STORYMIRROR

Vicky Trivedi

Drama Romance

3  

Vicky Trivedi

Drama Romance

લવ ઇઝ નોટ લિમિટેડ

લવ ઇઝ નોટ લિમિટેડ

7 mins
664


ભૂમિ રૂમમાં બેઠી હતી. કોઈ ખાસ શણગાર વગર તેના લગ્ન થયા હતા. પાછલે દરવાજે પરણાવે તેના કોઈ શણગાર નથી હોતા. દુનિયાની આ રશમ ન સમજાય તેવી છે. બીજી વખતના લગ્ન ભાગ્યે જ કોઈ હિંમતવાળા મા-બાપ જ ધામ ધૂમથી કરી શકતા હોય છે. પણ ભૂમિ એટલી નસીબદાર ન હતી. જોકે તેની પાછળના કારણ જુદા જ હતા.

વેલજીભાઈ તો ધામ ધુમમાં લાખો રૂપિયા વેરી નાખે એવા હતા પણ તેમને કોઈએ અટકાવ્યા હતા. એ વિરલ હતો - વિરલે કહ્યું હતું કે દુનિયા સામે દેખાડો કરીને ક્યારેય અનંત સુખ નથી મળવાનું એ માટે કેવળ સ્ત્રી અને પુરુષમાં સમજશક્તિ જોઈએ. વેલજીભાઈને બસ એટલે જ વિરલ ગમ્યો હતો. તેની વાતો કાબિલે તારીફ હતી. 

રાતના એક વાગ્યા સુધી તે બેઠી રહી. પણ વિરલ આવ્યો નહિ. બહાર રાત જાણે વર્ષોથી રાહ જોતી કોઈ પ્રેમિકાની માફક ચાંદને ઇશ્ક કરતી હતી - એ ઓર અંધારી થતી હતી અને ચાંદને વધુ ચમકાવતી હતી. સિતારાઓ ધરતીને કોઈ આશીકની માફક તાકીને ટમટમતા હતા. આખા દિવસનો તપેલો પવન એવી રીતે ટાઢો પડ્યો હતો જાણે કોઈ પ્રેમીની બાહોમાં પ્રિયતમાને ઠંડક મળી હોય!

જોકે ભૂમિ માટે એ કોઈ પહેલી સુહાગરાત ન હતી - તે બીજી વાર પરણી હતી માત્ર પપ્પાની સામાજિક આબરૂ માટે. બાકી તેને કોઈ રસ ન હતો. પણ કહેવાય છે ને કે દીકરી પિયરમાં ન શોભે બસ એ ખાતર જ એ ફેરા ફરી હતી. 

ગઈ વખત જેવું કંઈ ન હતું. અભિષેક સાથે લગ્ન થયા ત્યારે આવા નાનકડા ઘરમાં નહોતી આવી. મોટો બંગલો હતો. વિરલના આખા ઘર જેટલો તો તેના ઘરમાં કેવળ હોલ જ હતો. આજ રીતે તે શણગાર કરીને આવી હતી. અદભુત રાચરચીલા વચ્ચે સુંદર સજાવેલા બેડ ઉપર પોતે આ રીતે જ બેઠી હતી. સામે આયનામાં તેનું પ્રતિબિંબ દેખાતું હતું. તે મલકી હતી. અભિષેક ન આવે ત્યાં સુધી તે પોતાને જોઈ રહી હતી. મલકતી રહી હતી. અભિષેકના શબ્દો તેને યાદ આવ્યાં હતાં. આ તમારી દીકરી મને મળી એ જ બસ છે મારે કોઈ દહેજ નથી જોઈતું. 

સ્ત્રી શું છે એ પોતેય કદી સમજી નથી શકી. આમ તો પોતાના ચારિત્ર્ય માટે તે દુનિયાની બધી જ બાબતો કરતા વધારે ગંભીર રહે છે પણ બસ કોઈ ઉપર પ્રેમ આવી જાય તો બધું જ આપી દેવાનો તલસાટ જાગે છે. એ જ રીતે ભૂમિ એ રાતે આયનામાં પોતાના જ અંગો જોઈ રહી હતી - હમણાં અભિષેક આવશે એ વિચારે તે આયનામાં તેના જ પ્રતિબિંબ ઉપર ઓઢણી ઢાંકી દેતી હતી - શરમાઈને નીચું જોઈ જતી હતી.

પણ વિરલ ન આવ્યો. એને એક રીતે તો હાશ થઈ. કેમ કે તે કોઈ સંબંધ બાંધવા માંગતી ન હતી. ન માનસિક ન શારીરિક. તે મેન્ટલ ટ્રોમાંમાં હતી. તે જેમ અભિષેક માટે એ રાતે મલકી હતી તેમ વિરલ માટે તેનાથી હસાયું નહિ - તેને કશુંય ન્યોછાવર કરવાનો ભાવ જાગ્યો નહિ. વિરલ પણ બોલવામાં તો અભિષેક જેવો મીઠો હતો - પણ કદાચ એ પણ અભિષેક જેવો હશે તો? તેનું મન પુરુષ જાત પરથી જ ઉઠી ગયું હતું. 

પણ તેને બીજી એક ફાળ પડી. પણ એ કેમ ન આવ્યો ? એણે જ તો મારા પપ્પા પાસે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી ને? તો પછી એ કેમ ન આવ્યો?

તેની છાતીમાં થડકાર થવા લાગ્યો. તે ઉભી થઈ. રૂમમાં તિજોરીના બારણાં ઉપર એક અરીસો હતો ત્યાં જઈને ઉભી રહી ગઈ. તો શું વિરલે પૈસા માટે લગન કર્યા હશે? શુ એણે પપ્પાની પ્રોપર્ટી જોઈને એમ વિચાર્યું હશે કે લગન પછી હું દહેજ માંગીશ? એમ કહીશ કે તમારી પરણેલી છોકરીને હું પરણ્યો એ અહેસાન મેં કર્યું છે? 

લગ્ન થયા ત્યારે તો અભિષેક પણ વિરલ જેમ જ બોલતો. એણે કહ્યું હતું નહીં પપ્પા મારે કોઈ ભેટ નથી લેવી મારી પાસે ભગવાને આપેલું બધું છે. અને પછી એ કેવો બદલ્યો હતો ? 

તેને અરીસામાં દ્રશ્ય દેખાવા લાગ્યા. 

"તો લઈ જા તારી છોકરીને અહીંથી......" અભિષેક વેલજીભાઈ સાથે તોછડાઈથી વાત કરતો થઈ ગયો હતો. કેવળ ચાર મહિનામાં. 

"તમે આ શું બોલો છો જમાઈ ?" વેલજીભાઈ નગરના અમીરોમાંથી એક હતા છતાંય દીકરી માટે કરગરયા હતા. 

પણ અભિષેક દેવામાં એવો ડૂબેલો હતો કે તેને ઘર અને બધી પ્રોપર્ટી વેચવી પડી હતી. અને છતાંય તેનું દેવું ઉતર્યું ન હતું. સટ્ટા બજારમાં માણસ ભાગ્યે જ જીવતો બહાર આવે છે. તેણે આખરી દાવ વેલજીભાઈ ઉપર આજમાવ્યો હતો. ભૂમિને ખરાબ રીતે હેરાન કરવાનું મારવાનું શરૂ કર્યું હતું અને વેલજીભાઈ પાસે પૈસા માંગ્યા હતા - વેલજીભાઈએ એક વાર તેને પૈસા આપ્યા પણ હતા છતાં તેની જુગારની આદત છૂટી ન હતી. 

આખરે ભૂમિને ડાયવોર્સ લેવા પડ્યા હતા.

                        * 

"વિરલ તું યાર આટલો ભણેલો ગણેલો થઈને આવી છોકરીને પરણ્યો ? યુ આર એ ફૂલ....." સાગરે કહ્યું અને સિગારેટ સળગાવી. 

વિરલ અને સાગર બંને છત ઉપર બેઠા હતા. વિરલના ઘરમાં બીજું કોઈ હતું નહીં. તે એકલો જ હતો. તેનો ખાસ બાળપણનો મિત્ર તેના આ મેરેજથી ખૂબ ખીજાયો હતો. વિરલ જેવા દેખાવડા છોકરા પાછળ કોલેજમાં ય ઘણી છોકરીઓ પાગલ હતી પણ એ કોઈને ભાવ આપતો નહીં અને અચાનક આવી પરણેલી છોકરીને તે પરણ્યો એ વાત જ જાણે કોઈ સપનું હોય તેવી લાગતી હતી. હજુ પણ સાગરને આ કઈ સમજાતું ન હતું એટલે જ તે નારાજ હતો. 

"એવું તને લાગે છે સાગર....." વિરલે હસીને કહ્યું અને તેના હાથમાંથી સિગારેટ લઈને ફેંકી દીધી. 

"તું

એક વાત કહે આ સિગારેટ તું કેમ પીવા લાગ્યો ? તું તો સોપારી પણ નહોતો ખાતો ને ? " વિરલે તેને પૂછ્યું બરાબર એ સમયે ભૂમિ સીડીઓ ઉપર આવીને આ વાતચીત સાંભળતી હતી. 

"એ તો તને ખબર જ છે તો કેમ પૂછે છે ? સપનાને લીધે ઓફકોર્સ..." 

"સપના તો અનમેરીડ હતી ને ? ખૂબ દેખાવડી હતી ને ? સારા ઘરની હતી ને ? તો કેમ તારે સોપારીથી સિગારેટ સુધી જવું પડ્યું ? " 

"એ...... " સાગર ખચકાયો, " તને ખબર છે સપના કેરેકટરલેશ હતી એને ઘણા લફરાં હતા..... " 

"અને છતાંય તે એને એ બધી ખબર પડ્યા પછી પણ સ્વીકારી હતી રાઈટ ?"

"હા..... " બીજા કોઈ આગળ હા કહેતા સાગરને શરમ નાનપ લાગોત પણ વિરલ તેના માટે ખાસ હતો. 

"કારણ કે તને એમ હતું કે એ તારા પ્રેમથી કદાચ સુધરી જશે ! કદાચ તેને સમજાશે કે સાગર જેવું કોઈ નહિ મળે. " 

"પણ એ ન સુધરી..... " કહેતા સાગર ગળગળો થઈ ગયો. 

"ધેટ્સ ધ પોઇન્ટ યાર - એ ન સુધરી પણ આપણે એવી સુધરેલીને મોકો ન આપીએ તો એ મૂર્ખાઇ કહેવાય ને..." 

"એટલે ?"

"એટલે ભૂમિ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે જેમાં તેને પુરુષ જાતિ માટે નફરત થાય.... એટલે જ તો હું અહી તારી જોડે બેઠો છું સાગર."

"તું આ બધું ગોળ ગોળ ન ફેરવ ભાઈ મને સમજાય એમ બોલ." આખરે કંટાળીને સાગર બોલ્યો. 

"દેખ દોસ્ત આ રીતે જોઈશ તો હું તને મૂર્ખ લાગીશ. પણ સાચું કહું એક વ્યક્તિ માટે મૂર્ખ લાગતી વ્યક્તિ બીજા માટે ભગવાન બરાબર હોય છે. આમ તો આપણે રોમિયો શબ્દ જ મજાક માટે નથી લઈ લીધો ? પણ જુલિયટ માટે તો તે ભગવાન હતો. આમ તો આપણે છોકરીઓ પાછળ રખડતા નાલાયક છોકરાઓને મજનું કહીએ છીએ ને ? પણ લેલા માટે મજનું કોઈ એવો લફરાંબાજ પુરુષ ન હતો."

"તું કેમેસ્ટ્રી ફિજીકસ તત્વજ્ઞાન ને બદલે પોઇન્ટ સમજાય એમ બોલીશ ?"

"ચોક્કસ પણ એમાં મારે તારી બહેનનું ઉદાહરણ આપવું પડશે તને ખોટું નહીં લાગે ને "

"મને ખાતરી છે ખોટું લાગે એવું તું નહીં બોલે. " સાગરે તેની આંખોમાં જોઈને કહ્યું. તેમાં દોસ્તીનો વિશ્વાસ હતો. 

"દોસ્ત આ રીતે એક પરણેલી સ્ત્રીને પરણવું એ સાવ મૂર્ખ જેવું લાગે. પણ માત્ર બે સેકન્ડ વિચાર કે એ તારી બહેન હોય અને એને મારા જેવો કોઈ મૂર્ખ લઈ જાય તો તને એ મૂર્ખમાં ભગવાન દેખાય." બસ આટલું કહી વિરલે ઉભા થઈ કહ્યું, " ચાલ હું તને ઘરે મૂકી જઉં મને હવે ઊંઘ આવે છે સોલિડ....." 

અને તરત ભૂમિ સીડીઓ પરથી ઘરમાં દોડી ગઈ હતી.

*

આજે સવારે અંશને તૈયાર કરતા એને એ રાત - બીજા લગ્નની પહેલી રાત યાદ આવી - વિરલ અને સાગર વચ્ચે થયેલી ચર્ચા યાદ આવી.... 

તેણીએ તૈયાર કરેલા અંશ તરફ જોયું - ક્યાંય સુધી જોતી રહી. 

"ભાઈ તમારું પત્યું હોય તો મારે ઑફિસ જવાનું છે.... " અંદરથી વિરલ બેગ અને ચાવી લઈને બહાર આવ્યો. 

બહાર આવી તેણે અંશની બેગ લીધી અને અંશનો હાથ પકડી ઘર બહાર લઈ ગયો. 

ભૂમિ પણ ઉભી થઈ. તે તેના રૂમમાં ગઈ. પોતાની રોજની ડાયરીમાં પહેલું પાનું ખોલ્યું. તેણીએ વિરલ સાથે લગ્ન કર્યા એના આગળના દિવસે એક કાવ્ય લખ્યું હતું. તેની ડાયરીની શરૂઆત ત્યાંથી થઈ હતી. તેણીએ એ કાવ્ય વાંચ્યું...

નથી મને શ્રદ્ધા રહી ઈશ્વર માણસ કે મહેબૂબમાં ,

મહોબ્બતથી મને મહોબ્બત થાય એવું કંઈક કર !


ક્યારેક ઇશ્ક મીઠો લાગે છે ક્યારેક લાગે છે ડર ,

આ ઇશ્ક મને વ્હાલો સતત થાય એવું કંઈક કર !


ફુલોની ખુશ્બુ કોને ન ગમે ? મને વ્હાલા છે ફૂલો ,

એટલે ખુશ્બુ ફેલાય ને ફૂલ ન ઘવાય એવું કંઈક કર !


સાગર છે મહોબત ને એમાં બધા ડૂબે છે અહીં ,

તું હાથ પકડીને ડૂબી ન જવાય એવું કંઈક કર !


શક્ય છે કારતકથી આસો સુધી વાત જ ન થાય ,

ઇશ્કમાં આ દિલ દૂર રહેવા ટેવાય એવું કંઈક કર !


કહે છે જમાનો દુશ્મન છે ઉલફતનો, પણ ખેર ,

તો જુદાઈ આપણાથી સહેવાય એવું કંઈક કર !


આ લખ્યું ત્યારે તેને વિશ્વાસ ન હતો કે ફરી વાર તે ઘર વસાવીને સુખી થઈ શકશે. પહેલી રાતે તેણીએ કલ્પયું ન હતું કે હવે આ મનમાં કોઈ માટે પ્રેમ જાગશે.... તેં ગભરાતી હતી કે કદાચ હું કદી વિરલ સાથે સુખી નહીં રહી શકું. તેને બીજા લગ્ન પહેલા સતત એમ થતું કે આ યુઝડ બોડી કોઈને હું મનથી નહીં આપી શકું. તેમાં તેને પોતાના ચારિત્રની ઉણપ દેખાતી. પણ છત ઉપર થતી ચર્ચા એણીએ સાંભળી હતી અને બસ ત્યારથી તેનું જીવન બદલાયું હતું. તેની દુઃખદ ડાયરીના પાનાઓમાં સુખદ ગઝલો કાવ્યો અને લેખો તેનાથી લખાવા માંડ્યા હતા. 

તે ડાયરી લઈને ખુરશીમાં બેઠી અને પાંચ વર્ષની એક એક ઘટના એક એક વાત ડાયરીમાંથી વાંચતી ગઈ. ક્યાંક ક્યાંક હૃદય ભરાઈ આવે એટલો વિરલનો પ્રેમ એણીએ લખ્યો હતો એ પાનાઓ ઉપર આંગળી ફરતા તેની આંખ ભીની થવા લાગી. ક્યાંક ક્યાંક કોઈ પાના તે ચૂમી લેતી હતી.

એણીએ આખી ડાયરી વાંચી. હવે મારે કોઈ ડાયરી લખવાની જરૂર નથી. વિચારીને પેન ઉઠાવી અને ડાયરીના છેલ્લા પાના ઉપર લખ્યું, "લવ ઇઝ નોટ લિમિટેડ..!" 

બસ એટલું લખીને આંખો લૂછી તેણીએ ડાયરી તેની પિયરથી લાવેલી સૂટકેશમાં તેના કપડાં અંદર ઊંડી સંતાડીને મૂકી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Drama