાલચોળ સોળ જોઈ લેતી ને પંપાળતી. હું દયાભરી નજરે બા સામું જોતો. એ પરાણે હસવાનો પ્રયત્ન કરતી.
એ રાત્રે સુતી વખતે મને ગભરાહટ થવા લાગી હતી. મને વારંવાર બા ના પગમાં લાલ લાલ ચકામા કરનારી સોનેરી કીડીઓ દેખાતી હતી.
એ કીડીઓ વઘારેલી રોટલીમાંથી નીકળીને બાપુજીની લાકડીમા, લુચ્ચા અધિકારીની આંખોમાં, શાળાનાં શિક્ષકની વાતોમાં, પાડોશમાં, ઘરમાં, રસોડામાં.. . ને છેવટે,મારા આખાય દેહમાં ફરતી હોય, વારંવાર ચટકા ભરતી હોય એવો મને ભાસ થયો.. ને હું પરસેવે રેબઝેબ થઇ ગયો.
હું મારી પથારીમાંથી ઊભો થયો ને જોરથી બુમ પાડી..
બા મારા એક જ અવાજથી જાગી ગઈ. હું બા ની પથારીમાં પહોંચી ગયો.. બા ની ગોદમાં લપાઈને સૂઈ ગયો. હું ધ્રુજતો હતો. સહેજ તાવની અસર હતી. બા એ મોડાં સુધી જાગીને મારાં શરીરે ઘી ઘસ્યું. હું બા ની ગોદમાં લપાઈને સૂઈ ગયો.
હવે મને બહાનું મળી ગયું હતું. હું તાવને લીધે પ્રવાસમાં જવાની ના પાડી શકીશ.. ! મેં મનને મનાવી લીધું હતું. પણ,એક યક્ષપ્રશ્ન ઊભો જ હતો.
બા સવારે ઊઠીને લોટ ક્યાંથી લાવશે.. ?