STORYMIRROR

Kalpesh Patel

Drama Inspirational

5  

Kalpesh Patel

Drama Inspirational

ઓન / ઓફ.

ઓન / ઓફ.

5 mins
17

ઓન / ઓફ.

ડૉક્ટર રશેષ શહેરના પ્રખ્યાત સાયકિયાટ્રિસ્ટ (મનોચિકિત્સક) હતા. લોકો કહેતા કે તેઓ માણસના મનની અંદર સુધી પહોંચી શકવાની ગજબ ક્ષમતા ધરાવે છે. પણ કડવું સત્ય એ હતું કે, વર્ષો પહેલાં તેમણે પોતાના જ મનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

હોસ્પિટલમાં આવતો દરેક દર્દી તેમના માટે માત્ર એક 'કેસ' હતો—એક નિર્જીવ ફાઇલ, એક કોરો રિપોર્ટ, અથવા હાડચામનું એક પૂતળું. તેમની સામે કોઈ ધ્રૂસકે-ધ્રૂસકે રડતું હોય, કોઈ અંદરથી તૂટી રહ્યું હોય, કે કોઈ જીવવાની આશા સાવ ગુમાવી બેઠું હોય...

ડૉ. રશેષ પથ્થર દિલ રાખીને બધું સાંભળતા, ડાયરીમાં નોંધતા, દવાઓ લખતા અને આગળના દર્દીને આવવા ઈશારો કરતા.
લાગણીઓ સાથેનો તેમનો નાતો જાણે કાયમ માટે કપાઈ ચૂક્યો હતો. તેઓ અવારનવાર એક જ તર્ક આપતા:

"જો ડૉક્ટર પોતે જ દર્દીની પીડા અનુભવવા લાગે, તો તે ક્યારેય તટસ્થ રહીને સારવાર નહીં કરી શકે."

નર્સ રીના રોજ આ દ્રશ્ય જોતી અને મનમાં વિચારતી:
"કેટલાક લોકો દર્દીઓથી નહીં, પણ પોતાના જ હૃદયના ધબકારાથી દૂર ભાગતા હોય છે."
હોસ્પિટલના સ્ટાફને લાગતું કે ડૉ. રશેષ હંમેશા 'ઓનલાઇન' (હાજર) રહે છે. દરેક કૉલનો ત્વરિત જવાબ, દરેક દર્દીની કેસ-હિસ્ટ્રી મોઢે અને દરેક ઇમર્જન્સીમાં સૌથી પહેલા હાજર.

 પરંતુ રીના સત્ય જાણતી હતી... આ માણસ બહારથી જેટલો ઓફ લાઇન હતો, અંદરથી એટલો જ ઓન હતો.

એક સાંજે મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. ઇમર્જન્સી વોર્ડની બહાર અચાનક હોબાળો મચી ગયો. રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી એક યુવતીને સ્ટ્રેચર પર અંદર લાવવામાં આવી.

 તેના કપાળમાંથી લોહીની સેર વહી રહી હતી અને હાથ પર ઊંડો ઘા હતો.
રીનાએ તરત જ મોરચો સંભાળ્યો. તેણે ઘા સાફ કર્યો, પ્રેશર બેન્ડેજ બાંધ્યું અને સેલાઇન ચડાવવાનું શરૂ કર્યું. યુવતી અર્ધબેહોશ અવસ્થામાં કણસી રહી હતી, ત્યારે જ તેના બેગમાં રહેલા મોબાઈલની સ્ક્રીન ઝબકી. Screen પર નામ ચમક્યું:

"ભાઈ - ડૉ. રશેષ"

ફોન સતત રિંગ થઈ રહ્યો હતો. રીનાએ ધ્રુજતા હાથે ફોન રિસીવ કર્યો. "હેલો...?"

સામે છેડેથી ભારે અને ઉતાવળભર્યો અવાજ આવ્યો: "હું રશેષ બોલું છું... આ ફોન તમારી પસે કેમ, આ તો મારી બહેન નો ફોન છે, રીના તારો અવાજ કેમ આવે છે?"

રીના થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાંથી શબ્દો ન નીકળ્યા.

બરાબર દસ મિનિટમાં ડૉ. રશેષ ઇમર્જન્સી વોર્ડમાં હાજર હતા. પણ આજે તેમના શરીર પર એ વ્યાવસાયિક મઠાર નહોતો.

આજે તેઓ ડૉક્ટર નહોતા, માત્ર એક ફાટી પડેલો, ડરેલો ભાઈ હતા.
જ્યારે તેમણે સ્ટ્રેચર પર લોહીલુહાણ હાલતમાં પોતાની સગી બહેનને જોઈ, ત્યારે હજારો સર્જરી કરનારા તેમના રીઢા હાથ ધ્રૂજવા લાગ્યા.

આંખોમાં અજાણ્યો ભય અને ગભરાટ તરી આવ્યો. દુનિયાભરના દર્દીઓના હૃદયવિદારક ઘા જોઈ ચૂકેલા આ માણસને આજે પોતાની બહેનનો એક નાનો ઘા પણ અસહ્ય લાગી રહ્યો હતો. રીનાએ પહેલીવાર ડૉ. રશેષના ચહેરા પર એક અસહાય માનવીની લાચારી જોઈ.

"સર, તમે ચિંતા ન કરો. સ્થિતિ હવે નિયંત્રણમાં છે," રીનાએ ધીમા અને આશ્વાસનભર્યા અવાજે કહ્યું.

ડોક્ટર રશેષે કંઈ બોલ્યા વગર માત્ર શૂન્યમાં માથું હલાવ્યું.
એ આખી રાત તેઓ વોર્ડની બહાર લોબીની ખુરશી પર બેસી રહ્યા. તેમની પાસે નહોતી કોઈ ફાઇલ, નહોતો કોઈ કેસ-સ્ટડી કે નહોતો કોઈ મેડિકલ રિપોર્ટ.

તેઓ બસ એકીટશે કાચની બારીમાંથી પોતાની બહેનના ચાલતા શ્વાસને ઓગળતા જોઈ રહ્યા હતા.

સવારે આભ ચોખ્ખું થયું અને ખતરો પણ ટળી ગયો. બહેનને ભાન આવ્યું, તેણે ભાઈનો હાથ પકડ્યો અને હોસ્પિટલનું વાતાવરણ ફરી સામાન્ય થઈ ગયું. પણ ડૉ. રશેષની અંદર કંઈક એવું અસામાન્ય બની ગયું હતું જે હવે ક્યારેય પહેલા જેવું થવાનું નહોતું.
તેમણે જિંદગીમાં પહેલીવાર વિચાર્યું:

 "જે અસહ્ય પીડા અને ગભરાટ ગઈકાલે મારો હતો, આ જ હોસ્પિટલના ઉંબરે આવતા દરેક માણસનો પણ રોજ આવો જ હોતો હશે ને!"

એ દિવસ પછી રીનાએ ડૉ. રશેષની કામ કરવાની શૈલીમાં એક આશ્ચર્યજનક ફેરફાર જોયો. રશેષ હજુ પણ દર્દીઓને એટલી જ એકાગ્રતાથી સાંભળતા હતા, પણ હવે તેઓ રિપોર્ટ જોતા પહેલાં દર્દીનો ચહેરો જોતા હતા.

 નિદાન કરતા પહેલાં માણસની આંખો પાછળની પીડા સમજવાનો પ્રયત્ન કરતા હતા.

તેમના માટે હવે "બેડ નંબર ૧૬" માત્ર એક આંકડો નહોતો, પણ કોઈનો વહાલસોયો પિતા હતો. "ડિપ્રેશન કેસ" માત્ર એક બીમારીનું નામ નહોતું, કોઈની લાડકવાયી દીકરી હતી. "પેશન્ટ" (દર્દી) શબ્દના શુષ્ક આવરણ પાછળ હવે તેમને ધબકતું "જીવન" દેખાવા લાગ્યું હતું.

થોડા દિવસો પછી, એક શાંત રાત્રે બંને હોસ્પિટલની અગાશી પર ઊભા હતા.

નીચે આખું શહેર લાઇટોના ઉજાસમાં ઝગમગી રહ્યું હતું.
રીનાએ હિંમત કરીને પૂછ્યું,

"સર, એક વાત પૂછું?"

"હા, ચોક્કસ," રશેષે હળવાશથી કહ્યું.

"શું દર્દી ખરેખર માત્ર એક 'બોડી' (શરીર) છે?"

રશેષ થોડીવાર સુધી દૂર ક્ષિતિજ તરફ જોતા શાંત રહ્યા. પછી તેમના ચહેરા પર એક સાચું સ્મિત રેલાયું,

"પહેલાં મારી મૂર્ખતા મને એવું જ માનવા મજબૂર કરતી હતી."

"અને હવે?"

રીનાએ ઉત્સુકતાથી પૂછ્યું.
रશેષે નીચે હોસ્પિટલના પ્રકાશિત વોર્ડ તરફ જોતાં કહ્યું, 

 "હવે સમજાયું છે કે દરેક બોડીની અંદર કોઈકનું આખું બ્રહ્માંડ ધબકતું હોય છે. જો એ બ્રહ્માંડ વિખેરાઈ જાય, તો તેની સાથે જોડાયેલા કેટલાય લોકો જીવતેજીવ મરી જાય છે."

રીના મધુરું મલકાઈ, "તો એનો અર્થ એ કે હવે તમે અંદરથી 'ઓફલાઇન' નથી રહ્યા?"

રશેષ ખડખડાટ હસી પડ્યા—વર્ષો પછી કદાચ પહેલીવાર મુક્ત મને.

"ના રીના... હવે મને સમજાયું છે કે હું તો ક્યારેય ઓનલાઇન હતો જ નહીં!"

રીના ચોંકી ગઈ, "એટલે? હું કંઈ સમજી નહીં સર."

રશેષે ગંભીરતાપૂર્વક ઉમેર્યું, 

 "મારું મગજ વર્ષોથી અતિશય ઓનલાઇન હતું, પણ મારું હૃદય સાવ ઓફ હતું.....

.....એ અકસ્માતે મારી બહેનનો જીવ તો તે બચાવ્યો જ છે, પણ સાથે-સાથે મારી અંદર મરી ગયેલા માણસને પણ નવું જીવન આપ્યું છે."

તે રાત્રે હોસ્પિટલમાં બધું જ એ જ હતું—એ જ દર્દીઓ, એ જ વોર્ડ અને એ જ નાઇટ ડ્યૂટી. પરંતુ એક માણસ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો, કારણ કે આખરે તેણે પોતાના અસ્તિત્વની સાચી સ્વિચ શોધી લીધી હતી.

જીવનમાં સૌથી ખતરનાક સ્થિતિ એ નથી કે તમે દુનિયા માટે "ઓફલાઇન" થઈ જાવ.

સૌથી ભયાનક સ્થિતિ એ છે જ્યારે માણસનું મગજ તીવ્રતાથી ON હોય અને હૃદય સાવ OFF થઈ ગયું હોય. માણસ ખરેખર જીવતો ત્યારે જ કહેવાય, જ્યારે મગજ અને હૃદય બંને એકસાથે ON હોય.


હવે જ્યારે પણ રાત્રે ડૉ. રશેષની ડ્યૂટી હોય અને હોસ્પિટલના કોરિડોરની લાઇટો એક પછી એક બંધ થતી હોય, ત્યારે તેમની કેબિનનો કાચનો દરવાજો અચૂક પ્રકાશથી ચમકતો હોય છે. તેઓ ટેબલ પર મૂકેલી લાકડાની નેમપ્લેટ તરફ એકીટશે જોઈ રહે છે:
"ડૉ. રશેષ - સાયકિયાટ્રિસ્ટ"
તે નેમપ્લેટની બરાબર નીચે, તેમણે કાગળ પર પોતાના હસ્તાક્ષરમાં એક વાક્ય કાયમ માટે લખી રાખ્યું છે:

"દરેક દર્દી માત્ર હાડચામનું પુતળું નથી... કોઈના આખા સંસારનો આધાર છે."

તેઓ રોજ મોડી રાત્રે આ વાક્ય વાંચે છે. કારણ કે વર્ષો પહેલાં મેડિકલ કોલેજમાંથી તેઓ ડૉક્ટર તો બની ગયા હતા... પણ હવે, આ અકસ્માત પછી તેઓ પહેલીવાર સાચા અર્થમાં 'માણસ' બન્યા હતા.

હકીકતમાં, હવે ડૉક્ટર રશેષ માત્ર પ્રોફેશનલી ઓન (ON) નહોતા થયા, પરંતુ વર્ષોથી તેમની અંદર જે સંવેદનશીલ માણસ ઓફ (OFF) થઈને પડ્યો હતો, તે આજે ફરીથી જીવંત થઈને ધબકી રહ્યો હતો.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama