સંબંધો સંયોગના
સંબંધો સંયોગના


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાંજ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું.
બારી પર છરક્તી નજર નાખીને હું ફરી પાછો ચા અને ભજીયા ખાતા-ખાતા શનિવારના સાંજે આવતો ગઝલનો કાર્યક્રમ માણવામાં તલ્લીન થયો. પરંતુ, મન હજી અશાંત હતું, કદાચ ધ્રુજાવી દેતી ચીસને કારણે હોય કે પછી માનવ સહજ જિજ્ઞાસાને કારણે. પણ મન ફરી ફરીને બારીની બહાર ડોકિયાં કરતુ હતું. એ આકૃતિ બહાર તો આવી ગઈ હતી પણ હજી એક ઝાડની ઓથમાં સંતાઈને પોતાની સલામતીની ચોક્કસાઈ કરતી હતી. વારે વારે પોતાની આજુ-બાજુ, ચારેય તરફ નજર ફેરવીને જાણે ખાતરી કરતી હતી. અને આ બધું મારા ઘરથી લગભગ ૩૦-૪૦ મીટર દૂર થતું હતું, જયારે જ્યાંથી આ શરુ થયું એ રોડ, માંડ ૧૦૦ મીટર દૂર રોડ હતો.
મારા હોલની બારી, મૅઈનરોડ પર પડતી હતી એટલે પસાર થતા વાહનોનો અવાજ, પગપાળા ચાલતાની વાતો અને ગૌધુલીક-ગોવાળિયાઓની અવર-જવરની વસ્તી રહેતી હતી. મને ૨ વર્ષ જેવા થયા અહીંયા રહેતા, પરંતુ આવો અનુભવ આજ સુધી ક્યારેય નથી થયો. હા, ક્યારેક શિયાળવા બોલતા, રાતમાં ક્યારેક દીપડાના આવવાના કારણે કુતરાના રોવાના કે સતત ભસવાના અવાજ તો સહન કર્યા છે પણ આજનો આ આવો પ્રથમ અનુભવ હતો જેમાં, ચીસ સાંભળીને ભયનું એક લખલખું પસાર થઇ ગયું.
બાજુમાં બેઠેલી પંક્તિને મેં ધીમેથી પૂછ્યું- "શું લાગે છે? શું હશે ! જરા જોવું છે ?, હજી સંધ્યાકાળ છે એટલે આપણે અજવાળામાં આપણે થોડું જોઈ શકાશે અને તપાસ પણ કરી શકાશે. વળી, અજવાળું છે એટલે થોડું સારું પણ છે અને કોઈ પ્રકારની તકલીફ પણ નહિ થાય".
"અક્ષર, અંબાજી મંદિરે જયારે તમારી નોકરી લાગી અને અહીં રહેવા આવ્યા પહેલા જયારે આપણે અર્ચિતભાઈને પાલનપુર મળવા ગયા હતા, ત્યારે એમણે આપણને ચેતવ્યા હતા, યાદ છે ? એમણે કહ્યં હતું કે આબુની તળેટીના જંગલથી લઇ ને અંબાજી - ગુજરાતની સરહદમાં આવી ઘણી જ વસાહતો છે અને પ્રજાતિઓ છે - જેમના રીત-રિવાજ અને માન્યતાઓ આપણાથી તદ્દન અલગ છે, તો એમની વચ્ચે પડવાનું ટાળવું. એમાંય તમારા ઉતાવળા સ્વભાવને કારણે, તમને તો ભાર પૂર્વક ચેતવ્યા હતા, યાદ છે ને", પંક્તિએ સવિનય વિરોધ નોંધાવી દીધો.
"હા, પણ યાર, બિચારી છોકરી લાગે છે અને તકલીફમાં હોય એવું પણ લાગે છે, તે જોયું નહિ કેટલા માણસો પાછળ પડ્યા હતા, લગભગ અડધો-અડધ ગામ ટોળું બનીને પાછળ પડ્યું હતું. પાછું, અત્યારે થોડું અજવાળું છે તો તાપસ કરી શકાશે, પછી જો રાતના કંઈ અણધારી સમસ્યા આવી ને, તો કઈ નહિ થઇ શકે". - મેં મારો પક્ષ મુક્યો. જવાબમાં પંક્તિએ અણગમા અને વિરોધની એક આછી નજર નાખી જે મારી માટે દલીલને પૂર્ણવિરામ મુકવા માટેની મૂક સૂચના હતી."
"જમવામાં ખીચડી મુકું કે ઢોકળાની થાળી મૂકી દઉં ! કેમકે અત્યારે ૭ વાગે ભજીયા ખાધા છે એટલે મને તો એટલી ઈચ્છા નથી, તમારે કેવીક ઈચ્છા છે ?" મેં ડોકી હલાવીને મારી સહમતી દર્શાવી અને વળી ગઝલ સાંભળવામાં વ્યસ્ત થઇ ગયો, 'યેહ દૌલત ભી લે લો...' મારી પ્રિય ગઝલોમાંની એક. હું મારા બાળપણના મોહક સંસ્મરણોમાં સરી પડવામાં જ હતો ત્યાંજ પંક્તિ મારી પાસે આવીને કાનમાં ધીમે થી બોલી, "લાગે છે કે પેલી છોકરી પાછળ, આપણા વરંડા બાજુ આવી છે". "તને કેવી રીતે ખબર પડી ? તને એવો આભાસ થયો હશે" - મેં એને શાંત પાડી."
"ના હવે, રસોડામાં વાસણો ચડાવતા ચડાવતા મેં એક આકૃતિ ઝડપથી આપણી આ ગલીમાં દાખલ થતી જોઈ અને એનો પડછાયો બારીના કાંચ પર પડતો હતો. એટલે મેં આકૃતિ તો નથી જોઈ પણ એનો પડછાયો આ બાજુ જતો જોયો અને પછી વરંડાની પેલી બાજુ, દરવાજા પાસે પ્લાસ્ટિક કે બોટલ પર પગ પડે તો કેવો અવાજ આવે ! એવો અવાજ પણ સંભળાયો"
"સાચું, પણ એ પણ હોઈ શકે કે કોઈ ગાય કે કોઈ પ્રાણી કંઈ ચરવા આવ્યું હોય અને એનો પગ એ બોટલને લાગ્યો હોય! " એને કહેતા કહેતા ધીમેથી મેં બારીને બહાર નજર કરીને પેલી છોકરીને જોવાનો અને મારા અનુમાનની સાતત્યતા જાણવા માટે પ્રયાસ કર્યો. સુરજ લગભગ અસ્તાચળે હતો એટલે આંખો જરા વધારે ઝીણી કરવી પડી પણ લાગે છે, પંક્તિ સાચી હતી. એ છોકરી એ ઝાડ પાછળ ના દેખાઈ કે જ્યાં સુધી મારી નજર જઈ શક્તિ હતી ત્યાં સુધી તો એ ક્યાંય ન જ હતી.
"લાગે તો છે કે તું સાચી છો... એક કામ કર, આપણે ધીમેથી પાછળ જઈને જોઈએ. પણ શાંતિ રાખજે અને બહુ કંઈ ઉત્પાત નહિ મચાવતી. રાડારાડ કરીશ અને જો આજુ-બાજુ માં ક્યાંય ખબર પડી તો લોકો ભેગા થઇ જશે અને એમાં પણ જો પેલું ટોળું આવી ગયું ને, તો આપણું આવી બનશે. એટલે પહેલા તેલ જોઈએ- તેલની ધાર જોઈએ, પછી કંઈ નિર્ણય પર પહોંચીયે" મેં બને એટલા ધીમા અવાજે બોલવાનો પ્રયત્ન કર્યો. જોકે પુરુષનો અવાજ સહેજે ભારી હોય, વધુ ધીમે તો ન બોલાયું પણ યથાશક્તિ અને પ્રયત્ને થોડુંઘણું ધીમે બોલાયું જયારે અમુક શબ્દો તો મનમાં જ બોલાયા- ખાલી હોઠ જ ફફડ્યા. હવે ગાય થવાનો વારો પંક્તિનો હતો, આજ્ઞાકારી મુદ્રામાં માથું હલાવીને મારી વાતમાં હામી ભરી.
અમે બિલ્લીપગે રસોડું વટાવીને અને ૩૦ બાય ૨૦ નો મારો નાનો એવો બગીચો પસાર કરીને વરંડાના દરવાજે આવીને બહારની બાજુ થતી હલન-ચલન સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પંકતિનું અનુમાન લગભગ સાચું જ હતું. આ છોકરી કે જે કંઈ પણ છે એ ઘરની પાછળ જ હતું પણ પ્લાસ્ટિકની બોટલ અને પન્નીની થેલીઓ- કાગળો પર પડતા પગનાં સતત અવાજથી એટલો તો અંદાજ લગાવી શકતો હતો કે છોકરી ખરેખર ખુબ જ ઘભરાયેલી છે, ડરેલી છે. કેમ કે આ પગલાં ગભરાયેલા હતા, બીક અને ગભરામણને કારણે એના પગ ગમે ત્યારે પ્રવૃત્તિમાં આવવા જાણે તૈયાર હતા. મેં પંક્તિને સાંકેતિક ભાષામાં જણવ્યું કે "હું દરવાજો ખોલું છું, તું સાવધ રહેજે ".
છેલ્લા ૨ વર્ષમાં લગભગ ત્રીજીવાર આ દરવાજો ખોલવાની જરૂર પડી હશે એટલે થોડી મહેનતે, પણ અવાજ ન થાય એની ખુબ કાળજી રાખીને કડી હટાવી પણ મિજાગરાએ અમારું માન ન રાખ્યું. જોકે, મિજાગરામાંથી અવાજ આવવો એ પણ દેખીતું જ હતું, એટલા વર્ષોમાં ઉપયોગમાં જ લેવાયું નહતું એટલે જરા કટાઈ ગયું હશે. જે હોય તે પણ આ અવાજે પેલી છોકરીને સતર્ક કરી દીધી. એ ધીમેથી મિજાગરા અને દીવાલ થી બનતા ખૂણા સરસી ઊભી રહી ગઈ અને પોતાને અમારી નજરથી બચાવવાનો પ્રયત્ન કરતી હતી. બીક બંને બાજુ સરખી હતી, આમ છતાં, પૌરુષિય શક્તિનું પ્રદર્શન કરવા, મેં હિમ્મત કરીને છોકરીને પૂછ્યું - "એઈ, કોણ છે તું ? અહીંયા શું કરે છે ? "આ બધું ઉપરછલ્લું હતું બાકી અંદરખાને બીક છુપાવવા મેં પંકતિનો હાથ સખત રીતે પકડી રાખ્યો હતો. પંક્તિ મારા ડરને લગભગ જાણી ગઈ હતી, ધીમે થી મારા કાનમાં કંઈક ફુસફુસી પણ મારુ તો સંપૂર્ણ ધ્યાન પેલી છોકરીમાં અને તેની હવે પછીની ગતિવિધિમાં હતું.
અચાનક એ છોકરી દરવાજા પાસે- અમારી નજરોની બરાબર સામે આવીને ઊભી રહી ગઈ. આવા અણધાર્યા પ્રાગટ્ય માટે અમે તૈયાર ન હતા જેના પરિણામ સ્વરૂપ, સ્ત્રીસહજ લાગણીઓના આવેગમાં પંક્તિથી બીકના માર્યા રાડ નીકળી ગઈ. સામેપક્ષે પણ પેલી છોકરીતો પહેલેથી ડરેલી જ હતી.આ અમને જોઈ ને રીતસરની કરગરવા લાગી..."સાહેબ, મહેરબાની કરી કોઈને કંઈ કેસો નૈ, હું હિયાં- તમારી દીવાલકોરે થોડીવાર સુપાઈ જાઉં સુ અને પસી ઝાતી રઈશ." "બોન, મને એ મારી નાખસે " - પંક્તિ સામે જોઈને એ લગભગ રોઈ ગઈ. મેં પંક્તિ સામે જોયું અને અમારી આંખોએ વાત કરી લીધી. પંક્તિ તરતજ પાણીનો પ્યાલો એના માટે લાવે છે અને માથે હાથ ફેરવી, શાંત કરીને એને પાણી પાયે છે. આ પહેલીવાર એ છોકરીને જોઈ, કે જેની ચર્ચા અમે છેલ્લા કલાકેકથી કરતા હતા. સાવ કાચી વય- કુમળું શરીર, ટૂંકા વાળ, શરીરે ક્યાંક ઘાવના નિશાન તો ક્યાંક લીલજામનાં ચાંઠા હતા. મોઢાપર અને હાથપર કાંટા કે કોઈ ધારદાર વસ્તુ લાગવાના કારણે ચીરા પડ્યા હતા અને એમાંથી થોડું લોહી પણ નીકળતું હતું, કદાચ હોઈ શકે - જયારે ટોળાથી બચવા ભાગતી હતી ત્યારે ક્યાંક ખાડામાં પડી ગઈ હોય કે પછી સ્વબચાવમાં ભાગતીવેળા બાવળીયા કે કોઈ થોરમાં ઘસાઈ હોય. એકંદરે એ નાની છોકરી - અમારી દીકરીની ઉંમરની હશે પણ અત્યારે તો એ બિચારી હતી અને સરખી ડરેલી પણ હતી.
જાણે કેટલાય જન્મોની તરસી હોય એમ તરત જ પાણીનો પ્યાલો લઈ લે છે અને એક શ્વાસે જ પાણી પી જાય છે. " હજી જોઈએ છે ?" પંક્તિએ પ્રેમથી પૂછ્યું. "હા, થોડું" - હાથ અને માથું હલાવીને, ઇશારાથી એણે જણાવ્યું. ધરાઈને પાણી પીધા પછી એનો શ્વાસ જરા હેઠો બેઠો, જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ એને થોડી નિરાંત પણ થઇ. "કંઈ ખાવું છે ? ભૂખ લાગી છે, બેટા ? ભજીયા ખાઈશ ? લાવું! " - પંક્તિને દયા આવી. કોઈ પણ જવાબની અપેક્ષા રાખ્યા વગર પંક્તિ એના માટે ભજીયા લઇ આવી, "તમે પણ થોડી ચા પીશો ને ? બનાવું છું !"
આઠ વાગવામાં હતા ક્યાંકથી ટીવી સીરીયલનો અવાજ આવતો હતો તો કોઈ ઘરમાંથી પિક્ચરનાં ડાઈલોગ સાંભળતા હતા. વરંડાની ઠંડી અને શુદ્ધ હવામાં હું અને પંક્તિ હિંચકે બેઠા હતા અને પેલી છોકરી અમારી સામે, વાંસની ખુરશીપર બેઠી હતી. ચા પીતા પીતા ક્યારેક ઝાડ-પાન જોતી તો ક્યારેક પોતાના કપડાં તરફ નજર નાખતી- સંકોચાતી, અમને જોતી- નજર બચાવતી, તો ક્યારેક વળી એની નજર વરંડામાં આમ-તેમ રમતી. "દીકરી, તું કોણ છે ? તારું નામ શું છે ? એ લોકો કોણ હતા ? તારી સાથે શું થયું છે ? આવી હાલત ? તારા માં-બાપ ક્યાં છે, તું કોઈ ગુનો કરતા પકડાઈ હતી કે શું ? કેમ પાછળ પડ્યા હતા આ લોકો" - પંક્તિએ જરા પ્રેમથી પૂછ્યું.
"બોન, મારુ નામ મણિ સે. રામની સોગંદ ખૌં સુ, મેં કંઈ નૈ કઈરું. મારી મા તો મરી જઈ સે - તૈણ વરસારા થૈયાં. મારો બાપો પેલી કોર, દાતા ગોમમાં રેસે અને નોની ઝમીન ખેડેસે" થોડા ધ્રુજતા સ્વરે એ બોલી.
"તો તું દાતા ગામની છો ? અંબાજીની બાજુમાં જે છે ત્યાંની ? " મારાથી પુછાઈ ગયું. " અને આ લોકો કોણ હતા? અને તું કેમ એમનાથી ભાગતી ફરે છે? " પંક્તિએ તરત જ અધીરાઈથી પૂછ્યું.
મણિ અમારી સામે મુક ભાવે જોતી રહી અથવા કે કદાચ વિચારતી હોય કે ક્યાંથી શરુ કરવું. અમારો સવાલોનો મારો ચાલુ હતો અને એ ઉપર આકાશ તરફ જોતી હતી. આકાશના તારાઓને જોતા જોતા એની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. જાણે ગદગદિત થઈને ઉપરવાળાને પૂછતી હોય કે "મારી સાથે જ કેમ ?" બેટા, તું ચિંતા ના કરીશ, અમે અમારાથી બનતી મદદ કરશું. તું ખુલીને તારી તકલીફ કહી શકે છે". - પંક્તિ એની બાજુમાં ગઈ અને અને માથા પાર પ્રેમથી હાથ ફેરવ્યો. પંક્તિના આવા મમતાભર્યા વ્યવહારથી મણિનું હૃદય ભરાઈ આવ્યું અને એની આંખમાંથી સારતા આંસુએ આ વાતની ચાડી પણ ખાધી. પૂરતા પ્રયત્ન છતાં મણીની આંખો એના કહ્યામાં નહતી અને એટલી સક્ષમ પણ ન હતી કે બે છેડે વહેતી નદીને રોકી શકે. "રોઈ લે દીકરી, મન હળવું કરી લે. જરા પણ મૂંજાયા વગર અમને માંડીને બધી વાત કર. તું અમારા માટે દીકરી જેવીજ છો. અમારી દીકરી અદિરા પણ લગભગ તારી ઉંમરનીજ છે. અત્યારે અમદાવાદમાં ભણે છે. તું નિશ્ચિંન્ત થઇને તારી તકલીફ કહે, અમે તારા મામા-મામી જેવાજ છીએ." એટલું કહેવું હતું અને મણિનો સંયમનો બંધ તૂટી ગયો અને એ નમાયું બચ્ચું ચૌધારા આંશુ એ રોવા લાગ્યું. સાચું કહું તો, પંક્તિના આવા મમત્વ અને પછીની ભાવનાત્મક પળોએ મને પણ થોડો ભીંજવી દીધો.
આ બધા પ્રસંગમાં લગભગ એક કલાક જેવો સમય નીકળી ગયો હતો. આજુ-બાજુના ઘરમાંથી સિરિયલનો અવાજ આવતો પણ બંધ થઇ ગયો હતો. દૂર ડુંગરની બાજુથી ધીમો ધીમો ઢોલ-નગારાંનો અવાજ આવતો હતો. આ અવાજ સાંભળીને મણિની આંખો ચમકી અને ડૂસકાં ભરતા ભરતા એણે એક એક કરીને સવાલોના જવાબ આપવાનું ચાલુ કર્યું.
"મામા, અમો આદિ સીએ, અમો સોત બોન પસે એક ભઈ સે. મારો બાપો અમોરી નોની ઝમીન ખેડેસે. ઔંઠ સોકરાઓ અણ બે પુતે, ગર મોન્ડ સાલતું પુન તોયે બસારો અમુને હરખું હંભાળતો અન પોસતોય ખરું. બાપોતો સગો હતો પુન અમોરા ભાગ અમોરા જ સગા નોતા અન ઉપરથી પસે આવી આ ગરીબી. એક પાંસળ એક અમ સ વરસારા સૂકા ગિયા. ગરે ખાવાનાય ખુટા, તોયે બાપો સબરકો એટલે હાઈરો નૈ. એકનું એક બરડ વૉચી દિજુ, પોતે બસારો હળ ખેંસતો. બીઝા વરહથી તકલીફ વધી જઈ પુન બસારો હુ કરે. એકદી જમવા બેઠો તાણે મુને પાસે બુલાવી ને કીધું - "મણિ, ડાભેલ ગોમમાં એક આપણું ઝાતનું કબીલું રે'સે. ઉમા એકને તારી હારે લગન કરવાસે. માડી ખોટુ ન બુલાવે પુન એ બીજવરો સે અન આ લગનના બદલે એ વિસ હઝાર આપસે. સનિવારે તારો વર આવસે તને પેણવા અન લઇ જાહે. મન માફ કરિ દે જે હો માડી. તારા નોના બોન-ભઈ જમી સકહે" - એટલું કૈને બચારો ભાણા પરથી ઉઠી ગીયો, મેં પેલીવાર મુરા બાપાને રોતા ઝોયો". પોતાની લાગણીઓ પર ખુબ જ કાબુ રાખી ને મણિ બોલતી હતી. મેં જોયું પંક્તિનો હાથ ધ્રૂજતો હતો, એ અંદર અંદર રોતી હતી. મેં ધીમેથી એનો હાથ મારા હાથમાં લીધો અને પંપાળ્યો. મેં વાંચ્યું તો હતું કે રાજસ્થાનમાં, ઉત્તર-પૂર્વ ગુજરાતમાં અને બિહાર માં કોઈ કોઈ જગ્યાએ એટલી ગરીબી છે કે ત્યાંના માં-બાપ પોતાના સંતાનોને વેચી દે છે. અત્યારે સુધી ફક્ત વાંચેલું પણ અત્યારે તો પ્રત્યક્ષ કોઈની આપવીતી સાંભળું છું. હું પણ અંદર સુધી હલી ગયો. આને શું કહેવું! મજબુરીની પરાકાષ્ઠા, ગરીબીની પરાકાષ્ઠા કે પછી ભાગ્યનાં કસોટીની પરાકાષ્ઠા!
"એ વર બસાઈંઠ વરહનો હતો મામી, બસાઈંઠ વરહનો હતો" આ બોલતા મણિથી વધુ એકવાર ધ્રુસકે ધ્રુસકે રડાઈ ગયું. મેં એને પાણીનો પ્યાલો ધર્યો. બે ગુંટડા પીને થોડી શાંત થઇ અને પોતાની દાસ્તાન આગળ વધારી." અમ પેણયાં એન હજ વરહ પુન નથ થૈયું. આવનાર ચૈત્રયે થાહે. બધા કેતા'તા એનું લોઈ હુંકાય સે, હસે, ખબર નઈ બીડી પણ બવ પીતોતો. એ તો ગીઓ પુન મુને નોંઘીરી કરી ગીઓ. આ મરી ગીઓ એ જ દાડે અમોરા કબીલાના હરદારનો સોકરો આવી ન મુને કેસે કે હવે મુરી હારે પેણજે, જો ના પાડીસ તો ઝીવવા નૈ દઉં. તમ માનહો, મૉરા બાપા આયા ન, તોય મને મલવા નઈ દીધી. હું કોન પાહે મારુ દુઃખળું વેસુ કે કોન પાહે તો રોઉં ? હું જઇકાલથી ભાગું સુ મામી, તમ પેલા સો, માથે હાથ ફેરવ્યો " - ફરી એ રોવા મંડી, પણ આ વખતે એને રોવા દીધી. બધું દુઃખડું રોઈ લે, મન ખાલી કરીલે એટલે અમે બંનેમાંથી કોઈ કંઈ ન બોલ્યું. જોકે, આ સમયે શું કહેવું કે શું સાંત્વના આપવી એ કદાચ દુનિયાની કોઈ પણ ભાષાની વર્ણમાળામાં નહિ હોય ! મણિ પોતાની વાત આગળ ચલાવતી હતી, પંક્તિ એ સાંભળીને આસું સારતી હતી પણ હું ! હું ન તો રોઈ શકતો હતો કે ન તો આ દીકરી માટે કંઈ કરી શકતો હતો. હું આ જ વિચારમાં હતો, કદાચ મણીએ બીજું ઘણું કીધું હશે પણ હું બેધ્યાન હતો, ત્યારે જ " તમને પણ થોડું પાણી આપું ?", "ના. પછી શું થયું બેટા !".
"મામા, મૉરા વર ને બારી આયા પસે, ઓલ હરદારનો સોકરો પાસો મારી કોર આવીને પુસ્તોતો, હાલ મારી હારે. મેં ના પાળી તો એણ કબીલામાં સંધાય ને કીધું કે - આ તો ડાકણ સે અન પોતાના વર ને ખૈ જઈ. એટલ અન મારી નાખજો નેતર ગોમમાં સંધાયને ઓમ જ ખૈ ઝાહે. એટલ, આ બધા મુન મારવા આઇવા'તા, એટલ પાંસળ ભાજતા'તા અન હોધતા'તા. મામી, બધા કેસ કે રામ તો ભલો સે તો ચ્યમ આવું કરે સે ? મુને કિયા ગુનાની હજા મલે સે ? મારુ તો કોઈ નૈ ને! ન બાપો, ન મૉં કે નઈ વર". મણિ બધા બંધ તોડીને વહેવા માંડી." તું રોઈશ નહિ દીકરી. તું અહીં છો, અમારા ઘરે અને સલામત છો. તને કંઈ નહિ થવા દઈએ. ચાલ, જમી લઈએ પણ પહેલા હાથ-મોઢું ધોઈ લે. ઉપરના રૂમમાં અદિરાના કપડાં છે, કદાચ તને થઇ જશે. ચાલ, તને આપું" પંક્તિએ એને હૈયા ધારણા આપી અને મારી તરફ ફરીને બોલી "ઐ સાંભળોને, તમે જરા ટેબલ પર જમવાની તૈયારી કરશો ? હું જરા આની સાથે જતી આવું!" પંક્તિ પ્રેમથી મણિને લઇ ગઈ.
જમતી વખતે બધું જ શાંત હતું, મેં માહોલ હળવો કરવા ગુજરાતી હાસ્યનાટક ચાલુ કર્યું. "દીકરા, ભાવ્યું? લેજે હો. શરમાતી નહિ" - પંક્તિને માતૃત્વ છલકાઈ ગયું અને મને મારા દાદીની યાદ આવી ગઈ. મારા દાદી, આશાબેન, એમને પણ કોઈને જમાડવામાં ક્યારેય કંટાળો નથી આવ્યો, રસોઈ બનાવવી એમના માટે ક્યારેય કંટાળાજનક નહતું. એમણે કેટલાયને- અરે ભર-બપોરે ત્રણવગે અમે જયારે અચાનક જઈ ચડ્યા ત્યારે મારા અને મારા મિત્ર માટે પૂરણપુડ઼ી પણ બનાવી હતી. સાચું કહું તો મને આ વાત માટે એમના પર ઘણું જ માન હતું અને છે. " સાંભળો, હું કહું છું, અર્ચિતભાઇને ફોન કરો છો ? બધી વાત કરી દઈએ. જજ છે એટલે જરા સપોર્ટ પણ રહેશે અને આજ રાત પણ સલામતીથી નીકળી જશે. કાલે સવારે એ જેમ કહે એમ કરશું! " પંક્તિએ મારી દ્વિધા પારખી લીધી.
જમીને અર્ચિતભાઈને ફોન કર્યો અને બધી વાત વિગતવાર જણાવી, મણિ સાથે પણ એમની વાત કરાવી. મણિમાં પણ એમની સાથે વાત કરી ને થોડી ધરપત આવી. લગભગ ૩૦મિનિટમાં ઘરની બહાર પોલીસવાન ૪ પોલીસ સાથે આવી ગઈ અને બીજા દિવસે સવાર સુધીમાં મણિના બાપા - શ્રી મેડારામને પણ પોલીસ બોલાવી આવી. બંને બાપ દીકરી ખુબ રોયા અને પછી શાંત થઇને વાતો કરી. ચા પીતા પીતા મેડારામે શંકા વ્યક્ત કરી " સાહેબ, ઝૉ આન લઇ જઈસ તો કબીલાવારા પાસા ગોતતા ગોતતા આવહે. તમ કૈક મદદ કરોન. પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાથે જ હતા, એમણે આશ્વાસન આપતા કહ્યું કે "ચિંતા ન કરો, તમારી દીકરી હવે અમારી છત્રછાયા હેઠળ છે, કોઈ એને હેરાન નહિ કરે. દીકરીની જેમ જ સંભાળશું. પાલનપુરમાં મહિલા વિકાસ ગૃહો છે, એમાં મણિનું નામ નોંધાવી દઈશું. સરકારશ્રી જ ખર્ચો આપશે અને કામ પણ આપશે અને તમે ઇચ્છશો ત્યારે મળવા પણ આવી શકશો. અને જો મણિ રાજી થશે અને કોઈ યોગ્ય વર મળશે તો એના લગ્ન પણ કરાવશું, પણ એ પહેલા તમારી અને મણિની સહમતી પણ લઈશું" - ઇન્સ્પેક્ટરની એટલી હૈયા ધારણા અમારા સહુ માટે સુખદ હતી. " સાહેબ, તમુ મારા હારું રામ થૈ ને આયા સો" - મેડારામે ભીની આંખે ઇન્સ્પેક્ટરનો આભાર વ્યસ્ક્ત કર્યો. " અરે ના મેડારામ, તમારે આભાર માનવો છે તો આમનો માનો, પંક્તિભાભીનો માનો કે અમારા સાહેબ શ્રી અર્ચિતભાઈનો માનો. ખરું કામ તો એમણે જ કર્યું છે ".
ઉપરવાળો ક્યારે કેવો સંયોગ બનાવે છે, કોની સાથે કેવો સબંધ બનાવી દે એ કોઈ ન કહી શકે! એક અકલ્પ્ય સંબંધ અને અવિસ્મરણીય સાંજ. આ પ્રસંગ ને ચાર વર્ષ થઈ ગયા પણ હજી એવું જ લાગે છે કે હજી ગઈ કાલની જ વાત છે. ચાલો, હવે રજા લઉં. મામેરાની ખરીદી કરવા જવાની છે, આવતા મહિને ભાણેજ મણિના લગ્ન છે. તમે બધા જરૂર થી આવજો.