નવો જન્મ
નવો જન્મ


કન્યા પધરાવો સાવધાન.....
પંડિત મહારાજે વાક્ય ઉચ્ચાર્યું. સોળે શણગાર સજેલી કન્યાનું ફૂલોના વરસાદથી સ્વાગત થયું અને મંડપમાં આગમન સાથે વરરાજાએ કન્યાને પોતાનો હાથ આગળ ધરતા આવકાર આપ્યો. કન્યાદાન દ્વારા માતાપિતા એ પોતાની દીકરીને સોપી અને હસ્તમેળાપ થયો, સપ્તપદી વચનોમાં બંધાઈ બંને વર – વધૂ એક બન્યા. બંને એકમેકનાં નયનોમાં જોઈ રહ્યા. આંખમાં આંસુ સાથે કન્યાવિદાય થઇ.....
સોહામણા સપના સાથે ગૃહપ્રવેશ થયો, નવવધૂનું ઘરમાં સ્વાગત થયું, લગ્નબાદની વિધિઓ થઇ, અને એક નવો જન્મ, નવા જીવનની શરૂઆત થઇ...
...........
સમાજમાં ખુબ સારું નામ ધરાવતા સોલંકી પરિવારનું એકમાત્ર સંતાન શ્રવ્ય એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદથી વ્યવસાય અંગે જાણકારી મેળવવા થોડા દિવસો માટે રાજકોટ પોતાના મામાને ત્યાં આવ્યો હતો. મામાનાં ઘરે તેના નાના ભાઈઓ બહેનો સાથે મોજ - મજા કરતો, આનંદ માણતો. એક દિવસ બધા ફરવા નીકળ્યા, એકાએક જ વણાંકમાં રસ્તા પર વાહનો થોભેલા હતા, શ્રવ્ય એ આગળ જઈ જોયું તો લોકો ટોળું વળી ઉભા હતા, એ ટોળાની વચ્ચે એક સાઈકલ, પુસ્તકો વગેરે વેર વિખેર પડ્યું હતું, ત્યાં જ બાજુમાં એક છોકરી લોહિયાળ બેભાન પડેલી હતી, બધા બસ તેને જોઈ રહ્યા હતા. આ પરિસ્થિતિ જોઈ શ્રવ્ય અંદરથી અગ્નિથી પીડાઈ ગયો. શ્રવ્ય એ તે છોકરીને ઉપાડી અને પોતાની ગાડીમાં સુવડાવી તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો. ત્યાં તેની સારવાર થઇ, આંતરિક ઈજા છતાં સદનસીબે તે બચી ગઈ. શ્રવ્યએ તેની આસપાસ મળેલ વસ્તુઓમાંથી તેનું એક ઓળખપત્ર જોયું - કોલેજનું આઈ કાર્ડ હતું. શ્રેયા સુરેશભાઈ સરવૈયાનાં નામ સાથે અન્ય વિગતો પણ મળી આવી, એના પરથી શ્રવ્યએ તેના પરિવારને અકસ્માત અંગે જાણ કરી અને મામાનાં ઘરે આવી ગયો. થોડા દિવસના આનંદ કિલ્લોલ બાદ શ્રવ્ય અમદાવાદ પરત ફર્યો.
થોડાક મહિના આમ વીત્યા, શ્રવ્યએ પગભર બની પોતાનો વ્યવસાય શરુ કર્યો અને માતાપિતા માટે પોતાની જવાબદારી સંભાળી. એક દિવસ રાજકોટથી તેના મામા-મામી અમદાવાદ પોતાના ભાણેજડા માટે સુકન્યાનાં મેળાપનો પ્રસ્તાવ લઈને આવ્યા. સોલંકી પરિવાર એ પ્રસ્તાવને હરખથી સ્વીકારી લીધો, સુશીલ, સુંદર અને શિક્ષિત કન્યાને જોવા માટે અમદાવાદથી શ્રવ્ય અને તેના માતાપિતા રાજકોટ આવ્યા, કન્યાના માતાપિતાએ એમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને બધા સોફા પર બેઠા. થોડા સંવાદોની આપ - લે બાદ કન્યા હાથમાં ચા- નાસ્તાની પ્લેટ સાથે આવી, અને શ્રવ્ય તેને એક નજરે જોઈ જ રહ્યો, “આ એ જ છે....હા, આ શ્રેયા સુરેશભાઈ સરવૈયા” ચા - નાસ્તાની પ્રક્રિયા બાદ મામાનાં કહેવાથી શ્રવ્ય અને શ્રેયા એકાંત મુલાકાત માટે ઘરની અગાસીએ ગયા. અને થોડીક ક્ષણો બંને ચુપ રહ્યા, શ્રવ્ય શ્રેયાને નિહાળી રહ્યો હતો, અંતે તેણે જ શરૂઆત કરી..
“હવે તમને કેમ છે?”
“મને તો સારું જ છે. કેમ પહેલો પ્રશ્ન એવો?”
“થોડાક સમય પહેલા તમારો અકસ્માત થયેલોને?”
“હા.. કોઈ સારા છોકરાએ મને હોસ્પિટલ પહોચાડી મારો જીવ બચાવ્યો હતો, હું તેમનો આભાર પણ ન માની શકી.. પરંતુ એ અકસ્માત વિશે તમને કેમ ખબર?”
“તમારો એ આભાર સ્વીકારવા એ વ્યક્તિ આજીવન તમારી સમક્ષ રહેવા તૈયાર છે.”
“શું?”
(થોડીક ક્ષણોની શાંતિ બાદ)
“શું એ તમે જ હતા?”
“હા,.... તો શું તમે આજીવન આ ચહેરાને તમારી સમક્ષ નિહાળવા તૈયાર છો?”
શ્રેયા એ હળવા સ્મિત સાથે પોતાના નયનો ઢાળી દીધા, અને પૂછ્યું,
“બીજા કોઈ પ્રશ્ન છે તમારા? ”આછેરાં સ્મિત સાથે શ્રવ્ય એ પણ કહ્યું,
“હવે કોઈ પ્રશ્ન નથી રહ્યો.”
.........
આમ જ એક વર્ષ બે વર્ષ વીત્યા, સુખી સંપન્ન પરિવારમાં બધા ખુશ તો હતા, પરંતુ એક વાત હતી, જે બધા માટે કષ્ટદાયક હતી, શ્રેયાને અકસ્માતને લીધે થયેલ આંતરિક ઇજાએ તેમનું જીવન સાવ સુનું કરી મુક્યું.... હા, શ્રેયા સંતાનસુખ ખોઈ બેઠી હતી, જેના કારણે આજે પણ આ ઘરમાં એક સુનકાર હતો, કોઈ કહેતું નહિ પણ કોઈ એક ખોટ વર્તાતી હોય. જે હતી કોઈના કલરવ, તોફાન, મસ્તી- મજા કરનાર, કાલું ઘેલું બોલનાર, પાપા પગલી માંડી બધાને હેરાન કરનાર નાના બાળકની, જે એમના જીવનમાં નહોતું, કદાચ ઈશ્વરની જ એવી ઈચ્છા હશે, એમ માની બધા પોતપોતાનો સમય વિતાવી રહ્યા હતા,.....
..........
“ઉઆઆઆ”...... એક મધુર ધ્વની, જે સાંભળીને સોલંકી પરિવારમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. જે અવાજને સાંભળવા બધાના કર્ણ અતુલ્ય રાહમાં હતા એ રાહ નો અંત આવ્યો. ઘરમાં કોયલનો ટહુકાર કરતી, સરસ્વતીનું ધ્યાન ધરતી, લક્ષ્મી નાં રૂપ સમાન એવી ઢીંગલી નું આગમન થયું, શ્રવ્યએ “પ્રેમ અનાથાશ્રમ”માંથી એક બાળકીને દતક લીધી, જે એના પરિવારમાં ખુશીઓનો ખજાનો લઈને આવી, કુટુંબમાં બધાએ તેને હ્રદયથી આવકારી લીધી, જેમ કોઈ નવું ફૂલ ખીલે અને એની સુગંધ ફેલાઈ જાય, એમજ આ પરિવારમાં તેનો નવો જન્મ હતો અને સર્વત્ર આનંદ ફેલાઈ ગયો, ખુશખુશાલ થઇ ગયેલ પરિવારમાં એ દીકરીનું નામકરણ થયું – શ્રદ્ધા.. જેના પર દરેકનો પ્રેમાંર્પણ રોજ થતો..
“શ્રદ્ધા કેરો દીપક મારો...”