મા તને સલામ
મા તને સલામ


આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે મધર્સડેની રાહ ન જોવાની હોય.
" મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ."
મિત્રો આજે આવી જ એક માતા વિશે આપ સમક્ષ વાત કરવી છે.
ઈંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો.૧૩ વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણકે એ ડિસ્કલેસિયા એટલેકે તારે ઝમીં નામની મૂવી માં ઈસાન ને જે રોગ એવા રોગનો પેશન્ટ હતો.પરંતુ તેની માતા પોતાના દિકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણયો જાતે લે એ માટે એની માતા તૈયારી કરતી.
આ છોકરાની શાળાથી ૩કિલોમીટર દૂર ક્રોસિંગ પર એને એકલો મૂકી દેતી અને એને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડિસ્લેક્સીયાના દર્દીને એકલો મૂકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દિકરાને દુનિયાની સામે ઉભો રાખવો હતો. પેલો છોકરો મહામહેનતે એની સ્કૂલ સુધી પહોંચી શકતો. ક્યારેક રસ્તો ભટકી પણ જતો. આમ છતાં એની માતા એના બાળક ને એકલો જ મૂકતી.
૧૩ વર્ષની ઉંમર પછી એને એક હોસ્ટેલમાં બેસાડવામાં આવ્યો પણ તેના વર્તણૂક ના કારણે એને ૧૬માં
વર્ષમાં સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. દિકરો સંપૂર્ણપણે હારી ગયો હતો પરંતુ તેની માતા પોતાના દિકરાને હિંમત આપવા માટે તેના સાથે હતી. હવે આ છોકરાને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો તેથી તેની માતાએ પોતાની બધી જ અંગત બચત પોતાના ૧૬વર્ષ ના દિકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ "સ્ટુડન્ટ" નામનું એક મેગેઝિન શરૂ કર્યું, પરંતુ મિત્રો તે મેગેઝિન વાંચનાર કોઈ હતું નહીં એટલે માતા એ ગાંઠ નું ગોપીચંદન કરી ને એની ૫૦,૦૦૦ કોપી મફતમાં વહેંચી.
મિત્રો આ વાર્તા પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે દિકરાની દરેક નિષ્ફળતા વખતે તેની માતા તેની સાથે હતી અને પોતાના ડિસ્લેક્સીયા બાળકને સધિયારો આપતી રહી. આ દિકરાએ પણ પોતાની માતાના સપના સાકાર કર્યા અને એક ડિસ્લેક્સીયા બાળક શું કરી શકે છે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.
મિત્રો આ ડિસ્લેક્સીયા પીડિત બાળક એટલે વર્જીન ગૃપની ૪૦૦ કંપનીઓનો માલિક અને ૩૫,૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતો ઈંગ્લેન્ડનો ચોથા નંબરનો ધનકુબેર વ્યક્તિ રીચાર્ડ બ્રાન્સન.
"એક માતા ૧૦૦ સારા શિક્ષકોની ગરજ સારે છે" આ કહેવત એમને એમ નથી પડી. ઈવ બ્રાન્સન જેવી ઘણી બધી માતાએ આ કહેવતને ચરિતાર્થ કરી છે.
અંતમાં માતા ના પ્રેમ વિશે ફક્ત એટલું જ કહીશ કે
"માં વગર જિંદગી વેરાન હોય છે,
સારા એવા સફરની રાહ પણ સૂમસામ હોય છે,
જિંદગીમાં એક માતાનું હોવું ખૂબ જ જરૂરી છે,
કારણકે મિત્રો,
માતાની દુઆથી મુશ્કેલ ભર્યું કામ પણ સરળ થઈ જાય છે."