Salil Upadhyay

Drama Tragedy

4.5  

Salil Upadhyay

Drama Tragedy

લાચાર પતિ કે લાચાર બાપ !

લાચાર પતિ કે લાચાર બાપ !

5 mins
283


રામલાલ એક મિલમાં કામ કરતો કારીગર. એની પત્ની શાંતા અને દીકરા અજય સાથે સુખેથી રહેતો. જે કંઈ પણ મળી રહેતું એનાથી બંને પતિ પત્ની સંતોષ અને ખુશીથી રહેતા. એમનો દીકરો અજય ભણવામાં ખૂબ જ હોંશિયાર સ્કુલમાં કાયમ અવ્વલ નંબર મેંળવતો. શિક્ષકો પણ અજયથી ખૂબ જ ખુશ અને કાયમ કહેતા કે તમારો દીકરો એક દિવસ સ્કૂલનું નામ રોશન કરશે. અને બંને પતિ પત્ની ખુશ થતાં અને અજયને ભણવામાં કોઈ તકલીફ નહીં પડે એનું વિશેષ ધ્યાન રાખતા. અને અજય પણ પૂરી નિષ્ઠાથી મહેનત કરીને અવ્વલ નંબર મેળવીને મા બાપની ખુશી વધારી આપતો.

રામલાલે પેટે પાટાબાંધીને અજયની ઈચ્છા પ્રમાણે ભણાવ્યો. એમબીએ કરાવ્યું એમાં પણ અજય અવ્વલ ગ્રેડમાં પાસ થયો અને એને એક ખૂબ જ સારી કંપની સારા પગારની નોકરી મળી ગઈ. જેથી એ બીજા શહેરમાં નોકરી કરવા ગયો. દર મહીને અજય એના મા બાપને રૂપિયા અચૂક મોકલતો. રામલાલ કાયમ એને કહેતો કે મારા હાથ પગ સાબૂત છે હજુ.. અમારા બંનેનું ચાલે એટલું કમાઈ લઉં છું. માટે તારે રૂપિયા મોકલવાની જરૂર નથી. અજય રોજ ફોન કરીને મા બાપની ખબર પૂછતો અને પોતાની વાતો કરતો.

સમય પાણીની જેમ પસાર થવા લાગ્યો અને ધીરે ધીરે અજયના ફોન આવતા પણ ઓછા થયા અને રૂપિયા મોકલવાનું પણ બંધ થયું. ઊંમર વધવાની સાથે શાંતાને બિમારીએ ઘેરી લીધી. અને રામલાલ એના ઈલાજ માં ક્યાંય કચાશ નહીં રાખી. અને એક દિવસ અચાનક શાંતાને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ દાખલ કરી ડોકટરે કહ્યું કે બાયપાસ કરાવવું પડશે. અને લગભગ ૪-૫ લાખનો ખર્ચો થશે. રામલાલની વિનંતી પર એને એક લાખ રૂપિયા ઓછા આપવા કહ્યું. રામલાલે ડોકટરનો આભાર માની રૂપિયાની સગવડ કરવા લાગ્યો. પણ દરેક જગ્યાએથી ખાલી હાથે પાછો ફર્યો..એના બધાં પ્રયત્નો નિષફળ જતાં એણે નક્કી કર્યું કે દીકરા અજય પાસેથી મદદ માંગવી. અને રામલાલ અજયને ભાવતી મિઠાઈ લઈને દીકરાને ત્યાં ગયો.

અજયના ઘરના દરવાજે બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોતો ઊભો રહ્યો. થોડીવાર પછી નોકરે દરવાજો ખોલ્યો અને રામલાલને બેસવાનું કહીને અંદર ચાલ્યો ગયો. ઘરમાં દાખલ થતાં ઘરમાં નજર ફેરવી. અજયની પ્રગતિ જોઈને ખુશ થયો..અને હાથમાં રહેલ મિઠાઈના પેકેટને જોઈને ભૂતકાળમાં સરી પડ્યો.જૂની વાતો યાદ આવી. ત્યાં જ અજય આવ્યો અને કહ્યું કે “કોણ છો ?” સાંભળતાં જ રામલાલ ઊભો થયો અને "એ તો હું...” અજયને જોતાં જ એ અટકી ગયો.. સુટમાં સજ્જ અજયને જોઈને એની ખુશીનો પાર ના રહ્યો. અને “ અજય બેટા..” કહી અને ભેટવા ગયો ત્યાં જ અજયે એને અટકાવી “આ શું કરો છો તમે..? મારા કપડાં ખરાબ થઈ જશે મારે ઓફિસ જવાનું છે.”

“જો બેટા તારે માટે ભાવતી મિઠાઈ લાવ્યો છું. તું નાનો હતો ત્યારે આ મિઠાઈ તને ખૂબ જ ભાવતી.”

 અજયે નોકરને બોલાવી મિઠાઈ લેવાનું કહ્યું કે તમે બધાં વહેંચી લેજો.. નોકર પણ ખુશ થઈ હા સાહેબ કહીને ચાલી જાય છે.

 રામલાલને કંઈ ખબર પડે એ પહેલાં જ “આ શું આવ્યા છો ત્યારના દીકરા.. દીકરા.. બેટા.. બેટા કરો છો..? તમે કોણ છો ? અંદર તમને કોણે આવવા દીધા ?”

આવું સાંભળતાં જ રામલાલ દુ:ખ સાથે “કેમ બેટા આવું બોલે છે.? હું તારા પપ્પા જેણે ખભે બેસીને આજે તું અહીં સુધી પહોંચ્યો છે."

“શું કામ આવ્યા છો ? વોચમેન..વોચમેન...”

“નહીં બેટા.. વોચમેનને નહી બોલાવતો..તારી મા બિમાર છે. એને હાર્ટ એટેક આવ્યો છે. અને તાત્કાલિક એને ઓપરેશન કરાવવું પડે એમ છે. મારી પાસે જે કંઈ પણ હતું એ બધું એની તપાસ અને બીજી ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ ગયું. તારી પાસે મદદ માટે આવ્યો છું. તારી મા ને બચાવી લે દીકરા...!”

અજય ગુસ્સામાં “મારી પાસે ફાલતું લોકો માટે રૂપિયા નથી. ચાલ્યા જાવ અહીંથી નહીતર ધક્કામારી ને કાઢી મૂકીશ.”

સાંભળતાં જ રામલાલ પણ ગુસ્સામાં “અજય.. તારી મા ફાલતું નથી..એણે નવ મહિના એના પેટમાં તને રાખ્યો, એની છાતીએ તને વળગાડ્યો ત્યારે તું આજે આટલો મોટો માણસ બની શક્યો છે.એણે હંમેશા તારી બધી જરીરિયાત પૂરી કરી છે. અને આજે એને તારી જરૂર છે. બચાવી લે તારી મા ને..”   

 “મદદ જોઈએ છે એ પણ ગુસ્સો કરીને ...? અને મને દીકરો કે બેટા કહેવાની કોઈ જરુર નથી, મારા કોઈ મા બાપ નથી.”

રામલાલ માફી માંગતા મને માફ કરી દે અને બચાવી લે તારી મા ને... !

“ કેટલીવાર કહેવાનું કે મારી પાસે ફાલતુ લોકો માટે રૂપિયા નથી..”

રામલાલ આંખમાં આસુ સાથે હાથ જોડી પગે પડતાં બેટા, “હું બહુ જ આશા સાથે તારી પાસે મદદ માંગવા આવ્યો છું. મારી પત્નીને બચાવી લે... બેટા મારી પત્નીને બચાવી લે..”

થોડી ક્ષણોની ચૂપકીદી બાદ ઠીક છે “હું તમને રૂપિયા આપું છું ..”

સાંભળતાં આંસુ લુંછતા રામલાલ ઊભો થતાં “ભગવાન તારૂં ભલું કરે બેટા...!”

 “પણ મારી એક શરત છે..”

 “મને તારી બધી જ શરત મંજૂર છે.”

 "તો ઠીક છે તમારે તમારું ઘર મને આપી દેવાનું...! "

સાંભળતાં જ રામલાલ સ્તબ્ધ.. “બેટા આ ઉંમરે અને તારી બિમાર મા ને લઈને હું ક્યાં જઈશ..?”

“ એ તમારો પ્રોબ્લેમ છે. બોલો મંજૂર છે...? ”

થોડો સ્વસ્થ થઈ રામલાલ . “હા, મારા માટે મારી પત્નીથી વિશેષ કંઈ જ નથી. મારા આ બાવડામાં હજી તાકાત છે અમારા બેઉ માટે કમાઈ લેવાની... અજય શેઠ, તમારી શરત મને મંજૂર છે. પણ મારી એક વિનંતી છે શેઠ...! મારી પત્ની શાંતા સારી થઈ જાય પછી અમે લોકો ઘર છોડી જઈશું..આખી જિંદગી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ચાલ્યો છું. વિશ્વાસ રાખજો શેઠ આ ગરીબ પર... આપણી શરત મુજબ હું ઘર ચોક્કસ છોડી દઈશ. ઉપર આકાશ અને નીચે વિશાળ ધરતી ક્યાંક તો અમારા માટે જગ્યા હશે જ...તમે નચિંત રહેજો શેઠ...”

રૂપિયા આપતાં અજય "આજથી એ ઘર મારું..ઓપરેશન થાય એટલે એ ઘર છોડી દેવાનું.. સમજયા..! "

 “શેઠ, ગરીબ જરૂર છું પણ બેઈમાન નથી. વચને બંધાયો છું. શેઠ, તમે બેફિકર રહો..અને આમ પણ હવે એ ઘર નથી. ફક્ત મકાન છે. હાથ જોડતાં શેઠ, આપનો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલી શકું. મારી શાંતા અને હું બંને એકમેકના પૂરક છીએ. એને જીવાડવા હું કંઈ પણ કરીશ. શેઠ.. તમારો ખૂબ ખૂબ આભાર... ભગવાન તમને આનાથી પણ હજુ ઘણું આપે...”

રામલાલને જતાં જોઈ ખુશ થતો અજય એક ફોન કરે .. “ફાર્મહાઉસ માટે જગ્યા મળી ગઈ છે. તને જોઈતી હતી એવી જ....એવા જ વાતાવરણમાં.... એની થીંગ ફોર યુ માય ડાર્લિંગ......”

ભીની આંખે રામલાલ દીકરાને ફોન પર વાત કરતાં સાંભળી જતાં આકાશ તરફ જોઈ “હું મારી શાંતા માટે કંઈ પણ કરી શકું છું.” અને એ સીધો હોસ્પિટલ પહોંચી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama