himanshu patel

Horror Thriller

3  

himanshu patel

Horror Thriller

પુનર્જન્મ

પુનર્જન્મ

15 mins
885


રાહુલના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું અને પોતાને એકદમ હળવો મહેસુસ કરવા લાગ્યો. શહેરની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રીજની સાઈડમાં આવેલી ફૂટપાથ પર ઉભો હતો. એકદમ થયેલા શરીરમાં પરિવર્તનથી રાહુલને પણ નવાઈ લાગી. તેની નજર નીચે નદી ના પટમાં ભેગી થયેલી ભીડ પર પડી. લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા. રાહુલને પણ “શું થયું?” જાણવાની ઉત્સુકતા થઇ. તે પણ રીતસર ભાગતો નીચે પહોચ્યો. ભીડમાંથી રસ્તો કરીને નજીક પહોચ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈને ફરીથી શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઇ ગયું. કોઈ તેની ઉમરના જ યુવાનને પાણીમાંથી ખેંચીને બહાર લાવ્યા હતા અને તેની છાતીના ભાગે જોરથી દબાવી ને પાણી કાઢવાનો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા હતા. પણ ભીડના કારણે રાહુલ તે યુવાનનો ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકતો નહોતો. ત્યાં તેને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓના ચહેરા પર કોઈ આશાવાદ દેખાઈ નહોતો રહ્યો. થોડા પ્રયાત્નોપરાંત તે લોકો તેને સ્ટ્રેચરમાં સુવડાવીને એમ્બ્યુલન્સ તરફ જવા લાગ્યા.


રાહુલની પાસેથી જયારે તેઓ પસાર થયા રાહુલે તેનો ચહેરો જોયો તો રાહુલના પગ નીચેથી જમીન સરકી ગયી. એ ચહેરો રાહુલનો જ હતો. રાહુલને આંખ આગળ અંધારા આવવા લાગ્યા તેની સમજમાં કઈ નહોતું આવતું “શું થયું ?” તેના મગજમાં બધો ઘટનાક્રમ રીવર્સમાં ચાલવા લાગ્યો. તેને બધું ધીરેધીરે યાદ આવવા લાગ્યું. લગભગ અડધો કલાક પહેલા તેને આ બ્રીજ પરથી છલાંગ લગાવી હતી “આત્મહત્યા”ના ઉદ્દેશ્યથી. તેના મગજમાં એક સાથે હજારો પ્રશ્નોનો મારો તીરની જેમ થવા લાગ્યો. જેમકે “જો મેં છલાંગ લગાવી તો હું હજુ જીવિત કેમ ? જો હું બચી ગયો તો પેલા લોકો કોની લાશ લઇ ગયા ? જો હું જીવિત છું તો તો પેલા મૃતકનો ચહેરો કેમ મારા જેવો જ હતો ?”રાહુલ એકદમ બેબાકળો બની ગયો અને નદીની રેતમાં ઘૂંટણભેર માથું પકડીને ફસકી પડ્યો. થોડી વાર પછી થોડો સ્વસ્થ થઇને ઉભો થયો અને વિચાર્યું કે જલ્દીથી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોનો જવાબ શોધવો પડશે નહીતર મગજ ફાટી જશે. ભીડ થોડી ઓછી થઇ હતી પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરીને પોતાની ઉત્સુકતાની શમાવી રહ્યા હતા. રાહુલે પણ એવુજ કૈક વિચાર્યું કે કોઈને જઈને પૂછું. તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા આધેડ વયના એક વ્યક્તિને ખભા પર હાથ મૂકી ને પૂછ્યું, ”અંકલ શું થયું આ ભાઈને, બચી ગયો કે પછી ? પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવામાં એટલા મશગુલ હતા કે રાહુલની વાતની તેમના પર કોઈ અસર ના થઇ. રાહુલે ફરી થોડા ઊંચા અવાજે કહ્યું, ”અંકલ શું થયું આ ભાઈ ને ?”


પણ પેલા ભાઈએ પહેલાની જેમ કોઈ પ્રતિભાવ ના આપ્યો કે ના પાછળ ફરીને રાહુલ સામે જોયું. રાહુલને નવાઈ લાગી તેને વિચાર્યું કે બીજા કોઈને પૂછું. થોડું આગળ વધીને તેને એક યુવાનને પૂછ્યું, ”ભાઈ શું થયું હતું આ યુવાન ને ?” પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ના હોય તે રીતે પેલા યુવાન તરફથી પણ કોઈ પ્રતિભાવ ના મળ્યો. હવે રાહુલને પણ પોતાના અસ્તિત્વ પર શક થવા લાગ્યો. તેને ફરીથી એક વાર પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોરથી ચીસ પાડી ને કહ્યું, ”કોઈ મને સાંભળે છે કે નહિ ?” પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ત્યાં હાજર રહેલા લોકોમાંથી નાતો કોઈએ તેની સામે જોયું કે ના કોઈ પ્રત્યુતર મળ્યો. હવે રાહુલને થોડું થોડું સમજાવા લાગ્યું. અને તે સમજી ગયો કે તેનું શરીર પેલી એમ્બ્યુલન્સમાં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સુક્ષ્મ આત્મારૂપે છે.


તેને વિચાર આવવા લાગ્યો કે, ”શું મૃત્યુ પછી દરેક માણસની સાથે આવુજ બનતું હશે જેવું મારી સાથે થયું ?”

હવે તેના મગજમાં તેનો ભૂતકાળ સિનેમા ની જેમ ચાલવા લાગ્યો.


ત્રણ વર્ષ પહેલા રાહુલ શહેરની એક સરકારી કોલેજમાંથી કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઇને બહાર આવ્યો હતો. પરિવારમાં ચાર લોકો હતા. તેઓ શહેરની વચ્ચે આવેલી એક ઝુંપડપટ્ટીમાં એક ખોલીમાં મહીને ૧૫૦૦ના ભાડેથી રહેતા હતા. પરિવારમાં એક મોટી બહેન અને એક વચેટ બહેન અને સૌથી નાનો રાહુલ. જેમાંથી મોટી બહેન સીતાને એક વર્ષ પહેલા પરણાવી દીધી હતી. નાની બહેન રાધા ૧૦ ધોરણ ભણીને માના કામમાં મદદ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું તે પણ અત્યારે લગભગ ૨૨ વર્ષની હતી. મા સવારે અને સાંજે શહેરના એક મિડલક્લાસ વિસ્તારમાં શાકમાર્કેટમાં શાકભાજીની લારી ચલાવતી હતી અને બપોરે અને રાત્રે કેટલાક ઘરના ઘરકામ કરતી હતી. છેલ્લા કેટલાક વર્ષથી રાધા બાને કામમાં મદદ કરતી હતી. શાકભાજીની લારી પર અને ઘરકામમાં પણ. મોટી બહેન સીતાને શહેરના બીજા વિસ્તારમાં આવેલી એક ઝુંપડપટ્ટીમાં રહેતા લાભુ સાથે પરણાવી હતી. લાભુ કોઈ ફેક્ટરીમાં મજુર તરીકે કામ કરતો હતો. લાભુ પણ બે જણનું ભરણપોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો.


રાહુલને ભણાવવા માટે તેની મા શારદાબેને તેની જ ચાલીમાં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસેથી ખુબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ અત્યારે વધીને તેની મૂળ કિંમત કરતા લગભગ ત્રણ ગણું થઇ ગયું છે. તેની અત્યારે તે લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. રોજ તે લોકો ઘેર આવતા અને ખુબ ઉદ્દંડ રીતે ઉઘરાણી કરતા. રોજ શાકભાજીની લારી પર જઈ ને અપશબ્દો બોલતા. હમણાંથી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી. તેઓ રાધાને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતા. અને લગભગ રોજ શાકભાજી ફોકટમાં લઇ જતા. એક બે વાર તો તેમને રાહુલની સામે રાધાની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો, પણ રાહુલની પાસે ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. કારણકે તેની માએ કહેલું હતું કે આ લોકો ગમે તેવું વર્તન કરે આપણાથી તેમનો સામનો નહિ થાય બેટા. માટે જ્યાં સુધી આપણે તેમનું દેવું ના ચૂકતે ના કરીએ ત્યાં સુધી આપણે તેમના બોઝ તળે છીએ.


રાહુલની રગોમાં ગરમ લોહી ઘણી વખત ઉકળી જતું. પણ પરિવારના કારણે તે મજબુર હતો. તેને આગળ ભણવાની ખુબજ ઈચ્છા હતી. પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા તે આગળ ભણી શકે તેમાં નહોતો. જેથી કરીને તેને ઘરમાં મદદરૂપ થવા માટે નોકરી શોધવાનું શરુ કરી દીધું હતું. પણ ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યા એ તેને લાયક નોકરી નહોતી મળી રહી. લગભગ અભ્યાસ પૂરો થયાને એક વર્ષ વીતી ગયું પણ રાહુલને હજુ નોકરીનો કોઈ મેળ નહોતો પડી રહ્યો. રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો જેથી મા ઘણી વાર ગુસ્સે થઇ જતી. અને કહેતી,”ક્યાં સુધી આમ ફોકટના રોટલા તોડતો રહીશ જેવી મળે તેવી નોકરી કરી લે. ક્યાં સુધી આમ પરિવાર પર બોઝ બની ને રહીશ !” માનો ગુસ્સો ક્ષણિક જ રહેતો પછી પાછી ઠંડી થઇને એનાજ હાથે રાહુલને ખવડાવતી. માને ઘર ચલાવવાની ચિંતા ખાઈ રહી હતી. તેથી તે વારંવાર ગુસ્સે થઇ જતી. ઘણી વાર રાધાનો પણ ઉધડો લઇ લેતી.


રાહુલ તેના ભણતર પ્રમાણેની નોકરી નહિ મળવાથી દિવસે દિવસે ડિપ્રેસડીપ્રેશનમાં જવા લાગ્યો હતો. આખો દિવસ ગુમસુમ બેસી રહેતો. તેના વર્તનમાં પણ ખુબજ ફેરફાર થવા લાગ્યો હતો. એક સમયે ખુબજ સાલસ અને સરળ સ્વભાવનો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવનો થઇ ગયો હતો. માં સાથે શાકભાજીની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાહકનો ઝગડો કરી પડતો. હવે તો તેને નોકરી માટે પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું. ગમે ત્યારે ઘેરથી નીકળી પડતો પોતાની ધૂનમાં ક્યાં પહોચી જતો તેને પણ ખબર નહિ રહેતી છેક સાંજ પડ્યે ઘેર આવતો. માને પણ તેની ખુબજ ચિંતા થવા લાગી હતી. માએ એક દિવસ જમાઈ લાભુને બોલાવ્યો અને રાહુલ વિષે ચર્ચા કરી અને જમાઈનો અભિપ્રાય માંગ્યો. જમાઈએ તેની બુદ્ધિક્ષમતા પ્રમાણેનો રસ્તો બતાવ્યો, ”બા એક કામ કરો ઓરડીમાં પૂરી ને ધોકો લઇને મારો અને બે દિવસ ખાવા પીવાનું ના આપો એટલે લાટ સાહેબ ઠેકાણે આવી જશે, આ બધું તમારા લાડનું જ પરિણામ છે.”


રાહુલ હજુ ઘરના દરવાજે જ પહોચ્યો હતો અને તેને બા અને બનેવી વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળ્યો અને તેની આંખમાંથી ગંગા જમના વહેવા લાગી અને ડૂસકું ગળામાં જ ભરાઈ રહ્યું. તેને થયું મારી મા આ શું કરી રહી છે. અને તે આગળ નો વાર્તાલાપ સાંભળ્યા વગર ભાગતો દરવાજાની બહાર નીકળી ગયો.


માએ લાભુ ને કહ્યું,”ખબરદાર લાભુડા જો હવે એક શબ્દ પણ મોઢા માંથી કાઢ્યો છે. મને તો એમ કે તું હુશિયાર છે અને તું મને કઈક સારો રસ્તો બતાવીશ પણ તારા મગજમાં ભૂસું ભર્યું છે. તું શું મને રસ્તો દેખાડવા નો, ચલ તું નીકળ તારો રસ્તો પકડ, મારા દીકરા નું હું જોઈ લઈશ.” 


સાસુ નું આવું રૌદ્ર રૂપ જોઈ ને લાભુ પણ ઉભી પુન્છ્ડીયે ભાગ્યો.

આ બાજુ રાહુલને પણ ખુબજ લાગી આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો. અને શહેરની વચ્ચે વહેતી નદી પરના બ્રીજ પર પહોચી ગયો. બપોરનો લગભગ બે વાગ્યાનો સમય હતો. ટ્રાફિક થોડો ઓછો હતો. કાઈ પણ વિચાર્યા વગર બ્રીજની સાઈડમાં કરેલી જાળી પર ચડી ગયો અને એકદમ જ છલાંગ લગાવી દીધી...

***

હવે રાહુલને બધું સમજાઈ ગયું હતું. તે સમજી ગયો હતો કે તે હવે ફક્ત સુક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તેનું શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે. રાહુલ હવે નદીની રેતમાં ઘૂંટણભેર બેઠો હતો. તેને વિચાર આવ્યો. “મા અને બહેન શું કરતા હશે ?”.એટલું વિચારતા જ તેને આંખ ખોલી તો તે પોતાના ઘરમાં હતો. મા ઘરમાં જ હતી અને શાકભાજીની લારી લઇને જવાની તૈયારી જ કરી રહી હતી. અને તેને ઘરની બહાર જતા રાધા ને કહ્યું, ”રાધા રાહુલ દેખાતો નથી બપોરનો, તને કઈ કહીને ગયો છે ?,ક્યાં ગયો હશે ?”


રાધા બોલી, ”મા મને કઈ વાત કરી નથી ભટકતો હશે ક્યાંક આવી જશે તું ચિંતા ના કર.”

માએ કહ્યું, ”સારું બેટા આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે તેને રીંગણનું શાક બહુ ભાવે છે ને”

રાધા મોં ચડાવીને બોલી, ”હા તને તો દીકરો જ વહાલો છે ને અમે તો જાણે કઈ નહિ.”

મા હસીને બોલી, ”ના બેટા મારા મનમા એવું કાંઈ નથી, મા માટે બધા સંતાન એક સમાન જ હોય.”

એમ કહીને મા ઘરની બાહર નીકળી.


રાહુલ ઘર ના દરવાજામાં ઉભો ઉભો આ સંવાદ સાંભળી રહ્યો હતો.અને મા અને દીકરી વચ્ચેનો આ સંવાદ સાંભળી તેને એકદમથી રડવું આવી ગયું. પણ આ શું તેને લાગ્યું કે ખુબજ રડી રહ્યો છે પણ આંખમાંથી એક પણ આંસુ નીકળતું નથી. જાણે તેના મૃત્યુની સાથે આંસુઓ પણ સુકાઈ ગયા. તેને મન થયું કે માંને બથ ભરી લઉં, પણ તે હવે એ પણ જાણતો હતો કે આ શક્ય નથી. તે વિચારી રહ્યો હતો કે માને મારા મોતના સમાચાર ક્યારે મળશે, અને જયારે મળશે ત્યારે તેની ઉપર શું વીતશે ! હજુ તે આવું વિચારી જ રહ્યો હતો ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરમાં દાખલ થયો.અને રાધા ને કહ્યું, ”ક્યાં છે તારી મા ?”

રાધાને ધ્રાસકો પડ્યો, ”કેમ શું થયું સાહેબ ?”

કોન્સ્ટેબલ બોલ્યા, ”તારી માને બોલાવ.”

રાધા બોલી "બે મિનીટ બેસો સાહેબ હું બોલાવી લાવું."


રાધાએ શાક માર્કેટ તરફ દોટ મૂકી. ત્યાં પહોચતા સુધીમાં તેના મગજમાં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા,જેમકે “શું રાહુલે કઈ ખોટું કામ કર્યું હશે ?”,”કોઈ ચોરી કરી હશે ?”.

રાધા માંને લઇને ઘેર આવી. કોન્સ્ટેબલે માને કહ્યું,”ચાલો મારી સાથે ગાડીમાં બેસો”

માએ કહ્યું, ”હું આવું છું પણ મને કહો તો ખરા શું થયું સાહેબ ?”

કોન્સ્ટેબલે કહ્યું "તમે ગાડી માં બેસો હું સમજાવું છું.

માએ રાધાને કહ્યું, ”તું ઘેર જ રહેજે બેટા હું આવું છું.”

મા પોલીસની ગાડીમાં બેઠી, અને બેસતા જ ફરી પૂછવા લાગી, ”હવે કહો સાહેબ શું થયું ?”

કોન્સ્ટેબલે કહ્યું, ”માડી હિંમત રાખજે ભગવાનને જે ગમ્યું તે ખરું.”

માને ફાળ પડી અને ગુસ્સે થઇને કહ્યું, ”હવે ફાટ ને શું થયું ?”

કોન્સ્ટેબલે કહ્યું, ”તમારા દીકરા રાહુલે આત્મહત્યા કરી લીધી છે.”


માની આંખમાં અંધારા આવી ગયા અને ગાડીની સીટમાં જ ફસકી પડી. કોન્સ્ટેબલે તેના ચહેરા પર બોટલ માંથી પાણી લઇને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું. થોડા હોશમાં આવતાજ માએ ફરી સવાલોની ઝડી વરસાવવાનું શરુ કર્યું, ”તમે સાચું કહો, મારો દીકરો આવું કરે જ નહિ.” વગેરે વગેરે.

કોન્સ્ટેબલે કહ્યું માજી તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ પર અને આગળની વિધિ કરો.


રાહુલ પણ સુક્ષ્મ સ્વરૂપે માની બાજુમાં હતો. તે પણ અવાચક બની ગયો હતો. હવે તેને પણ મેહસૂસ થવા લાગ્યું હતું કે તેને કેવડું મોટું પગલું ભરી લીધું છે. તેના મૃત્યુની સાથે કેટલા લોકોની જીંદગી પણ ખરાબ થઇ છે. એની સાથે તે એ પણ જાણતો હતો કે હવે તે કઈ કરી શકે તેમ પણ નથી.

કોન્સ્ટેબલ માંને લઇને હોસ્પિટલ પહોચ્યા. હોસ્પિટલના હેડ ડોક્ટર માને શબગૃહમાં લઈ ગયા. અને રાહુલની લાશની ઓળખ કરાવી. રાહુલ ને જોઈને મા ફરીથી બેહોશ થઇ ગઈ. ડોકટરે હોસ્પિટલના સ્ટાફને બોલાવી સ્ટ્રેચર પર સુવડાવી તેમને આઈ.સી.યુ.માં લઈ ગયા.


આજે રાહુલના મૃત્યુનો બારમો દિવસ છે. માએ તેના આત્માની શાંતિ માટે બધી વિધિ કરવામાં કોઈ કસર રાખી નહોતી. આજે બારમાંનો જમણવાર પણ રાખ્યો હતો લગભગ ૭૦૦ લોકોનું રસોડું હતું. અને આ ખર્ચ માટે પણ તેણે પેલા માથાભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા. રાહુલ માની આ દશા જોઈ નહોતો શકતો. ૧૨ દિવસ પછી પણ બંને બહેનોની આંખોમાંથી અવિરત વહેતા આંસુઓને નહોતો જોઈ શકતો, પણ એ કઈ કરવા સક્ષમ નહોતો.


રાહુલને વિચાર આવતો હતો કે મૃત્યુ પહેલા પણ એ “અક્ષમ” જ હતો એવું કઈ કરવા માટે જેથી પરિવારને મદદરૂપ થઇ શકે, પણ જીવતા રહીને તેની પાસે કોઈને કોઈ વિકલ્પ મળી રહેવાનો ચાન્સ તો હતો જ. રાહુલને હવે પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો. કાશ ભગવાન મને ફરી એક મોકો આપે. પણ જિંદગી ફક્ત એકજ મોકો આપે છે. તેનાથી મા અને બહેનોની આ હાલાત જોવાતી નહોતી. પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય તેમ તે મા અને બહેનોના દરેક દુખનો સાક્ષી બની રહ્યો હતો. તેના ના ઇચ્છવા છતાં પણ તેના ગયા પછી પરિવારપર વરસી રહેલા અપાર દુ;ખ હવે તેને જોવા પડી રહ્યા હતા.


રાહુલના મૃત્યુ ને આજે બે મહિના થઇ ગયા હતા. પણ મા અને બહેનો પર દુ:ખનો ઓછાયો હજુ ઓછો નહોતો થયો. અને રાહુલ પણ હવે એવું ઈચ્છી રહ્યો હતો કે ભગવાન કાંતો પરિવારનું દુખ ઓછું કરે કાંતો પોતાને મોક્ષ આપી દે જેથી તે પરિવારના આ દુ:ખને ના જોઈ શકે. તને ખબર હતી કે બીજા વિકલ્પમાં તેનો સ્વાર્થ છુપાયેલો છે, પરંતુ તે અંદરથી ખુબજ તડપી રહ્યો હતો. અને સૌથી વધુ તકલીફ આપતી વાત એ હતી કે “તે પોતાનું દુખ કોઈને કહી શકતો નહોતો.” જયારે તમે કોઈને પોતાનું દુ:ખ કોઈને કહો ત્યારે તમારું દુ:ખ ઘણું ઓછું થઇ જાય છે પણ, આ વિકલ્પ રાહુલ પાસે ઉપલબ્ધ નહોતો.


હવે ફરી પાછા ઉઘરાણીવાળા માથાભારે તત્વો ઘેર આવવાના શરુ થઇ ગયા હતા. ઘેર આવીને ગમે તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા, ક્યારેક રાધા ઘેર એકલી હોય તો તેનો હાથ પકડી અશ્લીલ હરકતો કરતા. પણ રાધા વાઘણની જેમ ગર્જના કરતી તો ઉભી પુન્છડીએ ભાગતા. રાહુલ આ બધું જોઈને ખુબજ ગુસ્સે થઇ જતો તેને ઘણીવાર એમ થઇ જતું કે આ બધાનું ખૂન કરી નાખું. પણ તે કઈ પણ કરવા અસમર્થ હતો.


હવે રાહુલ ભગવાન પાસે મોક્ષની માંગણી કરવા લાગ્યો. તે આ મૃત્યુ પછીની જીંદગીથી હેરાન પરેશાન થઇ ગયો હતો. આજે તેમના વિસ્તારમાં આવેલા શિવમંદિર પર શિવકથાનો પ્રારંભ થયો હતો. ખુબજ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવકથા કરવાના હતા. મા પહેલા દિવસથી જ શિવકથામાં જતી હતી. આજે બીજો દિવસ હતો આજે રાહુલ પણ ત્યાં હાજર હતો. શિવકથા સાંભળીને તે પોતાને થોડો શાંત મહેસૂસ કરવા લાગ્યો. તે આગળ સ્ટેજની બાજુમાંજ બેસીને કથા સંભાળવા લાગ્યો. સળંગ ૩ દિવસ જવાથી રાહુલને ખુબજ સારું લાગવા લાગ્યું. અને તેની પાછળનું બીજું કારણ એ પણ હતું કે કથા સંભાળતી વખતે માના ચહેરા પર દેખાતી અપાર શાંતિ.


આજે રાહુલ એકદમ મગ્ન થઇને આંખો બંધ કરીને કથા સાંભળી રહ્યો હતો, અચાનક તેને આંખો ખોલીને સ્ટેજ તરફ જોયું તો તેને એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંચતા વાંચતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે. અને મંદમંદ હસી રહ્યા છે. તેના મગજમાં વિચારોનું ઘોડાપુર ફરી ચાલવા લાગ્યું. તને જોઈ શકે છે. તેને થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે. પરંતુ બીજી ઘડીએ વિચાર્યું કે ના આ તેનો ભ્રમ પણ હોઈ શકે. આજના દિવસની કથા પુરી થઇ ગઈ. મા ઘર તરફ ચાલવા લાગી. રાહુલ ને થયું કે કાશ મા મને એક વાર સાંભળી શકે, પણ તે તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો. અને મા સાથે વાત કરવા ના વિચારને ઉગતો જ ડામી દીધો.


આજે કથાનો છેલો દિવસ હતો. આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મનના ક્યાંક ખૂણે સળવળી રહેલા તેના શંકાના કીડાનો આજે ઈલાજ કરીનેજ જંપીશ. આજે હું સ્વામી સત્યાનંદની સામે જ બેસીશ અને હકીકત શું છે તે જાણી ને જ રહીશ. જો સ્વામીજી તેને જોઈ શકતા હોય તો કદાચ વાત પણ કરે. કથા શરુ થઇ મા મહિલાઓની હરોળમાં આગળ જ બેસીને કથા સાંભળી રહી હતી. અને રાહુલ પણ અદ્રશ્ય રીતે પુરુષોની હરોળમાં સૌથી આગળ બેઠો હતો. તેની નજર સ્વામીજી પર જ ટકેલી હતી. તે વાત જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહિ ?


કથા શરુ થયાના લગભગ એક કલાક સુધી સ્વામીજી એ તેની તરફ નજર સુદ્ધા ના કરી, પરંતુ કેટલાક સમય પછી રાહુલને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈને જ કથા બોલી રહ્યા છે. અને જાણે ફક્ત એને જ સંભળાવી રહ્યા છે. વારંવાર તેની સામે જોઈને તેમના તેજસ્વી મુખારવિંદ પર નિર્દોષ સ્મિતની એક લહેર વહી રહી હોય તેવું લાગતું હતું. હવે રાહુલને ખાતરી થઇ ચુકી હતી કે સ્વામીજીને તેના અસ્તિત્વનો એહસાસ છે.


રાહુલે અચાનક ઉત્સાહમાં આવી ને બુમ પાડી, ”હે સ્વામીજી મને મોક્ષ અપાવો.”

સ્વામીજી પણ તેને સાંભળી રહ્યા હોય તેમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઉંચો કરીને સાંકેતિક ભાષા માં જાણે કહ્યું કે,”બેટા શાંતિ રાખ.”


કથાનું આજે સમાપન હતું. જેવી કથા પુરી થઇ સ્વામીજી વ્યાસપીઠ પર જ બેસી રહ્યા. લોકો ઉભા થઇને ચાલવા લાગ્યા. રાહુલ સ્વામીજીની સામે એકીટશે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા. તેમણે રાહુલને ઈશારો કર્યો કે, ”મારી સાથે આવ.”


સ્વામીજી મંદિરની પાછળના ભાગમાં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા. રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. ઓરડીમાં પહોચતા સ્વામીજીએ ઓરડીના દરવાજા બંધ કરી દીધા. અને ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયા. ટીપોય પર પડેલા પાણીના જગમાંથી ગ્લાસ ભરીને પાણી પીધું. અને રાહુલની સામે જોઈને હસીને બોલ્યા, ”બોલ બેટા તારે મોક્ષ કેમ જોઈએ છે ?”


રાહુલ અવાચક બની ગયો એને સ્વામીજીને સામે સવાલ પૂછ્યો, ”સ્વામીજી તમે મને કઈ રીતે જોઈ શકો છો ?”

સ્વામીજી બોલ્યા, ”બેટા મેં ઘણા વર્ષો સુધી હિમાલયમાં તપસ્યા કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેનાથી હું દિવ્ય આત્માઓને જોઈ પણ શકું છું અને વાત પણ કરી શકું છું.

“મને તારા વિષે ખબર છે તે કેવા સંજોગોમાં આ પગલું ભર્યું, શા કારણથી આ પગલું ભર્યું, મને એપણ ખબર છે તારી મા પણ કથા સંભાળવા આવે છે.”


“હવે તું સાંભળ,આત્મહત્યા કરવી તે કાયર માણસનું કામ છે. જે વ્યક્તિની ઈશ્વરમાં આસ્થા હોય તે ક્યારે પણ આ પગલું ના ભરે. આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન નાના મોટા સંઘર્ષથી ભરેલું હોય છે. અને જેની જીંદગીમાં બિલકુલ સંઘર્ષના હોયને તેની જીંદગી ધૂળ બરાબર હોય છે. સંઘર્ષમય જીવનજ વ્યક્તિને સફળ બનાવી શકે છે. અને સંઘર્ષનો સામનો ના કરી શકે તે માણસ નમાલો હોય છે. અને તેં પણ તારી જિંદગીને આવી રીતે વેડફી નાખી છે. તે જો આ પગલું ભરતા પહેલા તારા પરિવાર વિષે થોડું પણ વિચાર્યું હોતને તો આજે તું આજે આ રીતે આત્મા સ્વરૂપે નહિ પણ મનુષ્ય દેહ સાથે તારી માની સાથે કથા સાંભળવા આવ્યો હોત. દીકરા તું અત્યારે પણ તારી માના ચહેરાને જોઈ શકે છે. તને હવે પસ્તાવો થઇ રહ્યો છે. જો તેં આ પગલું ભરતા પહેલા એકવાર પણ મગજ શાંત રાખીને વિચાર કર્યો હોત તો આટલા લોકોની જીંદગી આમ ના વેડફાત. તું શું માને છે તારા જતા રહેવાથી તારા પરિવારની સમસ્યાઓ ઓછી થઇ જશે ? વિધિ એ જે તારા પરિવારના નસીબ માં જે લખ્યું છે તે જ થશે. તારી જીંદગીની આહુતિ આપી દેવાથી કોઈની પણ સમસ્યા દૂર થવાની નથી. જીવતો હતો તેના કરતા તું મૃત્યુ પછી તારા પરિવાર પર બોઝ બની ગયો છું.”


આ બધું સાંભળી ને રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમ વાર રડી રહ્યો છે. સ્વામીજીએ તેને રડવા દીધો. થોડી વાર પછી સ્વામીજી ઉભા થયા અને તેની પાસે આવ્યા. રાહુલના માથા પર હાથ પસવાર્યો. રાહુલને પણ તેમના સ્પર્શનો એહસાસ થયો. મૃત્યુ પછી પહેલી વાર તેને સ્પર્શ અનુભવ્યો. તેને એકદમ અપાર શાંતિનો અનુભવ થવા લાગ્યો.

સ્વામીજી બોલ્યા,”બેટા હવે તું મને કહે કે તું શું સમજ્યો ?.”


રાહુલ બોલ્યો, ”સ્વામીજી, હું હવે બધું જ સમજી ગયો છું આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલ ના હોય.”

સ્વામીજી એ હસી ને કહ્યું, ”બેટા હવે હું તને આ દુનિયામાંથી મુક્ત કરાવું છું.”


એમ કહી ને સ્વામીજી એ કમંડળમાંથી ગંગાજળ હાથમાં લીધું અને અંખ બંધ કરીને કોઈ મંત્ર બોલ્યા. અને પાણીનો છંટકાવ રાહુલ તરફ કર્યો. શરીર પર ગંગાજળનો છંટકાવ થતા જ તેને એક અદ્ભુત અનુભૂતિ થવા લાગી. તેને લાગ્યું કે એ બરફની જેમ ધીરેધીરે પીઘળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યો છે. અને અનંત તરફ આગળ વધી રહ્યો છે. ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વનું અનંત મિલન થઇ રહ્યું છે. ધીરેધીરે રાહુલનું અસ્તિત્વ શિવમાં ભળી ગયું. સ્વામીજી હસતા હસતા એક સંતોષની લાગણી સાથે “શિવ શિવ” કરતા ઓરડીની બહાર નીકળી ગયા.


આ બાજુ મા હજુ ઘેર જ પહોચી છે. પાણીયારા પર લોટો ભરીને પાણી પી રહી છે ત્યાં રાધા દોડતા આવી અને માને પાછળ થી વળગી પડી અને બોલી, ”સીતા ને ભાણિયો જન્મ્યો થયો છે.”

માના ચહેરા પર ઘણા સમય પછી એક ખુશીની ઝલક દેખાઈ...


Rate this content
Log in

More gujarati story from himanshu patel

Similar gujarati story from Horror