શ્રદ્ધા
શ્રદ્ધા
વિનય આજે ફરી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો, અત્યાર સુધીમાં ઘણી કંપની, સરકારી ઓફિસમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી ચુક્યો હતો. વિનય એમ. ઇ. (એન્જિનિયરિંગ) અને સાથે સાથે એમ. બી. એ. ફાઇનાન્સ કર્યું હતું, હોશિયાર અને હોનહાર હતો પણ હજી સુધી નોકરી મળી નહોતી. વિનયે જોયું કે આજે પણ 150થી વધારે ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા, થોડો નાસીપાસ થયો, પણ પછી વિચાયું, પડશે એવા દેવાશે.
ઇન્ટરવ્યૂ ફટાફટ લેવાતા હતા અને બધાને પછી જાણ કરશે એમ કહી મોકલી દેવામાં આવ્યા હતા. વિનય અને રમણ બંનેનો ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી બંનેને રોકાવાનું કહેવામાં આવ્યું. વિનયને આશ્ચર્ય જરૂર થયું, પણ વિચાર્યું કે હજી કઈક પૂછવાનું બાકી હશે.
વિનય અને રમણને ચેરમેને અંદર બોલાવ્યા, અને કહ્યું અમારે તમારા બેમાંથી એકની પસંદગી કરવાની છે, લંચ પછી આગળ વાત કરશું.
"રમણે, વિનયને કહ્યું, તમારી પસંદગીની શક્યતા વધારે છે", અહીં પણ મને ભાગ્ય સાથ નહીં આપે, મારી મા બીમાર છે, દવાના પૈસા નથી એટલે દવા નથી કરાવી શકતો, મારે પિતાની પણ છત્રછાયા નથી, જો, માંની દવા નહીં કરવી શકું તો મારે માતાને ગુમાવી પડશે. અને રમણ, ઉદાસ થઈ ગયો.
વિનયે કઈ જવાબ ન આપ્યો, લંચ પછી બંનેને ફરીથી બોલાવવામાં આવ્યા, "વિનયે પૂછ્યું, આપણે પગારની તો વાત જ નથી થઈ તો કેટલો પગાર આપશો. અમે શરૂઆતમાં 25 હજારનો પગાર આપશું, મને એ ઓછો લાગે છે, 40 હજારની મારી ઈચ્છા છે. ના, એટલો નહીં આપી શકાય, તો પછી અમે રમણની પસંદગી કરીએ છીએ, ભલે મને વાંધો નથી".
"વિનયભાઈ સાચું કહેજો તમે મને નોકરી મળે એટલે જ 40 હજારનો પગાર માંગ્યો હતો ને. ના એવું નથી. મને ખબર છે મને, તમે નોકરી જતી કરી ને એટલે મને મળી અને મારું માન ન ઘવાય એટલે એમ કહો છો".
"હા, રમણભાઈ વાત સાચી છે, મારી કરતા તમારે નોકરીની વધારે જરૂર છે, માંની દવા કરવા અને જીવાડવા માટે, મને શ્રદ્ધા છે કે સારા કર્મનું ફળ જરૂર મળે છે. વિનયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે, મને અને મારી માને નવું જીવન અને જીવતદાન આપ્યું".
"આવી ગયો ભાઈ ?, હા, બા,... શુ થયું, આજે ?". વિનયે બધીજ વાત બાને કરી. અને પૂછ્યું, બા મેં બરોબર કર્યું ને. બા, એ એક ક્ષણ વિનય સામે જોયું, ઓવારણાં લીધા અને કહ્યું, બેટા આજે તે મારી કૂખ ઉજાળી, માતૃત્વનું સન્માન કર્યું અને અમે આપેલ સંસ્કારને ઉજાગર કર્યા. "બેટા, ભગવત ગીતામાં શ્રી કૃષ્ણ એ કહ્યું છે, તું ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર, બસ બેટા તે કર્મ કર્યું.....ફળ જરૂર મળશે". આમ વાત બા, બેટા વચ્ચે થતી હતી, ત્યાં બહારથી અવાજ આવ્યો.
વિનયભાઈ દવે, તમારું કુરિયર છે. તમારી ભૂલ તો નથી થતી ને મેં આજ સુધી કુરિયર કર્યું છે, પણ મારું કુરિયર આવ્યું, નથી, તો આજે એક નહીં ત્રણ કુરિયર છે. વિનયે સહી કરી કવર લીધા, ખોલ્યા તો સારી સારી કંપનીના એપોઇન્ટમેન્ટ ઓર્ડર હતા, કે જ્યાં પહેલા વિનય ઇન્ટરવ્યૂ આપી આવ્યો હતો. વિનયે કવરને બા, બાપુજીના ચરણે ધરી, મંદિરમાં મુક્યા, અને આભાર વ્યક્ત કર્યો હે પ્રભુ તારે ત્યાં દેર છે પણ અંધેર નથી.
તે દિવસે બે ઘરે લાપસીના આંધણ મૂકાણા, વિનયને ત્યાં અને રમણને ત્યાં.
