સંબંધો
સંબંધો
સોનલ અને હીરાબાને આજે એક સમારંભમાં જવાનું હતું, સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું. "એટલે, હીરાબા એ સોનલને કહ્યું બેટા સમારંભમાં તારે અને તારી માતા એ જવાનું છે, તેને બોલાવી લે". "ના, બા, આપણે બંને એ જવું છે, તમે જ મારી માતા અને બા છો". હીરાબા સોનલના અગ્રહને અવગણી ના શક્યા, પાછી સોનલ નારાજ થઈ જાય તો, હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો, કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ, વહુ છે, કે માતા, દીકરી.
સમારંભમાં, વાનગી બનાવવાની, ગીત સંગીત અને "માતા" "દીકરી" માં કોને શું ગમે છે એ માતા એ દીકરી માટે અને દીકરી એ માતા માટેની પ્રશ્નોતરીના જવાબ આપવાના હતા.
આ સ્પર્ધા પચાસ જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે એક થી ત્રણ અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા.
સ્પર્ધા પુરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે, બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા. જે ટીમને બીજું ઇનામ મળ્યું તું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય છે.
પણ, પછી, શું થયું, જેને બીજું ઇનામ મળ્યું હતું, તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા, દીકરી નહીં પણ સાસુ, વહુ છે, તેમણે આયોજકોને રજુઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે.
આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું, "સોનલ, કહે, હા, હીરાબા મારા સાસુ છે, પણ મારા માટે માતાથી વિશેષ છે", "સ્પર્ધાનો નિયમ માતા અને દીકરીની માટેનો છે, પણ નિયમમાં ક્યાંય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી, છતાં નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઈનામ જતું કરું છું, પણ મારી વિનંતી છે કે મારે સ્પર્ધકોને કંઈક કહેવું છે".
આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી, સોનલ, ઊભી થઈ અને કહ્યું........
માતાઓ અને મારી બહેનો, મારે કાઈ કહેવું નથી, પણ મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે, જે આપણા લગ્ન સુધીનો હોય છે અને પછી આપણી સાસુ, પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એક બીજાના અંત સમય સુધીનો હોય છે, ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતા સાસુ સાથેનો સમય વધુ હોય છે આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો.
મારી જેમ તમને પણ અનુભવ હશે, કે સાસુ તમને કહેશે પણ બીજાને કઈ નહીં કહેવા દે, ઢાલ બની ઊભા રહેશે, ઘરની રસોઈની પદ્ધતિ, રહેણીકહેણી શીખવાડશે, સામાજિક સંબંધોની આટી ઘૂંટી સમજાવશે, અને કોઈ પણ સમયે પહેલો હોંકારો તે આપશે, માતા તો ક્યાંય દૂર બેઠી હશે, તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમા જોઈને માતાનો દરજ્જો કેમના આપી શકીએ. મેં હીરાબાને સાસુ નહીં માતા જ માન્યા છે અને આજે જે જીત થઈ એ તેનુ જ પ્રતિબિંબ છે, પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો તે મારે નથી જોઈતું, મને એ નથી સમજાતું કે જો અમે માતા દીકરી હોત તો ઇનામના હક્કદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ--વહુના છે, તો તે ઇનામના હક્કદાર નહીં, સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબા એ લીધો હતો, છતાં હું નિર્ણય તમારી ઉપર છોડું છું.
સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ સ્તબ્ધ હતા, વાત સાચી હતી, વિચારવા લાયક હતી, આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શતી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો. અને નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો.
અયોજકના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, આજે સોનલ અને હીરાબાની સાસુ--વહુની જોડીએ આપસી સંબંધોને જુદી રીતે પરિભાષીત કર્યા છે, વિચાર માટે નવી દિશા આપી અને તેમના પ્રત્યક્ષ દાખલાથી એ પુરવાર કરી દીધું કે કાઈ પણ અશક્ય નથી.
સૌ એ તાળીઓના ગગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું, અને આયોજકો એ હવે પછીની સ્પર્ધા સાસુ, વહુ...ની યોજવામાં આવશે એવી જાહેરાત કરી.
