Vaishali Mehta

Drama

4.9  

Vaishali Mehta

Drama

સંબંધ

સંબંધ

6 mins
475


હજી તો સી. એ. ની ફાઈનલ પરીક્ષાના પરિણામની રાહ જોવાતી હતી ત્યાં જ મગનકાકા રૂપાના જીવનની મહત્વની આગલી પરિક્ષા.. એટલે કે, સગપણની વાત લઈને આવ્યા.

મુંબઈમાં સંયુક્ત કુટુંબ, બા-બાપુજી ને એમના ત્રણેય દિકરાઓનો પરિવાર; આઠ નાના ને આઠ મોટા એમ બધા થઈને સોળ જણ- એક જ ઘરમાં સાથે રહેતાં. આઠ ભાઈ-બહેનમા ઉમર પ્રમાણે રૂપાનો નંબર ચોથો, પણ ભણવામાં સૌથી પહેલો. પહેલેથી જ ભણવામાં હોશિયાર એવી રૂપા માટે મધ્યમ વર્ગના સંયુક્ત કુટુંબમાં ઉછરીને ભણવું સહેલું નહોતું. એમાંય પાછા દાદા તો જ્ઞાતિ ના પ્રમુખ એટલે કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ કે પછી કોઈ ને કોઈ સગાની અવર-જવર ઘરે ચાલુ રહેતી. ભણવામાં પણ તકલીફ પડતી.  

રૂપાના પપ્પા રમણભાઈ અને એમના બે ભાઈઓ ત્રણેય કાપડના ધંધામાં ભેગા. રમણભાઈ ધંધા માટે ખંતથી કામ કરતા. પણ, બન્ને ભાઈઓ ચાલાક. ધંધાને લગતું બેંકનું બધુ કામ એ બે ભાઈઓ સંભાળતા. રમણભાઈને એમના ભાઈઓ પર આંધળો વિશ્વાસ. સમય પસાર થતો ગયો, ત્રણેય ભાઈઓનાં છોકરાઓ મોટા થયા; ઘરમાં પણ બધી રીતે થોડી-ઘણી અગવડ થવા માંડી. ત્રણે ભાઈ એ રાજી-ખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો. 

અલગ થયા ને થોડો વખત થયો ત્યાં તો રમણભાઈ ના મોટાભાઈ એ તો કહી દીધું કે આ ભેગા ધંધામાં ત્રણ ભાઇઓ ના ઘર ન ચાલે. હવે, રમણભાઈ મુંઝાયા. ભાગે પડતી રકમ મળી એમાંથી તો માત્ર રહેવા પૂરતું ઘર માંડ લેવાય એમ હતુંં, ને હવે ધંધામાંથી ય બાકાત કરે તો ઘર કેમ ચલાવવું? રૂપા અને નાનો દિકરો શિવમ હજુ કોલેજમાં ભણતા હતા.  

ઘરના કોઈ પણ વડીલો સાથે મિલકત બાબતે દલીલ ન કરતા રમણભાઈએ નોકરીની શોધ શરૂ કરી દીધી. ચાલીસી વટાવ્યા પછી નોકરી મળવી મુશ્કેલ હતી. કાપડ બજારમાં વર્ષોથી કામ કર્યું હતુંં; ખાસ્સો અનુંભવ હતો એટલે રમણભાઈએ કાપડની દલાલી ચાલુ કરી. રૂપા અને શિવમ બન્ને ને ભણવાની ધગશ હતી એટલે તેમના ઉચ્ચ શિક્ષણ માટે મા- લીલા બહેને પણ કમર કસી. અથાણાંના ઓૅડર લેવા માંડ્યા. રૂપાએ ગ્રેજ્યુએશન પુરુ કર્યુ સાથે સી. એ ઈન્ટર ક્લિયર કરી અને હવે સી. એ ફાઈનલ માટે દિવસ-રાત મહેનત કરવા માંડી. વાને રૂપાળી, માંજરી આંખો, લાંબા વાળ, ભણવામાં ને ઘરકામમાં બધી રીતે પાવરઘી એવી રૂપા માટે તો કોલેજના બીજા વર્ષે જ માંગા આવવાના ચાલુ થઈ ગયા હતા. પણ માતા-પિતા બન્ને એ નક્કી કર્યું હતુંં કે દીકરીને ભણવાની હોંશ છે એટલે ભણતર તો પોતાને ઘેર જ પુરૂ કરાવવુ. 

