નારી તું નારાયણી
નારી તું નારાયણી


શું મહિલાઓ ક્યારેય કહી શકશે કે, 'હાં હું સ્વતંત્ર છું'
ભારત અત્યારે આઝાદીની 72મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. આમ જોવા જઈએ તો સૃષ્ટિનાં વિશાળ ફલક પર 72 વર્ષનો સમયગાળો એ તો આંખમાંથી છલકેલા એક આંસુ જેટલો જ નાનકડો છે. છતાં પણ બહાર પડી રહેલા વરસાદ વચ્ચે મારા મનમાં એક સવાલ ઊભો થયો- 72 વર્ષના આ આઝાદ દેશમાં આપણે સૌ મહિલાઓ કેટલી આઝાદ છીએ?
આઝાદ ભારતમાં ઊછરેલી એક ભારતીય છોકરી તરીકે આ સવાલનો જવાબ આમ તો હું જાણું જ છું અને દરરોજ રસ્તા પર ચાલતા આનો અનુભવ પણ કરું છું. છતાં આ સવાલનો જવાબ મેળવવા અને હાલના આંકડા જાણવા માટે મેં ઇતિહાસનાં પાનાં પલટાવવાનાં શરૂ કર્યાં અને આ માટે મેં ઇન્ટરનેટ અને ચોપડીઓને ફેંદવાનું શરૂ કર્યું. જાણવું એ હતું કે જે 'અડધી વસ્તી'નું આહ્વાન મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે 'ભારતની વણવપરાયેલી શક્તિ' તરીકે કર્યું હતું.
यत्र नार्यस्तु पूज्नयंते रमंते तत्र देवता
આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત્ર બન્યો હતો. સ્ત્રીઓ, સન્નારીઓ અને સાધ્વીનો એક જ્વલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરૂષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહિ ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીજક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગટાવ્યો હતો. બુદ્વકાળમાં અને વિશેષ કરીને જૈનકાળમાં તો સ્ત્રી પુરૂષની બરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી.
પરંતુ ત્યારપછી ભારતના સ્ત્રીઓની અવનતિનો પ્રારંભ થયો અને એટલી હદ સુધી પહોંચ્યો કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ માનવા લાગી. સ્ત્રી એ ઉપભોગની, અપહરણ કરીને ઉઠાવી જવાની કે સમજાવી- ફોસલાવીને ભગાડી જવાની વસ્તુ છે એ માન્યાએ સ્ત્રીઓને ગુલામીના ખપ્પરમાં હોમી દીધી. સ્ત્રીઓના (કુંવારી કન્યાઓના) સોદા થવા લાગ્યા અને લોહીનો વેપાર કરતી ટૉળકીનો ક્રૂર પંજા સ્ત્રીઓની સ્વતંત્રતા પર પડતા રૂપાળી દીકરીઓ માટે આબરૂભેર, નિશ્ચિતતપણે જીવવું દોહ્યાલું બની ગયું. દીકરીઓના માબાપોની ઉંઘ હરામ થઈ.
શું આજે આ અડધી વસ્તીને પોતાની પૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન કરવાની તક મળે છે ખરી ? ભારતનાં જે બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે સમાજ અને ઘણી વખતે તો પોતાનીજ બંધારણીય સભાના સભ્યો સામે લડીને આપણા આઝાદ અને સ્વાવલંબી ભવિષ્યના બીજ રોપ્યા હતા, આજે એ કાયદો આપણને ખુદના જીવન પર કેટલો અધિકાર આપી શકે છે ?
માત્ર બે ટકા મહિલાઓ સાથે આરંભ થયેલી ભારતની પહેલી સંસદ યાત્રા આજે કેટલી આગળ વધી છે ? આ સવાલના જવાબમાં મળી મને આંકડાની એક જાળ અને દેશમાં સ્ત્રી શક્તિકરણનાં નામે સમયાંતરે બનાવવામાં આવેલી કાયદાની એક લાંબી યાદી. એમાંથી કેટલીક મહત્ત્વની જાણકારીઓ અંગે હું તમને આગળ જણાવીશ.
કાગળોમાં લખેલી વાતો અને વાસ્તવિકતામાં એટલું જ અંતર છે જેટલું હાથમાં રહેલા ચાના સરકતા કપ અને હોઠ વચ્ચે. હાલના આંકડા અનુસાર ભારતમાં દરરોજ 106 મહિલાઓ બાળાત્કારનો ભોગ બને છે. આ 106માં ઓછામાં ઓછી 40 ટકા પીડિત તો સગીર છોકરીઓ હોય છે. આંકડાની આ સ્થિતિ તો ત્યારે છે, જ્યારે 99 ટકા યૌન હિંસાનાં કિસ્સા તો પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકતા જ નથી. એક તરફ જ્યાં મહિલા આરક્ષણ બિલ દાયકાઓથી હવામાં લટકેલું છે, ત્યાં બીજી તરફ 2018ના આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે દેશની કુલ વસ્તીનો 49 ટકા ભાગ ધરાવતી મહિલા સંસદ અને અન્ય જરૂરી સરકારી પદો પર ઘણું ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે.
આજે જ્યાં દેશના લગભગ 85 ટકા પુરુષ શિક્ષિત છે ત્યાં 65 ટકા જ છોકરીઓ જ સાક્ષર બની શકી છે. એ વાત જુદી છે કે તક મળે ત્યાં છોકરીઓ દરેક પ્રકારની રાષ્ટ્રીય પ્રતિયોગી પરીક્ષામાં સતત પોતાનું નામ રોશન કરી રહી છે. છતાંય શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતથી વંચિત દેશની હજારો છોકરીઓ માટે રેસની શરૂઆત જ થઈ શકતી નથી.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ત્રીઓની રોજગારમાં ભાગીદારી જો 10 ટકા જ વધે, તો ભારતની કુલ ઘરેલુ વપરાશ કે જીડીપીમાં 70 ટકાનો ઉછાળો આવી શકે છે. પોતાના શહેરના ચોકમાં લહેરાતા તિરંગાને જોઈને આજે દીકરીઓ મનમાં આંકડા અંગે વિચારતી હશે. તેને લાગતું હશે કે આઝાદીના 71 વર્ષોમાં તે કદાચ આટલી જ આગળ વધી શકી જેટલું કોઈ 78 દિવસો કે પછી 78 મહિનામાં આગળ વધી શકે છે. તેને તો ખૂબ આગળ વધવાનું છે. એક એવા ભારતમાં પોતાની આંખ ખોલવાની છે જ્યાં તે નિડર બની જીવી શકે અને એક દિવસ કદાચ આપણાં 178માં આઝાદી દિને તમે સૌને કહી શકો 'આઝાદી મુબારક, મિત્રો.'