Sheetal Maru

Romance

3  

Sheetal Maru

Romance

લાઈટ હાઉસ

લાઈટ હાઉસ

2 mins
192


એરપોર્ટથી બહાર નીકળતાં જ ફિલિપ અગાઉથી બુક કરેલી કેબમાં ગોઠવાયો અને ડ્રાઇવરને કેબ ખાડી તરફ લઈ જવા કહ્યું. ખાડી પર પહોંચતા જ ફિલિપે કેબમાંથી ઉતરી દીવાદાંડી તરફ દોટ મૂકી. પાંસઠ વર્ષની ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવી દે એવી સ્ફૂર્તિ અને તાજગી એના ચહેરા પર છલકતી હતી. બરાબર પિસ્તાલીસ વર્ષ પછી એ પરદેશથી પોતાના માદરે વતન પાછો ફર્યો હતો. જ્યારે એ પરદેશ ગયો ત્યારે પોતાની પ્રેયસી નોર્માને છેલ્લી વખત દીવાદાંડી પાસે મળી પોતે પાછો આવશે એવું વચન આપ્યું હતું અને નોર્મા ત્યાર સુધી એની રાહ જોશે એવું વચન નોર્માએ પણ આપ્યું હતું.

આ તરફ વીસ વર્ષની ઉંમરે પરદેશ જઈ મહેનત કરી ફિલિપ ઘણું કમાયો હતો પણ આટલા વર્ષોમાં એ ક્યારેય એક પળ માટે પણ પોતાના કોલેજજીવનથી શરૂ થયેલા પ્રથમ પ્રેમને ભૂલ્યો નહોતો પણ કામની અતિવ્યસ્તતામાં એ વતન જઈ શક્યો નહોતો અને અત્યાર સુધી એ પરણ્યો પણ નહોતો તો બીજી તરફ નોર્મા પણ એક દિવસ પણ ભૂલ્યા વગર દીવાદાંડી પાસે જઈ ફિલિપની રાહ જોતી અને ફિલિપે ભેટ આપેલા હાથરૂમાલથી પોતાના આંસુઓ લૂછતી નિરાશવદને પાછી ફરતી, પરિવારજનોના ઘણા સમજાવ્યા બાદ પણ એ પરણી નહોતી પણ એક અનાથશ્રમમાં સેવિકા બની ગઈ હતી.

આશરે પચાસ વર્ષ પહેલાં દીવાદાંડીની ટોચ પર ફિલિપ અને નોર્માએ પોતાના પ્રેમના એકરારરૂપે એકબીજાને તસતસતું ચુંબન આપી દીવાદાંડીમાં પ્રકાશ પ્રગટાવી પોતાના જીવનમાં પણ પ્રેમનો પ્રકાશ પાથર્યો હતો, પણ ફિલિપના કાકા ફિલિપને "દીવાદાંડીમાં લાઈટ જલાવી અનેક બોટ, સ્ટીમરોના માર્ગમાં પ્રકાશ પાથરી સાચી દિશા બતાવનારના પુત્રના માર્ગમાં અંધારું કેમ ?" એમ કહી નસીબ અજમાવવા પોતાની સાથે પરદેશ લઈ ગયા અને ફિલિપ અને નોર્માની પ્રેમકથા પર અલ્પવિરામ આવી ગયો.

આજે પિસ્તાલીસ વર્ષ પછી એ જ જર્જરિત થઈ ગયેલી દીવાદાંડી પાસેના પથ્થર પર બેઠેલી નોર્માને જોઈ ફિલિપના પગમાં નવું જોમ આવી ગયું. આટલા વર્ષો સુધી દૂર રહ્યા પછી પણ બંનેનો અકબંધ રહેલો પ્રેમ અશ્રુધારા બની વહેવા લાગ્યો. સૂર્ય ધીમે ધીમે અસ્તાચળ તરફ વધી રહ્યો હતો, ધરતી પર અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું અને ટેકનોલોજીના વપરાશે નિરૂપયોગી અને નિરૂપાય દીવાદાંડી મુક પૂતળાની જેમ ઊભી હતી, એની આજુબાજુ ઝાડીઓ ઊગી ગઈ હતી અને એ ઝાડીઓમાં આગિયાનો ચમકાર દીવાદાંડીની ઉપસ્થિતિનો અહેસાસ અપાવતા હતા. એ આગિયાઓના ટમટમતા અજવાળે અને પ્રેમના પ્રતીકસમી દીવાદાંડીની સાક્ષીએ ફિલિપ અને નોર્મા કદી જુદા ન પડવાનું પ્રણ લઈ હાથમાં હાથ પરોવી નવી દિશામાં પોતાની ઢળતી ઉંમરે પણ નવજીવન આરંભી નિરાધાર અને દુઃખી લોકોના જીવનમાં દીવાદાંડી બની અનાથશ્રમમાં આરંભાયેલી નોર્માની સમાજસેવાની આજીવન પ્રતિજ્ઞાની યજ્ઞવેદીએ પોતાની પ્રેમકથામાં લાગેલા અલ્પવિરામને પૂર્ણવિરામ લગાડી પોતાના સહજીવનની શરૂઆત કરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance