Rajul Shah

Inspirational

3  

Rajul Shah

Inspirational

પ્રતિભાવ-

પ્રતિભાવ-

2 mins
14.8K



વાત કરવી છે આજે એક જાણીતા સૂફી ફકીર જુનૈદની પ્રકૃતિની…..

કોઇ તેમને ગાળ દે તો એ કહેતા કે આનો જવાબ હું કાલે આપીશ. બીજા દિવસે તે વ્યક્તિને જોઇને કહેતા કે હવે જવાબ આપવાની કોઇ જરૂર નથી. ક્યારેક કોઇ તેમને પૂછતું…… “કાલે તમને ગાળ આપી ત્યારે કેમ તમે કોઇ જવાબ ના આપ્યો? કોઇ ગાળ આપે તો આપણે તે જ સમયે તેને સામે ઉત્તર આપી દઈએ છીએ. એક ક્ષણ પણ નથી રોકાતા તો તમારે કેમ કાલ પર વાત ટાળવી હોય છે?”

જુનૈદે જવાબ આપ્યો…… મારા ગુરુએ કહ્યું છે કે આઘાતમાં બુદ્ધિ બહેર મારી જાય છે. મતિ મૂ્ર્ચ્છા પામે છે. માટે થોડો સમય જવા દેવો. કોઇ ગાળ દે તે જ સમયે જો જવાબ આપ્યો તો તે ઉત્તર મૂર્ચ્છામાં દીધો હશે કારણકે ગાળથી તમે ઘેરાયેલા હશો અને તેના તાપથી અકળાયેલા હશો. તેનો ધુમાડો હજી તમારી આંખમાં હશે. થોડા વાદળ પસાર થવા દો. એક દિવસનો સમય જવા દો અને પછી તેનો ઉત્તર દેજો.” અને આપણે પણ જાણીએ છીએ કે પસાર થયેલા સમય પછી આખી ઘટનાનો ભાર વેરાઇ જાય છે.

એવી જ એક યુવતિની વાત છે. ક્યારેક એવું બનતું કે સામેની વ્યક્તિની વાણી કે વર્તનના કારણે એના મન પર ભાર થઈ જતો અને એ ભાર એના ચહેરા પર સ્પષ્ટ રીતે તરી આવતો. પરંતુ એના પ્રત્યાઘાત આપવાના બદલે એ મૌન ધારણ કરી લેતી. એની ચૂપકી જ એની સમસ્યાનું મારણ બની રહેતી. ક્યારેક કોઇ એને પૂછે તો એ કહેતી…..“શું થયું એ કાલે કહીશ.”

કારણ? કારણ માત્ર એટલું જ કે જો આજે જે કારણથી મન ઉદ્વેગ પામ્યું છે એની અસર કાલ સુધી રહી તો ખરેખર એ વિચારવા જેવી અને ઉકેલ લાવવા જેવી ગંભીર સમસ્યા હોવી જોઇએ અને જો કાલ સુધીમાં એ આઘાત કે ઉદ્વેગની તિવ્રતા ઘટી જાય અથવા જે કંઇ બન્યું એનો ભાર મન પરથી ઓસરી જાય તો એનો અર્થ એ કે ગઈકાલે જે બન્યું એ એના રોજીંદા ક્રમને નડતરરૂપ કે નુક્શાનકારક નહોતું તો પછી શા માટે વળતો પ્રહાર કરીને વાત વધારવી?

સીધી વાત- જ્યારે તત્કાલીન સમય માટે કોઇ અનુચિત લાગતી બાબત હોય એના સંદર્ભમાં ઉતાવળી પ્રતિક્રિયા ન આપીને ય સ્વનું જ ભલુ કરીએ છીએ. ક્યારેક ઉતાવળા પ્રતિભાવ કે પ્રત્યાઘાતના બદલે સામી વ્યક્તિની અવગણના કરીને ય આપણે માનસિક વ્યથામાંથી ઉગરી જઈએ છીએ. વળી વળતા પ્રહારના લીધે બંને પક્ષે ઉચાટ તો વહે જ છે. અન્યના વાણી-વર્તન કે વિચારોને આપણે બદલી શકતા નથી પણ આપણા વાણી-વર્તન અને વિચારો પર તો આપણું જ પ્રભુત્વ હોય ને?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational