anjana Vegda

Romance Tragedy Others

4.5  

anjana Vegda

Romance Tragedy Others

પહેલીવારનો પ્રેમ

પહેલીવારનો પ્રેમ

3 mins
306


  પ્રેમ. . . . . એક સુંદર લાગણી.

પ્રેમ એક નિઃસ્વાર્થ લાગણીનો તંતુ કે જે બે હૃદયને જોડે છે.

  મીરા કોલેજનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી. સુંદર ચહેરો, ગોરો વાન લાંબા વાળ,એકદમ નિખાલસ. એ મિતભાષી હતી, ખૂબ ઓછું બોલતી અને જરૂર પડ્યે જ બોલતી. જાણે કે એના જીવનમાં એકલતા હોય એમ દેખાતું. અભ્યાસમાં ખૂબ હોંશિયાર. એના મિત્રો બસ પુસ્તકો જ.

     એના જ વર્ગમાં અભ્યાસ કરતો આદિત્ય એના જેવો જ, ફરક હતો તો બસ એટલો કે એ ખૂબ મસ્તીખોર. સ્વભાવનો ખૂબ સારો હતો. પણ જિદ્દી ખૂબ.

      એક દિવસ કોલેજ છૂટતા દરેક ઘરે જવા નીકળ્યા. મીરા પણ ચાલીને જઈ રહી હતી. ચાલતા ચાલતા અચાનક તેને ચક્કર આવી ગયા ને એ રસ્તા પર ઢળી પડી. તેની પાછળ ચાલ્યા આવતા આદિત્ય અને તેના મિત્રોએ જોયું ને તેઓ તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. થોડી વારમાં જ મીરાંએ આંખો ખોલી ને સામે આદિત્યને જોયો.

        એને જોતાં જ મીરાં એને જોઈ જ રહી. આમ તો વર્ગમાં અવાર નવાર સામે આવતા પણ ઓળખતા ન હતા. આજનો આ પ્રસંગ જાણે બંને ની મુલાકાત માટે જ રચાયો હોય.

          આદિત્ય મીરાંને ઘરે મૂકવા ગયો. ને બસ વાતો ને મુલાકાતોની શરૂઆત થઈ.

        બંને કલાકો સુધી વાતો કરતાં. સાથે ફરતાં, અભ્યાસ કરતાં. આમ ને આમ બંને એકમેકને ચાહવા લાગ્યા. બે વરસ વીતી ગયા. કોલેજનું છેલ્લું વરસ પણ સરસ રીતે પસાર થયું.

       કોલેજ બાદ આદિત્યને એક સારી નોકરી મળી ગઈ ને તેને શહેર છોડી જવું પડ્યું. જતા પહેલા મીરાંને મળ્યો બંને ઉદાસ હતા. જવું જરૂરી હતું અને આદિત્ય ચાલ્યો ગયો.

       બંને ફોન દ્વારા વાતો કરતા ને જ્યારે આદિત્ય ઘરે આવતો બંને અચૂક મળતાં.

       એક વાર એવું બન્યું કે આદિત્ય રજાઓમાં ઘરે આવ્યો અને મીરાંને મળ્યો પણ નહિ કે જાણ પણ ન કરી. બીજા મિત્રો દ્વારા જાણ થઈ ને મીરાં એ ફોન લગાવ્યો પણ આદિત્ય ફોન રીસિવ ન કરતો. મીરાએ મેસેજ કર્યા છતાં કોઈ જવાબ ન મળ્યો. મીરા રડવું રડવું થઈ ગઈ. આજ સુધી ક્યારેય આવું બન્યું ન હતું. નાનામાં નાની વાતો પણ કહેતા અને આજ અચાનક આદિત્યના આવા વર્તનથી મીરા ગભરાઈ ગઈ. વિચારોનાં વમળ ઊઠવા લાગ્યા ક શું થયું હશે? એ મુશ્કેલીમાં હશે? મારાથી કોઈ ભૂલ થઈ હશે?

     છેવટે એ બીજા દિવસે એના ઘરે જવા વિચાર્યું પણ આદિત્યના ઘરનાં સભ્યો રૂઢિચુસ્ત હતા. અને આ બંને ના સબંધ વિશે ઘરે કોઈને કહ્યું ન હતું તો કેમ કરીને જવું શું કરવું સમજાતું ન હતું.

     આમ ચિંતામાં અઠવાડિયું વીતી ગયું. પણ આદિત્ય કોઈ વાત ન કરી ને ન કોઈ જવાબ આપ્યો. મીરા એ આ સાત દિવસ દરમ્યાન કેટ કેટલા ફોન કર્યા કેટલા મેસેજ કર્યા પણ કોઈ ઉત્તર ન મળ્યો.

       એક દિવસ સાંજે આદિત્યનો મેસેજ આવ્યો અને મીરાના જીવમાં જીવ આવ્યો.

      પણ મેસેજ એમ હતો કે મીરા મારે કોઈ વાત નથી કરવી, આજ પછી મને ફોન કે મેસેજ ન કરતી. તું તારાં જીવનમાં આઝાદ છો, મારે ને તારે હવે કોઈ સંબંધ નથી.

       આ જોઈ મીરાની આંખ આંસુથી છલકાઈ ગઈ. એને કઈ સમજાયું નહીં. મીરાએ પૂછ્યું કે આવું કેમ કરે છે? શું થયું ? શું મુશ્કેલી છે? મારી કોઈ ભૂલ થઈ? આવા ઘણા મેસેજ કર્યા પણ કોઈ જવાબ ન મળ્યો. મીરાએ ફોન લગાવ્યો તો નંબર બંધ આવ્યો.

        એ રાતે મીરા જમી પણ નહિ અને આખી રાત રડી, એને કઈ સમજાતું ન હતું કે અચાનક એકદમ છોડીને જવાનું કારણ શું?

         એક દિવસ આદિત્યના એક મિત્ર દ્વારા વાત મળી, મીરા ખૂબ બીમાર છે હોસ્પિટલમાં છે. આ વાત જાણ્યા પછી પણ એ એને ના તો મળવા ગયો કે ન ખબર પૂછી.

       મીરા સાજી થઈ ઘરે આવી ગઈ પણ એના મનમાંથી આદિત્ય ખસતો ન હતો. સતત એના જ વિચારો.

       આજ એ વાતને ૩ વરસ થયાં. મીરા નોર્મલ જીવન જીવે છે. સારી નોકરી કરે છે. પણ એક અફસોસ એક સવાલ હજુ એના મન માં છે કે. . . . આદિત્યે એમ શા માટે કર્યું?

  હજુ કોઈ જવાબ ન મળ્યો. પણ આ એક સવાલ મીરાંને પહેલો પ્રેમ યાદ અપાવે છે. પણ એ કેવો પ્રેમ. . . . . શું પહેલી વારનો પ્રેમ આવો પણ હોઈ શકે?

      પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી. કોઈના જીવનમાં ખુશી તો કોઈકના જીવનમાં દર્દ બનીને હમેશાં અકબંધ રહે છે. . . . આ પહેલીવારનો પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati story from Romance