પહેલી રસોઈ
પહેલી રસોઈ
ધરા અને સમીરના લગ્નનો પહેલો દિવસ હતો. ધરા તૈયાર થઈને બહાર આવી. સવિતાબેન તેની જ રાહ જોઈને બહાર બેઠાં હતાં.
"આવો ધરા વહું, આજે સાંજે આ ઘરમાં તમારી પહેલી રસોઈ બનશે. અમુક મહેમાનો પણ આવવાના છે. તો એક તો લાપસી અને બીજું તમને જે યોગ્ય લાગે, અને સારું આવડતું હોય. એ બનાવી લેજો. મહેમાન પણ આવવાના છે, તો ચાર-પાંચ વાનગીઓ તો બનાવજો જ !" સવિતાબેને ધરાને બધું સમજાવી દીધું. પછી પોતે પૂજાની થાળી લઈને મંદિરે જતાં રહ્યાં.
ધરા સવિતાબેનના ગયાં પછી એકદમ ઉદાસ થઈ ગઈ. તેને તો રસોઈમાં મેગી અને કોફી સિવાય ક્યારેય કાંઈ બનાવતાં આવડતું જ ન્હોતું. એવામાં સવિતાબેન તેમને લાપસી અને બીજી ચાર-પાંચ વાનગીઓ બનાવવાનું કહીને ગયાં હતાં.
ધરા બહાર બેઠી બેઠી રડતી હતી. ત્યાં જ સમીર રૂમમાંથી આવ્યો.
"અરે ધરા, રડે છે કેમ? કોઈએ કાંઈ કહ્યું?" સમીરે આવીને પૂછ્યું.
"મમ્મી મને રસોઈ બનાવવાનું કહીને ગયાં છે. મહેમાન પણ આવવાનાં છે. મારી પહેલી રસોઈની રસમ છે. મને તો રસોઈ આવડતી પણ નથી. હવે શું કરીશું?" ધરા રડતાં રડતાં બોલી.
"અરે હાં, હું તો તને એ વાત કરવાનું જ ભૂલી ગયો હતો. મમ્મી કાલ રાતે જ આ બાબતે વાત કરતાં હતાં."
"હવે શું કરશું ? મમ્મીને આ વાતની ખબર પડશે કે, મને રસોઈ નથી આવડતી. તો મમ્મી ખૂબ જ ગુસ્સે થશે."
"એ વાત તો તે સાચી કહી. મમ્મી રસોઈની બાબતે બહું કડક વલણ ધરાવે છે. છોકરીઓને રસોઈ ના આવડે, એ તેમને બિલકુલ પસંદ નથી. તેમણે મારી બહેનને પણ પરાણે કોલેજ ચાલુ હતી. ત્યારે જ રસોઈ કરતાં શીખવી દીધું હતું. આજુબાજુ પડોશની છોકરીઓને રસોઈ નાં આવડે. તો પણ એ તેમને ટોણાં માર્યાં જ કરે. હવે તેમની વહુને જ રસોઈ નથી આવડતી. એ તેમને ખબર પડશે, તો તો તું ગઈ સમજ. મમ્મીનાં ગુસ્સાથી તને કોઈ બચાવી નહીં શકે."
"તમે કોઈ રસ્તો શોધો. મને તો અત્યારથી જ મમ્મીનો ગુસ્સાવાળો ચહેરો દેખાય છે." ધરા ગંભીર અવાજે બોલી.
"હવે આમાં હું તો કાંઈ નાં કરી શકું. મને તો રસોઈ પણ નથી આવડતી. બહારથી મંગાવીએ તો મમ્મી તરત ઓળખી જાય. હવે તારે હકીકત કહેવા સિવાય કોઈ રસ્તો નથી."
ધરા અને સમીર વાતો કરતાં હતાં. ત્યાં જ સવિતાબેન આવી ગયાં. આવીને તેમણે બધાંને પ્રસાદ આપ્યો. પ્રસાદ આપીને પૂજાની થાળી મંદિરમાં મૂકીને, તેઓ તરત ધરા પાસે ગયાં.
ધરા હજું પણ મુંઝવણમાં હતી કે, તે સવિતાબેનને રસોઈવાળી વાત કેવી રીતે કહે?
"વહુ, તમે શું બનાવવું ? એ અંગે વિચાર્યું કે નહીં ?"
"હાં, મમ્મી. લાપસી તો બનાવવાની જ છે. બીજું હું ખમણ, કચોરી, શાક, પૂરી, રાયતું, મસાલા છાશ, મસાલા ભાત અને કઢી બનાવી લઈશ." ધરાએ આખું મેનુ સંભળાવી દીધું.
"સરસ, તમે તો સારી તૈયારી કરી લીધી. હવે પાંચ વાગે તૈયારીઓ ચાલુ કરી દેજો. તમારે એકલાએ જ આજે બધું બનાવવું પડશે. હું તમારી મદદ નહીં કરી શકું."
"ઓકે, મમ્મી."
સવિતાબેન તેમનું કામ કરવા લાગ્યાં. એટલે ધરા પોતાનાં રૂમમાં ગઈ. જ્યાં સમીર બેડ પર ગુસ્સામાં લાલઘૂમ ચહેરે બેઠો હતો.
"આ તે શું કર્યું ? મમ્મીને તને રસોઈ નથી આવડતી. એમ કહેવાનું હતું. તેનાં બદલે તે રસોઈનું આખું મેનુ સંભળાવી દીધું. હવે એ બધું કોણ બનાવશે ?"
"મારી ફ્રેન્ડ, મેં તેને કહી દીધું કે, તે સાંજ સુધીમાં બધું બનાવી લે. પછી આપણે કોઈ કામનું બહાનું બનાવીને બહાર જઈશું. અને બધું લઈ આવીશું. મમ્મી તો આમ પણ પાંચ વાગ્યે સંધ્યા આરતીની તૈયારી કરવા મંદિરે જતાં રહે છે. તો તેમને ખબર પણ નહીં પડે. આજનો દિવસ મેનેજ કરી લઈએ. પછી હકીકત કહી દેશું."
"ઓકે, હવે હું ઓફિસે જઉં છું."
સમીર ઓફિસે જતો રહ્યો. ધરાએ તેની ફ્રેન્ડને મેસેજ કરીને, શું શું બનાવવાનું? એ જણાવી દીધું.
ધરા ડરના લીધે આખો દિવસ સવિતાબેન સામે ના ગઈ.
સાંજના પાંચ વાગતાં સવિતાબેન મંદિરે જતાં રહ્યાં. ધરા તેની ફ્રેન્ડની ઘરે જવા નીકળી. સમીરને કોઈ મિટિંગ આવી ગઈ હોવાથી ધરા એકલી જ ગઈ. ધરાની ફ્રેન્ડનું ઘર નજીક જ હતું. તો પહોંચતાં વાર ના લાગી.
"અરે ધરા, તું આવી ગઈ?" પ્રિયાએ કહ્યું.
"હાં, કેટલી વસ્તુઓ બની છે?" ધરાએ આવતાંની સાથે જ પૂછ્યું.
પ્રિયાએ કોઈ જવાબ નાં આપ્યો. તે અસમંજસમાં આવીને ધરા સામે જોવાં લાગી.
"ચાલ પ્રિયા, તૈયાર થઈ ગઈ? મારાં ભાઈ ભાભી આપણી રાહ જોતાં હશે." પ્રિયાના પતિ અખિલેશે કહ્યું.
"તું ક્યાંય બહાર જાય છે?" ધરાએ અખિલેશની વાત સાંભળી પ્રિયાને પૂછ્યું.
"હાં ધરા, મારાં ભાભીનાં છોકરાનો આજે બર્થ-ડે છે. તો ત્યાં પાર્ટીમાં જઈએ છીએ." અખિલેશે કહ્યું.
"સોરી ધરા, મને એ વાત યાદ જ નહોતી. તો મેં તને હાં પાડી દીધી."
"ઈટ્સ ઓકે, હું કંઈક મેનેજ કરી લઈશ. હજું ઘણી વાર છે." ધરા એટલું કહીને જ ત્યાંથી જતી રહી.
બધું જ્યાંથી શરૂ થયું હતું. ત્યાં જ ફરી આવી ગયું. એક રસ્તો હતો, એ પણ બંધ થઈ ગયો. ધરાની ઘરે જવાની હિંમત નહોતી. તે ત્યાં જ બાજુનાં ગાર્ડનમાં બેસી ગઈ. સાંજના સાત થઈ ગયાં. આઠ વાગ્યે તો બધાં મહેમાનો આવી જવાનાં હતાં. ધરા હિંમત કરીને સવિતાબેનને બધું જણાવવા ઘરે ગઈ.
ઘરે પહોંચતા જ વાનગીઓની ખુશ્બુ અને મહેમાનોની ચહેલપહેલનો અવાજ બહાર સુધી આવતો હતો. ધરા અંદર જઈને બધું જોવાં લાગી. બધાં હોંશેહોંશે ધરાએ જે જે વસ્તુ સવિતાબેનને ગણાવી હતી. એ બધી વાનગીઓ જમી રહ્યાં હતાં.
"અરે ધરા વહું, આવો આવો. જુઓ આ બધાં તમારી જ રસોઈના વખાણ કરી રહ્યાં છે." સવિતાબેન હરખાતાં હરખાતાં બોલ્યાં.
"શું? મ...મ..મારી રસોઈ?" ધરા લથડતાં શબ્દો ભેગાં કરીને બોલી.
"હાં બેટા, તમારી રસોઈ !! બધાંને બધી વાનગીઓ પસંદ આવી. એમાં લાપસી તો જોરદાર બની છે." ધરાના સસરા અનિકેતભાઈ બોલ્યાં.
ધરાએ રસોઈ બનાવી જ નહોતી. તે પ્રિયાને ત્યાંથી પણ રસોઈ લાવી નહોતી શકી. એવામાં આ રસોઈ ક્યાંથી આવી? એ વિચારમાં જ ધરા કાંઈ બોલી નાં શકી. બધાં રસોઈના વખાણ કરતાં થાકતાં નહોતાં.
બધાં મહેમાનોએ જમીને ધરાને તેની પહેલી રસોઈની ભેટ લાવ્યાં હતાં. એ આપીને વિદાય લીધી. ધરા તો હજું એ જ વિચારોમાં ખોવાયેલી હતી કે, આ રસોઈ બનાવી કોણે ?
બધાં મહેમાનોના ગયાં પછી ધરા હિંમત કરીને સવિતાબેન પાસે ગઈ.
"મમ્મી, આ રસોઈ મેં નથી બનાવી. મને તો રસોઈ બનાવતાં પણ નથી આવડતું."
"શું વાત કરો છો? તો આ રસોઈ કોણે બનાવી છે? તમે પહેલાં આ વાત શાં માટે ના કહી?" સવિતાબેન ગુસ્સામાં બોલ્યાં.
ધરા સવિતાબેનનો ગુસ્સો જોઈને રડવા લાગી. થોડીવાર પહેલાં જ્યાં ખુશીઓની લહેરો દોડી રહી હતી. એ ઘરમાં ગુસ્સાના તણખાં ઝરવા લાગ્યાં.
"આ રસોઈ મેં બનાવી છે. તે મહેમાનોને આમંત્રણ આપતાં પહેલાં વહુંને રસોઈ આવડે છે કે નહીં ? એ નાં પૂછ્યું. તો મેં પણ રસોઈ બનાવતાં પહેલાં તને નાં પૂછ્યું. પ્રસંગનું આયોજન થઈ જ ગયું હતું. તો વિચારવાનો સમય નહોતો." અનિકેતભાઈએ કહ્યું.
"હા..હા..હા..મને તો ખબર જ હતી કે રસોઈ તમે બનાવી છે. લાપસીની એક ચમચી મૂકતાં જ મને અંદાજ આવી ગયો હતો. પણ હું ચૂપ રહી. મારે તમારાં મોંઢે જ આ સાંભળવું હતું. મને ધરા વહુંથી કોઈ તકલીફ નથી. હું તો તેમને રસોઈ શીખવાડી દઈશ." સવિતાબહેન હસતાં હસતાં બોલ્યાં.
"થેંક્યું મમ્મી."
"આ તો એવું થયું કે વહુનાં આવવાની ખુશીમાં સસરાએ પહેલી રસોઈ બનાવી."
સવિતાબહેન ધરાને ભેટીને હસતાં હસતાં બોલ્યાં. ધરા જે વાતને ગંભીરતાથી લઈ રહી હતી. એ વાતે તો ઘરમાં હાસ્યાસ્પદ વાતાવરણ બનાવી દીધું.
સમાપ્ત