પ્રિય જિંદગીને પ્રેમ પત્ર
પ્રિય જિંદગીને પ્રેમ પત્ર


પ્રિય જિંદગી,
(હા તને જિંદગી જ ગણી હતી.અરે ! જિંદગીથી પણ વધારે.)
પ્રિય કાગડી,
(આ સંબોધન પણ મારા સિવાય કોઈ ના આપે.)
" શ્વાસથી પણ વધુ વિશ્વાસ હતો તારા પર,
શ્વાસ રહી ગયો, ને વિશ્વાસ તૂટી ગયો."
આપણે અલગ થયા પછીનો આ પહેલો અને છેલ્લો પત્ર. આમ તો પત્ર તને ના જ લખું,પણ દોસ્ત ખાલી થાવું ખૂબ જરૂરી છે :
" આ ભીતર મને ભાર લાગે છે,
વેદનાનો આ અત્યાચાર લાગે છે "
મારે તને પૂછવું છે,તે આમ કેમ કર્યું ? સમય સાથે નહોતો, ભેગા થવાના સંજોગો નહોતા, પણ પ્રીત તો હતી ને ? હા,તારે સાબિત કરવું હતું દુનિયાને કે આપણે વચ્ચે કઈ નથી. તે છળ છરી ખોસીને સાબિત કર્યું,ને હું એના મૂળ શોધતો રહ્યો :
ભાળ મુજને ના મળી છળ મૂળની,
પ્રેમ છળથી જીવ માંગે, ઠીક છે.
છળ,મજબૂરી કે બીજું કંઇ પણ,રીત ખૂબ ખોટી.
માણસ તૂટી જાય,હારી જાય એવું કઈ રીતે કરી શકાય ?
મને બધું યાદ છે,તારા દરેક શબ્દો, તારી ચેસ્ટાઓ. મારી તો હિંમત જ ક્યાં હતી ? તે તો સામેથી આવી કહ્યું "આઈ લવ યુ " અને મેં પણ " મી ટૂ " કહ્યું તું. આપણે મળ્યા, તું દરેક વખત કહ્યા કરે -"હજુ મારા થવામાં તમારે કૈક ખૂટે છે, હું તો તમારી થઈ ગઈ, તમને પ્રથમ વખત જોયા ત્યારની તમારી " એ વખતે ખરેખર કૈક ખૂટતું હશે. મારા મનમાં અજંપો હતો.ધીરે ધીરે હું તારામાં ઓગળતો ગયો:
મને જિંદગીમાં તું મળી ગઈ,
લાગ્યું મને મંજિલ મળી ગઈ.
દિવાનગી પુરેપુરી બંને છવાઈ ગઈ હતી. આપણી સવાર, સાંજ, રાત, બપોર દૂર છતાં પાસેના અહેસાસ સાથેની હતી. તે તો મારી સાથે લિવ ઈન રિલેશનશિપ સુધીની તૈયારી બતાવી હતી પણ જોડાયેલું તોડવું ખૂબ અઘરું છે. જયારે બધા રસ્તા આપણા જોડાવાના બંધ લાગ્યા ત્યારે,રાહ જોઈ સાથે ચાલતા રહેવાનું નક્કી કર્યું, પણ મને ક્યાં ખબર હતી કે તું આમ થાકી જઈશ.
કાગડી તને યાદ છે એકમેકમાં ઓગાળી જવાનું. અરે ! એ વાત જવા દે એ પૂનમની રાતે આપણે એકબીજાની આંખોમાં આંખો પરોવી એકબીજાને જોતા જ રહ્યા હતાં. તારી આંખો પરથી વાત યાદ આવ્યું,તને અને મને તારી આંખો ખૂબ ગમે. મને તો તારી આંખોમાં જોવાની આદત પડી ગઈ હતી. વળી તારી આંખો બહુ બોલકી, ભીતરની બધી વાતો મને દેખાય. હું તરત પૂછું, શું બન્યું છે ? ને તું તારો ભાર, જે તે ડાયરીમાં ઠાલવ્યો હોય તે મને વાંચવા આપી દે અને " તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી,તારી રૂપની પૂનમનો પાગલ એકલો " ભીની આંખે વાંચતો રહે. તારી દરેક તકલીફ વખતે જોડે રહેતો, હા દૂર, તો પણ જોડે. તને તો વારેવારે મરવાના વિચારો આવે ત્યારે હું ફિલોસોફર થઈ જતો.તારી દરેક તકલીફનો સાક્ષી અને સાથે.
સમય બદલાયો અને તે કહ્યું આપણે સંતાન માટે દૂર થઇ જવું જોઈએ અને મેં પણ 'હા'કહી પૂરો સહકાર આપ્યો અને મૌન લઇ લીધું. ને થોડા સમય બાદ તારો સંદેશો આવ્યો,ચાલ દોસ્ત વાતો કરીએ. ત્યારે મેં તને કહ્યું "મારી જોડે વાતો બંધ ના કરતી,હું જીવી નહિ શકું ". મારે કદાચ હજુ મોટા ઘાવ ખાવાના બાકી હશે,એટલે પાછી શરૂઆત થઈ :
શરૂઆત પણ એક અંત છે જિંદગીમાં,
ને અંત પણ એક શરૂઆત છે જિંદગીમાં.
આ વખતનો ઘાવ કપરો હતો જયારે તે કહ્યું "મારો પ્રથમ પ્રેમ મને પાછો મળ્યો છે. હું તમને બંનેને ચાહું છું ".આ વખતે તો મને ખલિલ ધનતેજવી યાદ આવી ગયા :
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
આમ ને આમ તું દૂરી વધારતી ગઈ ને હું પાગલ તારી આંખોમાં મારો પ્રેમ શોધતો રહ્યો, તારી તકલીફ શોધતો રહ્યો. હજુ પણ ખૂટતું હતું તો તું બોલી ઊઠી :
મુજ નજરના ભાવને તું બોલી કે,
તુજ નજર મુજ પર ફરે છે, તે શું છે ?
દોસ્ત, હજુ તારું બૂરું ઇચ્છયું નથી અને કર્યું પણ નથી ને કરીશ પણ નહિ. તને એમ છે કે મને વળતો જવાબ આપતા નહોતો આવડતો ? જવાબ હું આપું તો તારે મરવું પડે, હું તને સારી રીતે ઓળખું કે તું ના જીવે એટલે તો અપમાન સહી ને ચૂપ રહ્યો. તું આજકાલ બહુ હસતી જોઉં ત્યારે થાય દુઃખ છુપાવવા કેટલું હસે છે. લખું તો કાગળ ખૂટી જાય એટલું લખી શકાય એમ છે. તને ખબર છે :
ગઝલ સર્જાય ના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ,
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.
મારે પણ ઘાવ રંગત લાવ્યો છે. ગઝલ લખાય છે ને જીવાય છે. મેં તારા માટે લખેલી કવિતા જે તું મને પાછી આપવા આવી હતી એનું શું કર્યું ? બાળી નાખી કે હજુ છે ? એ તો તારા માટે જ લખી હતી એનું તારે જે કરવું હોય એ કરી શકાય. એક વાત છેલ્લી મારી જોડે જે કર્યું એવું કોઈ બીજા જોડે ના કરતી, જીવવું કઠણ થઇ જાય છે. હમારી અધૂરી કહાની મારા શબ્દોમાં :
એક વૃક્ષને વળગી વેલ,
ને શરૂ થયો એક ખેલ.
એક વૃક્ષને વળગી વેલ.
વેલ કહે હજુ પ્રેમમાં કઈ ખૂટે,
પર્ણ, ફળ, ફૂલ ને ડાળ તું મેલ.
એક વૃક્ષને વળગી વેલ.
વૃક્ષ પણ થયું પાગલ,
ને અપનાવી રૂડી જેલ.
એક વૃક્ષને વળગી વેલ.
એકમેકમાં હવે ઓગળી ગયા,
ના અલગ વૃક્ષ અને વેલ.
એક વૃક્ષને વળગી વેલ.
વાયદાની હવે મોસમ જામી,
તારો સાથ તો ઝૂંપડી પણ મહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
આ જમાનો ખૂબ નડે છે,
પાર નીકળવું નથી એટલું સહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
ધીરે ધીરે ધુમ્મસ ઊભું થયું,
કરી અંધારાએ પહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
કસમો ખાધી તે નાખી નદીમાં,
કરી અલગ થવા ટહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
વૃક્ષ તો ધીરે ધીરે સૂકાયું,
ને થઈ તું તું મેં મેં ની ચહેલ પહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
વૃક્ષ તો હતું સાવ ઘેલું,
વેલ દે મુને થોડું ઝહેર.
એક વૃક્ષને વળગી વેલ.
હવે વૃક્ષ અલગ ને વેલ અલગ છે,
યાદ નથી કોને શું કહેલ.
એક વૃક્ષને વળગી વેલ.
જિંદગીના શ્વાસ છૂટી તો નથી ગયા પણ ધીમા પડી ગયા હોય એમ લાગે છે. મારામાં ભીતર કૈક તૂટી ગયું હોય એવું લાગે છે. જિંદગી તો ચાલશે, વીતશે અને સામા મળીશું તો ઓળખીશું પણ નહિ.
રાધેક્રિષ્ના
જય શ્રી ક્રિષ્ના
લિ.તારો રહેલો શ્વાસ 'પ્રકાશ'