STORYMIRROR

Vatsala Shah

Romance

3  

Vatsala Shah

Romance

નામકરણ

નામકરણ

5 mins
14.6K


સોનલ અને સોમ આજે બહુ ખુશ હતા કારણ કે આજે જ એમના લગ્નની વાત પાક્કી થઈ હતી.આમતો બને જણા નાનપણથી જ સાથે ભણ્યા, સાથે રમ્યાં, સાથે જ મોટા પણ થયા પણ આજની વાત કાઈક અલગ જ હતી. આજે એમના નાનપણના પ્રેમને એમના માતા પિતાની સમંતિ મળી હતી. સોનલ બહુ જ ખુશ હતી કારણ કે એક જ મહિનામાં એના ઘડિયા લગ્ન લેવાના હતા. સોમને એક નાની બહેન હતી અને યોગાનુયોગ એનું નામ પણ સોનલ જ હતું.

સોમની બહેન સોનલ પરણીને વિદેશ જવાની હતી. તેથી જ સોમના માતા-પિતાએ એમની દીકરીનાં લગ્ન પહેલાં સોમનાં લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. ફેબ્રુઆરીની બારમી એ સગાઈ અને ચૌદમી એ લગ્નની તારીખ આવી હતી.

સગાઈ અને લગ્નની તારીખ સાંભળીને સોનલ તો ગગનમાં વિહરવા લાગી પ્રેમીઓના દિવસ તરીકે ઉજવાતા 'વેલેન્ટાઈન ડે'ના દિવસે સોનલ અને સોમ પ્રભુતામાં પગલા પડવાના હતા.

એક દિવસ લગ્નની ખરીદી કરવા માટે સોનલનાં સાસુ રમીલાબેને સોનલને સાસરે તેડાવી. આમ તો સોનલ ઘણીવાર રમીલા આંટી સાથે ખરીદી કરવા જતી પણ આ વખતની ખરીદી તો એના માટે એકદમ રોમાંચક હતી. એ આંટી સાથે નહિ પણ થનાર સાસુ સાથે પોતાના લગ્નની ખરીદી કરી કરી રહી હતી. ખરીદી કરીને સાંજે ઘરે આવ્યા બાદ રમીલા બેને સોનલને કહ્યું "બેટા આજે સાંજે અહી જ જમીને જજે કેમકે સાંજે ફોઈ અને માસી આવવાના છે. તેમને ખરીદી કરેલું બધું બતાડી પણ દઈશું અને તું પણ બધાને મળી લેજે. સાંજે બધાં ભેગા થયા. આમ તો સોનલને બધાએ ક્યારેક ને ક્યારેક તો જોઈ જ હતી પણ આજે સોનલ વધારે સુંદર લગતી હતી.

સહેજ શ્યામવરણી કાયા પણ નાક નકશો તો કોઈ શ્વેત વરણીને પાછળ મૂકી દે એવા. અણીયારી પાણીદાર આંખ, કાળા ભમ્મર કેશ અને એમાય આકાશી રંગનો સાઉથ કોટનનો ફીટીંગવાળો ડ્રેસ પહેર્યો હતો એણે. સ્વભાવે મળતાવડી સોનલને હલતાં મળતા જરાય વાર ન લાગી. થોડી જ વારમાં સોમના ફોઈ અને માસીને જાણે પોતાની સગી ફોઈ અને માસી બનાવી લીધા. થોડા જ સમયમાં સોનલે બધાને પોતાના કરી લીધા. તેમાં સોમ પણ મદદરૂપ બન્યો હતો કારણ કે સોમ સોનલને પોતાના ઘરની નાની નાની વાતો કહેતો. બધાની પસંદ-નાપંસદ શું છે તેની વાત કરતો અને એટલે જ કદાચ સોનલને કોઈ અજાણ્યું લાગ્યું નહિ.

સાંજે જમી લીધા પછી બધા વાતો કરવા બેઠા હતા ત્યાં અચાનક સોમના શાંતા ફોઈ બોલ્યા "અલી, એ રમુડી બધું હારું છે આ છોડીમાં પણ મને એક વાત ના ગમી.." ફોઈબા બહુ મોટી ઉંમરવાળા હતા, બધા એમનું માન સાચવતા અને લગભગ એ કહે તેમ જ બધાના પ્રસંગમાં કરવું પડતું. રમીલાબેન બોલ્યા, "શું થયું ફોઈબા કોઈ ભૂલ થઈ ગઈ મારી વહુથી?" "ના, ના હવે ભૂલબુલ કાઈ નહિ પણ આ છોડીનું નામ અલી આપની છોડીનું નામમ પણ સોનલ અને વહુનું નામ પણ સોનલ, એક કામ કરો કાલે એના મા-બાપને બોલાવીને કહી દો કે લગ્ન પછી અમે છોડીનું નામ બદલશું અને કૈક હારું નામ રાખશું.." આ વાત સાંભળીને સોનલનાં પગ નીચેથી જમીન ખસી ગઈ. આંખમાં ઝળહળિયા આવી ગયા. બધાની વાતો સંભાળતો સોમ રૂમની બાલ્કનીમાં હિંચકા પર બેઠો બેઠો સ્તબ્ધ બનેલી સોનલ સામે જોઈ જ રહ્યો. કેમ કે તેને ખબર હતી કે સોનલને પોતાનું નામ કેટલું ગમતું હતું અને ખરી રીતે તેના પિતાએ તેનું આ નામ પોતાની માતા સોનબા ઉપરથી રાખ્યું હતું. સોનલના પિતા પોતાની માને ખૂબ જ પ્રેમ કરતા હતા. સોનલના જન્મ પહેલા જ તેમના માતા શ્રીજી ચરણ થયા હતા. પરંતુ સોનલમાં તેમને પોતાની માજ દેખાતા એ હમેંશા એમ જ કહેતા "આ તો મારી મા છે જે દીકરી રૂપે પાછી આવી છે. એટલે જ તો મારી લાડકી માનું નામ મેં મારી લાડકડી દીકરીને આપ્યું છે. 'સોનલ..'"

આ બાજુ બધા લગ્ન પછી સોનલનું બીજું નામ શું રાખશું એની ચર્ચા કરી રહ્યા હતા અને બહાર હિંચકા પર સોમ ફોઈબાની ત્રણ વર્ષની પૌત્રી ઉન્નતી સાથે રમતા રમતા સોનલના ચહેરાના હાવભાવ વાંચી રહ્યો હતો. ઉન્નતી કાલી ઘેલી ભાષામાં સોમ સાથે વાતો કરતી પણ પોતાનું નામ એ બરાબર બોલતી. રમતા રમતા સોમે ઉન્નતીને ઉન્નુંડી ઉન્નુંડી કહીને ચીડવવાનું શરુ કર્યું. જેટલીવાર સોમ એને ઉન્નુંડી કહે એટલીવાર ઉન્નતી પોતાનું નામ શુદ્ધ રીતે જોરથી બોલે અને આવી રીતે સોમે એને વારંવાર ચીડવી અને આખરે ઉન્નતીએ રડતા રડતા જોરથી ચીસ પાડીને બોલી. "માલુ નામ ઉન્નતી છે.." જ્યાં બધા વાતો કરતા હતા ત્યાં ઉન્નતિની ચીસાચીસથી સોપો પડી ગયો. ફોઈબા એ સોમને બુમ પાડી. "એ અલ્યા હું થયું છોડીને?"

ઉન્નતી રડતા રડતા દાદીના ખોળામાં આવીને પોતાની કાલી ઘેલી ભાષામાં કહ્યું કે "તાતા માલુ નામ બગાડે છે મને ઉન્નુંડી કે છે.."

ફોઈબા એ ઉન્નતિની વાત સાંભળી સોમને કહ્યું, "સોમ બેટા ઉન્નતીને એનું નામ બહુ વાહલું છેઅમે ક્યારેક એને લાડમાં બીજા નામથી બોલાવીએ તો પણ અમને કહે છે કે "મારું નામ ઉન્નતી છે ઉન્નતી બીજા નામે નહિ બોલાવવાનું. ." એ જ ઘડી એ સોમ ઊભા થઈને અંદર આવ્યો અને બધાને કહ્યું, "ફોઈબા જો આ ત્રણ વર્ષ છોકરીને પોતાના નામની સાથે આટલો પ્રેમ હોય તો મારી થનાર પત્ની તો પચ્ચીસ વર્ષ પોતાના એ નામ સાથે જીવી છે તો શું એને પોતાના નામ સાથે પ્રેમ નહિ હોયલાગણીઓ નહિ હોય? એ પરણીને અહીં આવશે ત્યારે પોતાનું ઘર, પોતાના માબાપ અને પોતાના પાછળ લાગતું પપ્પાનું નામ સુદ્ધા છોડીને અહીં આવશે અને અહીંના રીતભાત બધું જ અપનાવીને અહીંને થઈ જશે. એ ફક્ત એક જ વસ્તુ પોતાની સાથે લાવે છે પોતાનું નામ, પોતાની ઓળખ. જે નામ સાથે એણે પચ્ચીસ વર્ષ જીવન જીવ્યું. એ ઓળખ એની પાસેથી કેવી રીતે છીનવી શકાય? જો એ આપણું બધું જ સ્વીકારી શકે તો શું આપણે એનું એક નામ પણ સ્વીકારી ન શકીએ." સોમની આ વાત સાંભળી સોમની બહેન સોનલે પોતાના ભાઈનો સાથ આપતા તાળીઓથી વધાવી લીધો અને બોલી, "મા, સોનલભાભી તો પહેલેથી જ આપણાં ઘરમાં આવતા હતા ત્યારે તો મારા અને તેમના નામમાં તમને ક્યારેય મુશ્કેલી નથી થઈ અને હવે તો હું પરણીને વિદેશ જવાની છું તો આ દીકરી સોનલ નહિ તો બીજી દીકરી સોનલ તમારી સાથે રહેશે અને એમ પણ તમે બધા મને સોનું જ કહો છો ને. આ બધી ચર્ચા થતા ફોઈ બા પણ માની ગયા કે સોનલનું નામ નહિ બદલાય અને બીજી બાજુ રૂમના એક ખૂણામાં ઊભેલી સોનલ બોલી, "હું જન્મી ત્યારે મારા પપ્પાએ મારું નામકરણ કર્યું હતું અને આજે જયારે હું પરણીને સાસરે આવવાની છું ત્યારે મારા ભાવી પતિએ મને મારું પોતાનું નામ પાછું અપાવીને ફરી એકવાર મારું નામકરણ કર્યું છેથેંક્યું સોમ ...આઈ લાવ યુ. એ બોલતાં જ એની આંખના ખૂણામાં સંગ્રહાયેલું અશ્રુ મોતી બની એના ગાલ પરથી સરકી ગયું.


Rate this content
Log in

More gujarati story from Vatsala Shah

Similar gujarati story from Romance