STORYMIRROR

Nirav Patel Shyam

Inspirational Romance

2.5  

Nirav Patel Shyam

Inspirational Romance

સાચા સાગપણનું સરનામું

સાચા સાગપણનું સરનામું

13 mins
806


સમય પણ કેવા અટપટા ખેલ ખેલતો હોય છે, જીવનમાં જે ના કરવાનું વિચાર્યું હોય, જે રસ્તે ઠોકર ખાધા પછી એ રસ્તે જવાનું ના વિચાર્યું હોય, ત્યાં જ સમય આપણને ધક્કો મારી ધકેલી દેતો હોય છે. અને આપણે લાચાર બની વળી પાછા પોતાના પ્રયત્નો, મહેનત અને સફળતા મળશે જ. એ આશા સાથે પાછા ઝંપલાવી દેતા હોઈએ છીએ અને મળે છે પાછી એજ નિરાશા દુઃખ. વળી પાછા થાકી, હારી બેસી જઈએ ત્યાં જ એક નવી મંઝિલ આપણી સામે દેખાય અને ફરી પાછા બેઠા થઈ ચાલવા લાગીએ. આજ તો જીવન સંઘર્ષ છે.

લલિતે પણ કંઈક આવું જ વિચાર્યું હતું. પહેલા બ્રેકઅપ પછી તેને બીજો સંબંધ સ્વીકારવા માટે ઘણું વિચાર્યું, પહેલા જે ભૂલ થઈ ગઈ એ બીજીવાર ના થાય એની બરાબર કાળજી રાખી અને છતાં બીજું, ત્રીજું એમ કરતાં પાંચ બ્રેકઅપ થઈ ગયા. પાંચ પાંચ વ્યક્તિઓ તેના જીવનમાં આવી અને ચાલી ગઈ. લાલિતમાં સમજણ ભારોભાર. ના એ કોઈનો ક્યારેય ફાયદો ઉઠાવતો, કે ના તેના જીવનમાં આવેલી વ્યક્તિઓનો શારીરિક ઉપયોગ કરતો, તેને પ્રેમ કરવો હતો. એક એવો પ્રેમ કે જે પ્રેમમાં કોઈપણ બંધન ના હોય, દિલ ખોલી પોતાના પ્રિયપાત્ર સાથે પોતાના દિલની વાતો કરી શકે, પોતાના દુઃખ તે ઠાલવી શકે, ક્યારેક ખભે માથું મૂકી રડી શકે. પણ એવું કોઈ પાત્ર તેને મળ્યું જ નહીં. જે પણ આવ્યું એ પોતાની વ્યથા, પોતાના દુઃખો લલિત આગળ ઠાલવી તેને સમજ્યા વગર દૂર થતું ગયું, અને લલિત એકલો રહી ગયો. પોતાના આંસુઓ સાથે, પોતાના દુઃખો સાથે, પોતાના દિલની વાતો સાથે.

પાંચમા બ્રેકઅપ બાદ લલિતે નક્કી કર્યું કે હવે જીવનમાં કોઈને પ્રવેશ આપવો જ નથી. પોતાની એકલતા, પોતાના દુઃખો, પોતાની વ્યથાને પોતાના જ ખભે રાખી અને જીવવું. પોતાનો ક્રોસ પોતાની જાતે જ ઉપાડીને ચાલવું. પણ એકલું જીવવું એટલું સહેલું હોત તો જોવતું જ શું હતું ? પોતાના રૂમમાં એકલો બેઠો બેઠો ઊંડા વિચારોમાં ખોવાઈ જતો. રસ્તા પર હાથમાં હાથ પરોવી ચાલતા યુગલોને જોઈ પોતાના દિલમાં રહેલી વેદના પાછી જાગૃત થઈ જતી. પણ પોતાને સમજી શકે એવું પાત્ર મળતું જ નહોતું. એ જો ઇચ્છતો તો બીજા લોકોની જેમ સમય પસાર કરવા માટે એને કોઈક તો મળી રહેતું. પણ તેના આદર્શો, તેના સંસ્કારો આવું કરતાં તેને રોકી રહ્યાં હતાં. મુદ્દે રહ્યો ગામડાનો માણસને. એટલે સંવેદના, લાગણી, કોઈનો ફાયદો નહીં ઉઠાવવાની વૃત્તિ તેની અંદર જન્મજાત હતી.

સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયેલા ગામડાના લાલિતની વાતો પણ હૃદયસ્પર્શી હતી. પોતાના દુઃખો, પોતાના પ્રેમની કલ્પના અને લાગણીઓને તે ઓનલાઈન રજૂ કરતો. ક્યારેક ક્યારેક કોઈ કવિતા કે ગઝલ પણ પોસ્ટ કરતો. આથી તેનો ચાહક વર્ગ પણ વિશાળ હતો. પણ એ બધા માત્ર લાઈક અને કૉમેન્ટ સુધીના મિત્રો હતાં, ઈનબોક્સમાં આવી તેના શબ્દો પાછળનું દુઃખ જાણવા વાળું કોઈ જ નહોતું. વાહ વાહ તો ઘણી મળતી પણ તેના દુઃખોની આહ ભરવા વાળું કોઈ નહોતું. તેના જીવનમાં આવેલી છેલ્લી વ્યક્તિ તેને સમજવાનો પૂરેપૂરો દાવો કરતી હતી. લલિત જ તેનો છેલ્લો પ્રેમ છે એવું એને જગજાહેર કર્યું પણ બ્રેકઅપના બે જ મહિનામાં તેના જીવનમાં પણ બીજું કોઈ આવી ગયું. અને એ વ્યક્તિ સાથેના પ્રેમને એ જગજાહેર કરવા લાગી એ જોઈ લલિતનો પ્રેમ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો.

ઘણાં સમય સુધી એ માત્ર લખ્યા કરતો, સોશિયલ મીડિયા સાથેના સંબંધને તેને એકદમ ઓછો કરી નાખ્યો. બસ હવે પોતે જ પોતાનો જીવન સાથી છે એમ સમજી જીવવા લાગ્યો.

એકદિવસ લલિતને લખકોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ જવાનું થયું. પોતાના ગામથી બાજુના શહેર જઈ અમદાવાદ માટે બસ પકડી. અમદાવાદથી વોલ્વો બસની ટિકિટ કરાવી રાજકોટ જવા માટે રવાના થયો. તેની બાજુની સીટ ઉપર એક યુવતી બેઠી હતી. તેનો ચહેરો કોઈ ઠેકાણે જોયેલો હોય એમ લાગ્યું. પણ ક્યાં એ યાદ નહોતું. યુવતીની નજર લલિત તરફ હજુ નહોતી ગઈ. તે બારી બહારના અમદાવાદને નીરખી રહી હતી. લલિત એ યુવતીને જોઈ એ કોણ હશે એ વિચારમાં લાગી ગયો. બહુ વિચારવા છતાં તેને યાદ ના આવ્યું કે બાજુમાં બેઠેલી એ યુવતી કોણ હતી. બહુ વિચાર્યા વગર હવે પોતાની બેગમાંથી એક પુસ્તક ખોલી અને વાંચવા લાગી ગયો.

બસ અમદાવાદની બહાર નીકળી ચુકી હતી. બારી બહાર જોઈ રહેલી એ યુવતીની આંખો હવે બસની અંદર મંડાઈ. પોતાની બાજુમાં કોઈ યુવક વાંચી રહ્યો છે તેનો ખ્યાલ હમણાં જ આવ્યો. પુસ્તકમાં નજર નાખીને એ યુવતી લલિતના ચહેરા સામે જોવા લાગી. ચહેરો જોતાં જ એ યુવતીને લાગ્યું આ તો એમના ફેસબુક ફ્રેન્ડ લલિત પંડ્યા છે. જેમના થોટ્સ, સ્ટોરી, કવિતાઓને તે અવાર નવાર વાંચતી. વખાણતી. પણ પ્રશ્ન એ હતો કે એમની સાથે વાત કેવી રીતે કરવી ? અને લલિત વાંચતો હોવાના કારણે ડિસ્ટર્બ કરવાનું પણ તેને ના વિચાર્યું, એક યોગ્ય સમયની રાહ જોવા લાગી.

થોડીવારમાં બસ એક હોટેલ પાસે આવીને ઊભી રહી ગઈ. લલિતે પોતાની બેગમાં પુસ્તક મૂકી તરત નીચે ઉતરી ગયો. એ યુવતી પણ લાલિતની પાછળ નીચે ઉતરી. લાલિતનું કઈ ખાવાનું મન નહોતું, પણ બહારના ખુલ્લા વાતાવરણમાં તેને ઊભા રહેવાનું તેનું મન હતું. આથી બસથી થોડે દુર આવી અને તે ઊભો રહ્યો. યુવતી પણ વૉશરૂમમાં જઈ પાછી વળી અને લલિત જ્યાં ઉભો હતો ત્યાં ગઈ. અને પૂછવા લાગી :

"તમારું નામ લલિત પંડ્યા છે ને ?"

"જી હા, મને પણ એવું લાગે છે હું તમને ઓળખું છું, પણ યાદ નથી આવતું."

"તમે તો એક મોટા લેખક છો, અમને કેવી રીતે ઓળખી શકો ? તમારા હજારો ફેસબુકના ફ્રેન્ડમાંથી હું એક ફ્રેન્ડ છું." યુવતી લલિત સામે જોઈ કહેવા લાગી.

"ઓહ... એટલે જ મને બસમાં બેઠો ત્યારથી થતું હતું કે તમને ક્યાંક તો જોયા જ છે, હવે સ્મરણ થયું. શું નામ આપનું ?

"અવની પટેલ" યુવતીએ પોતાનું નામ જણાવતાં કહ્યું.

"યસ,યસ. તમે મારા રેગ્યુલર વાચક છો. મેં જોયા છે તમને કૉમેન્ટ અને લાઈક કરતા."

"થેન્ક્સ.. તમને યાદ તો આવ્યું, મને તો એમ કે તમે મને ઓળખો જ નહીં."

"ના એવું કેમ બને, તમારા જેવા એક્ટિવ વાચકોના કારણે અમને લખવાનું પ્રેરણાબળ મળે છે."

અવની કઈ બોલી નહિ બસ ચહેરા ઉપર ઝીણું હાસ્ય લાવી લલિત સામે જોયું.

બસ ઉપડવાનો સમય થયો. અવની અને લલિત બસમાં પોત પોતાની જગ્યા ઉપર ગોઠવાયા. બસ પોતાનો રસ્તો માપવા લાગી. પાંચ કલાકના સફરમાં ત્રણ કલાક તો વીતી ચૂક્યાં હતા. બે કલાકનો સમય હજુ લલિત અને અવનીને સાથે વિતાવવાનો હતો. અવનીએ લલિતના લખવા વિશેની થોડી વાતો કરી. તેના જીવન વિશે પૂછવાનું અવનીને યોગ્ય ના લાગ્યું. લલિતે પણ બહુ ઊંડાણમાં ઉતર્યા વગર યોગ્ય લાગતી વાતો કરી. પોતે એક લેખકના કાર્યક્રમ માટે રાજકોટ જઈ રહ્યો છે તે વાત પણ અવનીને જણાવી. અવની જો અનુકૂળતા હશે તો કાર્યક્રમમાં હાજરી આપશે એવું જણાવ્યું. પોતે અમદાવાદ રહે છે અને રાજકોટ એક સંબંધીનાં ઘરે પ્રસંગમાં જઈ રહ્યાં હોવાની વાત અવનીએ કરી.

રાજકોટ આવતાં પહેલા બંને વચ્ચે સામાન્ય મિત્રતા બંધાઈ ગઈ હતી. અવનીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાને ગમતાં લેખકને આ રીતે ક્યારેય મળશે. કે ના લલિતે ક્યારેય વિચાર્યું હશે કે પોતાના કોઈ વાચક સાથે બસની સફરમાં પણ ભેટો થઈ જશે. બસમાંથી ઉતરતા પહેલા બંનેએ પોતાના વૉટસએપ નંબરની આપ-લે કરી લીધી હતી.લલિત માટે એ ઘટના એટલી મહત્વની નહોતી પણ અવની માટે એ વાત આનંદની હતી.

લાલિતનો કાર્યક્રમ પૂર્ણ થયો. અવની આવી શકી નહીં પણ તેને લલિતના વૉટસએપમાં મેસેજ કરી અને ના આવી શકવાનું કારણ જણાવી ક્ષમા માંગી લીધી. લલિત પોતાનું કામ પતાવી અમદાવાદની બસ પકડી ઘરે જવા રવાના થયો. અવની સાથે નોર્મલ વાતો વચ્ચે વચ્ચે થતી રહેતી. અવની પણ પોતાનો પ્રસંગ પૂર્ણ કરી અમદાવાદ આવી ગઈ.

થોડા દિવસ સુધી સામાન્ય વાતો વાતોમાં હવે લલિતને પણ અવની સાથે વાતો કરવાનું, તેના વિશે જાણવાનું મન થયા કરતું. અવની પણ લલિતને ઓળખવા માંગતી હતી. મિનિટોમાં પુરી થતી વાતો હવે કલાકો સુધી ચાલવા લાગી. લલિત કોઈ નવી કવિતા કે વાર્તા લખતો એ પહેલાં અવનીને બતાવતો. અવની પણ આ વાંચી ખુશ થતી.

અવનીએ લલિતને તેના જીવન વિશે પૂછ્યું. લલિતે પણ પોતાના જીવનની હકીકત અવની સામે ઠાલવી દીધી. પોતાના જીવનમાં આવેલી વ્યક્તિઓ તેના જીવનમાંથી કેવી રીતે ગઈ તેની બધી જ વાત અવનીને જણાવી. અવનીને લલિતની એકલતા જોઈને ખૂબ જ દુઃખ થયું. પણ પોતેય એકલી જ હતી એના જીવનમાં. તે વાત હજુ લલિત જાણતો નહોતો. લલિત પણ એ જાણવા ઇચ્છતો હતો પણ કેવી રીતે પૂછવું તે સમજાઈ રહ્યું નહોતું.

એક દિવસ પરિવારની વાત નીકળતા લલિતે અવનીને તેના પરિવાર વિશે પણ પૂછી જ લીધું. આ સમયે અવની પણ કઈ છુપાવી શકી નહીં. પોતે જીવનમાં એકલી સંઘર્ષ કરી ને જે રીતે આગળ આવી એ બધી જ વાતો લલિતને જણાવી દીધી. એ રાત્રે તો વાતો કરતાં કરતાં ક્યારે સવાર થઈ ગઈ એની પણ બંનેમાંથી કોઈને જાણ ના રહી. અવનીની વાતો સાંભળી લલિત પોતાના દુઃખો પોતાની તકલીફોને જાણે ભૂલી જ ગયો. અવનીએ એકલી રહેતી હોવા છતાં જે સંઘર્ષ કર્યો હતો એ વાત જાણીને પોતાનો સંઘર્ષ અને પોતાની વેદના નાના લાગવા લાગ્યા. પોતે તો પોતાના દુઃખને શબ્દોમાં રેડી દીધું. પણ અવની તો જિંદગીના કડવા ઘૂંટળા પી અને આગળ આવી છે. એ વાત જાણી લલિતે અવની ઉપર ગર્વ થવા લાગ્યો.

રોજ વાતો વધતી ગઈ. લલિતને પણ અવનીના રૂપમાં એક સાચી મિત્ર મળી ગઈ હતી. લલિત તરફથી આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થવા લાગી હતી. અવનીના દિલમાં પણ લલિત માટે એક ખાસ જગ્યા બંધાઈ ગઈ હતી. પણ અવની કોઈ સંબ

ંધ સ્વીકારવા માંગતી નહોતી. લલિત માટે તેના દિલમાં પ્રેમ હોવા છતાં તે લલિતને એક સાચા મિત્ર તરીકે જ જોવા માંગતી હતી.

અવનીના જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બની ગઈ જેના કારણે અવની હવે કોઈ સંબંધમાં બંધાવવા માંગતી જ નહોતી. અઢાર વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા અને ઓગણીસમાં વર્ષે તો ડિવોર્સ. જેને હજુ દુનિયા નહોતી જોઈ એને દુનિયા સામે લડવાનું થયું. પણ દરેક કડવા અનુભવોમાંથી એ કંઈક ને કંઈક શીખતી આગળ વધતી ગઈ. તેના પપ્પાએ બીજા લગ્ન માટે કેટલાક મુરતિયા પણ જોયા પણ મન કોઈમાં ઠર્યું નહિ. વર્ષો વીતતાં ગયા અને અવની ઘડાતી ચાલી ગઈ. ભાઈના લગ્ન પછી ભાભીઓના મહેણાં ટોના સહન કરવાના આવ્યા એટલે પોતાનો રસ્તો તેને અલગ કરી લીધો. એકલી રહેવા લાગી.એકલા રહેવું પણ સહેલું નહોતું છતાં પોતાના અડગ આત્મવિશ્વાસ સાથે તે લડતી ગઈ.

આજે અવનીની ઉંમર છત્રીસ વર્ષની છે. તેના જીવનમાં ના કોઈ અંગત મિત્ર બનાવ્યું કે ના કોઈ પુરુષનો હાથ પકડી આગળ ચાલવાનું વિચાર્યું. પોતાનો રસ્તો પોતાની જાતે જ કંડાર્યો. પંદર વર્ષ સુધી એકલા હાથે ઝઝૂમેલી અવની હવે પોતાના જીવનને કોઈ બંધનમાં બાંધવા નહોતી માંગતી. અને એટલે જ લલિત માટે તેના દિલમાં પ્રેમ હોવા છતાં તેને એક મિત્ર તરીકે જ પોતાના જીવનમાં રાખવા માંગતી હતી.

બંને વચ્ચે વાતોમાં એક વર્ષ વીતી ગયું. લલિતે ઘણીવાર અવનીને પોતાની સાથે જોડાઈ જવા માટે જણાવ્યું. લગ્નનો પણ પ્રસ્તાવ મુક્યો. પણ અવની સહેજ પણ ડગમગી નહિ. લલિત એક લેખક હતો. અવનીના ભાવને તેની મજબૂરીને તે બરાબર સમજી શકતો હતો. તેને પણ મનોમન નક્કી કરી લીધું કે હવે જીવનમાં કોઈ વ્યક્તિ આવે તો એ અવની જ હશે. રોજ રોજની વાતોમાં અવની હવે લલિત માટે પ્રેરણા બની ચૂકી હતી. અવની સિવાય તે કોઈ માટે કંઈજ વિચારતો નહીં.

સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. અવની જાણતી હતી કે લલિત તેને ખૂબ જ પ્રેમ કરે છે પણ લલિત પોતાને ભૂલી તેના જીવનમાં આગળ વધે એમ અવનીનું માનવું હતું. પોતાને ભૂલી શકે એ માટે અવનીએ ઘણાં પ્રયત્નો કર્યા, ઘણીવાર લલિતે સમજાવ્યો, પણ લલિત માને એમ જ નહોતો. લલિત જાણતો હતો કે દુનિયામાં મોટાભાગના સંબંધો સ્વાર્થથી જ જોડાય છે, અને એમાં અવની સાથેનો એક જ સંબંધ નિઃસ્વાર્થ છે. અને એટલે એ સંબંધને લલિત ખોવા નહોતો માંગતો.

રોજ હવે ફોન ઉપર કલાકો સુધી વાત થતી. પ્રથમ મુલાકાત સમયે જે ખામોશી બંને વચ્ચે જોવા મળી હતી તે હવે નહોતી. બંને કોઈપણ વિષય ઉપર હવે વાત કરી શકતા, પ્રેમી અને પ્રેમિકાની જેમ જ બંનેનો સંબંધ બંધાઈ ગયો હતો. બાકી હતું તો અવનીનું લાલિતનો પ્રેમ સ્વીકારવો. લલિતે તો ઘણીવાર પોતાનો પ્રેમ અવની સામે રજૂ કર્યો પણ અવની એ હજુ પોતાના પ્રેમની કબૂલાત કરી નહોતી.

વર્ષો વીતતાં ગયા અને લલિતનો અવની પ્રત્યેનો પ્રેમ પણ સતત વધતો જ ચાલ્યો ગયો. અવનીએ પણ હવે સ્વીકારી લીધું હતું કે લલિત એના જીવનમાં કોઈને પ્રવેશ નહિ આપે. પણ અવની આટલા વર્ષો બાદ પણ તેના દિલમાં રહેલા પ્રેમને લલિત આગળ વ્યક્ત કરી શકી નહીં. તે લલિત સાથે જોડાઈ જઈને પ્રેમનો અંત લાવવા નહોતી માંગતી. પોતાના પ્રેમને જીવંત રાખવા માંગતી હતી.

પાંચ વર્ષ પછી લલિતે અવની સાથે વાત કરવાની બંધ કરી દીધી. અવની વાત બંધ કરવાનું કારણ નહોતી સમજી શકી, અને ક્યારેય તેને લલિતને પૂછ્યું પણ નહીં. અવનીએ ક્યારેય લલિતને બાંધ્યો જ નહોતો. તે તો હરહંમેશ ઇચ્છતી હતી કે લલિત પોતાના જીવનમાં આગળ વધે. લલિતે જ્યારે વાત કરવાની બંધ કરી ત્યારે અવનીને દુઃખ તો ચોક્કસ થયું. પણ સમય સાથે એને જીવતાં શીખી લીધું. પંદર વર્ષથી અવની એકલી જીવતી આવી હતી અને છેલ્લા પાંચ વર્ષમાં લલિતના સાથની આદત થઈ ગઈ હતી. છતાં તે દુઃખના કડવા ઘૂંટળા પી ગઈ. એને લાગ્યું કે લલિત પોતાના જીવનમાં આગળ વધી ગયો હશે અને એટલે જ એને વાત કરવાની બંધ કરી છે.

લલિત પણ અવની સાથે વાત કર્યા વિના રહી નહોતો શકતો કે ના એના જીવનમાં કોઈ વ્યક્તિ આવી જેના કારણે અવની સાથે વાત બંધ કરવી પડી. વાત બંધ કરવાનું કારણ માત્ર લલિત જ જાણતો હતો. અવની સાથે વાત બંધ કર્યાના મહિના પહેલા જ તેને ચક્કર આવ્યા હતાં અને વૉમીટમાં થોડું લોહી પણ આવ્યું. શરૂઆતમાં તેને આ બાબતને ગંભીર રીતે ના લીધી પણ બે ચાર દિવસ બાદ ફરી એમ જ થતાં તે ડૉક્ટર પાસે ગયો. ડૉકટરે રિપોર્ટ કરાવવા માટે સૂચવ્યું. અને રિપોર્ટ હાથમાં લેતાં જ લલિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને કૅન્સર હતું. જેના કારણે લલિતે અવની સાથે વાત કરવાની બંધ કરી. તે જાણતો હતો કે અવનીને તેના કૅન્સર હોવાની વાતથી પણ સંબંધમાં કોઈ ફેર નથી પડવાનો. છતાં તે અવનીના જીવનમાં હવે પ્રેમ આપવા માટે નિષ્ફળ રહેશે એમ વિચારી વાત બંધ કરી. કૅન્સરનો કોઈ ઈલાજ નહોતો. થોડા વર્ષોનું જીવન બચ્યુ હતું તે પોતાના પરિવાર સાથે વિતાવી લેવાનું નક્કી કર્યું.

છ મહિના સુધી નજીકના દવાખાનામાં લલિત સારવાર લેતો રહ્યો. પણ કઈ ખાસ ફર્ક પડતો નહોતો. માટે ડૉકરે અમદાવાદની એક કૅન્સર હોસ્પિટલમાં ભરતી થવા માટેનું સૂચન આપ્યું. લલિતના પરિવાર જનો તેને અમદાવાદની હોસ્પિટલમાં ભરતી કર્યો.

અવનીના જીવનમાં કોઈ નહોતું. પોતે એકલી રહી અને ઘણું બધું ભેગું કર્યું હતું. સારા પૈસા પણ કમાયા હતાં. તે પોતાની આવકનો કેટલોક ભાગ આશ્રમમાં અને હોસ્પિટલમાં જરૂરિયાત મંદોને દાન કરતી હતી. આ દરિમયાન જ તેની જાણમાં કૅન્સર હોસ્પિટલમાં એક દર્દીને મદદની જરૂર છે એ જાણવામાં આવ્યું. અને તે હોસ્પિટલ મદદ કરવા માટે પહોંચી. લલિત રિપોર્ટ કરાવવા માટે લેબોરેટરીની સામે બેઠો હતો. લેબોરેટરીની સામે જ રિસેપ્શન કાઉન્ટર હતું. હોસ્પિટલમાં પેશન્ટને પહેરાવવામાં આવતો ડ્રેસ પહેરી ખુરશીમાં લલિત બેઠો હતો. અવની રિસેપ્શન ઉપર મદદ લેનાર વ્યક્તિ વિશે પૂછી દાખલ દર્દીના વૉર્ડ તરફ જવા જતી હતી ત્યાંજ તેની નજર લલિત ઉપર પડી. લલિત નીચું જોઈ અને બેસી રહ્યો હતો. તેની નજર અવની તરફ નહોતી. અવનીએ લલિત તરફ ઉતાવળી આવી અને લલિતની ખુરશી આગળ ઘૂંટણિયે બેસી લલિતના હાથ પકડી કહેવા લાગી :

"શું થયું છે તને લલિત ?"

લલિત અવનીને જોતાં જ એકદમ પોતાના હોશ ખોઈ બેઠો.અને કહેવા લાગ્યો ....

"અવની... અવની તું ? તું અહીંયા ક્યાંથી ?"

"એ બધી વાત જવા દે લલિત, પહેલા તું મને એમ કે શું થયું છે તને ?"

લલિતના બોલતા પહેલા જ તેની આંખમાં રહેલા આંસુઓએ જવાબ આપી દીધો. રડતાં રડતાં "કૅન્સર" બોલી અવનીના ખભે માથું મૂકી ચોધાર આંસુએ રડવા લાગ્યો. અવની પણ પોતાના આંસુઓને રોકી ના શકી. અવની લલિતના વાત ના કરવાનું કારણ હવે બરાબર સમજી ગઈ હતી. પોતાના ખભેથી લાલિતનું માથું લઈ પોતાના મોઢા સામે રાખી તેના આંસુ લૂછતાં અવની કહેવા લાગી :

"લલિત હું હવે આવી ગઈ છું. હવે ક્યારેય તારાથી દૂર નહિ જાવ, ભલે અત્યાર સુધી હું તારો સાથ ના આપી શકી પણ હવે હું કાયમ તારી સાથે રહીશ."

લલિત : "ના અવની, હું મારા દુઃખનો ભાર તારા માથે નાખવા નથી માંગતો. અને આમ પણ હું હવે ઝાઝું નથી જીવવાનો. હું તારા જીવનમાં બોઝ બનવા નથી માંગતો."

અવની પોતાના આંસુ લૂછતાં કહેવા લાગી : "લલિત મેં પણ તને ખૂબ જ પ્રેમ કર્યો છે. બસ ખાલી મેં ક્યારેય મારા પ્રેમને તારી આગળ જાહેર નથી કર્યો. અને જો આપણે બંને જોડે હોત અને તને કઈ આવું થયું હોત તો હું તને છોડી શકતી ? અને સાચો પ્રેમ તો ત્યારે જ સિદ્ધ થાય જ્યારે ખરાં સમયે એકબીજાની જરૂર પડે. શું મને આવું કઈ થયું હોત તો તું મારો સાથ છોડી દેતો ?? આ દુનિયામાં જો મને કોઈ ઉપર સૌથી વધુ વિશ્વાસ હતો તો એ તારા પ્રેમ પર. તે જ્યારથી વાત કરવાની બંધ કરી એ દિવસથી હું રોજ તારા મેસેજની રાહ જોઉં છું, ક્યારેક એમ પણ થઈ જાય કે તને ફોન કરી પૂછી લઉં કે કેમ તું વાત નથી કરતો ? પણ પછી એમ વિચારતી કે હું તો તારી સાથે જોડાઈ શકવાની નહોતી કે ના તારા ઉપર મને કોઈ હક છે. માટે તું આગળ વધે એમ જ ઇચ્છતી હતી. જો મને ખબર પડી હોત કે તું આ બીમારીના કારણે મારાથી દૂર જઈ રહ્યો છે તો હું તને ક્યારેય જવા દેતી નહિ."

અવની અને લલિત રડતાં રડતાં એકબીજા સાથે વાતો કરતાં રહ્યાં. લલિતની કોઈ વાત હવે માનવા તૈયાર નહોતી. તેને મનોમન નક્કી જ કરી લીધું કે લલિતના જીવનમાંથી હવે દૂર જવું નહિ. દરેક પરિસ્થિતિમાં લાલિતનો સાથ આપવો. લલિત જેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યો એટલા દિવસ તે પોતાના ઘરેથી ટિફિન બનાવી, પોતાના હાથે લલિતે જમાડતી પોતાનો મોટાભાગનો સમય લલિત સાથે જ પસાર કરવા લાગી. હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ જ્યારે આવ્યો ત્યારે અવની પોતાની બેગ સાથે જ હોસ્પિટલ આવી ગઈ. લલિતને અને તેના પરિવારજનોને ઘણું જ આશ્ચર્ય થયું. પણ અવનીએ જણાવી દીધું કે તે હવે લલિત સાથે જ રહેશે. લલિતના ગામડે આવી ને કોઈ બંધનમાં બંધાયા વગર પણ અવની લાલિતની સાથે રહી તેની સાર સંભાળ લીધી. દરેક બાબતે તે લલિતની કાળજી રાખવા લાગી. સમયસર દવા આપવા લાગી. લગ્નના કોઈ બંધન વગર પણ અવની અને લલિત છ વર્ષ સુધી સાથે રહ્યાં. અને એક રાત્રે લલિત અવનીનો સાથ છોડી હંમેશ માટે દૂર ચાલ્યો ગયો.

લલિતના ચાલ્યા ગયા બાદ પણ અવની લલિતના ઘરે જ રહી. લલિતના અધૂરા રહી ગયેલા શબ્દોને નવું રૂપ આપવા લાગી. તેની યાદોના સહારે જીવી ગઈ. લલિતે હોસ્પિટલથી આવી અવની અને પોતાના સંબંધો વિશે એક નવલકથા લખી હતી. જ્યારે અવની નિરાશ થઈ જતી ત્યારે એ નવલકથા વાંચી લલિતની યાદને તાજી કરી લેતી. લલિતના ગયા બાદ અવનીએ પણ લખવાનું શરૂ કર્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational