STORYMIRROR

Divya Pandya

Romance Inspirational

4  

Divya Pandya

Romance Inspirational

પ્રેમનું અધુરુ ચિત્ર

પ્રેમનું અધુરુ ચિત્ર

8 mins
188

એક નાના એવા ઓરડામાં જેમાં ઘણા બધા ચિત્રો સજાવેલા હતાં. ક્યાંક રંગની શીશી પડી હતી તો ક્યાંક પીંછી... કલર વડે જાણે કુદરતના રંગને ચિત્રમાં ઉતારેલ હોય તેવુ નદી કિનારાનું ચિત્ર દિવાલ ઉપર ખુબ શોધતું હતું.

એક માણસ રુમમાં પ્રવેશ્યો મૌલિક તેનું નામ. તેને આ ચિત્ર બનાવાથી જે કંઈ પણ મળતું તેનાથી તે બે ટાઈમના જમવાનાની વ્યવસ્થા કરતો. એક દિવસ તેના મિત્રએ કહ્યું, "મૌલિક તે આટલા સારા ચિત્ર બનાવેલા છે તું આનું એક્ઝિબિશન કેમ રાખતો નથી ?" 

મૌલિકને પણ તેની વાત સાચી લાગી. તેણે મિત્રની વાત માની. મૌલિક ગરીબ હોવાથી પહેલેથી તેને પૈસાનો બહુ લોભ હતો. ક્યાકથી વધારે પૈસા મળેને આરામથી જીવન વિતાવાય એ વિશે વિચારતો જ રહેતો. મૌલિક એ થોડા ઘણા બીજા ચિત્ર બનાવ્યા અને એક અનુકૂળ જગ્યા શોધી તેને તે બધા ચિત્ર ત્યાં મુકી દીધા. બધા લોકો આવતા અને તેના ચિત્રને જોઈ જોઈને જતા રહેતાં. મૌલિકને આ જોઈ નિરાશા મળતી પણ તેણે ક્યાય સુધી હિંમત તુટવા દીધી નહિ. 

ત્યાં જ એક આદમી આવ્યો. તેણે પેન્ટ શર્ટ પહેરેલા હતાં, પગમાં થોડા કાદવ વાળા બુટ, હાથમાં કાળા કલરના દોરા. તે દેખાવે સાવ સામાન્ય વ્યક્તિ લાગતો હતો. તે મૌલિક પાસે આવ્યો અને બોલ્યો, "ભાઈ મારું નામ વિનય છે. મારે મારી પત્ની સાથેનું અમારા બંનેનું ચિત્ર બનાવડાવુ છે બનાવી આપશો ? તેને ચિત્રનો બહું શોખ છે. જો તમે હા પાડો તો હું તમારા બધા ચિત્રો ખરીદી લઈશ." મૌલિક મનમાંને મનમાં વિચાર કરતાં બોલ્યો, "આ તો ઘણો સારો મોકો છે હું બહું બધા રુપિયા લઈશ અને પછી સુખનું જીવન જીવીશ." 

વિનય બોલ્યો, "ભાઈ શું વિચારો છો ?"

મૌલિક બોલ્યો, "મારુ નામ મૌલિક છેને હા હું આજે જ તમારા ઘરે આવીશ."

વિનય પોતાનું એડ્રેસ લખાવી પોતાના ઘર તરફ વળ્યો. મૌલિક પોતાના ઘરે જઈને પીંછી, રંગને બીજો જરુંરી સામાન લઈને તે વિનયએ આપેલા એડ્રેસ પર પહોંચ્યો. ત્યાં જતાં જ તે આશ્ચર્ય પામ્યો. એક નાનું એવું ઘર હતું જે તેના પોતાના ઘર કરતાં પણ નાનું હતું. વિનય મૌલિકનું સ્વાગત કરવા દરવાજે ઉભો હતો. મૌલિક ઘરની અંદર ગયો. એક જ રૂમનું એ ઘર શરું થતાં જ પુરુ થઈ ગયું. ત્યાં

જ વિનય બોલ્યો, "મૌલિકભાઈ તમે બેસો. હું મારી પત્નીને બોલાવું." વિનય બહાર ગયો.

મૌલિક બસ ઘર જોતો હતો. વ્યવસ્થિત રીતે ગોઠવેલ ઘર, બારીને બારણામાંથી સરસ પવન આવતો હતો, ઘરની પાસે રોપેલા ફુલોની સુંગધથી આખું ઘર મહેકતું હતું. મૌલિકના તનમનને ફુલોની સુંગધ તરબોળ કરી ગઈ. 

વિનય રૂમમાં પ્રવેશ્યો. તેની સાથે વ્હીલચેરમાં એક સ્ત્રી રુમમાં પ્રવેશી. વિનય તે સ્ત્રી તરફ હાથ દેખાડતા બોલ્યો, "મૌલિક ભાઈ આ મારી પત્ની છે સુમિત્રા." મૌલિક એ નમસ્કાર કર્યા. મૌલિક સુમિત્રાને જોતા થોડો બેચેન થઈ ગયો તેના મનમાં વિચાર કરવા લાગ્યો, "આની પત્ની વ્હીલચેર પર છે. ઘર આટલું નાનું છે. કમાણી પણ ઓછી લાગે છે તો આ લોકો કેટલા બધા દુ:ખી હશે!"

વિનય બોલ્યો, "મારી પત્નીની ઈચ્છા છે કે તમે એવું ચિત્ર બનાવો કે તેમાં અમારો બંનેનો પ્રેમ દેખાય."

મૌલિક બોલ્યો, "હા હું બનાવી તો લઈશ પણ મને બે દિવસ લાગશે!" વિનય એ સુમિત્રા સામે જોયું. સુમિત્રા એ સ્મિત સાથે હકારમાં માથું હલાવ્યું.

વિનય બોલ્યો, "હા કંઈ વાંધો નહીં." મૌલિક પોતાનો ચિત્ર બનાવાનો સામાન બેગમાંથી કાઢી કોરા કાગળમાં ચિત્ર બનાવવાની શરુઆત કરી. સુમિત્રા બોલી, "ભાઈ તમે ચા પીશો ?" મૌલિક એ હકારમાં માથું હલાવ્યું.. સુમિત્રા પોતાના વ્હીલચેરની મદદથી રસોડામાં ગઈ અને તે થોડીવારમાં ચાનો કપ લઈ બહાર આવી. 

મૌલિક ચા પીવાની સાથે જ બોલ્યો, "વાહ બેન તમે તો બહું સરસ ચા બનાવી છે." 

વિનય બોલ્યો, "હા મારી પત્ની બહું સારી ચા બનાવે છે."

વિનય પેપર વાંચી રહ્યો હતો. સુમિત્રા બોલી, "વિનય બપોરના ૧૨ વાગ્યા." વિનય હા બોલવાની સાથે જ રસોડામાં ગયોને થોડીવારમાં બહાર આવ્યો. મૌલિક એ તારણ કાઢ્યું કે કદાચ વિનય જમવાનું બનાવવા ગયો હશે. મૌલિક સુમિત્રાના ચહેરે સંતોષ જોઈ રહ્યો હતો સાથે જ એક પ્રકારની શાંતિ. બહુ આગ્રહ કરતાં મૌલિક એ જમવાનું વિનય અને સુમિત્રાના ઘરે જમ્યો..સાંજ સુધીમાં મૌલિક એ અડધું ચિત્ર પુરુ કર્યુ.

વિનય બોલ્યો, "ભાઈ હવે ચિત્ર ના બનાવશો અંધારું થઈ ગયું છે તમને ઘરે જવા માટે કોઈ વાહન નહિ મળે."

મૌલિકને વિનયની વાત સાચી લાગી. તે પોતાનો સામાન ભરવા લાગ્યો. ત્યાંજ સુમિત્રા રસોડામાં ગઈ અને એક ડબ્બા સાથે પરત ફરી. સુમિત્રા એ તે ડબ્બો વિનયને આપ્યો. વિનય મૌલિકની સામે જોતા બોલ્યો, "ભાઈ આમાં તમારા માટે જમવાનું છે." મૌલિક એ સ્મિત સાથે ડબ્બો લઈ વિનય અને તેની પત્નીનો આભાર માન્યો. મૌલિક બોલ્યો, "વિનયભાઈ મને અહીંથી બહાર સુધીનો રસ્તો નહિ મળે. મને મુકવા આવશો ?" વિનય એ હકારમાં માથું હલાવ્યું. બંને ઘરની બહાર નીકળ્યા. 

મૌલિક બોલ્યો, "વિનયભાઈ તમે શું નોકરી કરો છો?" વિનય બોલ્યો, "હું નજીકની શાળામાં શિક્ષક છું." મૌલિક બોલ્યો,"તમે તો મોટું ઘર રહેવાનું વિચાર કરતા હશો ને?" વિનય બોલ્યો, "ના મને મારું ઘર બહું ગમે છે." મૌલિક બોલ્યો, "પરંતુ તમારું ઘર તો બહું નાનું છે. તમને મોટા ઘરમાં રહેવાના અરમાન નથી ?" વિનય બોલ્યો, "ઘર એટલે તો ચાર દિવાલો કહેવાય. નાનું કે મોટું બસ માથા પર છત હોવી જરૂરી છે. મને અને સુમિત્રાને મોટા ઘરના કોઈ અરમાન નથી."

મૌલિક બોલ્યો, "સુમિત્રાબેનને શું થયું હતું કેવી રીતે તે વ્હીલચેર પર આવી ગયા ? મને માફ કરજો પણ જાણવાનું મન થયું એટલે પુછ્યું." વિનય બોલ્યો, "અરે કંઈ વાંધો નહીં. સુમિત્રા નાનપણથી વ્હીલચેર પર જ છે. તેને આ જન્મ જાત ખોટ છે." મૌલિક નવાઈથી બોલ્યો, "તો પણ તમે લગ્ન કર્યા?" વિનય બોલ્યો, "હા કારણકે અમે અમારું જીવન એકબીજાની સમજદારીથી ચલાવીએ છીએ. અમારા બંને વચ્ચે અપાર પ્રેમ છે. બીજી વસ્તુ કે અમે ભગવાનની આપેલ દરેક વસ્તુને સહર્ષ સ્વીકારીએ છીએ.સુમિત્રા એક બહું જ સમજું જીવન સાથી છે. આજ સુધી મને ક્યારેય એવું નથી લાગ્યું કે સુમિત્રા વ્હીલચેર પર છેને તેવી તેનામાં ખોટ છે."

મૌલિક બોલ્યો, "સુમિત્રા બહેનને પણ આ વાતથી તકલીફ તો થતી હશેને ?" વિનય સ્મિત કરતાં બોલ્યો, "ના બિલકુલ નહિ.. ઉપરથી એ તો મને કહે છે સારું છે મારા પગની જગ્યાએ પૈડા છે. હું બધું કામ દોડીને કરી લઉં. "મૌલિક વિચાર કરતા બોલ્યો, "આ તો સારી વાત કહેવાય." વિનયના ચહેરે થોડું દુ:ખ દેખાઈ આવ્યું. મૌલિક બોલ્યો, "શું થયું વિનયભાઈ ?" વિનય બોલ્યો, "મૌલિક ભાઈ તમને ખબર છે મારી સવાર એના અવાજથી થાય છે. અમે બંને ભેગા મળીને બધું જ ઘરનું કામ કરીએ છીએ. હું બપોરે શાળાએ ભણાવવા જાઉં છું અને સાંજે આવીને સુમિત્રાને જમવાનું બનાવામાં પણ મદદ કરું છું. અમે બંને એટલા બધાને સમજવા લાગ્યા છીએ કે હવે એકબીજાની સામે જોઈને મનનો ભાવ જાણી લઈએ.. પરંતુ.." 

વિનય અટકી ગયો. મૌલિકએ ઉત્સુકતા થી પુછ્યું, "પરંતુ શું વિનયભાઈ?" વિનય બોલ્યો, "મારી પત્નીને કેન્સર છેને એ માત્ર એક અઠવાડિયામાં મુત્યુ પામશે." મૌલિકને આ સાંભળીને ધ્રાસકો પડ્યો. તે ચાલતા ચાલતા થંભી ગયો. વિનય બોલ્યો, "હા મૌલિકભાઈ એને ચિત્રનો ઘણો શોખ છે એટલા માટે મે એના લીધે ચિત્ર બનાવવાનું તમને કહ્યું.." મૌલિક ઉદાસ થતાં બોલ્યો, "શું સુમિત્રા બેનને આ વાતની ખબર છે?" વિનય બોલ્યો, "ના તેને આ વાતની નથી ખબર. હું નથી ઈચ્છતો કે એના પર કોઈ દુ:ખ આવે."

મૌલિક બોલ્યો, "તમે એમનું ઈલાજ કેમ નથી કરાવતા ?" વિનય જરા આછું સ્મિત કરતાં બોલ્યો, "મારી પાસે પૈસા નથી." વિનયનું આ વાક્ય મૌલિકને અંદર સુધી ચીરી ગયું. રસ્તો આવી જતા. મૌલિક પોતાના ઘર તરફ નીકળ્યો. આખા રસ્તે બસ તે સુમિત્રા અને વિનય વિશે વિચારતો રહ્યો, "કેટલો અપાર પ્રેમ છે બંનેનો ! બંનેમાં ધૈર્ય પણ એટલું જ છે. સવારે બંને આટલી રાજીખુશીથી વાતો કરતા હતા કોઈ કહી જ ના શકે કે સુમિત્રાબેન એક અઠવાડિયામાં મુત્યુ પામશે."

મૌલિક ઘરે પહોંચ્યો પણ તેને તો કંઈ પણ વાતની સુધ્ધાં નહોતી. તેણે આખા ઘરમાં નજર કરી. તે વિચાર કરવા લાગ્યો, "મારી પાસે દરેક વસ્તુ છે. હું પૈસા કમાવી શકું છું. વિનય ભાઈ કરતાં તો મારું ઘર મોટું છે. મારી પાસે આટલું સુંદર જીવન છે તો પણ મને આની ક્યારેય કદર ના થઈ. આજે સુમિત્રાબેન અને વિનયભાઈને જોતા આજે મારું જીવન સૌથી સુખી જીવન લાગે છે."

મૌલિક સુમિત્રાબેન એ આપેલો ડબ્બો લઈને જમવા બેઠો. ડબ્બો ખોલતા જ જમવાનાના ડબ્બાની વચ્ચે એક ચિઠ્ઠી હતી સાથે થોડા પૈસા પણ. મૌલિક એ ચિઠ્ઠી ખોલીને વાંચી..તેમાં લખ્યું હતું કે.. 

"મૌલિક ભાઈ આ પત્રની સાથે કેટલાક રુપિયા મે તમને મોકલાવેલ છે. ઘરખર્ચના રુપિયામાંથી બચાવેલ આ મારી બચત છે. હું ચાહું છું કે તમે આ પૈસા રાખો અને મારા પતિ જોડેથી ઓછા પૈસા લો. મને કેન્સર છે. મે મારા પતિને જણાવેલ નથી. તેમને ખબર નથી પણ હું નથી ચાહતી તેમને ખબર પડે નહિ તો તે દુ:ખી થઈ જશે. હું ચાહું છું કે મારું આ આખરી ચિત્ર મારા અને મારા પ્રેમ વિનય માટે યાદગાર રહે."

આ વાંચતા જ મૌલિકના હાથમાંથી પત્ર છુટી ગયો. મૌલિક બોલ્યો, "વાહ રે પ્રેમ વાહ બંનેમાંથી કોઈ એકબીજાને દુ:ખી કરવા નથી માંગતું." મૌલિકને આજે આ પવિત્ર પ્રેમનો સાક્ષી બન્યાની ખુશી થઈ હતી. મૌલિક જમીને સુઈ ગયો. 

સવાર થતાં ની સાથે જ મૌલિક આજે પહેલીવાર વહેલા ઉઠી ગયો. સરસ તૈયાર થઈ તે વિનય અને સુમિત્રાના પવિત્ર પ્રેમની સાક્ષી થવા ખુશ થતો થતો વિનયના ઘર તરફ નીકળ્યો. રસ્તામાં તે વિચાર કરતો હતો, "આજે હું વિનય ભાઈને કહી દઈશ કે તમે તમારી પત્નીની સારવાર કરાવો. મારે આ ચિત્રના પૈસા નથી જોતા. સુમિત્રા બેનને પણ પૈસા પરત આપી દઈશ." મૌલિક ખુશ થતો થતો વિનય ના ઘરે પહોંચ્યો પણ આ શું ? વિનય ના ઘર પાસે આટલી ભીડ ! 

મૌલિક ગભરાઈને દોડીને ભીડને ખસેડતો ખસેડતો ઘરની અંદર પહોંચ્યો. સુમિત્રા વ્હીલચેર પર હતીને વિનય તેના ખોળામાં માથું રાખી બેઠો હતો. સુમિત્રા અને વિનય બંનેના ચહેરા પર સ્મિત હતું.બંનેની આંખો બંધ હતી. મૌલિક હજુય કંઈ સમજે તે પહેલા ભીડમાં ઉભા રહેલ વ્યક્તિ બોલ્યો,

"સુમિત્રા બહેનને કેન્સર હતું અને સુમિત્રાબહેનને મરતાં જોઈ વિનયભાઈને હાર્ટએટેક આવી ગયો. બંને એકસાથે જ મુત્યુ પામ્યા."

મૌલિકને એક ધ્રાસકો પડ્યો..મૌલિક એ બંનેના હાથ પકડી કહ્યું, "આ દુનિયાનું અધુરું ચિત્ર મુકી પોતાનો પ્રેમ પુરો કરીને કેમ જતા રહ્યા ?" મૌલિકની આંખમાં આંસુ હતાં. સુમિત્રા અને વિનયની અંતિમ ક્રિયા પત્યા બાદ મૌલિક એ પોતાના બનાવેલ ચિત્ર વચ્ચે વિનય અને સુમિત્રાનું અધુરું ચિત્ર દિવાલ પર લગાવ્યું. મૌલિકનું જીવન હવે સાવ બદલાઈ ગયું હતું.. તેને હવે મોટા ઘર, એશોઆરામ ની જિંદગીની કોઈ આશા નહોતી. મૌલિક એ ચિત્ર બનાવવાનું કામને ગંભીરતાથી લીધું અને તે ફેમસ ચિત્રકાર બની ગયો.

થોડા દિવસમાં મૌલિકના લગ્ન પુર્વી નામની સુંદર અને સંસ્કારી કન્યા સાથે થયાં. પુર્વી જયારે પણ મૌલિકને પ્રેમ વિશે પુછતી ત્યાંરે મૌલિક તેને તે અધુરું ચિત્ર બતાવી કહેતો..

"પ્રેમ જો કરવો હોય તો અમર જ કરજો. શ્વાસ છુટ્યા પછી પણ મરણના રસ્તે સાથ આપજો. દુનિયામાં પ્રેમથી મોટું કોઈ સત્ય નથી. જીવતેજીવત લાશ છે જેના જીવનમાં પ્રેમ નથી."


Rate this content
Log in

Similar gujarati story from Romance