STORYMIRROR

Salil Upadhyay

Drama Tragedy Inspirational

4  

Salil Upadhyay

Drama Tragedy Inspirational

એક યાત્રા - બિઝનેસમેનથી નર્સ વાયા એક્ટર

એક યાત્રા - બિઝનેસમેનથી નર્સ વાયા એક્ટર

5 mins
159

     અમુલભાઈ દેસાઈ નવસારીમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. સ્વભાવે ખૂબ જ સરળ અને ઈમાનદાર. અમુલભાઈના કુટુંબમાં પત્નિ અલ્પાબેન અને બે દીકરા અમિત અને સુમિત. મોટો ભાઈ અમિત ભણવામાં એવરેજ અને નાનો ભાઈ સુમિત ભણવામાં ખૂબ જ હોંશિયાર. બંનેના સ્વભાવમાં પણ આસમાન જમીનનો ફરક. અમિતને સ્પોર્ટસ તરફ વધારે રૂચિ જયારે સુમિતને પુસ્તકો વાંચવા બહુ જ ગમતા. અમુલભાઈ વાર્તાની ચોપડીઓ લાવતા એટલે સુમિત બધી જ ચોપડીઓ તરત જ વાંચવા બેસી જતો. જયાં સુધી પુરી નહીં થાય ત્યાં સુધી ઊઠતો નહીં. સ્કૂલમાં અમિત દરેક ખેલકૂદમાં ભાગ લેતો જયારે સુમિત નાટકો, વકતૃત્વ હરિફાઈ, વાર્તા હરિફાઈ વગેરે સ્પર્ધામાં ભાગ લેતો. બંને ભાઈઓ પોતપોતાની રૂચિના વિષયમાં કરીઅર બનાવાનું કહેતાં.

      સમય જતાં અમિતને માંડ માંડ એક કોલેજમાં ડોનેશનથી એડમિશન મળી ગયું. એને જે લાઈનમાં જવાની ઈચ્છા હતી એ લાઈનમાં એડમીશન મળતાં એણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યુ અને અમિતની ગાડી પૂરપાટ દોડવા લાગી. સુમિત ભણવામાં હોંશિયાર હોવા છતાં બારમું ધોરણ બે ટ્રાયલે માંડ પાસ કર્યુ. એને એકટર બનવું હતું પણ ઘરેથી પરમિશન નહીં મળી. એણે અમદાવાદ હોસ્ટેલમાં રહીને ભણવાનું નક્કી કર્યુ. અમિત પાસ થઈને અમુલભાઈ સાથે દુકાનમાં જોડાઈ ગયો. બંને બાપ દીકરાએ મહેનત કરીને બીજી દુકાન ચાલુ કરી. સુરતમાં રહેતા ઓળખીતાની છોકરી મનસ્વી સાથે અમિતના લગ્ન નક્કી કર્યા. છોકરી કોલેજના છેલ્લા વર્ષ માં હતી એટલે એક વર્ષ પછી લગ્ન કરવા એવું નક્કી થયું. સુમિત પણ કોલજ પૂરી કરીને ઘરે આવ્યો.

      અમુલભાઈ એ કહ્યું કે “ચલો સુમિત, કાલથી દુકાને આવવાનું ચાલુ કર. આપણી નવી દુકાન તારે સંભાળવાની છે. તમે બંને ભાઈઓ દુકાન સંભાળો એટલે હું અને તારી મમ્મી થોડો સમય સાથે વીતાવીએ.”

“નહીં પપ્પા હું દુકાને બેસવા નથી માંગતો. મારે બિઝનેસ કરવો છે.”

“શેનો બિઝનેસ કરવો છે.?”

“ હું કોઈ અજન્સી લેવા માંગુ છું.”

“પણ દીકરા એમાં તો બહુ રૂપિયા જોઈએ અને માથાકુટ પણ બહુ છે. કંપની પણ પોતાનો સામાન વેંચવા માટે બહુ પ્રેશર કરે”

“ પપ્પા હું આ બિઝનેસ પાર્ટનરશીપમાં કરવા માંગુ છું. એટલે આપણું ઈન્વેસ્ટમેન્ટ પણ અડધું થઈ જશે.”

