પ્રતીક્ષા
પ્રતીક્ષા
વરસ થયાં હતાં કે મહિના એ યાદ નહોતું એને, પણ વરસોથી એકબીજાનાં હોવાનો અહેસાસ થતો રહેતો એને. મળવાનાં સંજોગ ક્યારેય ઊભા નહોતા થયા. શરૂઆતમાં એને મળવાની ખૂબ તીવ્ર ઈચ્છા થતી પણ ધીરે ધીરે એ ઈચ્છા લાંબી પ્રતીક્ષામાં પરિણમતી ગઈ અને અંતે વિલીન થતી ગઈ.
બારી પાસે ઊભા ઊભા એને યાદ આવતો હતો એ દિવસ જ્યારે એનો પહેલો સંદેશો આવેલો. ફલક છોડીને ન જવાની એણે વિનંતી કરેલી જે એણે માની લીધેલી. થોડા દિવસ સુધી ખૂબ બધી વાતો થયેલી બેયની. કેવી વાતો ? મૂલ્યોની. મૂલ્યોનાં પતનની. કંટાળાની અને સુખરૂપ ક્ષણોની. ક્યારેક શાકભાજી સુધારતા પડતી મજા કે અગવડની, તો ક્યારેક સાફ-સફાઈ કરતાં આવતી અડચણની. આવી આવી વાતોમાં આખો આખો દિવસ વીતી જતો. રાતે સુખરૂપ નિંદરની શુભેચ્છાઓ પાઠવતાં બેય એકબીજાને. એકબીજાનાં પરિવારથી વાકેફ નહોતાં તોય પરિવારની ચિંતા કરવાનું, પ્રાર્થના કરવાનું સહજ થઈ પડેલું. ધીરે ધીરે વાતો તો ઘટી પણ મન મળતાં ગયેલાં. ન બેઉએ એકબીજાનાં નામ પૂછેલાં કે ન તસવીર જોવાની કોઈ ઉત્સુકતા દાખવેલી.
એક દિવસ એક તરફથી કોઈ સંદેશા ન આવ્યા. બીજી તરફ અકળામણ એટલી વધી કે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું, 'જવા માટે આવવું હોય તો આવતાં જ નહીં પ્લીઝ.' એ ઘડીથી વગર કહ્યે પ્રેમનો એકરાર થઈ ગયેલો. પછી કોઈ ચોખવટ કે માફીની જરૂર જ નહોતી રહી. બેયની અભિવ્યક્તિમાં એકમેકનો સમાવેશ થવા લાગેલો. અજાણ્યાં બેય જાણીતાં, ઓળખીતાં થવા લાગેલાં. વાતવાતમાં નામ જાણી ગયેલાં. અનાયાસ ફોટા જોવાઈ ગયેલા. વ્યસ્તતા અને દૂરત્વ બેયને છેટાં રાખવાને બદલે વધુ ને વધુ નિકટ લાવતાં ગયેલાં.
એકબીજાનાં સ્વભાવથી વાકેફ બેઉ એકબીજાનાં રંગમાં એવા રંગાયેલાં કે ઉન્માદની એક ક્ષણે વિશ્વાસનો એક તાંતણો ખેંચાયો ને તૂટી ગયો. વાતચીતનો એક અંશ એણે ફલક પર ચમકાવી દીધો ને સામેથી દુઃખી થયાનો ભાવ રેલાયો. ફલક સૂનું થયું. ઓછા થયેલા સંવાદો સાવ અલોપ થયા. એણે કરેલી ભૂલનો સ્વીકાર કર્યો ને સામેથી વગર આપ્યે પોતાને સજા આપી. એવી સજા જેનો નિભાવ ગળામાં ફસાયેલ કાંટા સમેત કોઈ ફૂલની ચૂભન જેવો કણસાવનારો હતો. છતાં એ તડપનો એણે સ્વીકાર કર્યો, કલમને અલવિદા કહી.
આ જ બારી પાસે રોજ ઊભા રહેવાનું થાય છે. એને યાદ કરવાનું થાય છે. એના સંદેશની રાહ જોવાનું થાય છે. અને આ આખો ઘટનાક્રમ રોજ સંભારવાનો થાય છે. એને ખબર નથી કે સામે પક્ષે પણ એના જેવી જ સ્થિતિ છે કે એની સ્મૃતિને સુદ્ધાં ભૂલાવી દેવામાં આવી છે ! એકબીજાને જાણી જવાનો આ અભિશાપ જ કહી શકાય ને ! એ બસ પ્રતીક્ષાની એરણે છે. શું સ્વાર્થ હતો આ સ્નેહસંબંધમાં એ તો વિવેચનારો જાણે. એને તો બસ એ જાણવું છે કે સામે જે અતિ પ્રિય થઈ ગયેલી વ્યક્તિ છે તે સ્વસ્થ તો છે ને !