રમણભાઈના ખાસ મિત્ર એટલે મગનકાકા. છેલ્લાં બે મહિનાથી રૂપાના સગપણ માટે રમણકાકાને ફોન કરતા. પણ રમણભાઈ કંઈક અલગ-અલગ બહાના આપી વાત ટાળી દેતા. મગનકાકા, રમણભાઈ ને તેમજ એમના છોકરાઓને બહુ જ સારી રીતે જાણતા, તેમજ ઘરની પરિસ્થિતિથી પણ વાકેફ હતા. રમણભાઈના શુભચિંતક એવા મગનકાકા; આ વખતે બહુ સારો, રૂપા માટે યોગ્ય અને ભણેલ છોકરો શોધ્યો હતો. ફોન કરીને કહેવા કરતા મગનકાકા રૂબરૂ મુલાકાત માટે રમણભાઈને ઘેર પહોંચી ગયા. છોકરાનો ફોટો ,બાયોડેટા અને એ સિવાયની જે કંઈ માહિતી હતી એ બધી રમણભાઈ અને લીલા બહેનને આપી. પણ બન્નેમાંથી એકેયનુંં મન મગનકાકાની વાતોમાં ચોંટતું જ નહોતું. રૂપાની સી. એ ફાઇનલ નું રીઝલ્ટ આવવાનું હતું, રૂપાએ મહેનત પણ ખુબ કરી હતી એટલે માત્ર રૂપાની જ રાહ જોવાઈ રહી હતી. થોડીક ક્ષણો માટે તો મગનકાકાને ય અજુગતુંં લાગ્યુ કે એવું તે શું હશે? કારણ પોતે ઘરમાં આવી ગયા પછીય બધા દરવાજા તરફ જ તાકીને બેઠા હતા. 

પરિણામ જાણવાની ઉતાવળમાં રૂપા ફોન પણ ઘરે ભૂલીને જતી રહી હતી. મગનકાકા ઘરના સભ્યો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે ત્યા તો શિવમે દુરથી ઘર તરફ દોડતી આવતી રૂપાને જોઈ સોફા પરથી કૂદકો માર્યો ને બહાર દોડ્યો. બન્ને ભાઈ-બહેન એકમેકના હાવભાવ જોઈ કશુ બોલ્યા વગર બસ એકબીજાને ભેટીને નાચવા લાગ્યા. 

ભાઈ-બહેન દોડતા -દોડતા ઘરે આવ્યા. રૂપા તરત જ પોતાના માતા -પિતાને પગે લાગી અને રિઝલ્ટ તેમના હાથમાં આપ્યુ. રૂપા સી. એ થઈ ગઈ. માતા-પિતા ના આનંદનો પાર નહોતો. મગનકાકા પણ મનમાં મલકાતા બોલી ઉઠ્યા, "રૂપાનુંં સગપણ પણ જો આજ ગોઠવાઈ જાય, તો સોનામાં સુગંધ ભળે." તેમણે પણ રૂપાને અભિનંદન આપ્યા અને પછી હળવેથી પોતાની વાતની રજૂઆત ઘરના બધા સભ્યોની સામે જ કરી દીધી. પળવાર તો સૌ સ્તબ્ધ થઈ ગયા. શરૂઆતમાં સૌએ મગનકાકાની વાત નકારી. 

રૂપા પણ લગ્ન માટે તૈયાર નહોતી. પોતાના માતા-પિતા અને ભાઈએ તેની માટે આપેલ ભોગની કોઈ કિંમત આંકી શકાય તેમ નહોતી, તે જાણતી હતી. પણ લગ્ન પહેલાં નોકરી કરી રૂપા તેમને થોડી-ઘણી આર્થિક સહાય રહે એ માટેના પ્રયાસમાં કરી રહી હતી. 

આ બાજુ રમણકાકા તેમના મિત્ર મગનભાઈને સમજાવવામાં લાગી ગયા હતા. "ભાઈ, આ યોગ્ય ઉમર છે, સારુ માંગુ આવ્યુ છે, આજે નહીં તો કાલે દીકરી ને સાસરે તો મોકલવી જ પડશે ને? સારું પાત્ર મળે ત્યારે હા-ના કરવા ન બેસાય. ને વળી રૂપા જેવી તારી દીકરી છે તેવી જ મારી માટે નથી!? આપણે એના ભવિષ્યનો વિચાર કરવાનો છે." "હા, હા.. તે હું ય મારી દીકરીની કમાણી નથી ખાવા માંગતો. આ તો એની ઈચ્છા ને માન આપીને.." બસ આટલું બોલતાં ની સાથે જ દીકરીની વિદાયનો વિચાર આવતા રમણભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. બન્ને મિત્રોને એકબીજા માટે બહુ માન અને વિશ્વાસ. રમણભાઈ એ પણ પત્ની લીલાને સમજાવી. પણ હવે રૂપાને કંઈ રીતે સમજાવવી? 

મગનકાકાએ રૂપાને બોલાવીને હાથમાં બાયોડેટા અને ફોટો આપતા કહ્યું, "પ્રિતેશ નામ છે છોકરાનુંં, એન્જિનિયર છે" અને ખાતરી આપી, કે પહેલા મુલાકાત કરી રૂબરૂ વાતચીત કરીને વિશ્વાસપાત્ર લાગે તો જ આગળ વાત ચલાવવી. રૂપા એ હા ભણી; રૂપા-પ્રિતેશ અને બન્નેના માતા-પિતાની મુલાકાત થઈ, વાત આગળ વધી અને લગ્ન પણ સરસ રીતે સંપન્ન થઇ ગયા. રૂપાએ પણ પિતાના પગલે વડીલોની ઈચ્છા ને માન આપી સંસારમાં પગલા માંડ્યા. 

લગ્ન પછી બન્ને ફરવા ગયા, એકમેકને સારી રીતે ઓળખતા થયા, પરસ્પર વધુ નજીક આવ્યા. જેમ દિવસો પસાર થતા ગયા રૂપાએ ઘરની જવાબદારી ઉપાડી લીધી. સાસુ-સસરા પણ બધી રીતે નિવ્રૃત. રૂપાના દરેક કામ પ્રત્યેની લગન અને નિષ્ઠા જોઈ પ્રિતેશ ને મન રોજેરોજ રૂપા પ્રત્યે માન વધતું ગયુ. બન્નેને એકબીજા માટે ભારોભાર પ્રેમ. લગ્નને બે મહિના થયા. રૂપા તેના પિયર મળવા ગઈ. પ્રિતેશ, રૂપાની યાદોમાં તેના ફોટા જોયા કરતો.

 એક દિવસ કામની ફાઈલ ગોતવામા એક ડાયરી પ્રિતેશને હાથ લાગી. રૂપાની ડાયરી! સુંદર મરોડદાર અક્ષરથી શોભતી. પ્રિતેશને અત્યાર સુધીના રૂપાના જીવનની - ત્યાગની, સંબંધો માટે લાગણીની, ભવિષ્ય માટે જોયેલા સ્વપ્નોના જાણ થઈ. 

અઠવાડિયા પછી રૂપા સાસરે પાછી આવી. પણ પહેલા જેટલો સમય પ્રિતેશ તેને આપી નહોતો શકતો. વધારે ને વધારે કામમાં પરોવાયેલો રહેતો. ઓફિસથી આવ્યા પછી પણ રાત્રે લગભગ બે વાગ્યા સુધી કામ ચાલતું. રૂપાથી આ બધુ નહોતું જોવાતું. તે વિચારતી કે અઠવાડિયામાં આટલું બધું બદલાઈ ગયું ? તેની આંખોમાં ઉભરી આવતા પ્રશ્નો પ્રિતેશ સહજ રીતે વાંચી શકતો હતો. પણ પ્રિતેશના એકમાત્ર આલિંગનથી રૂપા હળવી થઇ જતી. લગ્નને છ મહિના પૂરા થતાં હતા તે દિવસે રાત્રે બાર વાગ્યા સુધી પ્રિતેશ આવ્યો નહીં અને બીજે દિવસે રૂપાનો જન્મદિવસ હતો. રાત્રે મોડો આવીને પ્રિતેશ જમ્યા વગર સૂઇ ગયો. રૂપા આખી રાત ન સુતી. સવારે વહેલી ન્હાઇને એકલી મંદિર જતી રહી. પ્રિતેશ અને તેના માતા પિતા ત્રણેય રૂપાને સરપ્રાઈઝ આપવા મંદિરે પહોંચી ગયા. મંદિરમાં જેવો રૂપાએ પ્રસાદ માટે હાથ લંબાવ્યો, એક ચાવી એની હથેળીમાં પડી. રૂપા એ નજર ફેરવી ને જોયું તો સાસુ સસરા અને પ્રિતેશ! રૂપા એકદમ ખુશ થઇ ગઇ પણ ચાવી શેની? એ કંઈ એને ખબર પડી નહીં. "આ આપણા નવા ઘરની અને તારી ઓફિસની ચાવી" પ્રિતેશ બોલ્યો. 

"કેમ રૂપા, તું આટલુ સરસ ભણી તે તનેય મારી જેમ તારુ ભણેલી એળે ન જાય એવી ઈચ્છા હતી ને, પણ ઘરનુંં બધુ કામકાજ પણ ખરુ જ ને,મેં તો રૂપાને એટલે જ ના પાડી ને કીધુ કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કીંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહી. માની ગઈ તરત! સી. એ. છે ને તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે. ને કમાણીની કમાણી!" રૂપાની સામે આંખ મારીને પ્રિતેશ મલકાતા મલકાતા બોલ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama