SHEFALI SHAH

Romance


5.0  

SHEFALI SHAH

Romance


પ્રેમના પગથિયા

પ્રેમના પગથિયા

11 mins 716 11 mins 716

આરોહી ઘડીયે પડીએ ઘડિયાળમાં ટાઈમ જોયા કરતી હતી. ઘડિયાળના કાંટા પણ જાણે આજે ધીમા ચાલી રહ્યા હોય એવું એને લાગતું હતું. બે વાર તો બાજુમાં બેઠેલી પાયલને પણ ટાઈમ પૂછી જોયો પણ કેમેય કરીને છ વાગતા જ ન હતા.! આરોહીને વ્યાકુળ જોઈને પાયલે પૂછ્યું પણ ખરું કે શું વાત છે, આજે ક્યાંય જવાનું છે.? સાચી વાત છુપાવતા આરોહી બોલી કે એની મમ્મીની ડોક્ટર જોડે એપોઈન્ટમેન્ટ છે.


આરોહી... આરોહી પંચાલ એટલે અમદાવાદ સ્થિત એક સાધારણ કુટુંબની એકવીસ વર્ષની કોડીલી કન્યા. નમણો ચહેરો, મીઠો અવાજ, ગોરો વાન, થોડું ભરાવદાર શરીર, પાંચ ભાઈ બહેનોમાં સૌથી નાની ને લાડકી. આરોહી અઢાર વર્ષની થઈ ને એના પપ્પા રોડ એકસીડન્ટમાં માર્યા ગયા હતા. પહેલાની બચત અને મોટા ભાઈ બહેનોની આવકના લીધે બધું સરળ રીતે ચાલતું હતું. આરોહી ભણવામાં પહેલેથી જ થોડી સાધારણ હતી. પણ.. હા, બીજી એક્ટિવિટી જેવી કે ડાંસ ને ગરબા બંનેનો એને બહુ શોખ હતો. નવરાત્રી દરમિયાન એ નાના મોટા ઈનામ જીતી જ આવતી. કોલેજ પતાવીને એણે એક કોલ સેન્ટરમાં જોબ ચાલુ કરી. ત્યાં એણે દિવસનો જ સમય રાખ્યો હતો. એમની કંપનીમાં મોટા ભાગનું કામ બેંકનું આવતું, જેમાં એમણે કસ્ટમરને ફોન કરીને લોન વિશે કે ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપવાની રહેતી. એક વાર આવી જ રીતે બેંકના કામથી આરોહીએ કસ્ટમરને ફોન જોડ્યો. સામે છેડે લગભગ આરોહીની ઉંમરનો જ એક નવયુવાન હતો, નીલ શાહ. નીલ મધ્યમવર્ગીય જૈન પરિવારનો, સૌમ્ય અવાજ ધરાવતો, એકદમ સાધારણ દેખાવ ધરાવતો છોકરો.


જેવો નીલે ફોન ઉપાડ્યો, આરોહીએ તરત જ બેંકના ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપવા લાગી. નીલ તો જાણે આરોહીના અવાજમાં ખોવાઈ જ ગયો ને તરત જ એનાથી બોલાઈ જવાયું કે, "તમારો અવાજ તો ખૂબ જ સુંદર છે, શું તમે પણ એવા જ સુંદર છો.!?" સામાન્ય રીતે કોઈના આવા સવાલનો જવાબ આપવાનું ટાળતી આરોહી આજે નીલના શાલીનતાથી પૂછાયેલા પ્રશ્ન અને સૌમ્ય અવાજ ઉપર મોહિત થઈ ગઈ. ને જાણે વિધિના લેખને આગળ ધપાવવાનું પ્રથમ પગથિયું મંડાઈ ગયું. "ખાલી અવાજ જ નહીં, હું પણ સુંદર છું, મિસ્ટર નીલ.." આરોહીએ ધબકતા હૈયે કીધું. "મને કેવી રીતે ખબર પડે.!? મેં તો ખાલી અવાજ જ સાંભળ્યો છે, તમને જોવાના તો હજી બાકી છે." નીલે એના મનના શબ્દોને વાચા આપતા કહ્યું.. આરોહી હવે અવઢવમાં પડી ગઈ. શું બોલવું ને શું ના બોલવું.!? એ ચૂપ જ રહી.. નીલ એની વિસામણ સમજી ગયો અને તરત જ બોલ્યો, "મિસ.. તમારી જોડે મારો મોબાઈલ નંબર તો છે જ તમે ઈચ્છો તો મને મેસેજ પણ કરી શકો છો." અને આરોહીએ આગળ કંઈ પણ બોલ્યા વિના ફોન મૂકી દીધો. ફોન મુકીને સૌથી પહેલું કામ આરોહીએ નીલનો નંબર એક કાગળમાં નોટ કરવાનું કર્યું. એ પછી તો નીલનો આખો દિવસ એક એવી છોકરીના વિચારોમાં ગયો જેને એણે જોઈ પણ નહતી અને નામ પણ નહતો જાણતો. મનમાં ઊંડે ઊંડે એક આશા હતી કે કદાચ એનો મેસેજ આવી જાય. તો બીજી તરફ આરોહીના મનમાં પણ અજબ ગડમથલ ચાલતી હતી. કોઈ અજાણ્યા છોકરા માટે આજે એને કંઇક અલગ ભાવ આવતા હતા.


આરોહીનો દિવસ તો નોકરીમાં પતી ગયો પણ રાત પડે પથારીમાં પડતા જ પહેલો વિચાર આવ્યો કે નીલનો વોટ્સઅપ ડિપી તો જુવે. ઊભા થઈને એણે પર્સમાથી નંબરની ચિઠ્ઠી કાઢીને નંબર સેવ કરીને નીલનું ડિપી જોવા વોટ્સઅપ ખોલ્યું, પણ તેમાં ઊગતા સૂર્યનો સુંદર ફોટો હતો. આરોહી થોડી નિરાશ થઈ, પણ એના મનમાં નીલને જાણવાની ઉત્કંઠા વધી રહી હતી. અચાનક એને કંઇક સૂઝ્યું ને એણે ડિપીમાંથી પોતાનો ફોટો કાઢી નાખ્યો. નીલના નંબર પર બે થી ત્રણ વાર હાઈ એવો મેસેજ ટાઈપ કર્યો અને ડિલીટ કર્યો. થોડી ક્ષણો ફોન પકડીને એમ જ બેઠી રહી ને પછી હિંમત કરીને હાઈ નો મેસેજ કરી જ દીધો. નીલને અજાણ્યા નંબર પરથી આવેલો હાઇનો મેસેજ જોઈ પહેલા તો આશ્ચર્ય થયું પણ તરત જ સવારની ઘટના યાદ આવી ગઈ એટલે એણે જવાબમાં, "મિસ ક્રેડિટ કાર્ડ.?" લખ્યું... આરોહીને વાંચીને થોડું હસુ આવી ગયું ને જવાબમાં ખાલી હા જ લખ્યું. અને તરત જ નીલના મનમાં કંઇક આવ્યું ને એણે લખી નાખ્યું.. "મધ જેવી મીઠાશ છે તમારા અવાજમાં, શું ભળશે એ મીઠાશ આપણી મિત્રતામાં?" આરોહી આમ વખાણ વખાણમાં નીલે કરેલા મિત્રતાના આમંત્રણ આપવાની અદા ઉપર પ્રભાવિત થઈ ગઈ. " સ્માર્ટ.. હમ્.." તરત જ એણે જવાબ આપ્યો. સામે છેડેથી નીલે કહ્યું કે, " આ મારો જવાબ નથી." "ખૂબ સુંદર લખ્યું છે તમે, પણ હજી તો આપણે એકબીજાને ઓળખતા નથી તો મિત્રતા તો દૂરની વાત થઈ." આરોહીએ કહ્યું... એ પછી લગભગ અડધો કલાક એ બંનેએ અલક મલકની વાતો કરી. આ દરમિયાન નીલે એક વાર પણ આરોહીના નામ કે એની કોઈ અંગત વાત વિશે પ્રશ્નો ના કર્યા એ વાતની આરોહીએ મનોમન નોંધ લીધી.


આરોહીના બીજા દિવસની શરૂઆત નીલના એક સુંદર ગૂડ મોર્નિંગ મેસેજ સાથે થઈ. "પરોઢની પહેલી કિરણ તમારા દિવસને ઉજાસથી ભરી દે.. પક્ષીઓનો મધુર કલરવ તમારા દિવસને મધુરતાથી ભરી દે.. સુપ્રભાત, મિસ ક્રેડિટ કાર્ડ.." "ગૂડ મોર્નિંગ.. મારું નામ આરોહી છે." આરોહીએ આખરે નામ કહી દીધું. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. રોજ સવારે નીલ સુંદર ગૂડ મોર્નિંગ મેસેજ કરે ને રાત્રે લગભગ કલાક સુધી ચેટ જેમાં મૂવી, સ્પોર્ટ્સ, ખાણીપીણી જેવા અલગ અલગ વિષયો ઉપર વાત થતી. લગભગ એક મહિના સુધી આમ જ ચેટ અને કોઈ કોઈ વાર ફોન ઉપર વાત એવું ચાલ્યું ને પછી એક દિવસ નીલે ફરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને જાણે રાહ જ જોતી હોય એમ આરોહીએ તરત હા પાડી અને એક જાણીતી કેફેમાં બંનેએ મુલાકાત ગોઠવી.


આજે સાત વાગે આરોહી અને નીલ પહેલી વાર મળવાના હતા. ઓફિસ ટાઈમ પત્યા પછી આરોહીએ વોશરૂમમાં જઈને નીલ જોડે નક્કી કર્યા મુજબ વ્હાઈટ કપડાં પહેરી લીધા ને હળવો મેકઅપ પણ કરી લીધો. પાયલ બોલી પણ ખરી કે હોસ્પિટલ જવામાં આટલું બધું તૈયાર થવાનું તો આરોહી જવાબમાં ખાલી હસીને ત્યાંથી નીકળી ગઈ. "અરે આ ઉતાવળ નથી, રોકાયેલો મારો શ્વાસ છે, જન્મો જન્મની રાહ જોયાની ફળનો વિશ્વાસ છે." બરાબર સાત વાગે આરોહી કેફેમાં દાખલ થઈ. એની નજર વ્હાઈટ કપડાં પહેરેલા યુવાનને શોધી રહી હતી, ત્યાં જ ખૂણાના એક ટેબલ પર ઊંઘો ફરી ને એક યુવાન બેઠેલો દેખાયો. ખાત્રી કરવા એણે ફોન જોડ્યો તો એજ વખતે એ યુવાને ફોન ઉપાડ્યો. આરોહી ફોન કટ કરીને સીધી એ ટેબલ ઉપર પહોંચી ગઈ ને ધીમેથી બોલી, "નીલ.?" નીલે તરત જ પાછળ વળીને જોયું ને બોલ્યો, "આરોહી.?" આરોહી નીલની સામેની ખુરશી ઉપર બેસી ગઈ. નીલ તો અપલક નેત્રે સુંદર આરોહીને જોતો જ રહ્યો. આ જોઈને આરોહી મીઠું મીઠું મલકી રહી હતી. "હેલ્લો... કંઇ વાત પણ કરવાની છે કે આમ જ બેઠા રહેવાનું છે.?" ચપટી વગાડતાં આરોહી બોલી ને નીલ જાણે તંદ્રામાંથી જાગ્યો ને હસી પડતા બોલ્યો, "તમે ખરેખર ખૂબ સુંદર લાગો છો." આ એક મહિનામાં બંને એકબીજાને એટલા બધા જાણી ગયા હતા ને કે જાણે વર્ષોની મિત્રતા હોય એવું લાગતું હતું. નીલનો દેખાવ ભલે એકદમ સાધારણ હતો પણ એની શાલીનતા અને સરળ સ્વભાવે આરોહીનું દિલ જીતી લીધું હતું. પછી તો મુલાકાતો વધતી ગઈ અને ચેટનો સમય પણ.. બંનેની સવાર એકબીજાના ગૂડ મોર્નિંગથી પડતી ને રાત ગૂડ નાઈટથી.. છ મહિનામાં તો બંને ઘણા બધા નજીક આવી ગયા હતા ને હવે બંનેને અહેસાસ થતો હતો કે આ ખાલી મિત્રતા નહીં પણ એનાથી વધારે છે. નીલ ઘણીવાર વિચારતો કે એ આરોહીને એના દિલની વાત કરે પણ આરોહી એના કરતાં રૂપ, ગુણ અને હોશિયારી બધામાં ઘણી આગળ હતી અને પોતાનો દેખાવ અને પરિસ્થિતિ બંને સામાન્ય, જે એને એમ કરતાં રોકી રહ્યા હતા. પણ આરોહીના વિચાર લગનને લઈને અલગ હતા. એના માટે દેખાવ અને રૂપિયા કરતાં વ્યક્તિનું મહત્વ હતું અને એની જિંદગીમાં આવેલા બધા છોકરા કરતા એને નીલ અલગ લાગ્યો. એ મહેસૂસ કરી શકતી હતી નીલનો પોતાના પ્રત્યેનો ઢોળાવ અને એનો સંકોચ, તેથી જ એણે નક્કી કર્યું કે યોગ્ય સમય જોઈને એજ નીલને પ્રપોઝ કરી દેશે. એવામાં જ નીલનો જન્મદિવસ આવ્યો. બંનેએ હોટેલમાં સાથે ડિનર કર્યું અને પછી હાઈ વે પર કિટલીની ચા પીવા ગયા. આ એમની મનપસંદ જગ્યા હતી. ઘણીવાર રાતે પોતાના ઘરમાં ખોટું બોલીને બંને અહીંયા ચા પીવા આવતા હતા. જુલાઈ મહિનો હતો, આકાશ વાદળોથી ઘેરાયેલું ને ઠંડો પવન...ચા પીતા પીતા આરોહી મનમાંને મનમાં શબ્દો ગોઠવી રહી હતી, નીલને પ્રપોઝ કરવા માટે.. અને અચાનક વરસાદ તૂટી પડે છે. બંને ભાગીને બાજુના બિલ્ડિંગની નીચે જતાં રહે છે. "કેવું મસ્ત વાતાવરણ છે ને નીલ.!? વરસાદ, ચા ને પ્રિય પાત્રનો સાથ.. મદહોશ કરી દે એવું મિશ્રણ છે આ તો... જોને વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યા છે. આ તરસી ધરતી તૃપ્ત થઈને સુગંધ ફેલાવીને જાણે બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય એવું લાગે. આનાથી યોગ્ય સમય તો હોઈ જ ના શકે.! જાણે આ પ્રકૃતિ પણ મને સાથ આપતી હોય એવું લાગે છે.!" આંખોમાં એક અજબ ભાવ સાથે નીલની સામે જોઇને આરોહી બોલી.


નીલ, આરોહીને સાંભળી રહ્યો હતો. એને થતું હતું બસ આ સમય અહીંયા જ રોકાઈ જાય. પણ એટલામાં જ આરોહીના બોલાયેલા છેલ્લા શબ્દો સાંભળીને એ લગભગ ચોંક્યો અને એનાથી પુછાઇ ગયુ, "શેના માટે યોગ્ય સમય આરોહી.!?" "જો ને આ માટી અને પાણી ભેગાં થઈને કેવી મસ્ત સોડમ ફેલાવે છે. શું આપણે પણ એકબીજામાં જીવનમાં આવા ભળી, એકબીજાનું જીવન આમ મહેકાવી ના શકીએ.!?" નીલની આંખોમાં આંખ નાખીને આરોહીએ આખરે દિલની વાત કરી જ દીધી. જે થઈ રહ્યું હતું એ સમજવાની કોશિશ કરતો નીલ હજી પણ એમજ ઉભો હતો. એને મુંઝવણમાં જોઈને આરોહીને મજા પડતી હતી. એ મંદ મંદ સ્મિત વેરીને નીલની સામુ જોયા કરતી હતી અને એ જોઈને નીલ વધુ મુંઝવણમાં મૂકાતો હતો. એવું ન હતું કે નીલ સમજી નહતો રહ્યો, પણ એનું મન આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતું થતું કે આરોહી જેવી છોકરી એના પ્રેમમાં પડે.!! "આરોહી... તું એકદમ સુંદર, સંસ્કારી ને હોશિયાર છોકરી છે. તારી જોડે જેના લગ્ન થશે એ કોઈ ભાગ્યશાળી જ હશે. પણ હું દેખાવથી માંડીને હોશિયારી કે આર્થિક પરિસ્થિતિ એક પણ વસ્તુમાં તારી બરાબરી કરી શકું એમ નથી." નીલે આરોહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. "દેખાવ તો મારા માટે કયારેય મહત્વનો છે જ નહીં, આર્થિક પાસુ આપણે બંને મળીને સંભાળી લઈશું, પણ તારી જોડે આ જે સુંદર દિલ છે ને એની ઉપર મારું દિલ આવી ગયું છે યાર..." આંખો નચાવતા આરોહી એવી રીતે બોલીને કે નીલ એની લાગણીમાં તણાઈ ગયો અને એણે પણ એના પ્રેમને કબૂલી લીધો.


પછીનો સમયગાળો એટલે એ બંનેની જિંદગીનો સુવર્ણકાળ. ક્યારેક હાઈ વે ફરવા નીકળી જતા તો ક્યારેય મૂવી જોવા જતા... એકમેકમાં ખોવાઈ ગયા હતા જાણે. ઘરે વાત કરવા અંગે તો બેમાંથી કોઈએ કંઈ વિચાર્યું જ નહતું. એવામાં લગભગ ત્રણ મહિના પછી આરોહીના મામા એના માટે કોઈ છોકરાની વાત લાવ્યા. આરોહીએ તરત જ નીલને જાણ કરી અને બંને એ નક્કી કર્યું પોતપોતાના ઘરમાં વાત કરવાનું. નીલના ઘરમાં તો બધા માની ગયા, પણ આરોહીના ઘરમાં નીલના દેખાવથી માંડીને આર્થિક પરિસ્થિતિ સુધીની બધી વાતનો વાંધો પડ્યો. નીલના મમ્મી પપ્પા જ્યારે એના ઘરે મળવા ગયા ત્યારે આરોહીના મોટા ભાઈએ એમનું અપમાન કરીને કાઢી મૂક્યા. આરોહીની જોબ પણ છોડાવી દેવામાં આવી અને ફોન પણ લઈ લેવામાં આવ્યો. બે મહિના બંને વચ્ચે કોઈ જ સંપર્ક ના રહ્યો પણ આરોહી મક્કમ રહી.


એક દિવસ ઘરના બધા કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે આરોહીએ નીલને ફોન જોડ્યો. એણે નીલને ભાગીને લગન કરવાની વાત કરી પણ નીલે હજી રાહ જોવાનું કીધું. આરોહીને ખબર હતી કે એના ઘરના કોઈ કાળે આ લગન માટે હા નહીં પાડે અને એના લગન બીજે કરાવી દેશે એટલે એણે નીલને ચોખ્ખું કીધું કે એ ઘરેથી નીકળી જાય છે જો નીલ એની જોડે લગન કરવા તૈયાર થાય તો ઠીક, નહીં તો એ એની રીતે બીજો રસ્તો શોધી લેશે. નીલ, આરોહીની ખુદ્દારી સારી રીતે જાણતો હતો અને એના પ્રત્યેના એના પ્રેમને પણ જાણતો હતો. એણે તરત જ નિર્ણય લઈ લીધો અને આરોહીને ત્યાંથી નીકળીને રસ્તામાં મળવાનું કહ્યું. એણે રસ્તામાંથી આરોહીને લીધી અને પોતાના ખાસ મિત્રોને ફોન કરીને તરત જ લગન કરવાની વ્યવસ્થા કરાવી દીધી. આરોહી અને પોતાના માટે લગનમાં પહેરવાના સુંદર કપડાં પણ લીધા અને દોઢ કલાકની અંદર તો આરોહી, આરોહી પંચાલમાંથી આરોહી નીલ શાહ બની ગઈ હતી. નીલ, આરોહીને લઈને પોતાના ઘરે પહોંચ્યો. લગ્નના જોડામાં આવેલા નીલ ને આરોહીને જોઇને એના મમ્મી બધું સમજી જાય છે અને હોંશે હોંશે નવદંપતીને પોંખે છે. નીલના પપ્પા પણ આ વાત જાણીને ઘરે આવી જાય છે અને આરોહીના ઘરે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પણ આરોહી એમને એ લોકો નહીં માને અને એને અહીંયાથી લઈ જશે એવું કહીને વાત કરતા રોકે છે. સમયની નજાકત જોઈને નીલના પપ્પા એક ગાડીની વ્યવસ્થા કરીને બંનેને ત્રણ દિવસ ઉદેપુર ફરવા મોકલી દે છે.


રાત સુધીમાં તો એ લોકો ઉદેપુર પહોંચી જાય છે. ત્યાં પહોંચીને હોટેલના રૂમમાં આરોહી ને નીલના જીવનના નવા અધ્યાયની શરુઆત થાય છે. બારીમાંથી આવતા પવન જોડે રજનીગંધાના ફૂલ વાતાવરણમાં માદકતા ફેલાવતા હોય છે, ને નીલ અને આરોહીના હૈયા પણ આજે એક થવા થનગની રહ્યા હોય છે. સવારે ચાદરમાં પડેલી સળ અને બંનેના ચહેરા પર ઝળકતો સંતોષ એ વાતની ચાડી ખાતા હતા કે બંનેના દાંપત્યજીવનની શુભ શરૂઆત થઈ ગઈ છે. આ ત્રણ દિવસ એમણે ભરપૂર એકબીજાનો સાથ માણ્યો. એક પળ એવી નહીં હોય કે બંને એકબીજાથી અળગા થયા હોય. બીજી તરફ આરોહીના ઘરમાં બૂમરાણ મચી જાય છે. એની ફ્રેન્ડના ઘરે તપાસ કરવામાં આવે છે પણ ત્યાં કોઈ ખબર ના મળતા એ લોકો નીલના ઘરે પહોંચી જાય છે. નીલ અને આરોહી લગન કરીને ઉદેપુર ગયા હોય છે એ વાત નાજુક સમય પારખીને નીલના મમ્મી પપ્પા છુપાવી દે છે. વાત ખૂબ જ આગળ વધી જાય છે. આરોહીના ઘરના લોકો પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. ત્રણ દિવસ પછી આરોહી અને નીલ પાછા આવીને જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અને હકીકતની જાણ કરે છે. બંને પુખ્ત વયના હોવાથી પોલીસ એમના લગ્નને માન્ય રાખે છે.


લગન પછીના બે વર્ષ બંને માટે ખૂબ જ સરસ જાય છે. ત્રીજા વર્ષે તો એમના ઘરે પારણું બંધાઈ જાય છે અને એક દીકરીનો જન્મ થાય છે જેનું નામ ક્રિષા રાખવામાં આવે છે. ક્રિષાના આગમનથી આરોહીના પરિવારની ફરિયાદ પણ દૂર થઈ જાય છે. ક્રિષાના મોટા થવાની સાથે જવાબદારી પણ વધતી જાય છે અને એને પહોંચી વળવા આરોહી નાના છોકરાઓને ડાન્સ શીખવાડવાનું ચાલુ કરે છે. ક્રિષા દસ વર્ષની થાય છે ત્યારે આરોહીને એક અલગ જગ્યાની જરૂર લાગે છે અને એક નાની દુકાન ભાડે રાખવામાં આવે છે. ધીમે ધીમે એનું કામ ઘણું વધતું જાય છે અને એને મદદ કરવા માટે નીલ પોતાની જોબ છોડી દે છે. હવે બંનેનું એક જ ધ્યેય હોય છે, 'આરોહી ડાન્સ ક્લાસ'ને એક ઊંચાઈએ લઈ જવા. દસ વર્ષની અથાગ મહેનત પછી એમનું એ સપનું પણ સાકાર થઈ જાય છે અને હવે એમની જોડે પોતાની માલિકીની જગ્યા હોય છે અને એમની ખ્યાતિ પણ ઘણી વધી ગઈ હોય છે. અને આજે પંદર વર્ષ પછી અમદાવાદમાં આરોહી ડાન્સ ક્લાસ ત્રણ જગ્યાએ સફળતા પૂર્વક ચાલે છે.


અત્યાર સુધી શાંતચિત્તે સ્ટોરી સાંભળી રહેલા ક્રિષાના મિત્રો તાળીઓથી ક્રિષાની વાત વધાવે છે. રાતના લગભગ અગિયાર વાગી ગયા હોય છે, બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે. ક્રિષા પણ ક્લાસમાં બધું બરાબર બંધ થયું કે નહી એ ચેક કરીને બહાર નીકળે છે તો જુવે છે કે વિહાન હજી બહાર જ ઊભો હોય છે. પોતાની ખુશીને મનમાં દબાવતા ક્રિષા પૂછે છે, "કેમ તારે ઘરે નથી જવાનું.?" "રાહ જોવું છું.." વિહાન બોલ્યો.. "કોની રાહ.." જવાબ ખબર હોવા છતાં ક્રિષાએ પૂછ્યું.. "મારી જિંદગીની... શું તું મારી જિંદગી બનીશ.!?" કેટલાય દિવસથી ક્રિષાને આ વાત પૂછવાની રાહ જોતા વિહાને આખરે હિંમત કરીને પૂછી જ લીધું. જવાબમાં ક્રિષા શરમાઈને નીચું જોઈ ગઈ અને શરૂઆત થઈ એક બીજી પ્રેમ કહાનીની... ક્યાંય ના રોકાય એવી પ્રેમ કહાનીનો આ રથ છે, ભલે લાગે કાંટાળો, પણ પ્રેમીઓનો પ્રેમપથ છે. ચડતા ચડતા થાકી જવાય પગથિયા જિંદગીના, એટલેજ પ્રેમના પગથિયા આ જીવનનો પથ છે.Rate this content
Log in