Mahebub Sonaliya

Drama Romance

5.0  

Mahebub Sonaliya

Drama Romance

લવ મેરેજ 5

લવ મેરેજ 5

7 mins
822



અહાનને જ્યારે જીપમાંથી ઉતારવામાં આવ્યો ત્યારે આખી ચોકીના લોકો તેને જોવા માટે ઉત્સુક હતા. તેઓ પ્રવેશદ્વાર પાસે ટોળે વળી ગયા હતા. અહાનને એક કુખ્યાત કેદીની માફક ખેંચીને પૂછતાછ માટે લાવવામાં આવ્યો હતો. કિસ્મત ક્યારે કોની સાથે કેવા ખેલ ખેલે તે કહી શકાય નહીં. ઇન્સ્પેક્ટર અહાન મજમુદારને એક સમયે આખી ચોકી સલામ ભરતી અને આજે તે જ પોલીસ ચોકીમાં તેને એક સંદિગ્ધ તરીકે લાવવામાં આવ્યો છે. ચારેકોર હાહાકાર મચી ગયો છે એ સાથે જ થોડા લોકો અહાનને નિર્દોષ કહી રહ્યા હતાં. તો થોડા લોકો ગુનેહગાર. લોકોને સાચા ખોટા સાથે કશું લેવા દેવા નહોતું. તેમને તો એક પૂર્વ પોલીસ કર્મીની દુર્દશા તેમના ડિપાર્ટમેન્ટના હાથે થાય છે તે જોવામા જ રસ હતો. અહાનને ઢસડીને લઈ જવામાં આવ્યો અને એ સાથે જ બેરહમીથી ઇન્ટેરોગેશન રૂમમાં ગોંધી દેવાયો.


અંધારા ઓરડામાંની મધ્યમાં એક જુનવાણી કાષ્ટ ટેબલ હતું. ટેબલના બંને છેડે ખુરશી હતી. એક છેડે ખુરશી પર અહાન બેસેલો હતો અને બીજા છેડા પરની ખુરશી કોઈના આવવાની રાહ જોઈ રહી હતી. ઓરડો અંધાર, ગૂંગળામણ, તીવ્ર દુર્ગંધ અને હતાશાથી ભરેલો હતો. અહાન માટે આ ઓરડો અજાણ્યો ક્યાં હતો ? તે ઘણી વાર અહીં આવી ચૂક્યો હતો પરંતુ આજે ફરક એટલો કે તે એક ગુનેગાર સ્વરૂપે આવ્યો ન હતો પણ લાવવામાં આવ્યો હતો.જિંદગીમાં અહીં આવી રીતે પણ આવું પડશે, તેવું તો તેણે સપને પણ નહોતું વિચાર્યું . ત્યાં ન તો શુદ્ધ હવા હતી. ન તો પીવા માટે પાણી. ત્યાં પ્રકાશ પણ ખૂબ જ ઓછો હતો. તે ઓરડામાં એક પણ બારી ન હતી. અંદર પ્રવેશવા માટે એક જ દ્વાર હતું અને તે પણ બંધ કરી દેવાયું હતું. માથા ઉપર ફરતો પંખો ગોકળગાયની ગતિએ ધીમેધીમે ઘૂમી રહ્યો હતો. અહાનને અહીં આવવાનું દુઃખ તો નથી પરંતુ અહીં તેને શા માટે લાવવામાં આવ્યો છે તે જાણવાની ઉત્કંઠા છે. લગભગ એકાદ કલાકથી તે આ ઓરડામાં બફાઈ રહ્યો હતો. તે વારે વારે ઘડિયાળ પર નજર કરતો અને દ્વાર તરફ જોતો.આખરે બંધ ઓરડાનો દરવાજો ખુલ્યો અને તેની સાથે જ અહાનની એકલતા દૂર થઈ.

 

"સારું થયું તું આવ્યો નહીં તો હું અહીં બોર થઇ જાત" સામે આવી રહેલા પરિચીત ચહેરાને જોઈ અહાને મશ્કરી કરી.


"બહુ શાણો બને છો? જો હું મારી સ્ટાઇલથી પૂછતાછ શરૂ કરીશ તો તું બોર નહિ થા પણ , તારી આંખોમાંથી બોર બોર જેવા આંસુ બહાર આવી જશે. તું એ વાત ગાંઠે બાંધી લેજે" સલમાન ખાનની દબંગ મૂવીની જેમ જ ચશમાં ને ગોળ ગોળ ઘુમાવી સટાઇલથી ઇન્સ્પેક્ટર અમિત વાઘેલા બોલે છે.


અમીત વાઘેલા એટલે નવા યુગનો નવો પોલીસ મેન. તે અને અહાન લગભગ સમવયસ્ક હતા. તેણે બહુ થોડા સમયમાં ઘણું બધું શીખી લીધું હતું. તેમાનું મુખ્ય હતું આગળ કેમ વધવું , ટકી કેમ રહેવું, કોની પાસે સલામી કરાવવી અને કોને સલામ બજાવવી! તેનું વ્યક્તિત્વ એટલું રુઆબદાર હતું કે તે વરદી વગર પણ ગમે ત્યાં જાય તોય લોકો તેને સલામ કરે.


"મેં સાંભળ્યું છે મારી પહેલાના આ ચોકીના ઓફિસરે અચાનક રાજીનામું આપી દીધું હતું" અમીત વાઘેલા અહાન સામે વિસ્મયની નજરે જોયું.

"હા ઓફિસર, હજી અમુક લોકોમાં આદર્શ જેવી વાત પણ હોય છે."

"તારા આદર્શની તો પીપુડી બનાવીને... " અમિત આક્રોશવશ ઊભો થયો. તેણે શાંત બેસેલા અહાનની છાતી પર જોરદાર લાત મારી. અહાનની ખુરશી ઊંચી થઈ ગઈ. તે લગભગ ઊંધા માથે જવા તૈયાર જ હતી ત્યારે અમિતે અહાનનો કાંઠલો ઝાલીને તેને પડતા રોક્યો.


"તે દિવસે શું થયું હતું મિત્ર? અહાને ફરી સ્વસ્થ થઈને કહ્યું.

"ક્યા દિવસે?" અમીત બધું જાણતો હોવા છતાં સાવ અજાણ બનતા બોલ્યો.

"ઓહ ભૂલી ગયો? આમ પણ તે ઘણા બધાં ગુના આચર્યા છે. તને કોઈ એક પાપ કયાંથી યાદ આવે!" અહાન તેની આંખોમાં આંખો નાખી બોલ્યો.


"તું મારી પૂછપરછ કરવા આવ્યો છો? મારા ઈન્ટેરોગેશન રૂમમાં હું સવાલ પૂછીશ અને તું માત્ર જવાબ દઈશ" તે ટેબલ પર બેસી ગયો. તેનો એક હાથ તેના પગ પર હતો અને બીજા હાથ વડે તેણે અહાનનું જડબુ પકડી રાખ્યું હતું

"મને નરેન્દ્ર વાળા પકડીને લાવ્યા છે. હું માત્ર તેને જ જવાબ આપીશ. કોઈ દગાબાજને નહીં" 

"અહાન..." અમીત વાઘેલા પોતાનો હાથ ઉગામીને બોલ્યો.

"સાહેબ એક મિનિટ" એક કોન્સ્ટેબલ ઈન્ટેરોગેશન રૂમમાં દોડતો દોડતો આવ્યો.

"શું છે એલા? તને ખબર નથી આપણે ત્યાં મોંઘેરા મહેમાન આવ્યા છે?" 

"સાહેબ પેલા ડોસાનો છોકરો મળી આવ્યો છે." પેલો કોન્સ્ટેબલ નીચી ગરદન કરી બોલ્યો.


"ક્યાં છે તે હરામખોર? કોના હાથે ઝડપાયો?" 

" હજી ઝડપાયો નથી. વાળા સાહેબ કેટલાય દિવસથી પિયુષનો નંબર ટ્રેસ કરતા હતા. તેનું લોકેશન આજ મળી ગયું છે . તેમને વધારે ખબર પડે છે. એટલે તેમણે મને તમારી પાસે મોકલ્યો."

અમીત વાઘેલાએ કોન્સ્ટેબલના હાથમાંથી લેપટોપ ખેંચી લીધું. તે કોઈની પરવા કર્યા વગર ફટાફટ લેપટોપની ચાંપ દબાવી રહ્યો હતો. તે એટલી જલ્દી કામ કરી રહ્યો હતો કે જાણે કોમ્પ્યુટરમાંથી હાથ નાખીને તે પિયુષ અને માનસીને દબોચી લેત! 


"કાશ 'જટાયુ' આજે કાર્યરત હોત. આ બધું તારા લીધે જ થયું છે અહાન" અમિત વાઘેલા અહાન સામે ધૃણા પ્રદર્શિત કરતા બોલ્યો.

"જટાયુ...?" કોન્સ્ટેબલ તથા અહાન બંને એક સાથે બોલ્યા. તોય બંન્નેના ભાવ અલગ અલગ હતા.

પોલીસ ઇન્સપેક્ટર તરીકે અહાને કરેલું અંતિમ કામ જટાયુ ને સાવ નિષ્ક્રિય કરી દેવાનું હતું. તે સમયને તે યાદ કરે છે તો પણ તેના શરીરમાં લોહી ચાર ગણી ગતિથી દોડવા લાગે છે. અહાને બનાવેલું જટાયુ તેણે પોતાના હાથે જ નિષ્ક્રિય કરતાં તે ઘણો દ્રવી ઉઠ્યો હતો. પરંતુ તે ખૂબ જ જરૂરી હતું.


" તે હોત તો આવા કેટલાયને પકડી પડેત. પણ અહાન તે બહુ કરી" વાઘેલાએ છણકો કર્યો.

"તમારો ઇરાદો તો જાણે દાઉદને પકડવાનો હતો" અહાન ગુસ્સામાં બોલ્યો. 

" ચૂપ..." અમિતે અહાનને એક જોરદાર તમાચો માર્યો . અહાનની નાસિકામાંથી રક્તધારા વહી રહી હતી. 

"અરે જીનિયસ, આ શું પિયુષનું લોકેશન વારેવારે કેમ ફરી રહ્યું છે?"

"મતલબ" અહાને પૂછ્યું 

"છોડ ભાઈ તું ક્યાં પહેલા જેવો સ્માર્ટ ઓફિસર હતો. મારે એક કેદીને શા માટે કૈં પૂછવું જોઈએ?"

અહાને તેના દંભ પર સ્મિત કર્યું .


"જો તારે જોવું છે? સ્માર્ટ ઓફિસર કેવો હોય?"તેણે અહાન સામે જોઇને કહ્યું.

અહાન કોઈ પ્રતિઉત્તર આપ્યા વગર તેને જોઈ રહ્યો હતો.

" જાઓ શ્રીનગર પોલીસને માહિતી આપો કે અમારો એક ભાગેડુ દાલ સરોવરમાં આરામથી વિહાર કરી રહ્યો છે. તેના વાળ પકડી અને ઢસડીને મારા પગ સુધી લાવો."અમિત વાઘેલા એક કોન્સ્ટેબલને ફરમાન કર્યું


"તું કૈંક ભૂલ કરી રહ્યો છે મિત્ર" અહાને મૌન તોડ્યું.

"હા એટલે જ તો આજે ટેબલની આ તરફ હું છું અને પેલી તરફ તું!" તે અહાનની વાતને સાવ અવગણતા બોલ્યો.

અમિત સીધો જ શ્રીનગર પોલીસ સાથે જોડાયેલો હતો. ટ્રેકરથી મળતા સિગ્નલ પ્રમાણે તે શ્રીનગર પોલીસને દોડાવી રહ્યો હતો. પોલીસની ટુકડી શાંત દાલ સરોવરના તટને ફિંદી રહી હતી. વાઘેલા તેમને વારે વારે ભિન્ન ભિન્ન સ્થાન પર મોકલતો હતો. તેનું મુખ્ય કારણ હતું કે ટ્રેકરમાંથી મળતા સિગ્નલ. તે બહુ તેજીથી પોતાનું લોકેશન બદલી રહ્યા હતા. પોલીસનો મોટો કાફલો જોઈને કાશ્મીરી લોકોને બહું નવાઈ લાગે નહીં. તે લોકો આ દ્રશ્યથી ટેવાયેલા છે. અહીં ક્યારેક પોલીસની તો ક્યારેક આર્મીની ટુકડી આમ દોડા દોડ કરતી છાસવારે જોવા મળે. સડક પર દોડતા પોલીસ જવાનો પાગલની માફક સિગ્નલ ટ્રેસ કરી રહ્યા હતા.


પોલીસ નિશાત બાગમાં પ્રવાસીઓની ભીડને ચીરતા પહોંચી ગઈ હતી. નિશાત બાગનો અર્થ જ ખુશીનો બગીચો, પરંતુ પોલીસમેનના ભાગ્યમાં એટલી ખુશી પણ ક્યાં હતી કે તે આ બાગની મનમોહકતાને માણી શકે!

તે લોકો એક પછી એક સીડીઓ ચડી રહ્યા હતા . ત્યાં રહેલી અલભ્ય પુષ્પોની જાત, ચીનાર વૃક્ષ અને સરુના ઝાડ, સિડીદાર સ્થાપત્ય, ગોપી તીર્થમાંથી નીકળતું અને બાગના ઉંચા સ્થાપત્યો માંથી ઝરતું પવિત્ર જળ. જ્યાં જુઓ ત્યાં દિલકશ દ્રશ્યો! આ ભારતનો બીજા નંબરનો મોટો બગીચો છે. અહીં કોઈ આદમીને શોધવો ઘાસના મેદાનમાં સોય શોધવા જેટલો અઘરો છે. 


એક વાર વાઘેલાએ હાલના સ્થાનથી ટાર્ગેટ સો મીટરની દુરી પર જ દેખાય છે તેવી માહિતી આપી.પરંતુ તે લોકો જેમ જેમ નજીક જઈ રહ્યા હતા તેમ તેમ ટાર્ગેટ દૂર દૂર જઈ રહ્યું હતું. વાઘેલાની નજર જરા પણ વાર માટે સ્ક્રીન પરથી હટતી નોહતી. તેના ચહેરા પર ચિંતાનું વાદળ દેખાઈ રહ્યું હતું. તેણે તરત જ ગલી બદલવાનું કહ્યું. તે લોકો વાઘેલાના ઈશારે એક પછી એક સ્થળે ભાગી રહ્યા .અચાનક વાઘેલા એ તેમને રોકાય જવાનું કહ્યું. આખી ટુકડી તરત જ ઉભી રહી ગઈ. તેણે આદેશ આપ્યો ટાર્ગેટ તમારા સામે જ છે.


સામ છેડેથી જવાબ આવ્યો સાહેબ આ અશક્ય છે. અમારી સામે, અમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી સરોવર જ દેખાય છે જમીન નથી. વાઘેલા એ તરત જ વ્યાકુળતા છોડીને મગજ દોડાવ્યું. તે લોકો સરોવરમાં છે તમે કોઈ શિકારા પર ચડો. પોલીસનું દળ એક શિકારા પર ચડી ગયુ. આ વારે વારે લોકેશન બદલવાનું રહસ્ય વાઘેલાને હવે સમજાયું. તે લોકો હવે સરોવરમાંથી મળી રહેલા સિગ્નલને ટ્રેક કરી રહ્યા હતાં. 


તેઓ શિકારા પર સવાર થઈને છેક ફ્લોટીંગ માર્કેટ સુધી ગયા. દાલ સરોવર પર તરતા શિકારામાં સજેલી દુકાનો ફૂલ, ફળ , જીવન જરૂરિયાતનો સામાન બધું જ શિકારામાંથી પ્રાપ્ય થાય. તેઓ એક દુકાન બાદ બીજી દુકાન તપાસી રહ્યા હતા

લગભગ એકાદ કલાકની જદ્દોજેહદ બાદ શ્રીનગર પોલીસનો સંદેશ આવ્યો 


"જનાબ આપણે જે સિગ્નલને ટ્રેક કરી રહ્યા હતા તે ટાર્ગેટ મળી આવ્યુ છે" 


"તમને અમારો ફરાર શખ્સ મળ્યો?" વાઘેલાનું ધૈર્ય હવે ખૂટી ગયું હતું. એટલે તેણે સીધી તેના મતલબની વાત પૂછી.


"ના જનાબ , જે શિકારામાંથી સિગ્નલ આવી રહ્યું હતું. અમે તેની તપાસ કરી તો અમને બસ મોબાઇલ મળ્યો છે" અહાન અટ્ટહાસ્ય કરતો બોલ્યો. તેનું હાસ્ય કોટડીમાં ગુંજી રહ્યું હતું. 


ત્યાં જ શ્રીનગર પોલીસનો સંદેશ આવ્યો 


"જનાબ મને લાગે છે કાં અપરાધી બહું ચાલાક લાગે છે. કાં તો પછી તે તમારી સાથે મજાક કરી રહ્યો છે. તેણે ચાલતાં શિકારામાં પોતાનો મોબાઈલ છોડી દઇ આખી પોલીસ ટુકડીને દોડાવે રાખી છે." 


વાઘેલા એ ગુસ્સામાં ફોન લાદી પર પટક્યો. તેણે અહાનનો કાંઠલો પકડતા કહ્યું


"તને કેમ ખબર પડી?" 


"હું એટલો હોશિયાર હોત તો ટેબલની પેલી તરફ ન હોત!" અહાન ફરી હસતા બોલ્યો. 


"બોલ આ ડોસાના છોકરાને કેમ શોધું? તે ક્યાં છે?" અહાનના ગાલ પર ફરી તમાચા જડતો વાઘેલા બોલ્યો.


"મને એટલું કહો કે મને અહીં શા માટે લાવ્યા છો?" અહાને સીધી તેના મતલબની વાત કરી.


"અરે આ ડોસાનો છોકરો એવી જ રીતે આ શહેર છોડીને ભાગ્યો છે.જેવી રીતે તું આપણા સૌથી મોટા ઓફિસરની છોકરીને લઈને ભાગ્યો હતો. એવો સમય, એવા જ ટ્રાન્સપોર્ટેશનમાં અને એવા જ પ્લાનથી. બસ એ જ શંકાના આધારે તને ગિરફતાર કર્યો છે"


અહાન પોતાની સાહસપૂર્ણ કથાને યાદ કરતો સ્મિત કરી રહ્યો હતો. તેણે પોતાની નજર સામે પોતાનો રોમાંચક ભૂતકાળ વાગોળવા આંખો બંધ કરી! થોડા વર્ષો પહેલા તેણે જ મોબાઈલ વડે બધાને આવી રીતે ગુમરાહ કરેલા. આ ઘટના હજી સુધી થોડાક જ લોકો જાણતા હતા! પિયુષ એક પછી એક બધી બાબતમાં અહાનની નકલ શા માટે કરી રહયો છે? અહાનને તે વાતની ખૂબ જ નવાઈ લાગી રહી હતી

***


Rate this content
Log in

Similar gujarati story from Drama