Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

સામાન્યતાને અનન્ય રીતે ઉજવીએ

સામાન્યતાને અનન્ય રીતે ઉજવીએ

6 mins
188


આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે 'સેલિબ્રેટ યોર યુનિકનેસ' તમારી વિશિષ્ટતાની ઉજવણી કરો.

દુનિયાની વધતી જતી વસ્તીમાં ખોવાઈ જવું સહેલું છે, પણ પોતાનામાં કાંઈક અનુપમ શોધી એને રોજે માણવું એટલુંજ અઘરું. સાત અબજ લોકોના ચહેરા અને ફિંગરપ્રિન્ટ ચોક્કસ જુદા છે પણ કોઈપણ કામ કે કલા હવે એવા નથી રહ્યા કે માત્ર કોઈ ખાસ વ્યક્તિજ કરી શકે. મોનોપોલી શબ્દ નાબૂદ થવામાં હવે બહુ વાર નથી. આજે જે કાર્યો મનુષ્ય કરે છે કાલે એ મશીન કરશે. આજના યુગમાં મનુષ્યની લાગણીઓ અને પ્રેમ સિવાય બીજું કશું એવું નથી રહ્યું જે ઈરરીપ્લેસબલ હોય ! સચિન પછી ક્રિકેટમાં રસ નહિ પડે એવું મનાતું હતું પણ ધોની અને કોહલી એ કમાલ કરી, ધોની પછી ટીમ અનાથ થઈ જશે એવું લાગતું હતું ત્યારે ઇન્સ્ટન્ટ રિપ્લેસમેન્ટ પંથએ ધૂમ મચાવી. આવા યુગમાં દરેક વ્યક્તિ પોતાને 'નોર્મલ' કે સામાન્ય જ માને અને માનવુંજ જોઈએ, ખાસ, અનોખું કે અદભુત રોજે તો શું હોય કે કરી શકાય ? માટે મારે એક નવો એફોરિઝમ કોઈન કરવો છે ''સેલિબ્રેટ યોર નોર્મલસી ઈન એ યુનિક વે'. તમારી સામાન્યતાને અનન્ય રીતે ઉજવો.

પશુ-પક્ષીઓ અને મનુષ્યોમાં એક બહુ મોટો તફાવત એ છે કે માણસ વિચારી શકે છે, ચકાસણી કરી છે કે મારામાં કાંઈ વિશેષ છે કે નહિ, જો હોય તો માણું નહીંતર શોક કરું. ઓસ્ટ્રિચ એ સૌથી વજનદાર, સૌથી ઊંચું અને બે પગ પર સૌથી ઝડપથી ભાગતું પક્ષી છે. એનું વજન આશરે ૮૦-૧૨૦ કિલો છે. હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં લગભગ ૮૦ વાર પાંખ ફફડાવે છે અને એ એક માત્ર પક્ષી છે જે ઉલટું ઊડી શકે છે.એનું વજન માત્ર ૫-૬ ગ્રામ છે. કહેવાનો તાત્પર્ય એ છે એક વજનદાર છે એટલે એની ખાસિયત છે અને બીજું વજાનહીન છે એટલે. એમની આ વિશિષ્ટતા આપણે જોઈ, જાણી અને સરખામણી કરી શકીયે છીએ પરંતુ એમને એની જાણ કે ભાન નથી એટલે એ સાચા અર્થે એનો ઉપયોગ કરી ખુશ રહે છે. એમને મન એ સામાન્ય આવડત કે સ્કિલ જ હોય છે. પરંતુ આપણે આપણામાં રહેલી ફાઈન આર્ટ ને પણ જો સંપૂર્ણપણે માણતા ન હોઈએ તો સામાન્ય કલા ની તો વાત જ ક્યાં ? આજે કોઈપણ પ્રવૃત્તિ કરવી હોય તો એમ થાય હજારો લોકો કરે છે, એમાં શું નવીનતા. કલા શીખવા કે પરસ્યુ કરવાનો સમય અને પૈસા બધા પાસે નથી હોતા અને હોય તો એ પણ હજારો લોકો કરે જ છે એટલે એમાં આગળ વધવાનો કોઈ અવકાશ નથી એવું માનીને છોડી દઈએ. વળી, ઘણાને કોઈ આર્ટ નો શોખ ન હોય એવું પણ બને એટલે રોજિંદા જીવનમાં ક્યારેક બધું બોરિંગ લાગવા લાગે. આપણે જાણે કશું કરતા નથી કે શીખતાંજ નથી એવું પણ આપણને ઘણીવાર લાગે. આવા સંજોગોમાં હતાશ થવાને બદલે આપણામાં એવું કશુંક શોધવાની અને એને માણવાની પ્રેરણા ક્યાંથી લેવી ?

