N.k. Trivedi

Inspirational

4  

N.k. Trivedi

Inspirational

ઋણની ચુકવણી

ઋણની ચુકવણી

3 mins
399


આજે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સરપંચે કહ્યું હતું કે સોમવારે આપણા ગામમાં શહેરનાં પ્રતિષ્ઠિત અને શ્રીમંત શ્રી કાનજીભાઈ પટેલ આવવાના છે અને ગામની જરૂરિયાત માટે વાત કરવાના છે. બહુ ઉદાર છે. છુટા હાથે દાન, સખાવત કરે છે. એટલે સરપંચને ધરપત હતી કે ગામ માટે કંઈક તો આપશે. ગામનાં લોકોને જાણ કરી હતી કે સ્વાગતમાં કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ.

ગોપાએ આ વાત સાંભળી ત્યારે તેણે ભૂરાને, ભીખાને, છગન અને વિશાલને વાત કરી કે આ કાનજીભાઈ પટેલ આવે છે એ આપણો બાળ ગોઠીઓ કાનજી તો નહીં હોય ને. "ના રે! ના, કાનજી અને તેનું ફેમિલી શહેર ગયું તે પછી આપણને તેની કાઈ ખર,ખબર કે ભાળ ક્યાં છે." " ભૂરા, તારી વાત તો સાચી છે કાનજીને શહેર ગયા ખાસ્સો સમય થયો છે." આમ બાળ ગોઠીયા ચર્ચાનાં ચકડોળે ચડ્યા હતા. મનોમન વિચારતા હતા કે આપણો કાનજી હોય તો મજા પડી જાય.

ભીખા એ કહ્યું "માનો કે આપણો કાનજી હોય તો" "તો ભાઈ એ મોટો માણસ થઈ ગયો છે આપણી સામે પણ ન જોવે તે સાંભળ્યું નહીં સરપંચે શુ કહ્યું." આમ પાંચેય મિત્રો ઘડીકમાં હરખાતાતા અને પાછો કાનજી ન ઓળખેતો એ વિચારે દ્વિધામાં પડી જતા હતા.

સોમવારે સવારે આખું ગામ પાદર ભેગું થયું. કાનજીભાઈ પટેલ બરોબર દસ વાગે આવવાના હતા. ગોપો, ભૂરો, ભીખો,છગન અને વિશાલ પણ આપણો બાળ ગોઠીયાઓ કાનજી હોય એમ વિચારી પાદર પહોંચી ગયા હતા. પણ પાછળ ઉભા હતા. સરપંચને સ્ટેજ ઉપર પાંચ ખુરશી મૂકીને ખાલી રાખવાની સૂચના કાનજીભાઈએ આપી હતી. સરપંચ ને કાઈ સમજાયું નહોતું પણ સુચનાનો અમલ કરી પાંચ ખુરશી ખાલી રહે તેમ ગોઠવણ કરી અને માણસોને સૂચના આપી હતી કે વ્યવસ્થામાં કાઈ ગરબડ ન થવી જોઇએ.

કાનજીભાઈની કાર કાફલા સાથે બરોબર દસ વાગે પહોંચી ગઇ, સરપંચે હાર તોરા કરી સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી કરી. કાનજીભાઈ એ સ્ટેજ ઉપર સ્થાન લઈ ચારેકોર નજર કરી પણ તેની નજર જે બાળ ગોઠિયાને શોધતી હતી એ ક્યાંય નજરે ચડતા નહોતા.

સરપંચે પ્રાસંગીક પ્રવચન કરી કાનજી ભાઈને સભાને સંબોધન કરવા વિનંતી કરી. કાનજીભાઈને જોઈને સભામાં ચણભણ થતી હતી કે આ કાનજીભાઈ આપણા કરસનભાઈનો દીકરો લાગે છે. કોઈ કહે હા, એ કરસન કાકાનો કાનજી લાગે છે. આ ચણભણ કાનજીભાઈને પણ સંભળાતી હતી.

"હા, વડીલો, મિત્રો, હું એજ કરશનભાઇ પટેલનો કાનજી છું કે જેણે ગામને, મારી માતૃ ભૂમિને, આર્થિક સ્થિતિ સુધારવા અને કંઈક બનવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે હું આજે તમારી સામે છું. આજે હું આ ગામનું, મારી માતૃ ભૂમિનું, બાળ ગોઠીયા એવા મિત્રોનું ઋણ ચૂકવવા માટે આવ્યો છું."

"મારી એક વિનંતી છે. સભામાં મારા બાળ ગોઠીયા આવ્યા હોય તો, ભૂરો, ભીખો, ગોપો, છગન અને વિશાલ મારી પાસે સ્ટેજ ઉપર આવે, ભૂરો કહ્યું છે ભૂરાભાઈ કહીને સંબોધન એટલે નથી કર્યું, કારણ કે આ પાંચેય મારા આત્મીય, અંતરંગ મિત્રો છે, સ્વજન છે." પાંચેય મિત્રોએ એક બીજા સામે જોયું કે કાનજી આપણને ભુલ્યો નથી, સ્ટેજ ઉપર જવું કે કેમ એ દ્વિધામાં મિત્રો હતા. ફરી કાનજીભાઈ એ કહ્યું, "મિત્રો આવો મને તમારી સાથે બેસવાનું સૌભાગ્ય આપો. તમે મને ખરાબ સમયમાં જે સાથ અને સહકાર આપ્યો હતો એ હું ભૂલ્યો નથી." કાનજીભાઈની નજર દૂર ઉભેલા મિત્રો પર પડી અને સ્ટેજ ઉપરથી મિત્રો પાસે જવા ઉત્તરતા હતા ત્યારે ભૂરાએ કહ્યું કાનજીભાઈ અમે આવીએ છીએ. "ભૂરા, કાનજીભાઈ નહીં કાનજી કહે એ નામ સાંભળવા કેટલાય સમયથી મારા કાન તરસી રહ્યા છે".

વડીલો, સ્વજનો, હવે મૂળ વાત ઉપર આવું. ગામમાં એક આધુનિક સુવિધા વાળુ હોસ્પિટલ, બાળકોને રહેવા માટે છાત્રાલય, કોલેજ અને વ્યાજબી ભાવથી દરેક પ્રકારની દવા મળે એવો મેડિકલ સ્ટોર જેમાં ગરીબો માટે મફત દવાની સુવિધા હશે. આ દરેકનું સંચાલન, દેખરેખ આ મારા પાંચેય મિત્રો કરશે. આ સિવાય બીજી કોઈ જરૂરિયાત હોય તો નિઃસંકોચ કહો. આ ગામ કાનજીભાઈ પટેલનું ગામ છે એવી ઓળખથી ઓળખાશે.

"આજે હું ગામમાં રોકાવાનો છું." કાનજીભાઈની રોકવાની વાત સાંભળી સરપંચ મૂંઝવણમાં પડી ગયા કે કાનજીભાઈ જેવા મોટા માણસ માટે આ વ્યવસ્થા કેમ કરવી. કાનજીભાઈ સરપંચનાં મનોભાવ સમજી ગયા, "સરપંચશ્રી, હું આજે ગામમાં મારા મિત્રો સાથે રોકાવાનો છું મારે જુના દિવસો તાજા કરવા છે". મિત્રો પણ આ સાંભળી ભાવ વિભોર થઈ ગયા અને કાનજીભાઈને ભેટી હર્ષનાં આસુંનો ધોધ વહાવી દીધો. ગામ લોકો એ ગામનાં પનોતા પુત્રનો જય જયકાર કરી વાતાવરણ આનંદ ઉત્સાહથી ભરી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational