પિતા - એક વ્હાલનો દરિયો
પિતા - એક વ્હાલનો દરિયો
પિતા આ શબ્દ કોઈ પણ બોલે કે તરત જ તમને પણ તમારા પિતા યાદ આવી જાય. પિતા ઘરનું એક એવું વ્યક્તિત્વ કે જે ઘરમાં દેખાય ઓછું. હંમેશા બહાર જ હોય. આખો દિવસ પોતાના પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે નોકરી કે પછી ધંધો કરતું એક વ્યકિત એટલે પિતા.
પિતા એટલે વાત્સલ્યની મૂર્તિ. કોઈ દિવસ એમના ચહેરા ઉપર ગુસ્સો જોવા ન મળે. મારા પિતા સરકારી કોલેજમાં ભણાવતા હતા. એટલે એક જગ્યાએ ત્રણ વર્ષથી વધારે ના રહેવાનું હોય પણ એમાં મારા પિતા અપવાદ હતા. એમની ભણાવવાની રીત જ એવી હતી કે એમને જલદીથી ટ્રાન્સફર ના મળે. હું જ્યારે બીજા ધોરણમાં હતો ત્યાં સુધી અમે દાહોદમાં હતા. ત્યારબાદ અમદાવાદ ત્રણેક વર્ષ રહ્યા. એ પછી એમની બદલી થઈ પોરબંદર. ત્યાં આગળ અમે છ વર્ષ રહ્યા. છેલ્લા વર્ષ દરમ્યાન હું દસમાં ધોરણમાં હતો.
આખો દિવસ એમને કંઈક ને કંઈક કામ રહેતું હતું. કોલેજમાં ભણાવવા ઉપરાંત તેઓ દસમા-બારમાં ધોરણના પેપર પણ તપાસતાં હતા. આ બધી દોડધામની અંદર પણ તે અમને વ્હાલ કરવાનું કે પછી કોઈ વસ્તુઓની અમારી ફરમાઈશ પૂરી કરવાનું ભૂલતાં નહોતા. પોરબંદરમાં રહેતા હતા ત્યારે જ્યારે જ્યારે પણ સમય મળે અમે દ્વારકા, સોમનાથ, હર્ષદ માતાના મંદિરે જતા હતા. અમારા ત્રણેય ભાઈબહેનનું ખુબ જ ધ્યાન રાખતા હતાં. દસમા ધોરણ સુધી તો અમને અમારા પિતા જ ભણાવતા હતા. ત્યાં સુધી તો અમારે ટ્યુશન રાખવાની જરૂર પણ પડી નહોતી.
એ પછી અમે અમદાવાદમાં જ સ્થાયી થઈ ગયા. એ પછી એમની બદલીઓ નજીક નજીકમાં થતી રહી પણ અમે ક્યારેય એમની સાથે નથી ગયા. મારા પિતા અપડાઉન કરતાં રહ્યા.
હાલમાં પણ મારા પિતાનો રૂઆબ એટલો જ છે, જે પહેલાં હતો. આજે પણ હું જેવો ઓફિસથી ઘરે આવું ત્યારે મારું સ્વાગત "વેલકમ" કહીને કરે છે. આજે હું જે કંઈ પણ છું એ મારા પિતાના આશીર્વાદથી જ છું.
