kusum kundaria

Classics Inspirational

4  

kusum kundaria

Classics Inspirational

નવી મા

નવી મા

6 mins
815


પાંચ વર્ષની દિપાલી તેના મમ્મી-પપ્પા સાથે ખૂબ જ લાડકોડથી રહેતી હતી. તે તેના મમ્મી-પપ્પાનું એકજ સંતાન. આથી ખૂબ જ લાડકી હતી. તે જે ચીજ માગે તે હાજર થતી. તે હવે સ્કૂલે પણ જતી. મમ્મી-પપ્પા સાથે ખુબ આનંદથી રહેતી હતી.


પરંતુ દિપાલીનું એ સુખ લાંબું ન ચાલ્યું. કુદરત જાણે તેનાથી રૂઠી ગઈ. દિપાલીના મમ્મીની તબિયત સારી ન હોવાથી એક દિવસ તેના મમ્મી-પપ્પા દિપાલીને સંબંધીને ત્યાં મૂકી બાજુના શહેરમાં તબિયત બતાવવા ગયા. વળતા બસમાં બેઠા હતા ત્યાં ઓચિંતા જ બસ અને ટ્રકનું એક્સિડંટ થયું. દિપાલીના મમ્મી બારી પાસે બેઠા હતા. તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા! દિપાલીના પપ્પાને સામાન્ય ઈજા થઈ હતી. તે પત્નિની લાશ હોસ્પિટલે લઈ ગયા ત્યાં પોસ્ટમોર્ટમ બાદ ઘરે આવ્યા. ઘરમાં રોકકળ થવા માંડી. ઓચિંતા અકસ્માત અને મ્રુત્યુથી બધા હતપ્રભ બની ગયા.


દિપાલીના પપ્પા પર તો જાણે આભ ફાટ્યું. તેને પત્નિના અવસાનથી ખુબ જ આઘાત લાગ્યો નાનકડી દિપાલીને તો મમ્મીનું મોઢું પણ ન જોવા દીધું તે મમ્મી વગર રડતી. મમ્મી પાસે જવાની જીદ કરતી. તે કહેતી મમ્મી ક્યાં ગઈ? હજુ એ કેમ નથી આવતી? મને મમ્મી પાસે લઈ જાવ. બધા તેને સમજાવતા મમ્મી હવે ભગવાન પાસે ગઈ. તે હવે પાછી ન આવે. પરંતુ દિપાલી તે માનવા તૈયાર ન હતી. તે રોજ મમ્મીની રાહ જોતી.


સમય સરવા લાગ્યો. સગાવહાલાઓ દિપાલીના પપ્પાને બીજા લગ્ન કરવાની સલાહ આપવા લાગ્યા. દિપાલીના પપ્પાને દિપાલીની ચિંતા થતી. પરંતુ સમાજ અને સંબંધીના આગ્રહને વશ થઈ તેણે બીજા લગ્ન કરી લીધા!


દિપાલીને બધા કહેતા હવે તારી નવી મમ્મી આવશે. દિપાલીને કંઈ સમજ પડતી નહિ. ઘરમાં આવેલ નવી સ્ત્રીને જોઈ તે મુંઝાઈ ગઈ. તેને તે મમ્મી માનવા તૈયાર ન થઈ. તેને તેની મમ્મીનો ચહેરો યાદ હતો. મમ્મીનું વહાલ યાદ આવતું. નવી મા એ થોડા સિવસ તો દિપાલીને સારી રીંતે રાખી. પણ ધીમે ધીમે પોતાનુ પોત પ્રકાશવા લાગી. તે દિપાલીને ધમકાવતી. ઘરનું કામ પણ કરાવતી. કઈ ભૂલ થાય તો દિપાલીને માર પણ પડતો. તે ક્યારેક પપ્પાને ફરિયાદ કરતી તો તેના પપ્પા નવી માને કંઈ કહે તો તે તેની સાથે પણ ઝઘડતી. દિપાલી હવે ઉમર પહેલા જ સમજદાર થઈ ગઈ. તે પપ્પાને પણ ફરિયાદ ન કરતી. તેને થતું નવી મમ્મી પપ્પા સાથે ઝઘડશે. આથી ચૂપચાપ બધુ સહી લેતી.


તેને તેની મમ્મીની ખૂબ જ યાદ આવતી. રાત્રે આકાશ સામે જોઈ ભગવાનને ફરિયાદ કરતી. તે મારા મમ્મીને શા માટે તારી આગળ બોલાવી લીધા? મારે પણ મમ્મી પાસે આવવું છે.તે હીબકા ભરી સૂઇ જતી. તેના આંસુથી ખરડાયેલા ગાલને પંપાળનાર કોઈ ન હતું.


નવી માનો ત્રાસ વધવા લાગ્યો. દિપાલી હવે સમજણી થઈ હતી. નવી મા ને તે બરાબર જાણી ગઈ હતી. પરંતુ ચુપચાપ સહન કર્યા વગર છૂટકો જ ન હતો દિપાલી હવે કોલેજમાં આવી. તેની નવી મા તેને ભણાવવા માંગતી ન હતી. તે કહેતી ક્યાંક ઠેકાણું જોઈ દિપાલીને હવે પરણાવી દઈએ તો ભાર ઓછો થાય પરંતુ દિપાલી હજુ ભણવા માંગતી હતી. તે નવી માને કરગરી મને ભણવા દો હું ઘરનું બધું જ કામ કરીશ. ઘણી આજીજી બાદ તેને ભણવાની મંજૂરી મળી.


કોલેજે તે સાદા કપડા પહેરી જતી. કોઈ સાથે બહુ બોલતી પણ નહિ. કોલેજમાં તેના જેવડી છોકરીઓ જુદી જુદી ફેશનના કપડા પહેરી મુક્તપણે હસતી ફરતી. પરંતુ તે એમ કરી શકતી નહિ તેનું મન પણ આકાશમાં ઉડવા થનગનતું. પરંતુ તેની પાંખો જાણે કપાઇ ગઈ હતી. તેને થતું ક્યારે છૂટકારો મળશે આવી જિંદગીથી? કોઇ સારો જીવનસાથી મળે તો જ તેના સ્વપ્નો પૂર્ણ થાય. ક્યારેક તે યૌવનની પાંખે સ્વપ્નોની સુંદર કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતી. ત્યારે બધું જ દુ:ખ વિસરી જતી.


કોલેજના એકાદ વર્ષ બાદ જ તેની નવી મા એ દિપાલી માટે તેના દૂરના સગામાં સંબંધની વાત ચાલુ કરી. એ પુરુષ વિધુર હતો. તેની એક નાની બેબી પણ હતી. દિપાલીના પપ્પાએ આ સંબંધની ના પાડી. પરંતુ દિપાલીની નવી મા ઝઘડવા લાગી. તમારી લાડકીમાં શું ટાંક્યું છે? કે કોઈ રાજકુમાર તેની સાથે લગ્ન કરશે. આ સારામાં સારું ઠેકાણું છે. દેખાવે દિપાલી સામાન્ય હતી. નવી માના દબાણને વશ થઈ દિપાલીના પપ્પાને એ સંબંધ મંજૂર રાખવો પડ્યો.


દિપાલી તો આ સાંભળીને ભાંગી પડી. આજે દુનિયામાં તેનું કોઇ નથી એવું લાગ્યું. તેને થોડીવાર માટે મરવાનો વિચાર આવી ગયો. તે સડક પર એકલી ચાલવા લાગી. નિર્જન જગ્યાએ આવી ઉભી રહી. થોડીવાર વિચારતી રહી.તેને થયું નહિ જિંદગીથી હારીને મરી જવુ એ તો કાયરતા છે.. તે ઘરે આવી તેને થયું વિધાતા મારા નસીબમાં સુખ નામનો શબ્દ લખવાનું જ ભૂલી ગયા છે. તેને થતું પુરુષના બીજા લગ્નની સજા તેના આગળના બાળકોએ જ ભોગવવી પડે છે.આ સમાજ પણ કેવો છે? પત્નિનું મ્રુત્યુ થતા પુરુષ તુરત જ બીજા લગ્ન કરી લે છે. આગળની પત્નિ દ્વારા થયેલ બે-ત્રણ બાળકો હોય છતાય... પુરુષ તેની બીજી પત્નિમાં ખોવાઈ જાય છે! આગળનું બધું ભૂલી જાય છે! અથવા તો બીજી સ્ત્રી આગળ લાચાર બની જાય છે. ભોગવવાનું બધુ નાના માસુમ બાળકોના ભાગે આવે છે. સ્ત્રી વિધવા બને અને તેના બાળકો હોય તો તે મોટે ભાગે પોતાની આખી જિંદગી બાળકોના ભવિષ્ય માટે કુરબાન કરી દે છે! તે બીજા લગ્નનું વિચારતી પણ નથી. પરંતુ આ તો પુરુષ પ્રધાન સમાજ છે. અહીં બધા હક પુરુષને જ મળે છે. દિપાલી આવા વિચારોમાં ડૂબી જતી. તેને નફરત થતી આવા સમાજ પ્રત્યે. પરંતુ તે સ્ત્રી હતી કરી પણ શું શકે?


તેના લગ્ન નજીક આવી ગયા. હવે તેણે કોલેજ અધૂરી છોડી દીધી. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ.

દિપાલીના લગ્ન થઈ ગયા. નવી મા એ તેને વિદાય વખતે કહ્યું,'ઘર સાચવીને રહેજે અહિં તારા માટે કોઈ જગ્યા નથી.' દિપાલીને પોતાની મમ્મી ખૂબ યાદ આવી. તેણે પપ્પાને ભેટી વિદાય લીધી.


દિપાલીના સાસરે તેની વૃધ્ધ સાસુ,તેનો પતિ અને એક ત્રણ વર્ષની બાળકી હતા. દિપાલીનો પતિ સારો હતો. તેણે દિપાલીને કહ્યું, મારી આ બાળકીને માનો પ્રેમ મળે માટે જ મે બીજા લગ્ન કર્યા છે. તું તેને સાચવીશને? દિપાલીની નજર સમક્ષ તેનું બાળપણ આવી ગયું, સગીમાના મ્રુત્યુ બાદ નવી માનો તિરસ્કાર સહન કરીને તે મોટી થઈ હતી. તેણે મનોમન નક્કી કર્યું હું આ માસુમ બાળકીને અન્યાય નહિ કરું હું તેને સગીમાંથીયે વધારે પ્રેમ આપીશ. તેણે તેના પતિને કહ્યું, તમે ચિંતા ન કરો આ મારી જ દિકરી છે.હું તેને કોઈ વાતે દુ:ખી નહિ કરું.


દિપાલીએ પોતાના બાળકની ઈચ્છા જ ન રાખી! તેને થયું મારું પોતાનું બાળક થાય તો અજાણતા પણ હું આ બાળકીને અન્યાય કરી બેસું. તેણે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી નાખ્યું! કેટલો મોટો ત્યાગ હતો એ નારીનો!


તે હવે બધું ધ્યાન આ બાળકી પર આપતી. તે તેની સાથે રમતી.. તેને જમાડતી. તૈયાર કરી રોજ સ્કૂલે મૂકવા જતી.બધા કહેતા ખરેખર ખૂશ્બુ ખૂબ જ નસીબદાર છે તેને આવી પ્રેમાળ મા મળી.

ખૂશ્બુને કોઈ કહેતા કે તારી નવી મા છે.ત્યારે એ ચિડાઈ જતી. ખૂશ્બુને તો તેની સગી માનો ચહેરો પણ યાદ નહતો. તે દિપાલીને જ પોતાની મમ્મી માનતી તેના વગર એક મિનિટ પણ ન રહેતી.


દિપાલીના જીવનની નૌકા બરાબર ચાલવા લાગી. જે મળ્યું તેને સ્વિકારી તે સંતોષથી જીવવા લાગી. પરંતુ ભાગ્યને હજુએ એ મંજૂર ન હતું. દિપાલીનો પતિ ટૂંકી માંદગીમાં જ મૃત્યુ પામ્યો. દિપાલી વિધવા બની. હવે સઘળી જવાબદારી તેના શિરે આવી. પતિની આવક લાંબી ન હતી. ઘરની પરિસ્થિતિ જોતા દિપાલીને કઈ કામ કરવું પડે તેમ હતું તો જ તે ખૂશ્બુને પૂરું ભણાવી શકે.


દિપાલીએ સીલાઈ મશીન લઈ સીવવાનુ કામ શરૂ કર્યું અને થોડી આવક ચાલુ થઈ. કરકસર કરી તેણે ખૂશ્બુની કોલેજ પૂરી કરાવી. અને તેના માટે સારો ભણેલો છોકરો પસંદ કરી લગ્નનું પણ નક્કી કરી નાખ્યું. ખૂશ્બુના લગ્ન માટે તેણે થોડી બચત કરી હતી. તેમાથી લગ્ન માટે જરૂરી ચીજો લઈ લીધી અને પોતાની શક્તિ મુજબ તેના લગ્ન કરી નાખ્યા. પોતાના માટે એક પાઈ પણ રાખી ન હતી. લગ્નમાં આવેલા તમામ સગા-સંબંધીઓ તેમજ પડોશીઓ દિપાલીના વખાણ કરતા થાકતા ન હતા. સગી મા પણ ન કરે એટલો પ્રેમ દિપાલીએ પોતાની ઓરમાઈ દિકરીને કર્યો હતો. પોતાની ખુશીઓનો ત્યાગ કરી બીજા માટે એ જીવી હતી. અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવી મા ના કલંકને તેણે ધોઈ નાખ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics