Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Nirav Patel Shyam

Drama Inspirational Tragedy


5.0  

Nirav Patel Shyam

Drama Inspirational Tragedy


પાગલ મમ્મી

પાગલ મમ્મી

11 mins 1.2K 11 mins 1.2K

કુકરની સીટીએ મારી આંખ ખોલી નાખી. એક હાથથી આંખ ચોળતા બીજા હાથે મોબાઇલ લઈ સમય જોયો. ૭:૪૫. આંખો સંપૂર્ણ ખુલી જતાં બંને હાથે મોબાઈલ હાથમાં રાખી લોક ખોલ્યું. વોટ્સએપ ગ્રુપના ઢગલાબંધ મેસેજ વાંચ્યા વગર જ પાછી બેક નીકળી. પર્સનલ ચેટના ગુડ મોર્નિંગ સિવાય કોઈ ખાસ મેસેજ નહોતા. વોટ્સએપ બંધ કરી ફેસબુક અને ત્યાર બાદ ઈન્સ્ટાની પોસ્ટ જોઈ. વિસ મિનિટ તો એમ જ નીકળી ગઈ. વચ્ચે વચ્ચે રસોડામાંથી વાસણ ખખડવાનો આવાજ પણ કાનમાં આવ્યા કરતો.

પપ્પાને જોબ ઉપર જવાનું હોય એટલે મમ્મી ટિફિન બનાવવામાં બહુ ઉતાવળ કરે. પપ્પાનો સ્વભાવ પણ એવો. જો પાંચ મિનિટ પણ મોડું થઈ જાય તો ટિફિન લીધા વિના જ ચાલ્યા જાય. હવે તો કુકરની સીટી વાગે અને મારી આંખ ખુલવાનો નિત્યક્રમ બની ગયો હતો. મોબાઈલને ચાર્જમાં મૂકી હું આળસ મરડતી બેડમાંથી ઊભી થઈ. બગાસું ખાતાં ખાતાં રસોડા તરફ આવી.

"ઉઠી ગઈ બેટા, ચાલ ફટાફટ બ્રશ કરી લે. તારા પપ્પાની પૂજા હવે પુરી જ થવાની છે એટલે ચા બનાવું." મમ્મી બોલતી હતી ત્યાં જ ઘંટડી વાગવાનો અવાજ આવ્યો. મમ્મીએ પૂજા ઘર તરફ સહેજ આડી નજર કરી અને દાળની તપેલી ગેસ ઉપરથી ઉતારી ચાની તપેલી ચઢાવી. હું બાથરૂમ તરફ ચાલી ગઈ.

વર્ષોથી એજ મમ્મીને જોઉં છું. રોજ સવારે મારા ઉઠતાં પહેલા જમવાનું તૈયાર પણ કરી દે. એને મેં ક્યારેય બીમાર પડતાં નથી જોઈ કે ના ક્યારેય થાકતા જોઈ છે. ચહેરા ઉપર એક જીવંત આશા દર્શાવતું હાસ્ય સતત રેલાતું હોય. પપ્પાના ગુસ્સો હોય કે મારી કોઈ જીદ. એ હંમેશા હસીને જ બધુ સહન કરી લે. પપ્પા પાસે મેં એને ક્યારેય કંઈ માંગતા નથી જોઈ. એને છેલ્લે ક્યારે પોતાના માટે શોપિંગ કર્યું હતું એ પણ મને યાદ નથી. આ વખતે દિવાળીમાં જ્યારે કપડાં લેવા માટે ગયા ત્યારે પણ એને કહ્યું હતું : "મારી પાસે તો હજુ બે-ત્રણ કોરી સાડીઓ પડી છે. આ દિવાળી ઉપર એજ પહેરી લઈશ." મેં ઘણી જીદ કરી હતી પણ મમ્મી માની નહોતી. અને મારા જ ત્રણ ડ્રેસ, બે જીન્સ, અને ચાર ટી શર્ટ લઈને પાછા આવ્યા હતાં.

બ્રશ કરી હું ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ. પપ્પા દીવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ જોતાં જોતાં ડાઇનિંગ ટેબલ ઉપર આવી બેસી ગયા. હાથમાં છાપું લઈ બોલવા લાગ્યા "ઈલા, કેટલીવાર ?" "બસ તૈયાર જ છે." બોલતાં મમ્મી ચા અને ડીશમાં ગરમાં ગરમ ભાખરી લઈને આવી. પપ્પાએ છાપું બાજુએ મૂક્યું અને નાસ્તો કરવા લાગ્યા. મમ્મી બીજી ગરમ ભાખરી બનાવી લાવવા માટે રસોડા તરફ ચાલી ગઈ.

"તારું ભણવાનું કેમ ચાલે છે ?" પપ્પાનો આ રોજનો સવાલ હતો અને મારો પણ એક જ જવાબ "સારું ચાલે છે."

મમ્મી ઉતાવળી બીજી ભાખરી પપ્પાના પ્લેટમાં મૂકી અને ચાલી ગઈ. ચાર ભાખરી ખાધા બાદ પપ્પા હાથમાં છાપું લઈ ડ્રોઈંગ રૂમ તરફ ચાલ્યા. મમ્મી બીજી પ્લેટમાં થોડી ભાખરી અને ચા લઈને મારી આગળ મૂકી રસોડા તરફ સાડીના પલાવથી હાથ અને પસીનો લૂછતી પાછી વળી.

ડાઈનીંગ ટેબલ ઉપર મમ્મીના ભાગની ચા અને ભાખરી બંને ઠંડા થઈ ગયા હતાં. પણ પપ્પાને નીકળવાનો સમય સાચવવા માટે મમ્મી એકસો વિસની ઝડપે જતી રાજધાનીની જેમ કામ કરતી. ટિફિન તૈયાર કરી જ્યાં સુધી પપ્પાનું સ્કૂટર સોસાયટીની બહાર ના નીકળે ત્યાં સુધી એ ઊભા પગે જ રહેતી. પપ્પાના ગયા બાદ એ મારી સામે બેસીને જ ઠંડી ચા અને ભાખરીના બે ચાર બચકાં ખાતી. મમ્મીને જોઈને થતું કે "મમ્મી સાવ ગાંડી છે. એ ઈચ્છે તો પોતાના માટે ગરમ ચા અને ભાખરી બનાવી શકે છે !" પણ મેં ક્યારેય આમ કરવા વિશેનું કારણ એને નહોતું પૂછ્યું. ના ક્યારેય મને એ પૂછવાની જરૂર લાગી. કારણ કે મમ્મી પાસે બધા જ પ્રશ્નો ના જવાબ એક જ હોય "મારે ચાલશે."

મમ્મી મને સાવ બોરિંગ લાગતી. ના કોઈ મોજશોખ, ના કોઈ ખાસ ઈચ્છાઓ, ના તૈયાર થવાનું. લગ્ન પ્રસંગે કે ક્યાંય બહાર જવાનું હોય ત્યારે હું મારા કપડાં પણ સિલેક્ટ ના કરું એટલી વારમાં તો મમ્મી તૈયાર પણ થઈ જાય. હું ક્યારેક એને કહું પણ ખરી : "મમ્મી થોડી વ્યવસ્થિત તો તૈયાર થા." ત્યારે મમ્મી કહેતી : "મને કોણ જોવાનું ? અને મને એ બધું નથી ગમતું." મનમાં ક્યારેક પ્રશ્ન થતો કે શું મમ્મી પહેલાંથી આવી જ છે ? જવાબ મળતો "ના" અને ત્યારે મને એના લગ્નનું આલ્બમ યાદ આવી જતું. એ આલ્બમના ફોટામાં મમ્મીનું રૂપ જ કંઈક અલગ હતું. લગ્નના જોડામાં તૈયાર થયેલી મમ્મી અને આજની મમ્મીમાં જમીન આસમાનનો ફરક મને તો લાગે છે. પણ મમ્મીના બદલાવ પાછળનું કારણ જાણવાની મેં ક્યારેય ઈચ્છા ના દર્શાવી. પપ્પા દિવસમાં એકવાર તો મમ્મી ઉપર ગુસ્સે થઈ જાય. ક્યારેક હાથ પણ ઉગામી લે. ત્યારે મનમાં થતું કે મમ્મીનો જ કોઈ વાંક હશે. પપ્પાનો આ ગુણ મારામાં પણ આવી ગયેલો. ક્યારેક ક્યારેક હું પણ મમ્મી ઉપર ગુસ્સો કરી લેતી. પણ મમ્મી મારા અને પપ્પાના ગુસ્સાને દિલના ક્યાં ખૂણામાં દબાવી લેતી એ આજે પણ મને નથી સમજાતું. થોડીવારમાં જ એના ચહેરા ઉપર હાસ્ય રમતું થઈ જાય.

દિવસો વીતતા ગયાં. પણ મમ્મી એવી ને એવી જ રહી. એક દિવસ બપોરે હું સુઈ રહી હતી. અચાનક મારી આંખ ખુલી તો મમ્મીનો ફોન ઉપર વાત કરવાનો ધીમો આવાજ સંભળાયો. હું ડ્રોઈંગ રૂમ તરફ ગઈ. જોયું તો મમ્મી આંખોના આંસુ લૂછતાં કોઈ સાથે ફોન ઉપર વાત કરી રહી હતી. હું એક ખૂણામાં જ ઊભી રહી ગઈ. મમ્મીની નજર મારા ઉપર આવે નહિ એમ.

"આ ઉંમરે ડિવોર્સ. ના ના શોભા ! એ શક્ય નથી. હું બધું જ સહન કરી લઈશ. હવે તો મારી અંજુ પણ મોટી થઈ ગઈ. એને મૂકીને હું ક્યાંય હવે જઈ ના શકું. ભલે મારે સહન કરવાનું થાય. અને ક્યાં સુધી આમ ચાલવાનું ? એક દિવસ તો એવો આવશે ને જ્યારે શાંતિ મળશે. અને નહીં મળે તો પણ શું ? અંજુના કારણે આટલા વર્ષો વેઠયું છે તો થોડું વધુ વેઠી લઈશ. દીકરી સારા ઘરમાં પરણીને જાય એટલે શાંતિ જ છે ને."

મમ્મીને શોભા માસી ડિવોર્સની સલાહ આપતાં હતાં એ સાંભળીને તો મને ક્ષણવાર આંચકો લાગ્યો. એવું કયું કારણ હતું જેના કારણે ડિવોર્સ લેવા પડે. મને તરત મમ્મીની સામે જઈ અને પૂછવાનું મન થયું. પણ મમ્મી તેની એકમાત્ર દૂરના સંબંધીની દીકરી શોભામાસી પાસે હૈયું ઠાલવી રહ્યાં હતાં એટલે મેં ત્યાં જ ઊભા રહી વાતો સાંભળી.

"જે મેં સહન કર્યું છે, એ હું મારી દીકરીના નસીબમાં લખવા નથી માંગતી. અને ગમેતેમ તોય અંજુના પપ્પાને અંજુ ખૂબ જ વ્હાલી છે. ભલે એમને મારી કઈ પડી નથી, પણ અંજુનું તો બરાબર ધ્યાન રાખે જ છે ને !"

મમ્મી બોલતી જતી હતી અને મારી આંખો સામે લગ્નના આલ્બમમાં રહેલી મમ્મીથી લઈને ગરમ ભાખરી અને ચા લઈને દોડતી મમ્મી દેખાવવા લાગી. મારી આંખમાંથી એક આંસુ ગાલ ઉપર આવ્યું.

"ના ના.. અંજુને હજુ કોઈ વાતની ખબર નથી, અને એને ક્યારેય આ વાતની જાણ પણ ના થવી જોઈએ. એ એના પપ્પાને ખૂબ જ પ્રેમ કરે છે, જો તેને ખબર પડશે તો ના થવાનું થઈ જશે."

હવે મારો સંયમ તૂટી રહ્યો હતો. ગાલ પરથી આંસુ લૂછતી હું મમ્મીની સામે ઊભી રહી ગઈ. મમ્મી પોતાની આંખો છુપાવતા અને બદલાતાં સ્વરે ફોનમાં કહેવા લાગી : "ચાલ શોભા, હવે મુકું. અંજુ ઉઠી ગઈ છે. એને ચા બનાવી આપું." સામા છેડેથી હા કે ના નો જવાબ સાંભળ્યા પહેલા જ મમ્મી રીસીવર મૂકી રસોડા તરફ ચા બનાવવા માટે ચાલી ગઈ. હું પણ મમ્મીની પાછળ જ રસોડામાં ગઈ. અને મનમાં રહેલો પ્રશ્ન પૂછી લીધો :

"મમ્મી કઈ વાત તું મારાથી છુપાવે છે ?"

ગેસ ઉપર તપેલી મૂકી લાઈટરના બટનને ત્રણવાર દબાવી એને જવાબ આપ્યો.

"કઈ નહિ બેટા, એ તો એમ જ, તું તો ઓળખે છે ને શોભામાસીને ? એ એકવાતની દસ વાતો બનાવશે."

"મમ્મી, વાતો તો તું અત્યારે બનાવે છે, હું હવે કંઈ નાની નથી કે મને સમજ ના પડે ! હું ક્યારની તારી અને શોભામાસીની વાતો સાંભળું છું. તું મને સાચું નહિ કહું તો હું શોભામાસીને જ ફોન કરીને પૂછી લઈશ."

મારી વાતથી એના હાથમાં રહેલા લાઈટરના બટન ઉપર જ એનો અંગુઠો થંભી ગયો. હજુ તણખો ગેસના બર્નર સુધી પહોંચ્યો નહોતો. બીજા હાથથી એને રેગ્યુલેટર બંધ કર્યું. આંખોમાં તાજા ઉપસી આવેલા આંસુઓ સાથે મારી સામે ફરી.

"શું કહું તને ? અને કેવી રીતે કહું ?"

આ બે વાક્યો બોલતાં બોલતાં તો એના આંસુઓનો પ્રવાહ વધવા લાગ્યો. મેં એની નજીક જઈને એના ખભે હાથ મુક્યો. એ તરત મને વળગીને જોર જોરથી રડવા લાગી. આજ પહેલા મેં એને ક્યારેય આમ રડતાં નહોતી જોઈ. કેટલાય વર્ષોના આંસુઓને સંગ્રહી જાણે આજે જ એ મારી આગળ ઠાલવી રહી હોય એમ લાગ્યું. મારી આ બાવીસ વર્ષની ઉંમરમાં ક્યારેય મને આ મમ્મી જોવા જ નહોતી મળી. એને જેમતેમ ચૂપ કરાવી ડ્રોઈંગ રૂમમાં લઈ ગઈ. સોફા ઉપર બેસાડી કહ્યું :

"શું વાત છે મમ્મી, મને બધું જણાવી દે. મારે જાણવું છે."

"શું જણાવું તને દીકરા ! તું તો કાલે પરણીને સાસરે જતી રહીશ, પણ મારે તો આ ઘરમાં જ રહેવાનું છે. હું તને કહીશ. તું તારા પપ્પા સાથે ઝઘડો કરીશ. એ મારી સાથે ઝઘડો કરશે. અને આ વાત બહુ મોટું રૂપ ધારણ કરશે. એના કરતાં તું નથી જાણતી એજ સારું છે અને એમ જ રહેવા દે."

પોતાના પાલવથી આંસુઓ લૂછતાં મમ્મીએ જવાબ આપ્યો.

"મમ્મી, હું તને પ્રોમિસ આપું છું બસ. પપ્પાને કઈ નહિ કહું. અને ઘરમાં ઝગડો પણ નહીં થવા દઉં. પણ વાત શું છે એ મારે જાણવી છે."

થોડીવાર માટે તો મારી વાત સાંભળી મૌન રહી. પછી એને મારા જન્મથી લઈને અત્યાર સુધીની આખી વાત મારી આગળ રજૂ કરી. જે સાંભળીને મારા હોશ ઉડી ગયા. જ્યારે મમ્મી બોલી રહી હતી ત્યારે અમારા બંનેની આંખોમાં આંસુઓ જ હતાં. મમ્મીએ જે સહન કર્યું છે એ કદાચ હું તો ના જ કરી શકી હોત. બે કલાક સુધી મમ્મીએ એની દુઃખની વાતો મારી આગળ ઠાલવી.

ડોરબેલ વાગ્યો. પપ્પા જ હશે. મેં ઊભા થઈને દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર ઉભેલા પપ્પા આજે મને જુદા જ નજર આવ્યા. રોજ પપ્પા જ્યારે ઓફિસથી ઘરે આવે ત્યારે એમને જોઈને જે ખુશી મારા ચહેરા ઉપર આવતી એ ખુશી આજે ના આવી. આજે મારા ચહેરા ઉપર પપ્પાને જોઈને ગુસ્સો જ હતો. પણ મમ્મીને આપેલા વચનના કારણે એ ગુસ્સો હું ઠાલવવા નહોતી માંગતી. દરવાજો બંધ કરી હું પાછી ફરી ત્યાં તો મમ્મી હસતાં મોઢે પપ્પા માટે રસોડામાંથી પાણી લઈને આવતી જોઈ. ખરેખર મારી મમ્મી પાગલ જ છે. જે પુરુષે એનું આખું જીવન બરદબાદ કરી નાખ્યું છે એ વ્યક્તિ માટે પણ એને પ્રેમ છે. જેને આજસુધી તકલીફો અને દુઃખો સિવાય કંઈજ નથી આપ્યું છતાં એ વ્યક્તિની કાળજી એ ખૂબ જ ચીવટથી લે છે. ભલે પપ્પાએ એની એકપણ જરૂરિયાત પૂરી નહિ કરી હોય પણ પપ્પાની દરેક જરૂરિયાતને એ પુરી કરે છે.

એ દિવસથી મમ્મી માટે મને માન વધી ગયું. અને પપ્પા માટે દિલમાં નફરત જાગવા લાગી. મમ્મીનું બદલાવવાનું કારણ મને હવે બરાબર સમજાઈ રહ્યું હતું. પપ્પાએ જે સુખ જે ઈજ્જત મમ્મીને આપવી જોઈતી હતી એ કોઈ ત્રીજી વ્યક્તિને આપી રહ્યાં હતાં. મને તો સપનામાં પણ આશા નહોતી કે મારા પપ્પા આવું પણ કરી શકે. પપ્પા જ્યારે બહાર એકલાં જ જતાં ત્યારે મનમાં એમ થતું કે મમ્મી સાવ બોરિંગ છે, ના એ વ્યવસ્થિત તૈયાર થાય છે. ના કોઈ શણગાર સજે છે. એટલે મમ્મીને નહિ લઈ જતાં હોય. પણ આજે મમ્મીના બદલાયેલા એ રૂપને જોઈને પપ્પા માટે ભારોભાર ગુસ્સો મનમાં ભરાઈ આવે છે. પપ્પાએ ક્યારેય મમ્મી ઉપર ધ્યાન જ નથી આપ્યું. પપ્પાની બિઝનેસ ટ્રીપ ૩-૪ દિવસની હોય. હું એમ જ વિચારતી કે પપ્પા બિઝનેસ માટે જ જઈ રહ્યા છે. પણ મમ્મીએ જ્યારે આ સત્ય મારી આંખો સામે ખડું કરી આપ્યું ત્યારે પપ્પાના મોજશોખ ભર્યા જીવનનો ખ્યાલ આવવા લાગ્યો. એ સ્ત્રીને પણ હું સારી રીતે ઓળખું છું. ગયા વર્ષે મારી બર્થ ડે પાર્ટીમાં જ એ આવી હતી. ચમકીલી ભરાવદાર સાડી પહેરીને આખી પાર્ટીનું એ આકર્ષણ બની હતી. ત્યારે મને એમ હતું કે એનું એક સ્ટેટ્સ હશે. પણ આજે એ માત્ર પપ્પાના પૈસે રંગરેલીઓ કરતી એક ચરિત્રહીન સ્ત્રી જ લાગી રહી છે.

મારા વિચારવાનો કે ગુસ્સો કરવાનો કોઈ મતલબ પણ નહોતો.. હું શું કરી શકવાની હતી ? જો પપ્પા આગળ ગુસ્સે થાવ તો એમનો ગુસ્સો એ મમ્મી ઉપર જ ઉતારે.. પેલી સ્ત્રીને કહીશ તો એ પપ્પાને જરૂર કહેશે અને ઝગડો આ ઘરમાં જ થશે. પપ્પાને કોઈ ફરક પડવાનો નહોતો. જીવન તો મમ્મીનું જ ઝેર થઈ રહ્યું હતું.

દિવસોના દિવસો વીતતા ચાલ્યા ગયા. મમ્મી કડવા ઘૂંટળા પી અને ચહેરા ઉપર હાસ્ય રાખી માત્ર અને માત્ર મારા માટે બધું સહન કરી રહી હતી. પપ્પા અને પેલી સ્ત્રીની નિકટતા વધતી જ જતી હતી. પપ્પાએ મમ્મીને એકવાર ડિવોર્સ માટે પણ કહ્યું હતું. પણ મમ્મીએ પપ્પાને મારા કારણે ડિવોર્સ આપવાની ના પાડી. ઘરમાં ખબર ના પડે એમ એમને ઘરની બહાર એમની જિંદગી જીવી લેવા પરવાનગી આપી. આંખો સામે બધું જ જોતી હોવા છતાં મમ્મી ચૂપ હતી. એની ચુપકીનું કારણ પણ હું જ હતી. મને સારું ઘર મળે, મારા ભણવામાં કોઈ અસર ના આવે. એના કારણે કેટલીય વાતો મારાથી છુપી રહી ગઈ. પણ હવે મમ્મી માત્ર મમ્મી જ નહીં મારી એક દોસ્ત પણ બની ગઈ. હું મારો મોટાભાગનો સમય મમ્મી પાસે જ પસાર કરવા લાગી. મમ્મીને પણ પોતાના દિલમાં રહેલી વાતો કરવા માટે શોભામાસીને ફોન કરવાની બહુ જરૂર ના રહી. ક્યારેક ક્યારેક અમે મા દીકરી રડી પણ લેતાં.

