Mahebub Sonaliya

Drama Romance

3  

Mahebub Sonaliya

Drama Romance

લવ મેરેજ 4

લવ મેરેજ 4

8 mins
784"ભાભી, હવે શું થશે?" ભયભીત નીતુ બોલી.

"હું પણ તે જ વિચારું છું." ચેસની રમતમાં ડૂબેલી અનવી બોલી,

નીતુને અતિ વિસ્મય થયો. થોડી વાર પહેલા ડરી ગયેલી અનવી અત્યારે સાવ બેફિકર શતરંજની બાજી રમી રહી હતી. અહાનને પોલીસ પકડી ગઈ છે ને ભાભી મોબાઇલમા ચેસ રમે છે. એ ગાંડા તો નથી થઈ ગયાને. મનમાં ઉપજતા સવાલને શબ્દનું સ્વરૂપ આપતા અનવીને પૂછ્યું 


"તમે શેની વાત કરો છો ભાભી?" 

"હેલો સરની અનવી મંદ મંદ મુસ્કાતા બોલી. તેના મનમાં જરા પણ ભય નહોતો. તે બિન્દાસ ચેસ રમી રહી હતી.

"અરે હું અહાનભાઈની વાત કરું છું." 

 "હા યાર , અહાન હોત તો સારું હોત, મને આ બાજીમાં તેમજ મદદ રૂપ થાત" 

"અરે ભાભી, તેને કંઈક થઈ જશે તો?" નીતુ ચિંતાવશ બોલી.

"અરે યાર, થઈ જશે નહિ, થઈ ગઈ. મારી બાજી મેટ થઈ ગઈ" અનવી હસતી હસતી બોલી. 

"તમે પાગલ થઈ ગયા છો? તમારા પતિને પોલીસ પકડી ગઈ છે. તેનું તમને દુઃખ નથી અને હારવાનો શોક મનાવો છો?"નીતુ જરા ઊંચા સ્વરે બોલી. 

"એમાં શું વળી? તેઓ જે રીતે લઈ ગયા છે, તે રીતે પાછા પણ મૂકી જશે. પરંતુ આ હેલો સર મારો પીછો ક્યારે છોડશે?" 

"આ હેલો સર શું છે?" નીતુ લમણે હાથ મૂકતી બોલી!


"હેલો સરે મારા દિલ પર હેલો ની દસ્તક આપી હતી. નીતુ તને શું કહું તે દિવસ કેટલો સુંદર હતો." અનવી નિતુને હગ કરતી બોલી. શેરીમાં એકઠા થયેલા લોકો આ દ્રશ્ય એક વિમાસણ સાથે જોઈ રહ્યા હતાં. તેમને સમજાતું નહોતું કે આ છોકરી હજી સાનમાં છે કે ભાન ભૂલી ગઈ છે.

"હેલો સર ની ચિંતા દૂર કરો. ચાલો આપણે અંદર જઈને વાત કરીએ." નીતુને પરિસ્થિતિનો ખયાલ આવી જતા તેણે અનવીને રૂમમાં પ્રવેશવા કહ્યું. તેઓ રૂમમાં પ્રવેશ્યાં. નીતુ કાઉચ ઉપર બેસી અને અનવી કિચનમાં ગઈ. તેમનું ઘર નાનું હતું પણ હર્યું ભર્યું હતું. ઘરમાં કોઈ કમી હોય તો માત્ર એક બાળકની. પરંતુ અહીં તો આ બંને સ્વયં બાળક જેવા છે. બંને નવરા પડે એટલે ચેસ લઈને બેસી જાય. નિતુને ઘરમાં પુસ્તકોનો ઢગલો જોઈને ચક્કર આવી ગયા. તે કોલેજનો અભ્યાસક્રમ પણ માંડ માંડ પૂરો કરતી અને આ દંપતીએ તો પાર વગરના પુસ્તકો વાંચેલા છે. તેઓ પિક્ચર જૂવે તોપણ આપણને કશું સમજાય નહી તેવા ડિટેક્ટિવ મુવી. 

થોડીવાર બાદ અનવી બે પ્લેટ પોપકોર્ન લઈને આવી. તે પણ નીતુ પાસે બેસી ગઈ. છોકરીઓને ખુબ વાતો કરવા જોઈએ. મુદ્દો ભલે ને એક મિનિટનો હોય પણ તે તેના પર બે કલાક ગોસિપ કરી શકે છે! અનવી હવે નીતુને પોતાના ભૂતકા ના સોહામણા પળથી રૂબરૂ કરાવવા જઈ રહી હતી. 


***

ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, દિલ્હી.

સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું એવું તો ન કહી શકાય પરંતુ તે છતાં ચેસ ટુર્નામેન્ટ માટે આટલા બધા લોકો હાજર હતા મે મારી આશ્ચર્યની વાત હતી. મેં આટલા બધા પ્રેક્ષકો ક્યારે જોયા ન હતા. હું મારી જાતને સાબિત કરવા માગતી હતી મને મારી જાત પર ખૂબ જ વિશ્વાસ હતો. તેથી મેં ગર્લ કેટેગરીમાં ભાગ ના લેતા ઓપન કેટેગરીમાંથી રમવાનું પસંદ કર્યું ! એક પછી એક એમ હું બધી જ ગેમ જીતી રહી હતી. હું આનંદમાં તરબોળ હતી પરંતુ મારો આનંદ એકાએક ચિંતામાં બદલી ગયો. જ્યારે મારી સેમિફાઇનલમાં મારી સામે તે આવ્યો "અનવી દીવા સ્વપ્ન જોઈ રહી હોય તેમ બોલી.

"તે કોણ?" 


"તે પછી કહું. તે એટલે ચાતુર્ય, માધુર્ય અને સૌંદર્યનું ફૂલ પેકેજ. તેને રેડ ટીશર્ટ અને ડેનિમ પહેર્યું હતું. તે સ્પેકસમાં કોઈ જાસૂસી ફિલ્મનો હીરો લાગતો હતો. ઊંચી હાઈટ, માંસલ શરીર અને ચહેરા પર એક અજબની આભા. તેનો સ્વભાવ શાંત જળ જેવો. તેનું તળ કેટલું ઊંડું હશે તેનો તાગ લગાવવો મુશ્કેલ હતો." અનવી નીતુનો હાથ પકડી ને પોતાની છાતી સરસી ચાંપતા બોલી. 

"આરબીટરે (રેફરીએ) ટોસ કર્યો અને અહાનને વાઇટ પીસ મળ્યા. ગેમની શરૂઆતમાં જ તેણે એક પછી એક બે પોન કુરબાન કરી દીધા. મને જોઇને એવું લાગ્યું કે આ તો કોઈ લલ્લુ ખેલાડી છે. હું એક પછી એક તેના પર આક્રમણ કરતી ગઈ અને તે એક પછી એક પીસ કુરબાન કરતો ગયો. હવે મને જરા પણ ચિંતા નહોતી, મને લાગતું હતું કે હું થોડી ચાલમાં જ તેને માત આપી દેવા સમર્થ હોઈશ. પરંતુ મને એક વાત બહુ સતાવી રહી હતી. આ માણસના એક પછી એક મહોરા બોર્ડની બહાર જાય છે. છતાં પણ આ માણસના ચહેરા પર જરાય ચિંતા કેમ નથી દેખાઇ રહી. ના તો ઘભરાહટ હતી, ના તો ઉપાધી! તે માણસ બિન્દાસ બોર્ડનું અવલોકન કરી રહ્યો હતો.


હાથમાંથી રેતી સરકે તેમ સમય સરકી રહ્યો હતો. અમે અમારી મીડલ-ગેમમાં આવી ચૂક્યા હતા. અમારા બધા મહોરા બોર્ડના મધ્યમાં આવી ચૂક્યા હતા. હું એક એક મહોરને માત કરતી અને મારા પ્રતિસ્પર્ધી સામે મલિન સ્મિત કરતી. મા આવા ચાળાથી ઘણાં ખેલાડીઓને મૂંઝવેલાં હતા. પરંતુ આ તો કોઈ અલગ માટીનો બનેલો હતો. તેને કોઈ અસર જ નહોતી થતી. તે મારી દરેક સારી ચાલ પર મારું અભિવાદન કરતો. હું તેનો અહમ જગાડવાની કોશિશ કરતી પરંતુ હું ક્યારેય સફળ થતી નહીં.


મારા મગજમાં જીતના નગારા વાગી રહ્યા હતા ત્યારે તેણે તેના બિશપ વડે મને ચેક આપ્યો. કહે છે એક ચાલ જિંદગી બદલી નાખે છે. બસ આ એ જ ચાલ હતી. તેના પહેલાં જ આક્રમણથી હું વિચાર કરવા મજબૂર થઈ ગઈ. મારી શેનાથી ચેકનો જવાબ આપવો. મારા આટલા બધા મોહરા જાણે સાવ નકામા હોય તેમ લાગતા હતા. મેં જેવું ચેકની સામે રક્ષણ કર્યું. ત્યાં જ તેની બીજી ચાલમાં બીજો ચેક. મેં માથા પર હાથ મૂક્યો થોડું વિચારીને ચેકનો બચાવ કર્યો . તેણે ત્રીજી મુવ કરી અને તે પણ ચેક! તે પછી એક ચેક આપી રહ્યો હતો. ચેકની સંખ્યા સાથે મારૂં ટેનશન પણ વધી રહ્યું હતું. હું એક શ્વાસે આખો ગ્લાસ પાણી ગટગટાવી ગઈ અને મેં ધ્રૂજતા કરે બિશપ વડે ચેકને રોક્યો. ચેક તો સેવ થઈ ગયો પરંતુ મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ મારું સૌથી મોટું બ્લેન્ડર હતું. મે રાજાને બચાવવા માટે ક્વિનને સાવ એકલી છોડી દીધી. 


મારા મનમાં સતત એક જ વાત ચાલી રહી હતી. કાશ મારા પ્રતિસ્પર્ધીને એ વાતની ખબર ન હોય કે તે મારી ક્વિનને કેપ્ચર કરી શકે છે. જો આ રમતમાંથી ક્વિન ચાલી જશે, તો આ વ્યક્તિને હું કોઈ કાળે હરાવી શકીશ નહીં અને આ બાજી પણ ચાલી જશે. મારે તો ફાઇનલ જીતવી હતી. આમ જો કાંઠે આવીને હું કિનારાથી વંચિત રહી જાઉં તો કેટલી દુખી થઈ જાઉં. મને જે વાતનો ડર હતો તે જ થયું. તેણે તેની ક્વિન ઉપાડી અને સીધી મારી ક્વિન તરફ દ્રષ્ટી કરી. આખી બાજીમાં પ્રથમ વખત એણે મારી સામે સ્મિત કર્યું. મને તો એ પણ ખબર નહોતી કે તે મને પરેશાન કરવા સ્મિત કરે છે કે પોતે વધારે હોશિયાર છે તે કહેવા સ્મિત કરે છે. તેનું સ્મિત જોઈને હું સમજી ગઈ કે તે હવે મારી ક્વીન લઈ જશે. મારા તો મોતિયા મરી ગયા. મને થયું ટુર્નામેન્ટ તો હાથમાંથી ગઈ. હું મારી અવદશા મારી આંખે જોવા નહોતી માંગતી. તેથી પણ વધારે કહું તો હારી રહેલી 'અનવી ઓજા'ના ચહેરાના એક્સપ્રેશન કોઈ પણ જોઈ ન શકે તે માટે, મેં મારા ચેહરાને બંને હથેળીઓ વડે ઢાંકી દીધો. હું લગભગ કેટલીયે મિનિટો સુધી આ જ અવસ્થામાં બેસી રહી. શું થયું હશે? તેણે મારી ક્વિનને મારી હશે કે નહીં? તે મારા પર હસી રહ્યો હશે? મે તેની કૈં જ પરવા કરી નહીં. ભાગતા અશ્વની માફક તેજ ગતિમાન સ્ટોપવૉચની પણ મને કોઈ તમા ન હતી. હું મારી આંખોથી મારી બરબાદી જોઈ શકતી નહોતી. કદાચ મારી ધડકનનો અવાજ આ સ્ટોપવૉચની ટકટક કરતા પણ વધારે તેજ હતો. શિયાળામાં પણ મારા કપાળ પર પરસેવો બાજી ગયો. એક અજબ પ્રકારની બેચેનીએ મગજમાં ઘર કરી લીધું. શતરંજની બાજીમાં કોઈ રાણી લઈ જાય એટલે એવું લાગે કે જાણે કોઈ ક્રૂર માણસ કોઈના હાથ વાઢીને લઈ જઈ રહ્યો હોય. 


"મેડમ જલ્દી કરો" મારા કાન પર આરબીટરનો અવાજ આવ્યો. 

મેં ચહેરા પરથી થોડીક હથેળીઓઓ નીચે કરી. પહેલા મેં એક આંખ ખોલીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તરત જ મેં બીજી આંખ ખોલી. મારી સામે કોઈ જ નહોતું. બોર્ડ પર તમામ મોહરા પૂર્વવત્ પડ્યા હતા. ન તો મારી ક્વિન કેપ્ચર થઈ હતી. ને તો મારી બાજી ગઈ હતી અને ન તો મારી સામે કોઈ બેસેલું હતું. 

"શું થયું?" મેં અનહદ આશ્ચર્યથી પૂછ્યું 

"તમારે ફ્રેશ થવા જવું હોય તો જઈ આવો તમારે જલ્દીથી ફાઈનલ રમવાનું છે" તેટલા જ આશ્ચર્યથી આરબીટરે જવાબ આપ્યો

"આ વ્યક્તિ ક્યાં ગયો?" 

"તેણે રીઝાઈન કર્યું" 


"હું ટેબલ છોડી અને સ્ટેડિયમના ખૂણે ખૂણે દોડી ગઈ. હું છેક સ્ટેડિયમની બહાર જઈને પણ તપાસ કરી આવું. હું પૂછું તો કોને પૂછું? મને તો તે સમયે તેના નામની પણ ખબર નહોતી. તેણે જે રમત રમી હતી તેને શતરંજમાં હેલો સર ટ્રેપ કહેવાય છે. હું તેમાં ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી. ફસાવી પણ તેણે અને બચાવી પણ તેણે! હું જ્યાં ત્યાં તેને શોધી રહી હતી અને એસોસિએશન મને શોધી રહ્યું હતું. કોઈ મને શોધવા છેક સ્ટેડિયમની બહાર સુધી આવ્યુ. ત્યારે ફાઇનલ મેચ શરૂ થઈ. 

આ વખતે મારું મલિન સ્મિત કામ કરી રહ્યું હતું. મારા નવા પ્રતિસ્પર્ધીને મેં થોડા જ સમયમાં ધૂળ ચટાવી દીધી. મારું સપનું સાકાર થયું. ટુર્નામેન્ટની ટ્રોફી મારા હાથમાં હતી. લોકો મારા માટે તાળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતા. લોકો ના મુખે 'અનવી.. અનવી...' ગુંજી રહ્યું હતું. છતાં પણ કંઈક કમી મને સતાવવા લાગી હતી. મેં એસોસિએશન પાસે પૂછપરછ કરી તો મને તે પાગલ નું નામ અને મોબાઈલ નંબર મળી ગયો.


"તેનું નામ શુ હતું?" નીતુ અચરજ વશ બોલી

" પછી કહું. મેં તરત જ તેને કોલ કર્યો. મેં ઔપચારિકતા પતાવીને તેને સેમિફાઇનલ આ રીતે છોડી દેવાનું કારણ પૂછ્યું.તે જીતી શક્યો હોત. આ ટુર્નામેન્ટ તેના નામે હોત, આ ટ્રોફી તેની હોત. આ વાહ વાહ, આ ઈનામ, આ બધું જ તેના તેના માટે હોત. તે છતાં પણ તેણે શા માટે રીઝાઇન કર્યું?" મેં તેના પર સવાલોના વરસાદ કરી દીધો.

તે તેના સ્વભાવ પ્રમાણે શાંતિથી મને સાંભળી રહ્યો હતો. મારી વાત સાંભળ્યા પછી તે બોલ્યો

"અફસોસ તે બાજીમાં હું એક જ ક્વિન જીતી શકું એમ હતો.તેથી જે ક્વિન મને વધારે ગમી મેં તેને જીતી લીધી!"

"પણ તે કોણ હતું ભાભી?" નીતુ હવે નો રહી શકી તેના અવાજમાં જરા તીવ્રતા હતી.

"તે અહાન હતો. તેણે બાજી હારી ને મારું દિલ જીતી લીધું અને હું ટુર્નામેન્ટ જીતી હોવા છતા મારુ દિલ હારી ગઈ" વર્ષો પહેલા આરોગેલી મીઠાઈની મીઠાશ જાણે યાદ કરતા તાજી થાય તેમ અનવી તે પળોને યાદ કરતા બોલી.

"હાય રે હેલો સર" નીતુ અનવીને ખીજવાડતા બોલી. આજે ઘણા દિવસો બાદ તે હસતી હતી. તેને હસતી જોઈ અનવી નીતુ ન ગળે લગાડી દીધી.


Rate this content
Log in