Amit Pathak

Drama Thriller

3.1  

Amit Pathak

Drama Thriller

પિતૃદેવ સંરક્ષણં

પિતૃદેવ સંરક્ષણં

9 mins
422


મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.

મનની અંદર એક ગજબ નું તોફાન હતું, શું થઇ રહ્યું છે કે થઇ ગયું છે એ સમજવાની તાકાત મારામાં નહતી, મગજ સૂન થઇ ગયું હતું. આમ, આ સાઈઠના ઉંબરે ઉભેલી સ્ત્રીને કોણ મારે - અરે શું કરવા મારે? ના ના મેં હત્યા નહિ કરી હોય, નથી જ કરી. નાના મોટા ઝગડા તો થયા કરે, ક્યારેક તીવ્ર બોલચાલ પણ થઇ છે. હજી ગયા અઠવાડિયે જ ક્યાંક જવા બાબતે ઝગડો થયો હતો. આમ છતાં પણ મને ખાતરી છે, મેં તો હત્યા નથી જ કરી... પણ, તો કોણ!! હું થોડું યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, કડીઓ જોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.    

અત્યારે લગભગ દોઢ વાગ્યો હતો, હા, દોઢ જ વાગ્યો હશે. સાંજે કોલેજકાળ ના મિત્રો શૈલેષ અને શૈલજાને જમવા બોલાવ્યા હતા. કોલેજ માં બધા અમારી ચોકડી ને હેશટેગ કહી ને બોલાવતા હતા. હેશટેગ એટલે હું - હેરિત પોટા, શૈલેષ વોરા, શૈલજા ટેક્વાની અને રમોલા ગણાત્રા. જમ્યા પછી થોડી હોટ કોફી પીધી અને સાથે સાથે કોલેજ સમય ની વાતો કરી. કોલેજમાં અમારા એક પ્રોફેસર હતા- રમેશ સાહેબ, આમ તો એ સંસ્કૃત ના પ્રોફેસર પણ એમને ભવિષ્ય શાસ્ત્ર, ગૂઢ વિદ્યા અને જ્યોતિષ શાસ્ત્ર માં ગજબનો રસ હતો, અને અમે ચારેય એમનો પિરિયડ અચૂક ભરતા. એ હંમેશ કહેતા કે ક્યારેય પણ, ક્યાંય પણ અટકી જાઓ, કોઈ રસ્તો ન સુજે તો તમારા ઇષ્ટ દેવ અને પિતૃઓ ને યાદ કરજો. ત્યારે બધું મજાકમાં જતું, સાચું જ છે એ સમયે ક્યાં કોઈ ને ગંભીરતા હોય! અમે તો બસ અમારી મસ્તી માં જ હતા. આ જ બધી વાતો વાગોળતા વાગોળતા ક્યારે એક વાગી ગયો ખબર જ ના પડી. વચ્ચ-વચ્ચ માં ૨-૩ વાર લાઈટ પણ ગઈ હતી, જોકે હમણાં થોડા સમય થી નવા વાયર નંખાતા હોવાથી આ પરેશાની રહે જ છે. અત્યારે પણ લાઈટ ના નામે માત્ર પૂનમની ચાંદની સિવાય બીજું કશું જ ન હતું. અંધારું હોવાને કારણે, એમને નીચે ફ્લેટ ના ગેટ પર મુક્યા. ત્યાં સુધી તો યાદ છે પણ પછી... પછી આ રમોલાની લાશ નું આમ રસોડામાં હોવું, મારુ રસોડામાં ક્યારે આવવું એ કંઈ યાદ નથી આવતું.

હા, થોડું ઝાંખું ઝાંખું યાદ આવે છે, શૈલેષ ને મૂકી ને આવ્યા ત્યારે સોસાયટી ના ગેટ પર બહાદુર ન દેખાયો! એ સુઈ ગયો હશે? ના, સુવે તો નહિ કેમ કે હજી ૨ દિવસ પહેલા જ રમોલાએ બહાદુર ને ડ્યૂટી પર સુવા માટે ઠપકો આપ્યો હતો. થોડી વધારે જ બોલ-ચાલ થઇ હતી અને બહાદુર કંઈક બબડ્યો પણ હતો. ક્યાંક કદાચ એ જ નહિ હોય ને? કે પછી સામેવાળો બૂટલેગર ખડકસિંઘ હશે! એની સાથે લાસ્ટ વીક જ બોલવાનું થયું હતું. ના ના એ ના હોય, એ તો પોલીસના તાબા હેઠળ છે. તો પછી છેલ્લે, લલિતા - અમારી કામવાળી પર શંકા ની સોઈ આવી ને અટકે છે. એને કામમાં એના ધાંધિયા માટે ઘણી જ વાર સમજાવી હશે અને વઢી પણ હશે. સામે લલિતા એ પણ ઘણી વાર કીધું કે એક દિવસ જોજો ખબર પાડી દઈશ. લાગે છે, આજે ખરેખર ખબર પાડી જ દીધી. કદાચ લલિતા એ જ રમોલાની દવા માં કંઈ ભેળવી દીધું હશે. મેં સહુ થી પહેલા દવા ની શીશી તપાસી, કંઈ ગડબડ તો ન લાગી પણ છતાં કંઈ પણ કહી ન શકાય. મેં આજુ-બાજુ જોવાની અને કંઈક પુરાવાઓ ગોતવાની કોશિશ કરી. દરેક વસ્તુઓ હવે મારા માટે શંકા ના દાયરા માં હતી. પુસ્તકો, ટીવી પર પ્રસારિત થતી ગુનાહિત શ્રેણીઓ અને જાસૂસી ચલચિત્રો જોઈને આટલું પ્રાથમિક જ્ઞાન તો એકત્રિત કરી જ લીધું હતું. પરંતુ અહીં, બધું જ સામાન્ય અને વ્યવસ્થિત લાગતું હતું.

પોલીસની ગાડી ના સાઇરને મને વિચારભંગ કર્યો. સાઇરન નો અવાજ થોડો અલગ લાગ્યો પણ હા... એ ધીમે ધીમે નજીક આવતો જતો હતો અને આ નિશાની હતી કે પોલીસની ગાડી નજીક આવતી હતી. શિયાળાની રાત હતી અને શહેર શાંત હતું એટલે ઘર ની પાછળ ના હાઈવે પરથી પુરપાટ આવતી પોલીસવાન ના એન્જિનનો અવાજ પણ ધીમો ધીમો સાંભળતો હતો. મન હજી કંઈ સમજવા તૈયાર નહતું, મનની અંદર એક ઘેરું તોફાન અને હૈયાફાટ રુદન, રુદન એટલું તીવ્ર કે ગળાની નસ ઉપસી આવી, હૃદયના ધબકારા એટલા ઝડપી અને અવાજ એટલો મોટો કે આંગળીઓમાં પણ અનુભવી શકાય. આ બધું જ શરીર ની અંદર - ખુબ અંદર પણ બાહ્યમુદ્રા તો વિચલિત, સ્થિતપ્રજ્ઞ- હતપ્રભ, અન-અશ્રુ. ચિંતા, અજંપા અને ડરની મિશ્રિત લાગણીઓ.

સામે પ્રાણપ્રિય પત્નીની લાશ... ના લાશ નહિ, હજીતો નહિ જ. તરત વિચાર આવ્યો કે કંઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા ડૉક્ટરની પુષ્ટિ જરૂરી છે. સહુ થી પહેલા હું મારા મિત્ર અને પારિવારિક ડૉક્ટર વસંત ને બોલાવી લઉં. વસંત સાથે મારે સારા સબંધ છે, મારા આખા પરિવારની ફાઈલ પણ એની જ પાસે છે અને બધાની શારીરિક પ્રકૃતિથી એ વાકેફ પણ છે. વળી અડધી રાત્રે પણ જરૂર પડે તો એ આવે. છેલ્લા ૨ વર્ષ થી મને અચાનક તાવ ચડે અને એની દવા ના ૨-૩ ડોઝ થી ઠીક પણ થઇ જાય. જોકે ૨ વર્ષ માં ૫-૭ વખત તાવે ઉથલો માર્યો છે પણ એકંદરે વસંત ની દવા માફક આવે છે.

ક્ષણ નો પણ વ્યય કર્યા વગર મેં વસંત ને ફોન કર્યો પણ... લગભગ જિંદગી માં પહેલી વાર મારો ફોન કટ કર્યો ને સામો મેસેજ આવ્યો - " માફ કરજે હેરિત, પરંતુ હું અત્યારે મુંબઈ માટે ફ્લાઈટ પકડું છે અને બોર્ડિંગ માટે લાઈનમાં ઉભો છું. તને જો ફરી તાવ જેવું લાગતું હોય તો મારા જુના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લઇ લેજે. કદાચ ફરી તને ટાઇફોઇડની અસર થઇ લાગે છે". હવે મારી હાલત ખરાબ થવાની ચાલુ થઇ, એક બાજુ પોલીસનું સાઇરન થોડી થોડી વારે સંભળાતું હતું અને બીજી બાજુ આ આખા અંધારા ઘરમાં હું અને સામે મારી પત્ની. હું એને લાશ તરીકે સ્વીકારવા હજી માનસિક તૈયાર નહતો. રસોડાની બારીમાંથી આવતો ચંદ્રનો પ્રકાશ જ એકમાત્ર અજવાળું હતું. ઘરમાં લાઈટ ન હોવાના કારણે ચંદ્રપ્રકાશમાં જેટલું દેખાતું અને જોઈ શકાતું એ જ. વળી, એ પ્રકાશ સિધ્ધો રમોલાના સુતેલા શરીર પર પડતો અને એની બંગડી, કાનની બુટ્ટી અને નથનાં હીરાથી પરાવર્તિત થતો.

પોલીસનું સાઇરન હવે સ્પષ્ટ સંભળાતું હતું, ફરી એ જ, દૂર થી નજીક આવતું હતું અને આ મન નું તોફાન વધુ ને વધુ પ્રબળ થતું હતું. એક્પળ માટે વિચાર આવ્યો કે અહીં જ બેસી ને પોલીસની આવવાની રાહ જોઉં અને આવે એટલે બધું જ સમજાવી દઉં પણ... શું સમજાવીશ? શું કહીશ? હજી હું પોતે કંઈ સમજી નથી શક્યો. મગજ માં હજી આટલી જ ઘેરી ગડમથલ ચાલે છે કે આ બધું આમ અચાનક શું થયું? હવે શું થશે એ ચિંતાથી ગળું સુકાવા લાગ્યું. અરે હું તો હજી એ પણ સમજી શકતો ના હતો કે પોલીસ ને જાણ કોણે કરી? શું તે એક કાંકરે બે પક્ષી મારવા માંગતો હશે? રમોલાનું ખૂન કરીને મને પોલીસ ના હાથે સપડાવી ને... ના ના. મારે મન મક્કમ કરવાની અને પરિસ્થિતિ સામે અડગ ઊભા રહીને લડવાની જરૂર છે અને આ જ સમયનો તકાજો છે.

અચાનક બહારના રૂમ માં કૈક અવાજ આવ્યો, કોઈક ના પગલાંનો અવાજ, ધીમા, પણ સતત... દિલ જરા જોર થી ધડકવા લાગ્યું, થોડો ડર પણ હતો. કોણ હશે! પોલીસ કે પછી કોઈ અન્ય વ્યક્તિ. શું આ એ જ વ્યક્તિ ના પગલાં છે જેણે... ના, ના રમોલાને કંઈ નહિ થયું હોય. રમોલા મને આમ અધવચ્ચે મૂકી ને ના જઈ શકે, હું ફરી રમોલાના વિચારમાં ખોવાયો પણ પગલાં ના અવાજ ચિત્ત જંપવા નહતા દેતા. પગરવ ધીમે ધીમે નજીક આવતા હતા, મારી પાછળ સંભળાતા હતા, રસોડાની દીવાલને બિલકુલ અડોઅડ.

હજુ કંઈ બીજું થાય, મારી સાથે પણ કંઈ બને તે પહેલા એકવાર હું જોર થી - ખુબ જોર થી રમોલાને ભેટવા માંગતો હતો, ભેટીને રોવા માંગતો હતો. પણ... આ શું! મારુ શરીર મારો કોઈ આદેશ માનવ જ તૈયાર નહતું, હાથ ઉંચા નથી થતા, પગ જાણે શરીર નું વજન ઉપાડવા અસમર્થ છે અને આખું શરીર પરસેવાથી રેબઝેબ. હું ગમે-તેમ ઢસડાઈ ને રમોલાની બાજુ માં ગયો. રમોલાનું માથું મારા ખોળા માં રાખ્યું અને હતું એટલું જોર કરી ને રમોલાને ભેટ્યો. પછી બધી શક્તિ એકઠ્ઠી કરીને આ અજાણ્યા દુશ્મન સામે લાડવા ઊભો થયો, એ અજાણ્યો પણ હોઈ શકે કે પછી હોઈ શકે કે કોઈ જાણીતો જણ પણ, પરંતુ અત્યારે તો એ દીવાલની પેલી પાર છે અને રામ જાણે હજી શું શું કરવાનો છે. પણ અત્યારે તો મારે તેનો સામનો કરવાનો છે એ જ મારુ લક્ષ્ય છે.

હું એકદમ શાંતિથી ઊભો થયો અને અંધારામાં રસોડામાં હાથ ફેરવી ને જે પણ હથિયાર તરીકે ઉપયોગ માં લઇ શકાય એ માટે હાથ ફંફોસવા માંડ્યો. ત્યાં બાજુના નાના ટેબલ પર કદાચ વેલણ જેવું મળ્યું... જાડાઈ જરા વધુ હતી પણ એ પણ સારું હતું, સ્વબચાવ માં કામ લાગશે. આમેય, સંકટ સમયે હાથવગું તે હથિયાર. મેં ધીરે થી દીવાલ તરફ મોઢું ફેરવી ને જોવાનો પ્રયત્ન કર્યો અને... અને મને એક પડછાયો દેખાયો. કદાવર અને પડછંદ. એ તો સત્ય જ હતું કે હું આ જે કોઈ પણ છે તેનો સામનો કરવા સક્ષમ નહતો. હું ઊંડા ઊંડા શ્વાસ લઈને મારામાં આત્મવિશ્વાસ ભરતો હતો અરે કહો કે પ્રાણ ભરતો હતો ત્યાં જ મને રમેશસાહેબ યાદ આવ્યા, એમની સલાહ અને શબ્દો યાદ આવ્યા. તરત જ અમલ માં મૂકતાં મેં મારા ઇષ્ટદેવ અને મારા પિતૃઓ ને યાદ કરી તેમની મદદ માંગી - "પિતૃદેવ સંરક્ષણં... રક્ષણ કરો " અને વેલણ જોર થી સામે દેખાતા કદાવર પડછાયાના સ્વામીને જોઈને જોરથી ફેરવ્યું, એ ત્યાં જ ઢળી ગયો. શી.... બધું જ શાંત, નીરવ શાંતિ. હું એ પડછંદ માનવને જોવા, ઓળખાવા જવાનો જ હતો, ત્યાં જ અચાનક એક તીવ્ર પ્રકાશ મારી આંખોના પટલને છેડતો નીકળી ગયો, આટલીવાર થી અંધારામાં રહેવાથી મારી આંખો અંજાઈ ગઈ. હું કંઈ પણ જોવા સક્ષમ ના હતો. શું આ એનું જ કોઈ નવું કાવતરું હશે?

હું આ બાબતમાં કંઈ વિચારું ત્યાં જ અચાનક મને સળવળાટનો અનુભવ થયો, રમોલાના શરીર માં કદાચ હલનચલન થયું, લાગ્યું જાણે રમોલા મને કંઈક કહે છે, કંઈક કહેવાનો પ્રયત્ન કરે છે. એના થોડા થોડા શબ્દો સમજવા અને સાંભળવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો. એનો અવાજ શાંત અને સૌમ્ય હતો પણ જાણે પડઘાતો હતો, એ મને કહેતી હતી... હેરિત મારી સામે જુવો... મને જુવો, આ બાજુ. આ શું થયું છે? પ્રકાશના અણધાર્યા હુમલાને કારણે હું આંખ નહતો ખોલી શકતો પણ એકવાર મારી રમોલાને જોવા માંગતો હતો, એનું પ્યારું મુખડું નીરખવા માંગતો હતો. મેં આંખો ખોલવાનો વધુ એક પ્રયત્ન કર્યો, પરંતુ પ્રકાશની તીવ્રતા હજી આટલી જ હતી. મેં રમોલાના આવતા અવાજ બાજુ જોવાનો પ્રયાસ કર્યો. આહ, એનું સુંદર મુખ!! પણ આ શું! આટલો પ્રકાશ! જાણે તેના ચેહરા ની આજુ-બાજુ એક આભા મંડળ હતું, પરંતુ મુખપર એ જ મૃદુ સ્મિત અને તીખી નઝર. મારી બાજુ માં આવી મને ગળે લગાડ્યો અને કપાળ પર એક મીઠું ચુંબન કરી ને પૂછ્યું- " કોણ હતું એ, જેને તમે માર્યું?" હું કંઈ પણ કહું તે પહેલા અજવાળા મેં જોયું કે ખરેખર મેં જેના થી હુમલો કર્યો એ વેલણ નહિ પણ ટોર્ચ હતી!! હશે, કદાચ આવી અચાનક લાઈટ જવા જેવી કોઈ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે જ રમોલા એ રસોડામાં ટોર્ચ રાખી હશે પણ.... એક મિનિટ આ... રસોડું પણ નથી, તો!! હું ક્યાં છું??

મેં ફરી રમોલા સામે પ્રશ્નાર્થ ની નઝરે જોયું, એને મીઠા સ્મિત સાથે કહ્યું... "ક્યારના ટોર્ચ ફરાવ ફરાવ કરો છો. મને લાગ્યું આટલા અજવાળામાં ટોર્ચથી શું કરે છે!! એટલે જોવા આવી. આજે કોણ મુશ્કેલીમાં મુકાયું હતું?" એ સાચી હતી, આની પહેલા પણ મેં ઘણી જ વાર વસંતને, બહાદુરને, લલિતાને ખડકસિંઘને આવા તો ઘણાને મુશ્કેલીમાંથી ઉગાર્યા છે.

હવે એક પછી એક કડી જોડાતી ગઈ, હકીકતમાં કેમ સાઇરન નો અવાજ અલગ પણ પરિચિત જણાતો હતો, પોલીસ ની ગાડીના એન્જિને નો અવાજ, દીવાલની પાછળનો પગરવ, બધું જ. બધા જ કેસ, બધાં જ રહસ્ય જાણે આપો-આપ સોલ્વ થતા ગયા.

ત્યાં જ પાછો રસોડામાંથી મિક્સર ચલાવતા રમોલાનો એ જ મીઠો ઠપકો - " હેરિત, તમને કેટલી વાર ના પાડી છે રાતના ક્રાઇમ પેટ્રોલ, બોન્ડ ની વાર્તા કે હેરી પોટર ની મુવીઝ ના જોવો... હવે જલ્દી કરજો, ઉઠવામાં ઘણું જ મોડું થઇ ગયું છે, તમને ખબર છે! ૪ વાર એલાર્મ વાગ્યુ, પણ એક તમે છો... ચાલો, ચા-નાસ્તો કરી, દવા ખાઈ ને લોટ દળાવી આવો".


Rate this content
Log in

Similar gujarati story from Drama