પપ્પા વિશેની હકીકત મારા સામે આવ્યા બાદ મેં મનોમન નક્કી કરી જ લીધું હતું કે મારે મમ્મીને આ નર્કમાંથી બહાર કાઢવી જ છે. મારા ભણવાની સાથે સાથે મેં નોકરી માટે અરજીઓ કરી. ભગવાનને રોજ પ્રાર્થના કરતી કે હું અને મમ્મી આ ઘર છોડી ક્યાંક દૂર ચાલ્યા જઈએ. અને એ દિવસ પણ આવી ગયો. મને ખબર જ હતી કે પપ્પા આ શહેર છોડી અમારી સાથે આવવા માટે ક્યારેય તૈયાર નહિ થાય. પણ મમ્મીને હું મનાવી લઈશ. જ્યારે મમ્મી આગળ મેં આ પ્રસ્તાવ મુક્યો ત્યારે પણ મમ્મીએ ઘણી આનાકાની કરી. એને પપ્પાની જ ચિંતા થયા કરતી. પણ મેં એને બરાબર સમજાવી. એ માની ગઈ. હું અને મમ્મી કોલકત્તા ચાલ્યા ગયા. ત્યાં જઈને મેં થોડા જ સમયમાં પપ્પા મમ્મીના ડિવોર્સના પેપર તૈયાર કરી પપ્પાના સરનામે પોસ્ટ કરી દીધા. થોડા દિવસમાં પપ્પાના સિગ્નેચર સાથે એ પેપર પાછા આવ્યા. પપ્પાને એમ હતું કે એ લોકોને આર્થિક રીતે મારી જરૂર પડશે. પણ એ જરૂર ક્યારેય ના પડી.

મને સારી જોબ મળી ગઈ. મમ્મીએ પણ ઘરે બેઠા બેઠા પાપડ બનાવવાનું શરૂ કર્યું. એકવર્ષમાં તો મમ્મી મારા કરતાં પણ વધુ સારું કમાતી થઈ ગઈ. મમ્મીના ચહેરાની રોનક વધવા લાગી. તેનો પહેરવેશ બદલવા લાગ્યો. મમ્મીના લગ્નના ફોટામાં જે મમ્મી દેખાતી એ રૂપ હવે ધીમે ધીમે પાછું ફરવા લાગ્યું.

મારા લગ્નબાદ મમ્મી એકલી થઈ જશે એ કારણે મેં ક્યારેય લગ્ન કરવાનો વિચાર જ ના કર્યો. પણ મમ્મીએ મને સમજાવી. "અત્યારે તું મારા માટે લગ્ન નહિ કરે તો મારી ઉંમરમાં તારું પણ એવું જ થશે ને ? તારું ધ્યાન કોણ રાખશે ?" મમ્મીની વાતો પણ સાચી હતી. પણ મમ્મીને એકલા છોડવાની ઈચ્છા નહોતી થતી. એક દિવસ રાત્રે જમી હું અને મમ્મી ટીવી જોતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે પપ્પા ઊભા હતાં. ક્ષણવાર તો મને લાગ્યું જ નહીં એ મારા પપ્પા છે. વધી ગયેલી દાઢી. દુબળુ પડી ગયેલું શરીર. લઘરવઘર કપડાં. હું કઈ બોલું એ પહેલાં જ પપ્પા રડતાં રડતાં મારી સામે બે હાથ જોડી ઊભા રહી ગયા. મમ્મી જોતાંની સાથે જ ઉતાવળી દરવાજા પાસે આવી અને પપ્પાનો હાથ પકડી ઘરમાં લઈને આવી ગઈ. સોફા ઉપર બેસાડી એમનાં ચહેરે હાથ ફેરવવા લાગી. મમ્મીની આંખમાં પણ આંસુ હતાં. હું દરવાજા પાસે જ સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ. મમ્મી ઉતાવળી રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી. પપ્પાને પાણી આપ્યું.

મમ્મી ખરેખર પાગલ જ છે. જે માણસે તેનું જીવન બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી એ વ્યક્તિ બરબાદ થઈને પાછી મમ્મીના જીવનમાં આવી તો પણ એને હતું એજ સ્થાન પાછું આપ્યું. એ ઘટના બાદ પપ્પા આમારી સાથે જ રહેવા લાગ્યા. પપ્પા માટે ગુસ્સો તો ના રહ્યો. પણ ફરી એ પ્રેમ પણ ક્યારેય જાગી ના શક્યો. મારા લગ્નબાદ મમ્મીને હું પપ્પાના હવાલે છોડી અને સાસરે ચાલી ગઈ.


Rate this content
Log in

More gujarati story from Nirav Patel Shyam

Similar gujarati story from Drama