સેતુબંધ
સેતુબંધ
દૂર ક્ષિતિજ પર સૂર્ય જાણે પોતાના કિરણોને પ્રસારી આળસ મરડીને ઊભો થઈ રહ્યો. વાતાવરણમાં આહ્લાદક શીતળતા હતી. પક્ષીઓનો કલરવ જાણે આ વાતાવરણને સંગીતમય બનાવી રહ્યો હતો. પોતાના ક્વાર્ટર્સની બાલ્કનીમાં ઊભો રહેલો વચન હાથમાં રહેલી કોફીને પૂરતો ન્યાય આપતાં આપતાં આ ખુશનુમા સવારનો લૂત્ફ ઉઠાવી રહ્યો હતો.
દૂર તિથલના દરિયાકિનારે ઉછાળા મારતાં મોંજાની જેમ વચનનું મન પણ આજે ખુશીઓના ઉછાળા મારી રહ્યું હતું. તિથલના દરિયાકિનારે છલકનો હાથ પકડીને ખુલ્લા પગે સવાર સવારમાં મોર્નિંગ વોકની કલ્પના માત્રથી દિલમાં જાણે અનેરી ખુશી છવાઈ જતી હતી. આજે ઘરના બધા જ ખૂણાઓમાં છલકના હોવાનો ભાસ થતો હતો, હવે વચનથી રહેવાતું નહોતું. એનું મન જલ્દીથી છલકને પોતાના જીવનમાં લાવવા થનગની રહ્યું હતું. હાથમાં રહેલી કોફી સાથે એની નજર દૂર ક્ષિતિજ પર ઠરીને સ્થિર થઈ ગઈ અને એ છલક સાથેની પહેલી મુલાકાતની યાદોમાં સરી પડ્યો.
સાંજનો સમય હતો. વચન વલસાડથી સુરત હાઇવે પર પોતાની કારમાં મધ્યમ વેગે આગળ વધી રહ્યો હતો. બસ, હવે સુરત નજીક જ હતું. એવામાં વચને દૂરથી જોયું તો એક ટ્રક એક રાહદારીને અડફેટમાં લઈ પુરપાટ ગતિ એ અદ્રશ્ય થઈ ગઈ. એ રાહદારી ઘણો ઘવાયેલો હતો. રોડ પર લોહીના ખાબોચિયા રચાઇ ગયા હતા. છતાંય કોઈ પણ રાહદારીની હાલત જોવા ઊભું નહોતું રહેતું.
વચન ડોક્ટર હતો. પોતાની ફરજ એ ભૂલ્યા વગર રાહદારી પાસે ગયો. પોતાની કારમાંથી ફર્સ્ટએઈડની કીટમાંથી થોડીઘણી સારવાર કરી તુરંત જ પોતાની કારમાં એ રાહદારીને સુરત સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ ગયો. અકસ્માતનો કેસ હોઈ પોલિસ ફરિયાદની તમામ વિધિ પૂરી કરી વચન સારવારમાં પણ સાથે રહ્યો. રાહદારીની દાઢીમાંથી ડોકિયાં કરતાં સફેદવાળ એ રાહદારીની પ્રૌઢાવસ્થા છતી કરતાં હતાં. આ વડીલ સહાયે કોઈ ન આવે ત્યાં સુધી વચન એમની સાથે જ રહ્યો.
સારવાર કરી રહી હતી ડૉ.છલક. છલકનો એમ.ડી. અભ્યાસ ચાલુ હતો. છલક પૂરું મન અને દિલ લગાવીને સારવાર કરી રહી હતી. એક અનોખું તેજ હતું છલકના ચહેરા પર. બધાને પ્રેમથી બોલાવતી, પોતાના સ્નેહના દરિયામાંથી જાણે સ્નેહને છલકાવતાં છલકાવતાં પોતાની ફરજ નિભાવી રહી હતી. એકદમ સુંદર દેખાવને એમ.ડી. અભ્યાસ કરતી હોવા છતાં વર્તનમાં અભિમાનનો છાંટો નહોતો વાર્તાતો. વચનને છલક દિલમાં સ્પર્શી ગઈ.
છલકને જ્યારે આ વાત જાણી કે વચન ડોક્ટર થઈને પણ વચન એક અજાણ્યા દર્દીની પડખે ઊભા રહ્યા છે તો છલકને પણ વચન માટે માન થયું. બંને સાથે હવે તેમની સેવા સુશ્રુષાને સારવારમાં લાગી ગયા. બંનેની મહેનત રંગ લાવી રહી હતી. એ વડીલની તબિયતમાં હવે ખાસો સુધાર જણાતો હતો. ક્યારેક આંખ ખોલતાં ને છલકને વચનને જોઈ હળવા સ્મિત સાથે આંખ બંધ કરતાં. હવે આ વડીલ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યાં હતાં. અકસ્માત સમયે આ વડીલના હાથમાં એક ટિફિન સિવાય કશું નહોતું એટલે પોલિસને અકસ્માતના ઘટના સ્થળના આધારે બે દિવસ લાગ્યા.
આ રાહદારીના કુટુંબીજનોની ભાળ મેળવવામાં. એમનું નામ હતું ગિરધરલાલ. ગિરધરલાલના આશીર્વાદ લઈને હવે વિદાય લેવા આવ્યો ત્યાંજ પડખે ઊભેલી છલકને જોઈ ને એમને આશીર્વાદ આપ્યા.
“ભગવાન, તમારી જોડી સલામત રાખે દીકરા !”
વચનથી શું બોલવું એ સમજાયું નહીં, પરંતુ આ શબ્દોથી જાણે રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો. જાણે હ્રદયમાં ઊર્મિઓ ઉછાળા મારી રહી હતી. એણે છલક સામે જોયું, છલકે પણ શરમાઇને આંખોની પાંપણોને ઢાળી દીધી હતી.
વચનના હ્રદયમાં કોઈ કુટુંબના મુખ્ય આધારસ્તંભને સાચવવાનો આનંદ અને સાથે સાથે છલકથી દૂર જઈ રહ્યાના અફસોસની મિશ્ર લાગણી હતી. વચન આ થોડા સમયમાં મનથી એક સ્નેહના તાંતણે છલક સાથે ગૂંથાઇ ગયો હતો. છલક પણ જાણે વચન તરફ ઢળી ચૂકી હતી.
વિદાય લેતાં લેતાં દૂરથી વચન એ વોર્ડની બારીમાં જોયું તો છલક પણ વચનને નીરખી રહી હતી. વચનને છલકને એક હળવું સ્મિત આપ્યું અને બદલામાં એ જ સ્મિત છલક પાસેથી મળ્યું. બંનેની આંખો એક થઈ અને સાથે સાથે હ્રદય પણ. આ હતી વચનની છલક સાથેની પહેલી મુલાકાત અને પ્રથમ પ્રેમનો અહેસાસ.
અચાનક જ હાથમાં રહેલી કોફી છલકાતાં વચનનું ધ્યાન ભંગ થયું અને એણે ઘડિયાળ સામે જોયું તો સવારના નવ વાગી ચૂક્યા હતા એટલે ઝડપથી વચન એ બધુ કામ આટોપી લીધું. આજે વચન એ છલક મળવા સુરત જવાનો હતો. પ્રથમ મુલાકાત બાદ આજે પહેલીવાર છલકને મળવા જઈ રહ્યો હતો. બસ, હવે વચનથી રહેવાતું નહોતું. વચને આજે પ્રેમના પ્રસ્તાવને છલક આગળ રજૂ કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. વચનના મનમાં ઉત્સાહ છલકાઈ રહ્યો હતો.
એ બે દિવસો દરમ્યાન થયેલી ફોન નંબરની આપલે દ્વારા વચન એ જ છલકનો પહેલો સંપર્ક સાધ્યો. ફોનમાં અભ્યાસની ઘણી વાતો કરવા લાગ્યા. હવે ધીરે ધીરે વાતો હવે અભ્યાસથી બહાર પણ થવા લાગી. છલક અને વચનના મન હવે એકબીજાની નજીક આવતાં હતા. થોડાજ સમયમાં બંનેના હ્રદય વચ્ચે એક એવો સેતુ રચાયો કે વચન છલકને યાદ કરે ને છલકનો ફોન આવી જાય અને છલક વચનને યાદ કરે ને વચનનો ફોન આવી જાય.
વચનને આંખના દરેક પલકારે અને દરેક શ્વાસે છલકની યાદ સતાવતી. સામે પક્ષે છલકનું હ્રદય પણ વચનએ પ્રેમથી ભરી દીધું હતું. બંને એક સેતુ વડે રચાયેલા સંબંધ એટલે કે એક સેતુબંધનું નિર્માણ કરી ચૂક્યા હતા પરંતુ બંને માંથી કોઈ એ હજુ સુધી પ્રેમનો પ્રસ્તાવ રજૂ નહોતો કર્યો. છલક ખૂબ જ ખુશ હતી અને સાથે સાથે એક વાતે ઉદાસ પણ થઈ જતી. છલકને એક વાત વચનને જણાવવી હતી. જ્યારે જ્યારે વચનનો ફોન આવતો ત્યારે ત્યારે છલકને થતું કે જણાવી દઉં પણ કોઈ કારણસર વાત જીભ પર નહોતી આવતી. છલક ને ડર હતો કે ક્યાંક વાત જાણીને વચનનો સાથ છૂટી તો નહીં જાય ને?
વચનના મનમાં ઉત્સાહ અને ઉમંગ ઉભરાઇ રહ્યા હતા. વચનની નજર કારની બાજુની સીટમાં મૂકેલા ગુલાબના ગુલદસ્તા પર જતાં જ આંખોમાં ચમક સાથે હોઠ પર સ્મિત આવી જતું. કાર ચલાવતા ચલાવતાં છલકની યાદોમાં ખોવાઈ જતો. મનમાં ને મનમાં છલક સાથે સંવાદ કરતો. બારીની બહાર રહેલી દરેક વસ્તુમાં આજે સંગીત વાગતું હતું કેમ કે આજે વચન છલક આગળ પ્રેમનો પ્રસ્તાવ જો મૂકવાનો હતો.
છલક આજે ખૂબ જ ખુશ હતી સાથે સાથે એક બેચેની છલકના જીવને કોરી ખાતી હતી, છલકને પણ આ સંબંધમાં આગળ વધવું હતું પણ વચનથી કોઈ વાત છુપાવીને નહીં. આજે વચન મળવા આવી રહ્યો છે એ વાત જાણી છલક વધુ બેચેન હતી. ક્યાંક વાત જાણીને વચનનો સાથ હંમેશા માટે છૂટી તો નહીં જાય ને ! આ વાતનો ડર સતત છલકને સતાવતો. પણ છલકને સત્યના પાયા વગર સંબંધની ઇમારત નહોતી ચણવી એટલે હિંમત કરીને છલકે વચનને કોલ લગાવ્યો અને સંપૂર્ણ વાત જણાવી દીધી. વાત જાણીને વચનને પણ નવાઈ લાગી. આજ દિન સુધી આ વાત છલક એ જણાવી જ નહોતી એટલે અચાનક છલક જોડેથી આ વાત જાણી મનમાં દુઃખ પણ થયું અને પ્રત્યુત્તર કશું જ જણાવ્યું નહીં. એને બાજુની સીટમાં રહેલા ગુલાબના ગુલદસ્તા સામે જોયું અને કોલ કટ કરી નાખ્યો અને કારને અચાનક પાછી વળાવી લીધી.
છલક આંખોમાં અશ્રુધારા સાથે પોતાના ફોનમાં વચનના કૉલની રાહ જોઈ રહી હતી. છલકને નાનપણથી વિટીલીગો (સફેદ ડાઘ)ની બીમારી હતી. જ્યારે વચન મળ્યો ત્યારે ચહેરા પરના સફેદ ડાઘ તો હળવા મેક-અપથી છુપાઈ ગયા હતા પરંતુ પીઠ અને હાથમાં સફેદ ડાઘ જે કપડાંમાં છુપાયેલા હતા એની વચનને નહોતી ખબર.
છલકની એક સગાઈની વાત આજ કારણોસર આગળ નહોતી વધી. છલક હવે વચન જોડે મનથી બંધાઈ ચૂકી હતી. હવે વચનથી અલગ નહોતું થવું પણ આજે વચને આમ વાત ને જાણતાં જ અચાનક કૉલ કટ કર્યો તો છલકના દિલમાં જાણે વીજળી પડી હોય એમ એનું દિલ રોઈ રહ્યું હતું. પણ મનમાં હજુ ક્યાંક ઊંડો ઊંડો વિશ્વાસ હતો કે મારો વચન જરૂર આવશે અને આતુરતા પૂર્વક ભીની આંખે એ હોસ્પિટલના ગેટ ને નીરખી રહી હતી.
ઘણી રાહ જોયા પછી પણ વચનના આવ્યો. ધ્રુસકે ને ધ્રુસકે છલક રોઈ રહી હતી. અચાનક એક હાથ છલકના પીઠ પર આવ્યો અને એને પાછળ ફરીને જોયું તો એ વચન હતો. વચને છલકના આંસુ લૂછતા લૂછતા પ્રેમ પૂર્વક કહ્યું, “પગલી, હવે તો આપણું એક અસ્તિત્વ અને એક જ શ્વાશ છે, કેમ ના અલગ થઈશું? ખબર, જ્યારથી તને મળ્યો છું સતત તારામાં જીવું છું. એવી કોઈ પળ નહીં હોય જ્યાં તને યાદ ન કરી હોય, મારા ઘરનો કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં તને કલ્પી નહીં હોય. તે મારા દિલમાં ન જાણે એટલો બધો પ્રેમ ભરી દીધો છે, કે હવે બીજા કોઈને સમાવવાની જગ્યા જ નથી. મારા ભીતર તે પ્રગટાવેલુ પ્રેમનું તાપણું મને સતત હુંફ આપે છે. ખૂબ જ પ્રેમ કરું છું છલક તને! હ્રદય થી હ્રદય વચ્ચે રચાયેલો એક સેતુ થકીનો આપણો પ્રેમ સંબંધ-સેતુબંધ છે.”
“પગલી, લગ્ન પછી તને કોઈ બીમારીનું નિદાન થયું હોત તો શું હું તારો સાથ છોડી દેત? ખબર, પહેલાં તો હું પ્રેમનો પ્રસ્તાવ જ લઈને આવતો હતો પરંતુ આ વાત જાણ્યા પછી તને ફરી આપણાં પ્રેમ પર શંશય ન જાય એટલે આજે હું કંઈક લઈને આવ્યો છું, તારો હાથ આગળ કરીશ?”
અને જેવો છલક એ હાથ આગળ કર્યો કે તરત જ તેને લાવેલી વીંટી છલકની આંગળીમાં સેરવી દીધી અને છલકની આંખોમાં આંખો નાખી પૂછી લીધું, “છલક, રોજ હાથમાં કોફી લઈ બાલ્કનીમાં ઊભા ઊભા તિથલના દરિયાકિનારે તારો હાથ મારા હાથમાં લઈને મોર્નિંગવોકનાં સપનાં જોયા છે, મારી જીવનસંગિની બનીને આ મારું સપનું પૂરું કરીશ?”
છલક તો વચનને ભેટી પડી અને આજે છલકના જીવનની અમૂલ્ય ક્ષણ આકાર લઈ રહી હતી, જેમાં આંખમાં આંસુ હતા ને હોઠ પર સ્મિત પણ.
“આઇ લવ યૂ, વચન, આઇ લવ યૂ.” છલક પણ વચન ને હર્ષાશ્રુ સાથે પ્રેમ પૂર્વક ભેટી રહી હતી.
વચનએ હમણાં જ શહેર ના પ્રતિષ્ઠિત ચામડી ના ડોક્ટર સાથે મળી ને એક સંશોધન પત્ર રજૂ કર્યું હતું, “રોલ ઓફ અલ્ટ્રાવાયોલેટ બી તેરેપી ઈન વિટીલીગો” “અલ્ટ્રાવાઓલેટ બી કિરણો વડે વિટીલીગો સફેદ ડાઘની સારવાર” આ સંશોધન મુજબ તેમને ખૂબ જ ઉત્સાહજનક પરિણામો મળ્યા હતા. વચને છલકની પણ ત્યાં જ સારવાર ચાલુ કરાવી. થોડા મહિનાની સારવારના અંતે છલક હવે સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી.
લગ્ન મંડપમાં જેવી છલક પ્રવેશી કે તરત જ લગ્ન મંડપની નીચે ગણગણાટ થવા લાગ્યો.
“વહુ તો રૂપ નો કટકો છે કટકો!”
આ લગ્નમાં વચન અને છલકે ગિરધરલાલ અને એમના પૂરા કુટુંબને પણ ખાસ રૂબરૂમાં જઈ નિમંત્રણ આપ્યું હતું કેમ કે ગિરધરલાલ જ બંનેના પ્રેમ માટે નિમિત્ત બન્યા હતા અને આજે લગ્ન પૂરા થતાં બંને ગિરધરલાલને પગે લાગ્યા. ગિરધરલાલે પણ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા.
“ભગવાન, તમારી જોડી સલામત રાખે દીકરા !”

