પત્ર
પત્ર


(જીવનના અંતિમ દિવસોમાં પોતાની પ્રિય બહેનને લખેલો પત્ર)
પ્રિય શ્વેતા,
કેમ છે ?
મજામાં ?
ઘણા સમયે પત્ર લખું છું.
આજના જમાનામાં પત્રલેખન બહુ ઓડ લાગે ખરું ને ?
પણ, મને ગમે છે. એનું કારણ કદાચ મારો લખવા પ્રત્યેનો પ્રેમ હોઈ શકે. પરંતું આ વખતે બહુ લાંબા સમયે લખી રહી છું. તને ખબર છે હું કેમ લખું છું ? ઘણી વખત મારા નિજાનંદ માટે અને ઘણી વખત મારા દિલની વાત કહેવા માટે કેટલીક વખત પોતાની ખુશી માટે લખી લઉં છું. ક્યારેક કવિતા તો ક્યારેક આમ પ્રિયજન માટે પત્ર. પરંતુ કદાચ આ મારા જીવનનો અંતિમ પત્ર હોઈ શકે. તારા અહીંયા આવતા સુધીમાં હું હોઈશ કે નહીં ખબર નહીં તેથી તારા માટે આ પત્ર લખું છું.
હું જાણું છું તને મારા વગર નથી ગમતું પણ શું કરીએ સમયે અને સંજોગો આગળ આપણે લાચાર છીએ. મને ખબર છે સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓનું આયુષ્ય બહુ ઓછું છે. અને યાદો સાથે જીવવું એટલું જ અઘરું. પરંતુ મને ખાતરી છે કે સમય ચક્રની સાથે સાથે બધું જેમ હતું એમ થઈ જશે. અને સાથે સાથે તું દરેક પરિસ્થિતિ પણ સાચવી લઈશ.
તે મારો મારા અંતિમ શ્વાસ સુધી સાથ આપ્યો. મારા સુખમાં હસી, મારા દુઃખમાં મારી સાથે રહી મારો સહારો થઈ. અને હા, જો કોઈ હોય કે જેને મારા શરૂઆતથી અંત સુધી સાથ નિભાવ્યો તો એ તું જ છે. અને હા તને કહી દઉં કે તારી આંખોની કિનારી ભીની ના થવી જોઈએ. જીવનનાં અંતમાં પરિવાર અને મિત્રોનો સાથ કોણ ના ચાહતું હોય. પરંતુ આ રોગ જ એવો છે કે શું કહેવું. ખેર! ધ્યાન રાખજે બધાનું.
જીવન મળ્યું એ નસીબની વાત છે.
મૃત્યુ મળ્યું એ સમયની વાત છે.
ખેર ! આવ્યા હતા તો જવાનું તો છે જ.
વહેલા કે મોડા એ નસીબની વાત છે.