Arun Gondhali

Inspirational

4  

Arun Gondhali

Inspirational

પરપોટો - એક સાક્ષી

પરપોટો - એક સાક્ષી

7 mins
102


આ વરસે ચોમાસું સમયસર શરુ થયું હતું. ગામનાં વયોવૃધ્ધ શીવાકાકા હવામાનની આગાહીઓ સચોટ કરતાં. ગામના ખેડૂતોને શીવાકાકાની આગાહીઓ ઉપર વિશ્વાસ રહેતો. આગાહીઓ સાથે વરસાદના અનુરૂપ કયાં કયાં પાક લેવાં તેની સલાહ શીવાકાકા આપતાં એટલે જ તો ગામના બધાં ખેડૂતો માટે એ આદરણીય હતાં. દરેક મોસમના પાકની લણણી થાય અને દરેક ખેડૂત પોતાની યથાશક્તિ અનાજની ભેટ એમને પહોંચાડતાં.

ભેગાં થયેલ અનાજથી શીવાકાકા ગામમાં એક નાનું અન્નક્ષેત્ર ચલાવતાં. જર-જમીન વગરના અતિ ગરીબ ગામવાસીઓ અને બેસહારા વૃધ્ધો એનો લાભ લેતા અને સાથે સાથે સેવા આપી પોતાનો ગુજારો કરતાં. આ ગામમાં કોઈ ભિખારી નહોતા કે કોઈ ભિખારી ગામમાં આવે તો તેઓ એને સમજાવીને ભીખ માંગવાનું પણ છોડાવતાં. શીવાકાકા કહેતા જેની પાસે શરીરના બધાં અંગો હોય અને કદાચ એકાદ અંગ સલામત ના હોય તો શું થયું ? આત્મવિશ્વાસ એ અંગની ખામી પૂરી કરે છે અને આત્મવિશ્વાસવાળી વ્યક્તિ અપંગ ના હોઈ શકે. ખુદ્દારીથી જીવતાં આવડવું જોઈએ. શીવાકાકાની સોચ બહુ ઉમદા હતી. એ જમાનામાં મેટ્રિક પાસ થયેલ હતાં. ગામનાં ઉદ્ધાર માટે હંમેશ તત્પર રહેતાં. ગામવાસીઓના એ સાચા સેવક હતાં.

વરસોથી તેઓ એકલા જ હતાં. એમની પત્ની દીકરાને જન્મ આપી પ્રસુતિમાં મૃત્યુ પામી હતી. દીકરાને ભણાવી ગણાવી ઉછેરીને એક સશક્ત નાગરિક બનાવ્યો અને એકનો એક સહારો દેશને સોપી દીધો. નવલ જયારે આર્મીમાં ગયો ત્યારે ગામનાં લોકોએ અને આજુબાજુના બાર ગામનાં લોકો એને વિદાય આપવા આવ્યાં હતાં અને બધાંને મન એ ગર્વની વાત હતી. થોડાંક વર્ષો બાદ ગામમાં ત્રિરંગામાં લપેટાયેલ એક પેટી આવી એ નવલનો મૃતદેહ હતો. કારગીલના યુદ્ધમાં એ શહીદ થયો હતો. ગામમાં અને આજુબાજુનાં ગામોમાં શોકની લાગણી પ્રસરી ગઈ. અંતિમ સંસ્કારમાં માનવ મેદની ભેગી થઈ.

શિવાકાકાએ બધાંને સંબોધતા કહ્યું - “દુઃખ મનાવશો નહિ આ તો નવલના નસીબનાં લેખ સારા કે ભારતમાતા માટે એ કામ આવ્યો. આ બલિદાન ના કહેવાય, આ તો રાષ્ટ્રની સેવા કહેવાય. માતા કોઈ દિવસ બલિદાન નહિ માંગે એ તો સેવા માંગે. રાષ્ટ્રને માટે ફના થવા કહે ! રાષ્ટ્રની લાજ રાખવાં કહે ! એણે આપણાં ભારતમાતાની લાજ રાખી ઋણ ચુકવ્યું છે. દુશ્મનો સામે લડતાં રાષ્ટ્રનું અને આપણાં ગામનું નામ રોશન કર્યું છે.”

એ જ વખતે એમણે જાહેર કર્યું – “સરકાર તરફતી નવલના જે પૈસા આવશે તે રાષ્ટ્રની તિજોરીમાં જમા થાય અને સરકાર જરૂરિયાતો માટે એ પૈસા વાપરે. મારે એક પણ પૈસો જોઈતો નથી. એણે આપેલ સેવાના મોબદલાના પૈસા મારાથી ના લેવાય, જો રાષ્ટ્રને આપેલ સેવાની બદલીમાં પૈસા લવું તો મારા જેવો નપાવટ કોઈ નહિ !” 

જયારે અંતિમવિધિ ચાલી રહી હતી ત્યારે શીવાકાકાના પડખે બે મિત્રો ગુલાબ અને હેમુ ઊભાં હતાં. ગુલાબને શીવાકાકાના શબ્દો અર્થપૂર્ણ અને અમલ કરવા જેવાં લાગતાં હતાં !

ગુલાબ અને હેમુ હવે જુવાન થઈ ગયાં હતાં. બંનેએ એક સાથે શાળાએ જવાનું શરુ કર્યું હતું અને હવે ગ્રેજ્યુએટની ડીગ્રી લઈ બંને ખેતી કરતાં હતાં. બંનેના ખેતરો લગોલગ હતાં. બંનેના ખેતરોની સીમની વચ્ચે એક સહિયારો મોટો કૂવો હતો જેમાં બારેમાસ ખૂબ પાણી રહેતું. બંનેની મિત્રતા ગુલાબના છોડ જેવી ઘનિષ્ટ હતી. ગુલાબ, ગુલાબ જેવાં જ સ્વભાવનો, બધાંને ગમી જાય તેવો. જયારે હેમુનો સ્વભાવ કાંટા જેવો. દોસ્ત ગુલાબનું કાયમ રક્ષણ કરે, એક રક્ષક જેવો. દોસ્તીમાં બંને પાકા. ગામમાં એમની દોસ્તીના વખાણ થતાં. બંનેની ખેતીનું ઉત્પાદન પણ સારું હતું. ગુલાબને ખેતીમાંથી જે કંઈ મળતું તેનાથી તે ખુશ હતો પરંતું હેમુને હંમેશ અસંતોષ રહેતો. પૈસા ખાતર ખોટું કરવું હોય તો એ અચકાતો નહિ.

સમય બદલાઈ રહ્યો હતો. બેઈમાની, કાળાબજારી, બ્લેક-મની, છેતરપીંડીના સમાચારો હેમુને આકર્ષિત કરતાં. એને હવે લોભ ચડ્યો હતો, પૈસા કમાવવાનો, ભલે બેઈમાની કરવી પડે !

ગુલાબ કાયમ સમજાવતો કે – “ભાઈ...બેઈમાનીનો આશરો લઈશ નહિ એના ફળ તાત્કાલિક સારા તો લાગશે પણ સરવાળે આત્માને લાંછન રૂપ છે. એ તકલીફ આપશે. એક કુટુંબનાં ભરણપોષણ માટે જોઈએ એટલું ઈમાનદારીથી મળી તો રહે જ છે ને ! લાલચ માણસને બગાડે છે. એક જિંદગી ચાલે એટલું ધન બસ છે. વધારાનું જો ખર્ચી ના શકવાના હોય કે એ પૈસા કામમાં આવવાના ન હોય એનો સંગ્રહ કે લોભ શું કામ કરવો ? પૈસાથી દવા ખરીદી શકાય, જિંદગી નહિ દોસ્ત.. એ વાત યાદ રાખજે !” હેમુ ફક્ત એને સાંભળી લેતો અને મૂછમાં હસતો. બસ...

એક દિવસે બંને ખેતરમાં કામ કરી ને રોટલો ખાવાં બેઠાં ત્યારે હેમુએ ગુલાબને કહ્યું – “ચાલ આ વર્ષે સરકાર દુકાળવાળા ખેડૂતોનું કર્જ માફ કરવાની છે આપણે પણ તેમાં નામ નોંધાવી દઈએ જેથી કરજ માફ થઈ જાય”.

સાંભળીને ગુલાબે કહ્યું – “ અલ્યા ભલે દુકાળ હતો પણ આપણને ક્યાં એની અસર થઈ. આપણાં પાક તો સારા જ આવ્યાં હતાં આ કૂવાને લીધે, આપણને ક્યાં ખોટ ગઈ છે ? આમ તે કંઈ ખોટું કામ કરાય ? રાષ્ટ્રનાં પૈસા ખોટી રીતે પડાવવા એ તો ચોરી કહેવાય ભાઈ... ચોરી....! સરકારની તિજોરીના પૈસા એ નોકરિયાત નાગરિકના ખુન-પસીનાના છે, તેઓ ઈન્કમટેક્ષ ભરે છે. ઈમાનદાર ધંધાવાળાના ટેક્ષના પૈસા છે. એ પૈસાથી સરકાર રાષ્ટ્રનો વિકાસ કરે છે, સુખ સગવડો આપે છે. ખોટું કરીએ એ તો લૂંટ કહેવાય ! અત્યારે સુખના બે રોટલાં મળી રહ્યાં છે તો શા માટે ચોરી કરવી અને સરકાર પાસે ભીખ માંગવી ? આપણે તો અન્નદાતા કહેવાઈએ ! જે દાતા હોય એનાથી ભીખ મંગાય ? વિચાર કર, આપણા દેશમાં એવા તો ઘણાં લોકો છે કે જેમની પાસે કંઈ જ નથી અને દેવાદાર છે. એ બિચારા ક્યાં જાય કરજ માફી માટે ? સ્વાભિમાનથી જીવ અલ્યા હેમુ ... ભિખારી ના થા ....”

બસ આ શબ્દો હેમુને ના ગમ્યા અને બંનેની જીભા-જોડી, હાતાપાઈમાં પરિણમી અને કંઈક અજુગતું બન્યું.

**************

સમયની સાથે વિચારો પણ બદલાઈ રહ્યાં હતાં. લાગણીઓ ડીજીટલ થઈ રહી હતી. ગામમાં સરપંચની ચુંટણી હતી. હેમુએ ઉમેદવારી નોંધાવી અને બિનહરીફ ચુંટાઈ આવ્યો એટલે પોતા માટે અભિમાન થયું અને હિંમત વધી આખરે અહંકારે કબજો જમાવી લીધો, હેમુના માનસ ઉપર ! તે ખૂબ આગળ વધવા માંગતો હતો કારણ રાજકારણ સમજી ગયો હતો. મોભ્ભો અને પૈસા, પૈસા અને મોભ્ભાની રમતમાં એ માહિર બની ગયો. સેવક તરીકે ચૂંટાયેલાં, હવે નેતા કહેવાતા હતાં, લીડર કહેવાતાં હતાં. નેતા અને લીડરની તો પરિભાષા જુદી હોય પરંતું પ્રજાને એ ઉપર ચિંતન કે મનન કરવાનો સમય નહોતો કારણ રાષ્ટ્રહિત કરતાં પોતાના ભ્રામક હિતની, પોતાના ભ્રામક સમાજ-સમુદાયના હિતની આવશ્યકતા લાગતી હતી, ફક્ત પોતાનાં હિત ખાતર. શીવાકાકા જેવાં લોકો જડવા મુશ્કેલ હતાં.

વર્ષો બાદ ....

હેમુ આજે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. એની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી. આજે એની પાસે ખૂબ પૈસો હતો. માણસ પાસે રૂપિયા હોય તો તે બહુ-રૂપિયો બની જાય છે. ગામના સરપંચ તરીકે શરૂઆત કરી તે આજે વિધાનસભાનો એક મોટો હોદ્દેદાર હતો. પત્નીને ખોળાનો ખુંદનાર નહોતો. પૈસા, ધન-દૌલત હતાં છતાં લાચાર હતો.

ઘણાં દિવસો બાદ હેમુને વ્હિલચેરમાં બેસાડી એની પત્ની એને વિશાળ ઘરનાં ઓસરીમાં હવાફેર માટે લઈ આવી. ધીમે ધીમે પડતાં વરસાદે હવે જોર પકડ્યું. વરસાદનું પાણી જમીન ઉપર ભેગું થઈ રહ્યું હતું અને દરેક ટીપું એક એક પરપોટો બની આગળ વહી રહ્યું હતું. પત્ની શાંતિથી વહી જતા પરપોટા અને પતિને જોઈ રહી હતી. હેમુની નજર પણ વહી જતાં પરપોટાઓ ઉપર મંડાયેલી હતી. બંનેની નજર પરપોટા ઉપર હતી પણ બંનેના મનની ગડમથલ જુદી જુદી અને ગંભીર હતી. 

વહી જતા પાણીના પરપોટાથી નજર હઠાવી પત્ની તરફ જોતાં હેમુ હસ્યો.. જોરમાં...અહંકારમાં... એક ખતરનાક અટહાસ્ય... “હા...હા..હા..આ એ..એ.. એ..જ પરપોટો છે, એ..જ પરપોટો છે, મારા એક ગુનાહને આજ સુધી કોઈ પકડી શક્યું નથી કે સાબિત કરી શક્યું નથી કે ગુલાબનું ખુન મેં કર્યું હતું. ગુસ્સામાં મેં મારા ભાઈબંધને ખોયો, મારી ઈચ્છા એવી નહોતી, પણ ખોટું થયાનું ભાન થયું ત્યારે અફસોસ સીવાય કંઈ નહોતું. હું તે ઘડીએ ત્યાં જ કૂવાની પાળ ઉપર બેસી રડતો હતો, અફસોસ કરતો હતો. કૂવા ઉપર બેસાડેલ સબમર્સીબલ પંપમાંથી નીકળતું પાણી ખેતરની નીકમાં ઠલવાઈ રહ્યું હતું અને આમ ... આમ.. જ નીકમાં પાણીના પરપોટા વહી રહ્યાં હતાં અને જાણે મને કહી રહ્યાં હતાં કે ભલે તને ખુન કરતાં કોઈએ જોયો ના હોય પણ અમે તો તને જોયો છે ! અમે સાક્ષી છીએ, આજની ઘટનાનાં !

અચાનક પાછળથી એક અવાજ આવ્યો, એ અવાજ હતો ગુલાબના દીકરા સુરજનો – “હા... કાકા... હા... મને શંકા હતી કે બાપુજીનું ખુન કદાચ તમે જ કર્યું છે. હું તે દિવસે ઓટલા ઉપર રમી રહ્યો હતો. તમે ખેતરેથી વહેલાં આવેલાં. તમારી ચાલમાં ઉતાવળ હતી. તમારાં કપડાં ઉપર લોહીનાં ડાઘ મેં જોયા હતાં. આજે તમારી કબુલાતથી પાકું થયું કે એ ડાઘ બાપુજીના લોહીનાં જ હતાં ! કદાચ આજ’દિ સુધી તમે આ વાત કોઈને કરી જ નહિ હશે ! પુરાવા અને સાક્ષીના અભાવે તમે આખો કેસ અકસ્માતમાં ખપાવીને પોતાની જાતને બચાવી લેવાં સફળ રહ્યાં. વાહ...કહેવું પડે ! પરંતુ તમને યાદ નહિ હોય પણ આ પાણીનાં પરપોટા સીવાય બીજો એક પુરાવો મારી પાસે છે અને તે છે તમારું એ શર્ટ ! કદાચ પોતાને નિર્દોષ સાબિત કરવાની દોડધામમાં વાડામાં દોરી ઉપર મુકેલ શર્ટનો નિકાલ કરવાનું તમે ભૂલી ગયાં અને એ શર્ટ પવનથી ઉડીને અમારાં વાડામાં આવી પડેલું. અમે આજે પણ એ શર્ટ ઓસરીમાં સંતાડી રાખેલ છે.... છાણાઓનાં ઢગલામાં. 

મા ને પણ શંકા હતી, પરંતુ તમારી ભાઈબંધી ઉપર કોઈ હસે અને મજાક કરે એ એને મંજૂર નહોતું એટલે આજ સુધી એમણે એક હરફ પણ ઉચાર્યો નથી અને તમારી મિત્રતાને બલિદાન આપ્યું – ભર જુવાનીમાં રંડાપો સહન કરીને !”

અજાણતાં હેમુથી પોતાનાં ગુનાહની કબુલાત થઈ ગઈ. એ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો ... “હું તમારો ગુન્હેગાર છું, મને માફ કરી દો. હું ગુલાબ પાસે પણ માફી માંગું છું. મને માફ કરી દો, એનાં અવાજમાં સાચો પશ્ચાતાપ હતો. આખરે કહેવત સાચી પડી – પાપ પોકારે આપોઆપ !

*************

હેમુનાં મૃત્યુ બાદ એની પત્નીએ હેમુનાં સંપત્તિની પાઈ-પાઈ સ્વ.શીવાકાકા સ્થાપિત ટ્રસ્ટને દાનમાં આપી દીધી.

સૂરજ હવે બે માતાઓનો આશરો હતો, બે કુટુંબની મિત્રતા કાયમ રાખવાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational