રહસ્યમય સ્મિત
રહસ્યમય સ્મિત
“હું અત્યારે ઘરે એકલો જ છુ. આવી જા ને” મેં સોફામાં લંબાવતા કહ્યું.
“તારું મગજ ઠેકાણે છે કે નહીં? રાત ના સાડા નવ વાગ્યા છે. પપ્પા કલાકમાં ઘરે આવી જશે. મને ઘરે નહીં જોવે તો મહાભારત થઈ જશે.” સૌમ્યા એકી શ્વાશે બોલી ગઈ.
“તું મહાભારત માં કયું પાત્ર ભજવીશ?”
“જો કરણ અત્યારે મજાકનો સમય નથી. તું સમજવાનો પ્રયત્ન કરને બકા.”
“જો મારી બકી, તું અહિયાં આવીજા. અડધો કલાકમાં ફટાફટ પાછી ઘરે. બોલ...”
“પ્લીઝ યાર સમજ...”
“તું આવે છે અડધો કલાક માટે. બા.....ય..”
“હા ઓકે આવું છુ. બાય, પાગલ.”
“હમ પાગલ હૈં હમેં પાગલ હી રેહને દો....” હું લવારી બંધ કરું એ પેહલા સામે છેડેથી ફોને મુકાઈ ગયો હતો.
સૌમ્યા આવે ત્યાં સુધી સમય પસાર કરવા માટે ટીવી ચાલુ કર્યું. એક ચેનલ પર ચર્ચા ચાલી રહી હતી. વિષય હતો: “આપણી આસપાસ રહેલી અલૌકિક શક્તિઓ” એક લાંબી દાઢી વાળો ડોશો આંખો મોટી કરીને બોલી રહ્યો હતો, “અલૌકિક શક્તિઓ આપણી આસપાસ જ છે. ભૂત-પ્રેત કે ચૂડેલ ગમે ત્યારે તમારો દરવાજો ખખડાવી શકે છે.”
ટિંગ ટોંગ....
ડોરબેલનો અવાજ સાંભળી હું થોડું ચમક્યો. મારા હ્રદયના ધબકારા સામાન્ય કરતાં ઝડપી થઈ ગયા.
પણ મને વિશ્વાસ હતો કે આ ચૂડેલ મારી જાનું જ હશે. ડોર ખોલવા ઊભો થયો અને પ્રેમીપંખીડાને ખલેલ ના પહોચે એટલા માટે ટીવી પણ બંધ કર્યું.
“વેલકમ ડાર્લિંગ.”
“શું તંબૂરો વેલકમ? આટલા મોડા શું કામ બોલાવી?” તે અંદર આવતા જ તાડૂકી ઉઠી. શરમથી લાલ રહતો તેનો ચેહરો આજે ગુસ્સાથી લાલ-પીળો થઈ રહ્યો હતો.
“બસ તને બે ઘડી જોવા માટે બોલાવી.” મેં તેના માસૂમ ચેહરા પર હાથ ફેરવતા કહ્યું.
થોડીક વાર શાંતિ છવાઈ ગઈ. તેના ચેહરા પરથી ગુસ્સો દુર થતો હોય તેવું લાગ્યું. કપાળની કરચલી દૂર થવા લાગી હતી. આંખો શાંત થવા લાગી. નાકનું ઊંચું ચડેલું ટેરવું પણ હવે શાંત થયું હતું. અને તેના હોઠ પર સ્મિત હતું, કદી ના જોયું હોય તેવું એક રહસ્યમય સ્મિત.
“જોઈ લીધી? હવે જાઉં?” તે મારો હાથ દૂર ખસેડીને ઘરની બહાર જવા લાગી.
મને લાગ્યું કે શાંત થઈ ગઈ હશે પણ હું ખોટો પડ્યો. ખરેખર છોકરીઓના મૂડને સમજવો અલૌકિક શક્તિઓના અસ્તિત્વને સમજવા જેટલું અઘરું છે. તે દરવાજો ધડામ કરતો પછાડીને જતી રહી. હું તેના પાછી આવવાની રાહ જો ને બેસી રહ્યો. મેં નક્કી કર્યું કે જોઈએ પેહલા કોણ ઝૂકે છે હું પેહલા જાઉં તેને લેવા માટે કે તે જાતે જ અંદર આવે છે?
બે મિનિટ
પાંચ મિનિટ…
આઠ….
દસ…..
ટિંગ ટોંગ
“યસ હું જીતી ગયો...” હું સોફામાંથી લગભગ કૂદકો મારીને ઊભો થયો. છોકરી ને જીદની લડાઈમાં હરાવી ને હું મહાન યોદ્ધા જેવુ મેહસૂસ કરી રહ્યો હતો.
“વેલકમ બૅક ડાર્લિં... દાદી!!!” દરવાજે કોઈ ડોશીને જોઈ હું આશ્ચર્યમાં મુકાઈ ગયો. ઘરની બહાર અંધારું હતું. ઘનઘોર અંધારું. સૌમ્યા ક્યાંય દેખાતી ન હતી.
“એક ગ્લાસ પાણી આપીશ બેટા?” હું કંઈ સમજુ તે પેહલાં તે બોલી ગયાં.
ના પાડવાની ઈચ્છા થઈ પણ એક ઘરડી સ્ત્રીને એક ગ્લાસ પાણીની ના!
“હ..હા..હા લાવ્યો એક મિનિટ.” સુંદર સૌમયાની જગ્યાએ ડરાવની ડોશીને જોઈને મારી જીભનો લોચો વળી ગયો હતો.
તેમને ઘરમાં બોલાવવાની ઇચ્છા થઈ પણ તેમના ડરાવના દેખાવ અને ફાટેલા કપડાં જોઈ હું ડરી ગયો. ડોશીની ચામડી પર કરચલી પડી ગઈ હતી. તે બહુ કમજોર લાગતી હતી. ડોશીના પગ ધ્રુજી રહ્યા હતા. એવું લાગતું હતું કે જૂની ઈમારત ગમે ત્યારે ધરાશાયી થઈ જશે. તેમના હોઠ પર સ્મિત હતું, એવું જ સ્મિત જેવું સૌમ્યાના હોઠ પર હતું.
હું ધ્રૂજતો ધ્રૂજતો ઘરમાં જઈને પાણી લઈ આવ્યો.
“આ લો બ...બ..બા...”
“હા લાવો અંકલ પાણી..” દરવાજા આગળ ડોશીની જગ્યા એ આથ દસ વર્ષની છોકરીને જોઈને હું થાંભલો બનીને ઊભો રહી ગયો.
તેના વીખરાયેલા વાળ, વ્હાઇટ ફ્રૉક, મોટી આંખો... તે એકીટશે મને જોઈ રહી હતી.
અને તે એક રહસ્યમય સ્મિત સાથે બોલી, “હું બહુ સમયથી તરસી છું, અંકલ.” આ એ જ સ્મિત હતું જે સૌમ્યા અને ડોશીના ચેહરા પર જોવા મળેલું.
હું મે મહિનામાં સુડતાલીસ ડિગ્રી તાપમાં મેરાથોન દોડ્યો હોંઉ એટલો પરસેવે રેબ-ઝેબ થઈ ગયો હતો. શરીર ધ્રુજી રહ્યું હતું. એક કદમ પણ આગળ વધવાની તાકાત ન હતી. પણ બધી જ હિમ્મત ભેગી કરી હું દરવાજા તરફ ભાગ્યો અને પેલી છોકરી ઘરમાં આવી શકે એ પેહલા દરવાજો બંધ કરી દીધો.
હું પરસેવે રેબ-ઝેબ થઈને દરવાજા જોડે ફસડાઈ પડ્યો પણ અચાનક ટીવીનો અવાજ સંભળાયો. “આપણા પોતાના જ લોકોમાં અલૌકિક શક્તિ ઘર કરી ગઈ હોય, તેવું પણ બની શકે છે.” ડોશો તાડૂકી રહ્યો હતો. હું થોડો હોશમાં આવ્યો, વધારે ઘભરાયો. પણ વિચાર્યું કે સૌમ્યાની આવવાની ખુશીમાં કદાચ ટીવી બંધ કરવાનું ભૂલી ગયો હોઈશ. જેમ તેમ હિમ્મત કરી ઊભો થઈ ટીવી બંધ કરવા ગયો અને...
“કરણ, આવ અહીં બેસ. આપણે બેસીને ટીવી જોઈએ અને વાતો કરીએ,” સૌમ્યા સોફામાં બેસીને ટીવી જોઈ રહી હતી. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તેના ચેહરા પર સ્મિત હતું. એ જ રહસ્યમય સ્મિત.
ભૂત હું મેં..
મોબાઇલની રિંગ સાંભળીને મારૂ હૃદય એક ધબકરું ચૂકી ગયુ. મેં ગજવામાંથી મોબાઇલ બહાર કાઢી સ્ક્રીન પર નામ જોયું અને મારી આંખો ફાટી ગઈ... “સૌમ્યા..”
સૌમ્યા મારી સામે બેઠી હતી સોફા પર, રહસમય સ્મિત સાથે, અને એનો જ ફોન...
હું ફોન રિસીવ કરી કંઈ બોલી શક્યો નહિ બસ ફાટેલી આંખે અને ખુલ્લા મોઢા સાથે સૌમ્યાને સાંભળી રહ્યો અને સામે બેઠેલી સૌમ્યાને જોઈ રહ્યો.
“હા સોના સાંભળ. સૉરી જાનું હું નહિ આવી શકુ. પપ્પા ઘરે જલ્દી આવી ગયા છે. કાલે વાત કરીએ બાય..!"

