પ્રેમના અંકુર
પ્રેમના અંકુર
'પ્રેમ' શું લખાય 'પ્રેમ' વિષે ? કેટલું લખાય અને વંચાય પ્રેમ વિષે. પ્રેમની પરિભાષાનું ચીતરણ કદાચ તો શક્ય જ નથી, કદાચ તો પરમેશ્વર કરતાંય વધુ પ્રેમ વિષેની ચર્ચા આ જગતમાં થઇ હશે. ને એવું લાગે છે કે પ્રેમ લખવા વાચવા કે ગાવાનો વિષય છે જ નહિ. પ્રેમ તો અભિવ્યક્તિ ને અનુભવવાનો માણવાનો વિષય છે.
એક ૧૩ વર્ષનો છોકરો નયન. પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂરો કરી માધ્યમિક શાળામાં નવો પ્રવેશ કર્યો હતો. તો માધ્યમિક શાળામાં પ્રવેશ થયો એટલે એ મનથી એવું કે વાહ હવે તો હું મોટો થઇ ગયો હાઈસ્કૂલમાં આવી ગયો. આ ઉંમરમાં શારીરિક અંગોમાં પણ બદલાવ આવવા લાગે છે. જેના કારણે કાંઈક નવા જ ઉમંગ ઉલ્લાસ હદય તથા મનને ઉત્તેજિત અને પ્રફુલ્લિત કરે છે. તરુણ અવસ્થાના તરવરાટ સાથે શાળાનો પ્રથમ દિવસ હતો. સરકારી પ્રાથમિક શાળામાં નીચે જમીન પર બેસીને ૧ થી ૭ ધોરણ ભણ્યો હતો અને અહીં તો વાહ બેંચીસ હતી. નવા નવા મિત્રો અને નવી નવી વિદ્યાર્થીનીઓ પણ હતી. હજારો, કદાચ લાખોની સંખ્યામાં સ્કૂલ અને કોલેજો અગણિત પ્રેમ કહાનીઓની સાક્ષી હશે. અને એવીજ એક આ શાળામાં એક પ્રેમ કહાની શરૂ થવા જઈ રહી હતી.
નયન ની હાઈસ્કૂલ ચાલુ થયાને માંડ બે દિવસ થયા હતા. નયન ના રંગ રૂપ અને આકારની વાત કરીયે તો શ્યામ રંગ ઊંચાઈ પણ ઓછી અને નબળું શરીર દેખાવે કંઈ એટલો ખાસ નહિ. તો શાળાના વર્ગો ચાલુ થયા અને એમાં પણ તાસ પધ્ધતિ એટલે જેવો એક તાસ પૂરો થાય એટલે શિક્ષક બદલાય.અને જેવા શિક્ષક વર્ગખંડમાંથી બહાર જાય એટલે છોકરાઓની ધીંગા મસ્તી ચાલુ. વર્ગમાં છોકરા અને છોકરી મળી લગભગ ચાલીસેકની સંખ્યા હતી. જેમાં વર્ગમાં વચ્ચે અને એક દીવાલ તરફ થઇ છોકરાઓની બે લાઈન હતી. અને છોકરીઓની એક દીવાલ તરફ એમ બેંચીસની કુલ ત્રણ લાઈન હતી. જેમાં પહેલી લાઈનમાં એક શ્યામવર્ણ છોકરી હતી હેમલતા. અને નયન વચ્ચેની લાઈનમાં ત્રીજી બેન્ચ પર બેસતો હતો.
હવે જયારે પણ શિક્ષક તાસ પ્રમાણે બદલી થતા અથવા ફ્રી તાસ હોય એટલે છોકરાઓનું મસ્તી એ ચઢવું સ્વાભાવિક છે. તો મસ્તી કરતા કરતા જો કોઈ વિદ્યાર્થી હેમલતા સાથે મસ્તી કરે તો નયનને નહિ ગમતું. એક પ્રકારની જલન જ કહી શકાય એવું થતું હતું. રોજ નયન હેમલતાને આવતા જતા અને વર્ગમાં પણ જોયા કરે અને એ પણ એવી રીતે જુવે કે હેમલતાને જાણ ના થાય. હેમલતાને જોતાજ જાણે શાંત તળાવમાં કોઈ પથ્થર મારે અને બરાબર વચ્ચેથી ગોળગોળ કુંડાળા બહારની બાજુએ જેમ લહેરાતા જાય એવી લહેર નયન ના મનમાં ઉઠી આવે. હદયના ધબકારા વધી જાય અને એમ થાય કે હમણાં જ એનો હાથ પકડી મારા મનની વાત કરું કે મને તને જોઈને આવું થાય છે. પણ બસ એને જોતાજ જાણે નિશબ્દ થઇ જવાય. આમ કરતા કરતા છ માસિક પરીક્ષા આવી ગઈ. ત્યાં સુધી નયને હેમલતા સાથે એક શબ્દ પણ વાત ના કરી હતી. બસ ફક્ત જોવા માત્રથીજ એટલો સંતોષ થઇ જતો હોય તેમ વાત આગળ વધારતો જ ના હતો. બસ આટલા વખતમાં અમુક અમુક વાર હેમલતા થોડી મુસ્કાન આપતી એ જોઈ આનંદમાં રહેતો.
અને છમાસિક વેકેશન બાદ જયારે ફરી શાળા ચાલુ થઇ પણ હેમલતા ક્યાંય નહિ દેખાઈ. નયનની આંખો શોધી રહી હતી. કોઈને કહી પણ નહિ શકાય અને રહી પણ નહિ શકાય. થોડા દિવસ બાદ હેમલતાના ગામથી ભણવા આવતા એક છોકરાને નયને પૂછ્યું કે, 'એક છોકરી હેમલતા પણ આવતી હતીને તમારી બસમાં, તે ક્યાં ગઈ ?' તો પેલા છોકરાએ કહ્યું કે 'હેમલતા હવે નહિ આવે આ શાળા તેના ઘરવાળાને ઘણી દૂર લાગતી હતી એટલે તે એના મામાને ત્યાં ભણવા ચાલી ગઈ.'
આટલી નાની ઉંમરમાં પ્રેમ થયો તો હતો પણ પાંગર્યો ના હતો. કોઈ પણ સ્વાર્થ કે શરીરના આકર્ષણ વગરના કઈ કેટલા પ્રેમના પુષ્પો ખીલ્યા હશે અને કરમાયા પણ હશે. જેના હર્ષ અને વેદનાને ક્યારેય કલમથી કંડારી શકાય નહિ. ફક્ત જીવનમાં અનુભવ કરીને જ પ્રેમને સંપૂર્ણ તો નહિ પણ મહદ અંશે જાણી શકાય છે.