STORYMIRROR

DINESH PARMAR

Drama Thriller

3  

DINESH PARMAR

Drama Thriller

લજ્જાનો સાથ સંગાથ

લજ્જાનો સાથ સંગાથ

6 mins
2.5K


લજ્જા.. જેવું નામ એવો જ સ્વભાવ. કોઈ કંઈ પૂછે એ પહેલાંતો શરમથી પાણી પાણી થઇ જાય. લાંબુ કદ અને રંગે ગોરી. જેમ ઉંમર વધતી તેમ તેની સુંદરતા તેનાથી હરીફાઈ લગાવતી. બારમાં ધોરણ સુધીનું શિક્ષણ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું. પપ્પા ગામની જ સરકારી શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા. પોતે આ ગામના નહતા પણ પપ્પાની નોકરીનાં કારણે અહિયાં વસેલા. બાળપણથી લજ્જા ગામના બાળકો સાથે રમીને મોટી થઇ હતી. જયારે બાળપણમાં પ્રથમ વાર શાળા એ મોકલવામાં આવી ત્યારે તેને તેના પપ્પાને સવાલ કર્યો “પપ્પા મારી સંગાથે શાળાએ કોણ આવશે? પપ્પા એ કહ્યું “બેટા હું આવીશ”. લજ્જા એ ફરી પૂછું “પણ એ તો ખરું પપ્પા, પણ મારી સંગાથે કોણ બેસશે?” પપ્પાએ બે ત્રણ બાળકોનો પરિચય કરાવ્યો. "જો આ વનિતા, મીનાક્ષી, અને અવિનાશ આપણાં ઘરની બાજુમાં જ રહે છે. તું એમની સાથે બેસીને ભણજે હોં." આટલું કહી પપ્પા પોતાના વર્ગમાં જતા રહ્યા.

લજ્જા પણ થોડા જ દિવસોમાં બધા બાળકો સાથે હળી-ભળી ગઈ. આ બધી છોકરીયો કરતાં તેને અવિનાશની સાથે જરાક વધુ ફાવતું. કારણ હતું આવીનાશ નો સ્વભાવ. બિલકુલ શાંત. લજ્જા જેવો જ. બંને એકબીજા સાથે ઓછું બોલતા પણ, એકબીજાને ઘણું સમજતા. હવે બંને બારમું ધોરણ પાસ કરી ચુક્યા હતા અને નજીકનાં શહેરમાં અભ્યાસ માટે બસમાં અપડાઉન કરતા હતા. આવતા જતા બંને એકબીજા માટે બસમાં જગ્યા રાખતાં હતાં અને એક જ સીટમાં બેસી સફર પૂરી કરતા હતાં. લજ્જાએ બી.એડમાં તો અવિનાશે સાયન્સ કોલેજમાં એડમીશન લીધું હતું. બંનેની કોલેજ અલગ હોવા છતાં એકબીજાને મળવા માટે પુરતો સમય કાઢી લેતા હતા. હવે બંને જુવાન હતા. લજ્જા હવે શરમાળ ન હતી ને અવિનાશ પણ પહેલાં જેવો શાંત ન હતો. જુવાની એ જાણે તેમને સાંગોપાંગ બદલી નાખ્યા હતા. અભ્યાસ કરતાં વધારે સમય તેઓ કેન્ટીનમાં, બગીચામાં અથવા થીયેટરમાં પસાર કરતા હતા. બંને મિત્રો હતા કે શું હતા એ હજુ જાણે એ લોકો એ નક્કી નહોતું કર્યું? પણ બાળપણથી સાથે ઉછરેલા એટલે ગામના લોકો હજી એ નજરેથી એમને જોતા નહિ.

અચાનક એક દિવસ એક નાનકડી ઘટના બની. એક છોકરા દ્વારા લજ્જાની છેડતી થતા અવિનાશ ખુબ જ ગુસ્સે ભરાયો અને તે છોકરા સાથે અવિનાશે મારપીટ કરી. લજ્જા અને અવિનાશની દોસ્તી જાણે પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને એ એકબીજા સાથે ખુલ્લા દિલે વાત પણ કરી કે એકબીજા માટે શું વિચારે છે અને કેવી લાગણી અનુભવે છે. મોબાઈલનો જમાનો ન હતો પણ સંદેશાની આપ લે શરુ થઇ ચુકી હતી. આંખો એકબીજાને હવે ગામમાં પણ શોધવા લાગી હતી. મોબાઈલ અને સોશિયલ મીડિયાથી અજાણ આ ગામમાં હજુ આ વાત ની કોઈને પણ બુ ન હતી. બંનેનો સાથ સંગાથ હવે જામ્યો હતો.

એક બીજાની પોકેટ મની હવે એકબીજા ઉપર ખર્ચાતી હતી. નાની નાની ગીફટો પણ શરુ થઇ ચુકી હતી. પણ આ બધું જાણે કુદરતને મંજુર ન હતું. પ્રકૃતિ એ જાણે પોતાના ખોળામાં બેસાડીને મોટા કરેલા આ સબંધને પ્રકૃતિ જ ખતમ કરી નાખવાં માગતી હતી. કુદરતની થપાટથી અજાણ આ પંખીડા કોલેજનું પરિણામ લઇને સાંજની બસમાં બેસી પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. કુદરત પણ જાણે આ પ્રેમીઓની છેલ્લી મુલાકાતની મજા માણવાની કોશિશમાં હોય તેમ. ગામમાં મચેલા તોફાનનો જરા સરખો પણ અણસાર આવવા દીધો નહિ. કુદરતે જાણે વિનાશ વેરવા માટે કોઈ જાણભેદુને નિમિત્ત બનાવી બંનેના ઘર સુધી આ પ્રેમ પ્રસંગની વાત પહોંચાડી દીધી. પછી શું? બંનેના કુટુંબ વચ્ચે જોરદાર ઝગડો થયો. ગામ લોકોએ વચ્ચે પડી સમજાવ્યા. બંનેના પિતાશ્રીઓ એ પોતાના બાળકના ઉચ્ચ અભ્યાસ માટે અનેક સપના જોયા હતાં પણ આ ઘટનાથી તેઓને સખત આઘાત લાગ્યો હતો. ઘેર પાછા ફરતા જ બંનેનું બહુ ભૂંડું સ્વાગત થયું. ઘટનાની તીવ્રતા ઓછી કરવા લજ્જાને તેના મામાનાં ઘેર મૂકી દેવામાં આવી. અવિનાશને પણ ખુબ ઠપકો મળ્યો અને વિઝા કઢાંવી વધુ અભ્યાસર્થે અમેરિકા મોકલી દેવામાં આવ્યો. કુદરતનું મન હવે ટાઢું પડ્યું હતું. જે એણે સર્જ્યું હતું એનો વિનાશ પૂરો કર્યો. ગામમાં શરું થયેલી પ્રેમકથા ગામમાં જ પૂરી.

સમય જતાં લજ્જાને સરકારી શાળામાં શિક્ષક તરીકે કોઈ ગામમાં નોકરી મળી ગઈ. પપ્પાના આદેશ અનુસાર મન માન્યું કે ન માન્યું પણ એમની પસંદગી ના છોકરા સાથે લગ્ન કરી લીધા. આ બાજુ અવિનાશ પણ અમેરીકાથી એન આર આઈ કન્યા સાથે લગ્ન કરી ભારત આવે છે. લગ્નના થોડા સમય સુધી વ્યવસ્થિત ચાલેલા લગ્ન જીવન બાદ લજ્જા એક દીકરીની માં બની. બસ ત્યારથી લજ્જા અને તેના પતિના ઝગડા વધ્યા અને છેવટે છુટાછેડા તેનું પરિણામ આવ્યું. હવે લજ્જા તેની એક વર્ષની બાળકી સાથે નજીકના શહેરમાં સ્થાયી થયી ગઈ. લજ્જા હવે પહેલાં કરતાં સારું જીવન જીવવા લાગી હતી. લજ્જા ભણેલી અને હોશિયાર સ્ત્રી હતી. તે પિતાજીના ઘેર રહેવાની જગ્યાએ, શહેરમાં સ્વતંત્ર રીતે રહેવા લાગી અને બાળકીનો ઉછેર કરવા લાગી. લગ્ન બાદ અવિનાશ પણ ખાસ કંઈ ખુશ ન હતો. તેમાં વળી તેની પત્ની ખૂબ જ બીમાર રહેવા લાગી. અજ્ઞાત બીમારીથી ઘેરાયેલી અવિનાશની પત્ની ખુબ સારવાર અને ખર્ચો કરાવ્યા બાદ અવસાન પામી. અવિનાશ નાની ઉમરમાં વિધુર બની ગયો. થોડા દિવસ એકલવાયું જીવન ગાળી કંટાળેલા અવિનાશ અજાણતા જ એક દિવસ કાર ચલાવતા બાજુમાંથી પસાર થયેલી બસમાં લજ્જાને બેઠેલી જોઈ. તેને આંખો પર વિશ્વાસ ન બેઠો. અને પોતાના ઘર પર પાછો આવી ગયો. મનમાં હજુ એજ વિચારો ચાલ્યા કરતા હતા. લજ્જા અને અહિયાં? પણ શું કરતી હશે અહિયાં? એણે મને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો? અરે હા એ મને શું કામ શોધે? હું એકલો છું. પણ એ ક્યાં એકલી છે? મારે એને મળવું જોઈએ? મળી ને હું શું કરીશ? આવા બધા વિચારો વચ્ચે માંડ માંડ સુવાનો પ્રયત્ન કર્યો.

સવારે ઓફીસ ગયો ને સાંજે પાછો આવ્યો. પણ લજ્જાનો માસુમ ચેહરો તેની આંખો સામેથી હટતો નથી. અવિનાશને લાગતું હતું કે તેના પાંચ વર્ષ માટે અમેરિકા જવા ના નિર્ણયે તેની આખી જીંદગી બગાડી નાખી. બસ તે દિવસે ઘરવાળાના વિરોધ છતાં ભારતમાં જ રહ્યો હોત તો લજ્જા સાથે લગ્ન કરી શક્યો હોત. ઊંડા નિસાસા નાખી પડખું ફરીને અવિનાશ સુઈ ગયો. આ બાજુ લજ્જા પણ પોતાની રામકહાણી પર ભરપુર પછતાઈ રહી હતી. પિતાજી બીજા લગ્ન માટે કહેતા પણ પાછલા અનુભવો અને આ બાળકીનો વિચાર કરતા બધું માંડી વાળતી. વિધિ ના વિધાનથી અજાણ આ બે પાત્રો પોતાનું જીવન જીવતા હતા. પણ પાંચ છ વરસની લાંબી ઊંઘમાંથી ઉઠેલી કુદરતે કરવટ બદલી હતી. જોરદાર વાયરા ફૂંકાયા. કોરી ધરતી પર જાણે અમી છાંટણા કર્યા. માટીની સોડમ ચારે બાજુ હવામાં પ્રસરી. મોરલા બોલવા લાગ્યા. ધીમી ધારનો વરસાદ સારું થયો. આહ હા હા... લીલી હરિયાળી ચારેય બાજુ ફેલાઈ ગઈ. કુદરતને લાગ્યું કે પ્રેમ ગીત ગાવાનો જબરો સમો છે. છાપા વાંચતાં વાંચતાં બંને પાત્રો તેમાં આવેલા જાહેર ખબરના પાનિયામાં તેમની યુનીવર્સીટીના વાર્ષિકોત્સવ અને અલ્યુંમની ફંકશનમાં જવાનો નિર્ણય કરે છે. કાર્યક્રમમાં જમતા જમતા બને બુફેની લાઈનમાં બંને ના મનપસંદ ગુલાબજામુન લેવા આગળ વધે છે અને એવામાં એકબીજાની સામે આવીને ઉભા રહી જાય છે. ઓહ...બંને ના મુખમાંથી કાંઇક આવા જ ઉદગાર નીકળ્યા. માંડ માંડ પોતાની જાત ને સંભાળી. એક ખૂણામાં બેસી એકબીજાની આપવીતી કીધી. બસ પછી શું? રોજે રોજ મુલાકાતનો દોર શરું થયો. જાણે કોલેજ ના જ દિવસો પાછા આવ્યા. બંને એ ભેગા મળીને લજ્જાના પિતાને પોતાની લગ્નની ઈચ્છા જણાવી. પિતાજી પણ જાણે પોતાની ભૂતકાળની ભૂલ સુધારતા હોય તેમ તરતજ મંજુરી આપી દીધી. લજ્જાના લગ્ન થયા અને પોતાની બાળકી સાથે અવિનાશના ઘેર આવી. અવિનાશ પણ લજ્જા માટે આખી દુનિયાને જાણે સ્વીકારવા તૈયાર બેઠો હતો. લજ્જા ખુબ ખુશ હતી, ને કેમ ન હોય આજે ફરીથી જુનો સાથ અને સંગાથ હતો.


(નોંધ: ઘટના, નામ બધું જ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જોડાણ કે સામ્ય નથી.)


Rate this content
Log in

Similar gujarati story from Drama