બાળપણમાં છોકરાઓને કોઈ ન કોઈ કલા જરૂર શીખવામાં આવતી હોય છે. આજકાલ તો ફેન્સી કલા શીખવવાનો ટ્રેન્ડ છે. અમારા બાળપણમાં મારી બહેન ગ્લાસ પેઇન્ટિંગ, ક્લે આર્ટ,અને આજુબાજુના આન્ટી પાસેથી ભરત-ગુંથણ એવું ઘણું શીખી ઘરની શોભા વધારતી. કોઈ ઘરે આવે ત્યારે કાંઈક નવીન જોઈ અચૂક એની વાત અને વખાણ થાય. મને એ કશામાં રસ પડે નહિ.વળી, મારી સ્પોર્ટ્સની ટ્રોફીસ કેટલી વાર બતાવી શકાય ? કોઈક વાર મને મનમાં થાય કે હું કાંઈક તો કરું જે બતાવી શકાય ! એકાદ પેઇન્ટિંગ મેં પણ બનાવી દીધું અને વોલ પર ટાંગી દીધું. એ પછી હાથમાં ક્યારેય પીંછી લીધી નથી ! ૧૫ વર્ષની થઇ ત્યારે મમ્મી એ રોટલી શીખવાનું કહ્યું. પહેલા તો મને જેન્ડર બાયસ્ડ કામ લાગ્યું. પણ ગરમ રોટલી ખાવા પ્રત્યે મને અનહદ પ્રેમ, એવું ભાગ્યેજ બને કે મારી સામે ગરમ રોટલી બનતી હોય અને હું ઊભાં ઊભાં એક રોટલી-શાક ન ખાવ. મારા એ પ્રેમે મને રોટલી શીખવા માટે આકર્ષિત કરી. એની પાંચ તબક્કામાં વહેંચાયેલી પ્રક્રિયા એ મને કોઈ અમૂલ્ય કલાથી ઓછી ન લાગી. લોટ બાંધવાથી માંડીને ઘી લગાવવા સુધીની એનું દરેક સ્ટેપ રસપ્રદ લાગ્યું. રાંધણ કલાની સૌથી ચેલેંજિંગ આઈટમ મને આજ લાગી. આ કલા એવી છે જ્યાં માપ અને મેથડ કહી દેવા છતાં એ તત્કાલિન બની જતી નથી. વેલણને કેમ ફેરવવું એ પરફેક્ટલી સમજાવી જ શકાતું નથી અને એટલેજ મહિનાઓ લાગી જાય છે પાતળી,ગોળ અને ફૂલકો રોટલી બનાવતા. અમુક મહિનાઓ માંજ હું આ કલામાં માહિર થઇ ગઈ હતી. પછી મારા બા(દાદી) સાથે 'ભારોભાર' ઘણી રોટલીઓ કરી. ભારોભાર નામ એટલે પડ્યું હતું કારણ કે હું વણતા સમયે ભારોભાર અટામણ લેતી. બા સાથે ખાખરા માટે રોટલીઓ કરીને પણ ખૂબ મજા કરી. મમ્મી સાથે રોટલી કરતા કરતા વાતો કરવી એ મારા જીવનની બેસ્ટ ક્ષણો માંની એક હતી. પછી તો જ્યાં મોકો મળે ત્યાં આ કલાનું પ્રદર્શન કર્યા વગર કેમ રહેવાય ? રોટલી બનાવવી કેટલી સામાન્ય લાગે ને ? પણ વિદેશમાં એમાં પણ જ્યાં દક્ષિણ ભારતીયો વધુ રહેતા હોય ત્યાં તમે ગરમ ફૂલકા ઉતારો ત્યારે એ કોઈ સર્વોચ્ચ કલાથી ઓછી ન લાગે. મારી સાઉથની ફ્રેન્ડ ફૂલકાની એવી દિવાની થઈ હતી કે ભાતને છોડી રોટલીને ભરપૂર માણતી. મારી મ્યાનમારની હેલ્પર પણ મારો રોટલી પ્રેમ જોઈ ફૂલકા બનાવતા શીખી ગઈ હતી. તો આજની મમ્મીઓ જે એમ કહેતી હોય કે રોટલી બનાવી કોઈનું ભલું નથી થયું કાંઈ શીખવાની જરૂર નથી તો મારો આગ્રહ છે કે તમને આવડતી હોય તો ચોક્કસ તમારી છોકરીઓ ને શીખવજો, બીજા માટે નહિ એના પોતાના માટે. પછી એના પર છોડી દેજો એને એ કલાને મઠારી ઉપયોગ કરવો છે કે નહિ. અલબત્ત, આજકાલ મશીન પણ આવી ગયા છે રોટલી બનાવવાના અને સમય બચાવવા માટે એનો ઉપયોગ કરવો ખોટો પણ નથી. પરંતુ હાથથી બનાવેલ કોઈપણ વાનગી અમૂલ્ય હોય છે અને એટલેજ હોમમેઇડ એન્ડ હેન્ડમેઇડ ફૂડન આજે ખરેખર યુનિક ગણાય છે. ઇટ્સ ઇવન ઓર્ગનિક યુ નો !

આજે પુરુષો ભલે માસ્ટર શેફ બની નાન, કુલચા, કે તંદૂરી રોટલી ઉતારતા હોય પણ પાતળી, ગોળ ચકડોળ જેવી અને ફૂલીને દડા જેવી થતી રોટલી એ ગ્રેસ સાથે ન બનાવી શકે જે એક સ્ત્રી બનાવી શકે. એનો અર્થ એ નથી કે પુરૂષ એ ન બનાવી શકે. ગ્રેસ એ સ્ત્રીને મળેલી કુદરતી દેન છે એટલે એ વધુ ગ્રેસથી આ નાજુક કલા ને નિભાવે. એમાં પણ જો માં, પત્ની, બહેન, સાસુ કે વહુ જે નમણાશથી અને પ્રેમનો રસ ભેળવી એને પીરશે એને કોઈ પહોંચીજ ન શકે. આજે હું વિદેશમાં હોવા છતાં પણ પોતના હાથથી બનાવેલી ગરમ રોટલી જયારે મોં માં મુકું ત્યારે ચોક્કસ કહું,હે ભગવાન! આ કલા શીખવવા બદલ તારો આભાર, આના જેવો સંતોષ ક્યાંય નથી હો ! હું તો કહું છું કે રોટલીની કલાને સેલિબ્રેટ કરવા હાથમાં બંગડીઓ પહેરી, નેઈલપોલિશ લગાડી ટન-ટન કરતા રોટલી વણવી જોઈએ, એ મ્યુઝિક સાથે બનાવેલી રોટલી એક ટ્રેડિશનલ રિફ્રેશિંગ થેરપી જ છે ! 

આપણા રોજિંદા જીવનમાં આવી ઘણી બધી પ્રવૃતિઓ હોય છે જે આપણને સામાન્ય લાગતી હોવાથી આપણે એને મહત્વ નથી આપતા પણ જો એને ધ્યાનથી નિહાળીયે તો કદાચ એ કરવામાં વધુ આનંદ પામી શકીયે. છોકરાઓને વાર્તા કહેવી, ઘરડાઓ સાથે સમય કાઢી વાતો કરવી, નિયમિત કસરત કરવી, કોઈને યાદ કરી હંમેશા ફોન કરવો, બીજાની સમસ્યાઓને માત્ર સાંભળવી-બધું સારું થઇ જશે હું છું તારી જોડે એમ કહેવું, રંગોળી કરવી, નવી વાનગી બનાવવી, નિજાનંદ માટે ગાવું, નાચવું, સારું વાંચવું, લખવું, પ્રાર્થના કરવી, યોગ કરવો, મેડિટેશન કરવું ....આવી તો અસંખ્ય કલા અને કામ છે. આમાંથી કાંઈ પણ કરવામાં કોઈ ખાસ હુન્નર કે પ્રતિભાની જરૂર નથી. એ આપણા રોજિંદા જીવનનો જ એક એવો હિસ્સો છે જેને લાઇમલાઈટ નથી મળી. એના ઉપર થોડો ફોકસ કરીએ તો એ આપણા જીવનને જરૂર થોડું ચમકાવશે.

સો 'સેલિબ્રેટ યોર નોર્મલસી ઈન એ યુનિક વે'.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational