પ્રેમ અને ગાંડપણ
પ્રેમ અને ગાંડપણ
વસંત ઋતુ હતી. અમે કેટલાક મિત્રો શહેરની સાન્નિધ્યમાં જ આવેલ સુંદર ઉપવનમાં આનંદ પર્યટને ગયેલા. સંજોગવશાત તમે સાથે નહોતા આવી શક્યા. સઘળા મિત્રોનુ કહેવુ હતું કે ઉપવનમાં વસંત પુરબહાર્માં ખિલી હતી. પુષ્પોના શું રંગ ! શું ગંધ ! અને આમ તેમ ઉડતા રંગ બેરંગી પતંગિયા ? જાણે ઈન્દ્રધનુષ ધરતી પર ઊતરી આવ્યું. અને એમાં ય વાતાવરણને મધુરતાથી ભરી રહેલ પક્ષીઓનો કલરવ ! જાણે સ્વર્ગનું ધરતી પર અવતરણ !
પણ મને એવુ કશું નહોતુ લાગ્યું. પષ્પોના રંગ સાવ ફિક્કા ફસ હતા. સુગંધનું તો નામ નિશાન જ નહોતું. અને આમ તેમ ઉડતા પતંગિયા? જાણે બદરંગી ફુદડા ! અને એમાં ય વાતાવરણને કર્કશ બનાવી દેતી પઈઓની ચિચિયારી? એનાથી તો તોબા !
પાછા ફરી તમને મેં આ વાત કરી તો તમે મારી વાત હસી કાઢી. બોલ્યા; 'આ બધા જ ખોટા અને માત્ર તમે જ સાચા ?' મિત્રોમાંથી કોઈ બોલ્યું; 'એ હવે સાવ પાગલ થતો જાય છે'.
તમને મિત્રની આ વાત ગમી ન હોય એવું તમારા ચહેરાના ભાવ પરથી લાગ્યું. બોલનાર એ કળી ગયો. બાજી સંભાળતા એ બોલ્યો; 'હજી સંધ્યા ઢળી નથી. વળી ઉપવન પણ નજીક જ છે. ચાલો ત્યાં જઈને ખાત્રી કરીએ'.
તમે સંમત થતાં સઘળા ફરી ઉપવનમાં આવ્યા. મને અચરજ થયું કે મિત્રોએ વર્ણવેલી એવી જ પૂર્ણ વસંત ત્યાં ખિલેલી હતી. હું ખોટો ઠર્યો. પરંતુ તમે સાથે હતા તેથી ખોટા ઠર્યાનો પણ મને આનંદ થયો.
અને ખરુ કહું? તમે જો સાથે ન હોત તો હું સાચો જ રહેત

