પ્રેમનો અહેસાસ
પ્રેમનો અહેસાસ
સમી સાંજનો સમય હતો. લતા અને ગીતા બંને બગીચામાં બાકડાં પર બેઠાં હતાં. બંને લગભગ ત્રણ વર્ષ પછી મળ્યા હતા એટલે અઢળક વાતોનો ખજાનો લઈને બેઠાં હતાં. બંને બાળપણની ખાસ બહેનપણીઓ સાથે જ ભણ્યાં, રમ્યાં અને મોટાં થયા. ગીતાના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં ત્યારથી બંને છૂટાં પડ્યાં અને આજ ફરી પાછા મળ્યા હતા. સ્વાભાવિક છે કે બે સ્ત્રી મળે એટલે વાતો તો ખૂટવાની જ ના હોય ! અને એમાંય આ તો બાળપણની બહેનપણીઓ, બે શરીર એક જીવ કહો તો પણ કઈ વાંધો ના આવે એવી ખાસ મિત્રો !
વાતોનો પ્રવાહ ચાલુ હતો એવામાં ગીતાએ લતા ને આશ્ચર્યપૂર્વક પૂછ્યું, લતા તું હજુ એ મેનેજર વિક્રમની વાટ જુએ છે ? ક્યાંક સુધી વાટ જોઈશ એમની ? તારે હવે લગ્ન કરી લેવા જોઈએ. તું જેની વાટ જુએ છે એ પણ હવે કદાચ પરણી ગયા હશે અને શાંતિથી પોતાનો સંસાર ચલાવી રહ્યાં હશે. અને આમ પણ તને ખબર પણ નથી કે એ તને પસંદ કરતા હતા કે નહીં ? છતાંય તું એમની વાટ જુએ છે !
આ સાંભળીને લતા બોલી, જો ગીતા એમણે લગ્ન કર્યા છે કે નહીં એ વાતની મને ખબર નથી. અને મને એ પણ ખબર નથી કે એ મને પસંદ કરતાં હતાં કે નહીં. પણ મારા મનમાં એમના માટે જે લાગણી છે એ ક્યારેય જશે નહીં અને મેં કરેલા સંકલ્પ મુજબ એમના સિવાય બીજા કોઈ સાથે હું લગ્ન નહીં કરી શકું. તું જ વિચાર કર કોઈ એવાં વ્યક્તિને કેમ ભૂલી શકે કે જેને પેલીવાર જોઈને જ એના થઈ જવાયું હોય. એક એવા વ્યક્તિ કે જેણે પોતાનાં મેનેજર હોવા છતાં ક્યારેય પોતાના હાથ નીચેના કર્મચારીઓને પોતાના હોદ્દાનો રુઆબ નથી બતાવ્યો અને પોતાનાથી નાની વ્યક્તિને પણ ક્યારેય તુંકારે નથી બોલાવી. બસ, એનો એ જ નિખાલસ સ્વભાવ મારા મનમાં વસી ગયો છે. હવે કદાચ હું ઈચ્છું તો પણ એમણે મારા મનમાંથી બહાર ના નીકળી શકું. એ મારા જીવનનો એવો અમૂલ્ય હિસ્સો છે કે જેને ભૂલવાના નામથી પણ મને ડર લાગે છે.
આ સાંભળીને ગીતા બોલી ઊઠી, વાહ ! શું ગજબ પ્રેમ છે ? હું તો આશ્ચર્યમાં છું કે આવી લાગણી પણ આજના જમાનામાં હોય શકે ? લતા અને ગીતાનો વાતોનો સિલસિલો ચાલુ હતો એટલામાં લતાએ સામેથી વિક્રમને આવતો જોયો. આ જોઈને લતા બોલી, ગીતા મને જવા દે. જો સામેથી વિક્રમ આવી રહ્યા છે, હું એમનો સામનો નહીં કરી શકું. ચાલ હું જાઉં છું. ગીતા લતાને જવાની ના પાડે છે અને કહે છે કે વિક્રમને મેં જ અહીં બોલાવ્યા છે. આ સાંભળીને લતા આશ્ચર્યમાં મુકાય જાય છે અને બોલે છે, કેમ શું કામ ? અહીં કેમ બોલાવ્યા ? તને બધી ખબર તો છે તો પણ !
બંને બહેનપણીની રકઝક ચાલુ હતી એટલામાં વિક્રમ બંનેની પાસે પહોંચી જાય છે. વિક્રમને જોતાં જ લતાની આંખોમાંથી આંસુની ધારા ચાલુ થાય છે અને તે ઊભી થઈને ત્યાંથી જવાનું કરે છે. ત્યાં જ તો વિક્રમ લતાનો હાથ પકડીને તેને રોકીને ગોઠણભેર બેસીને હાથમાં વીંટી લઈને પોતાનાં પ્રેમનો પ્રસ્તાવ લતા સામે મૂકે છે. લતા પણ રડતાં રડતાં વિક્રમના પ્રેમનો સ્વીકાર કરે છે અને સાથે જ પોતાના પ્રેમનો પણ એકરાર વિક્રમ સામે કરી દે છે. બંને એકબીજાને વર્ષોથી પસંદ કરે છે એ વાતનો ખુલાસો થાય છે અને સાથે સાથે બંને જીવનભર સાથ રહેવાના વચનો પણ એ જ ઘડીએ લઈ લે છે. આ દ્રશ્ય એટલું ભાવુક હતું કે ગીતાની આંખોમાંથી પણ આંસૂડાંની ધારો શરૂ થઈ ગઈ. એ જોઈને લતાએ ગીતાને ભેટી અને તેનો આભાર માન્યો અને બોલી, ગીતા તે અમને બંનેને મેળવવા માટે આ મહેનત કરી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર.
વિક્રમે પણ ગીતાનો આભાર માનતા કહ્યું કે, લતા સાચું કહે છે ગીતાબેન જો તમે મને મારાં પ્રેમનો સાચો અહેસાસ ના કરાવ્યો હોત તો કદાચ હું ક્યારેય લતાને મારા હૃદયની વાત ક્યારેય ના કહી શકત. અને એમાંય આવા વેલેન્ટાઈન ડે જેવા પ્રેમના પવિત્ર દિવસે તમે અમને અમારો પ્રેમ મેળવવામાં મદદ કરી એ બદલ અમે તમારાં ખૂબ ખૂબ આભારી છીએ.
આ સાંભળીને ગીતા બોલી, જાવ ને બંને મૂર્ખા ! આટલો અઢળક પ્રેમ હોવા છતાં પણ તમારે કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર પડે છે, સાવ ડોબા છો બંન્ને ! બસ હવે આ આભાર વિધિ પૂરી કરો અને હવે હું ઘરે જાઉં છું અને તમે બંને અહીં બેસો અને વાતો કરો. આટલું કહી ગીતા ઘર તરફ જાય છે અને લતા અને વિક્રમ એકબીજા સામું જોઈને મંદ સ્મિત આપી હાથોમાં હાથ પરોવીને બગીચાની સેર કરવા નીકળી જાય છે.
“……. જો થઈ જાય સાચો પ્રેમ તો
તરત સ્વીકારી લેજો કેમ કે,
દરેક વાર્તાનો અંત સુખદ નથી હોતો……”