     અમુલભાઈ અને અલ્પાબેને એને બિઝનેસ શરૂ કરવા મદદ કરી. જોતજોતામાં સુમિતનો બિઝનેસ ધમધોકાર ચાલવા લાગ્યો. અને સુમિત માટે બીલીમોરામાં જ રહેતી એક સંબંધીની છોકરી નીકી સાથે લગ્ન નક્કી થયા અને બંને ભાઈઓના લગ્ન ધામધૂમથી થયા.

     ત્રણ વરસ પછી સુમિતને એના ભાગીદાર સાથે હિસાબની બાબતે પ્રોબ્લેમ થયો અને બિઝનેસ બંધ કર્યો. સુમિતે પોતાના નામે નવો બિઝનેસ શરૂ કર્યો. પણ એમાં પણ એને નુકશાન થયું. અલ્પાબેને કહ્યું કે "આપણી દુકાન છે એ તું સંભાળ." 

     પણ સુમિતના સપના જ એટલા મોટા હતા કે એને નાની વસ્તુ પરવડે એમ ન્હોતી. ફરીથી મા બાપે દીકરાને થાળે પાડવા આર્થિક મદદ કરી. હવે એ સામાન મુંબઈથી લાવીને નવસારી અને આજુબાજુમાં હોલસેલમાં વેંચતો હતો. કામઅર્થે મુંબઈ જતો ત્યાં એને એના કોલેજના મિત્રોને મળતો. બે ત્રણમિત્રો નાટકો, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરતા. એની વાતો સાંભળીને સુમિતમાં રહેલો કલાકાર જાગૃત થયો. ધંધામાં બરાબર ધ્યાન નહીં આપવાથી એને ફરીથી ખોટ ગઈ અને એણે નકકી કર્યુ કે હવે હું નાટકો અને સિરિયલમાં કામ કરીશ.

     અમુલભાઈ અને અલ્પાબેને બહુ સમજાવ્યો. નીકીએ પણ એને સમજાવ્યો કે કોઈ નોકરી કરી લો. પણ સુમિત નહીં માન્યો અને નાટકોમાં કામ કરવા લાગ્યો. ધીરેધીરે એનું નામ થવા લાગ્યું. લોકો એને ઓળખવા લાગ્યા. ટીવી સિરિયલોમાં કામ કરવા લાગ્યો. અને સુમિત પોપ્યુલર થતો ગયો. અમિત એનો બિઝનેસ વધારવા લાગ્યો. નવી દુકાન વેંચીને જૂની દુકાન હતી ત્યાં જ બીજી બે દુકાન લઈને એક મોટો સ્ટોર કર્યો. બંને ભાઈઓ મહેનત કરીને રૂપિયા કમાવા લાગ્યા. સુમિત એનું બધુંજ જૂનું દેવું પણ પુરું કરવા લાગ્યો. 

      પણ કુદરતને બીજું જ મંજૂર હતું. સુમિતની જે સિરિયલ ચાલુ હતી એ બંધ થઈ. એના નાટકોના શો દેશ વિદેશમાં થતા હતા એ પણ ઓછા થતા ગયા. એને કામ મળતું આોછું થયું એટલે એની આવક પણ ઓછી થવા લાગી. લોકોનો સુમિત તરફ જોવાનો દ્રષ્ઠિકોણ બદલાવા લાગ્યો. સમાજમાં એને કોઈ પૂછતું નહીં. એને જે માન સન્માન મળતું હતું એ પણ ઓછું થવા લાગ્યું. જયારે અમિત ને બધુંજ મળતું. સમાજમાં લોકો એની ઈજજત કરવા લાગ્યા. લોકો એને પૂછવા આવતા. એની વાહ વાહ કરવા લાગ્યા. ઘરમા પણ સુમિતની એ જ હાલત.

   અલ્પાબેન પણ કાયમ અમિતની જ વાત કરતા. "મારો અમિત તો બહુ જ સારો, બહુ જ મહેનતુ અમિત એટલે અમિત. અમિત છે અટેલે બાકી સુમિતની તો ખીચડી ખાવાની પણ હેસિયત નથી." 

આ સાંભળીને સુમિત અલ્પાબેન સાથે ઝગડો પણ કરતો. એમણે તો કહી દીધું હતું કે "હું મરી જાઉં તો મને અગ્નિદાહ અમિત જ આપશે." સુમિતને બહુ જ ખરાબ લાગ્યું.

   અમિતે મા બાપ પ્રત્યે ધ્યાન આપવાનું ઓછું કર્યું અને એની પત્નિ અને બે બાળકો જ દેખાતા. અમિતે એના દીકરા અને દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. સમાજમાં વાહ વાહ થઈ. અલ્પાબેન અને અમુલભાઈ પણ ખૂબ જ ખુશ થયા.એમણે બોલાવેલા બધાં જ સગાં સંબંધીઓ આવ્યા હતા. સુમિતના દીકરાના લગ્ન એક વર્ષ પછી હતા. સુમિત અને નિકી ધીરે ધીરે બધી તૈયારી કરતા. કોઈ એમને મદદ કરતું નહીં.

  અલ્પાબેન કે અમુલભાઈને કોઈપણ તકલીફ થતી તો એ લોકો સુમિત અને નિકીને જ કહેતા અને બંને પોતાની ફરજ સુપેરે બજાવતા. સુમિત કોઈવાર ગુસ્સે થઈ જતો ત્યારે નિકી એને કહેતી કે   " આપણા માબાપ છે જેમણે આપણા ખરાબ સમયમાં આપણી મદદ કરી છે." અને બધું જ હસતે મોંઢે સહન કરી લેતી. ઘર ચલાવવા માટે નિકી એક કંપનીમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરવા લાગી હતી. અચાનક એકદિવસ અલ્પાબેન માંદા પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. રાત્રે સુમિત હોસ્પિટલમાં રહેતો.અલ્પાબેને કહ્યું;

" સુમિત તારા મોટાભાઈને અને એના કુટુંબને સાચવજે."

"અરે. મમ્મી મારી તો આવક જ બંધ જેવી છે. દેવાના ડુંગર નીચે જીવી રહ્યો છું. અમિત કરોડોમાં કમાઈ રહ્યો છે.."

"ભગવાન તારું પણ સારું કરશે. મને વચન આપ કે પપ્પાની અને ભાઈ સાથે રહેશેે અને બંનેનું ધ્યાન રાખજે અને મારા પછી તારા પપ્પાની સેવા કરજે."

અને અલ્પાબેન હોસ્પિટલથી ક્યારેય પાછા ઘરે આવ્યા જ નહીં. એ દિવસે સુમિત બહુ જ રડ્યો. અને અલ્પાબેનની ઈચ્છા પ્રમાણે અમિતે અગ્નિદાહ આપ્યા.

   બરાબર પાંચ મહિના પછી અમુલભાઈ માંદા પડ્યા. પોતાની ફરજ પૂરી કરી જતાં જતાં " અડધો ખર્ચો તમારે આપવાનો" અમિત અને મનસ્વીના આ શબ્દો સાંભળીને નિકીએ સુમિત તરફ જોયું. સુમિતે તરત જ ફોન કરીને રૂપિયાની વ્યવસ્થા કરી દીધી. નિકીને કહ્યું કે કોઈને કહેવાનું નથી આ વ્યવસ્થા ક્યાંથી થઈ.. સમય આવ્યે બધું જ ઠીક થઈ જશે. અમુલભાઈ ઘરે તો આવી ગયા પણ પથારીવશ હાલતમાં. સુમિત અને નિકીએ નક્કી કર્યું કે અમુલભાઈની દવાનો ખર્ચો આપણે કરીશું. ભાઈ ભાભી પાસેથી એકપણ રૂપિયો નથી માંગવો.

સુમિતના દીકરાના લગ્ન આવ્યા. જે સગાસંબંધીઓ અમિતને ત્યાં આવ્યા હતા એ કોઈ સગા સબંધી સુમિતને ત્યાં નહીં આવ્યા. નિકી ખૂબ જ રડી. સુમિતે એને શાંત કરતા કહ્યું;

" આજ સમય છે કોણ આપણા છે અને પરાયા છે તે ઓળખવાનો. બધાં રૂપિયાના ભગત છે. જ્યારે તારી પાસે આવશે એટલે આ બધાં તારી તરફ દોડી આવશે. એટલે દુ:ખી થવાની કોઈ જરૂર નથી. આપણા દીકરા અને વહુ તરફ ધ્યાન આપ અને પપ્પા તરફની આપણી ફરજ નિભાવીએ."

સુમિત એની મરતી મા ને આપેલું વચન નિભાવવા લાગ્યો. આમ સુમિત બની ગયો એક નર્સ.

સુમિતની બિઝનેસમેનથી શરૂ થયેલી સફર વાયા એકટર થઈને એક મેલ નર્સ તરીકે આજસુધી અવિરતપણે ચાલુ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama